Monday, 25 December 2023

વીર બાલ દિવસ ઊજવણી અહેવાલ - ધોળા કૂવા બાકરોલ આણંદ.

વીર બાલ દિવસ ઊજવણી અહેવાલ

નગર પ્રાથમિક શાળા નંબર. 31, ધોળાકૂવા બાકરોલ આણંદ.




આજરોજ તારીખ 26/12/2023 ને મંગળવાર; અમારી શાળા ,નગર પ્રાથમિક શાળા નંબર 31, ધોળા કૂવા બાકરોલ આણંદમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. આજરોજ ઉજવણીમાં SMC સભ્યો તથા વાલીગણ પણ ઉપસ્થિત હતાં. શાળાના આચાર્યશ્રી ગાયત્રીબેન મહિડાએ SMC સભ્યો તથા વાલીગણ ને આવકાર્યા અને સૌનું અભિવાદન કર્યું હતું. બાળકોને પ્રાર્થના સંમેલનમાં શ્રીદેવાંશીબહેને બાળકોને આજના દિવસની ઉજવણી વિષે વાત કરી. શીખ ગુરુ ગોવિંદસિંહજીના પરિવારની શહાદતને આજે પણ ઈતિહાસની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. નાના સાહેબજાદોની યાદ આવતા જ લોકોની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે અને માથું ઝૂકી જાય છે. દેશમાં પ્રથમ વખત આજે 26મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહની હિંમતને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ વાતથી શાળામાં બાળકોને વાકેફ કર્યા. ત્યારબાદ બાળકોને કોમ્પ્યુટરમાં તેમની જીવન કહાની બતાવવામાં આવી. ચિત્રો અને વિડિઓ બતાવ્યા.ત્યારબાદ બાળકોને ચિત્રો દોરવા આપ્યા. બાળકોએ સુંદર મજાના ચિત્રો દોરી રંગો પૂર્યા.શાળામાં આ ઉપરાંત વીર બાલ દિવસ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 




શીખ ધર્મના 10 મા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહેબ જાદા જોરાવરસિંહ અને સાહેબ જાદા ફતેસિંગની સહાદતની યાદમાં શાળામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને ગુરુ ગોવિંદસિંહજી વિશે સમજ આપી અને તેમના બંને પુત્રોએ આપેલ બલિદાનની વીર ગાથા ની બાળકોને વાત કરવામાં આવી. ઉપરાંત બાળકોને શૌર્યને વીરતાની વાતો પણ કરવામાં આવી. જેને કારણે બાળકોની અંદર શૌર્ય અને વીરતાના ગુણો વિકસે તેમજ બાળકોને દેશદાજ અને દેશભાવના વિકસે તેવી વાતો કરવામાં આવી અને બાળકોને પોતાના ઘર શેરી ગામ અને સમાજ માટે, તથા સમાજના વિકાસ માટે સારા કાર્યો કરવા માટેની પ્રેરણા આપવામાં આવી. અને અંતે સૌ રાષ્ટ્રને સમર્પિત થઈ અને કામ કરવા માટે પ્રતિબધ્ધતા કેળવી સૌ છુટા પડ્યા .




Saturday, 2 December 2023

બાળવિકાસમાં બાધક એવાં રમકડાં.


બાળ વિકાસમાં બાધક એવાં રમકડાંઓ કયા?

નમસ્કાર, વાચક મિત્રો. છેલ્લાં બે અઠવાડિયાથી બાળકની સ્વપ્ન સૃષ્ટિ એવાં રમકડાં વિષે મારી વાત જણાવી. આ વખતે હું “કેવા પ્રકારના રમકડાં બાળકો માટે ન ખરીદાય અથવા તો બાળકોથી દૂર રખાય? “ આ બાબતની વાત કરવા માંગુ છું. ઘણી વખત એવું બને છે કે, બાળકોને નહી પણ માતા પિતાને ગમે તેવાં રમકડાં ખરીદાય છે. બાળકને ગમે, બાળકનો વિકાસ થાય તેવાં રમકડાં ખરીદવાં જોઈએ.
બાળકો માટે રમકડાં ખરીદતી વખતે કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઈએ. બાળકો માટે રમકડાં ખરીદો તેઓ જરૂરી નથી કે એ મોંધુ હોય, પરંતુ સૌથી વધુ જરૂરી એ છે કે એ રમકડું બાળકની જરૂરિયાતને પુરી કરે છે કે નહી. બાળકોના રમકડાંઓનો તાલમેલ બાળકની વય સાથે હોય છે, જેમ કે નવજાત શિશુ થી એક વર્ષના બાળકને ખાસ પ્રકારના રમકડાંની જરૂર પડે છે. તો ચાલો જાણીએ બાળકોને કેવાં રમકડાંથી દૂર રાખીએ.


શું મોબાઈલ એ બાળકનું રમકડું છે? 

    આજકાલ બાળકોનુ મનપસંદ રમકડું એટલે મોબાઈલ. માતાપિતા આ રમકડું પોતાનાં બાળકોને આપીને નિશ્ચિંત થઈ જાય છે. પરંતું આ રમકડું બાળકોના વિકાસમાં કેટલું ઘાતક બન્યુ છે અથવા બનશે તે માતાપિતાને પાછળથી સમજાશે. મોબાઈલના રમકડાંથી તો બાળકોને શક્ય એટલાં દૂર જ રાખવાં અથવા બાળકો મોબાઇલમાં શું જુવે છે ? કઈ ગેઇમ રમે છે તે ખાસ જુવો. બાળકનો મોબાઈલ માટે એક ચોક્કસ સમય નક્કી કરો.


વિડિયો / કોમ્પ્યુટર ગેમ્સ: 

 આજે બાળક વર્ષનું થાય ત્યાંથી બાળક મોબાઇલમાં ચિત્રો એકીટશે જોવે છે. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ વીડિયો અને કોમ્પુટર કે લેપટોપમાં ગેમ્સ રમવા લાગે છે. બાળકને એક ન છૂટે તેવું વ્યસન લાગી જાય છે. એક વખત વ્યસન થઈ જાય પછી વીડિયો જોયા વિના કે તેના પર ગેમ રમ્યા વિના ન તો ખોરાક ગળામાં ઉતરે છે કે ન તો ઊંઘ આવે છે. આ વ્યસન પણ બાળકનું તન અને મનનું સ્વાસ્થ્ય બગાડે છે. કોમ્પ્યુટર ગેમ્સ કે વીડિયો ગેમ્સના કારણે બાળકો વધુ પડતી સ્પર્ધાત્મક બનવા લાગે છે અને હાઈપર પણ થઈ જાય છે. આ બાળકોને તેમની હાર સ્વીકારવી ખૂબ જ મુશ્કેલ લાગે છે અને જ્યારે તેઓ હારી જાય છે ત્યારે ઘણી નિરાશા અનુભવે છે. આટલું જ નહીં, આ રમતોના કારણે કેટલાંક બાળકો વધુને વધુ સમય કાલ્પનિક દુનિયામાં વિતાવવા લાગે છે. જ્યારે બાળક વીડિયો ગેમ્સમાં કાર રેસ કરે છે અને એટલી જ ઝડપે વાસ્તવિક દુનિયામાં પણ કરવા પ્રયત્ન કરે છે. શું હાલત થાય?


 આધુનિક ઢીંગલી - બાર્બી ડોલ:

   આપણે પહેલાં નકામા અને જૂના કપડાં માંથી ઢીંગલીઓ બનાવતાં હતાં. રંગીન પેનથી તેનો ચહેરો બનાવતાં હતાં. આ ઢીંગલી એટલે એક સહેલી. કેટલી સુંદર!!! પહેલાંના સમયમાં જે સાદી ઢીંગલી મળતી હતી તે જ ઢીંગલી કહેવાય. અત્યારે આપણે જે બાર્બી ડોલ લાવીએ છીએ તેને ઢીંગલી કહી શકાય? બાર્બી ડોલ એક પુખ્ત વયની યુવતીને નાના સ્વરૂપે બનાવી છે. તમે જે પ્રકારની ઢીંગલી ખરીદી રહ્યા છો તેના પર વિશેષ ધ્યાન આપો. બાર્બી વિશ્વભરના બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ આ સુંદર દેખાતી બાર્બી ડોલ તમારા બાળકના કોમળ મન પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. બાર્બી એ એક યુવાન પુખ્ત છોકરીનું રમકડું મૂર્ત સ્વરૂપ છે જે પાતળું ફિગર, તીક્ષ્ણ લક્ષણો, સુંદર લાંબા વાળ ધરાવે છે અને હંમેશાં સારામાં સારાં કપડાં પહેરે છે. બાર્બી ડોલ સાથે રમવાથી બાળકોમા વિકૃતિ આવે છે.


શસ્ત્રો શત્રુ સમા :

   તલવાર, ગદા, ગોફણ, ધનુષ્ય , તીર કે બંદુક જેવાં રમકડાં બાળક બીજા ઉપર ઉગામે જ! એ સિવાય બીજો શો ઉપયોગ? આવાં રમકડાં બાળકોને હિંસક બનાવે છે. આવાં રમકડાં સતત બીજા પર હુમલો કરવાં જ પ્રેરે છે.બાળકો માટે બંદૂક, તલવાર અને ધનુષ અને તીર જેવા હિંસક રમકડાં બિલકુલ યોગ્ય નથી. બાળકો નિર્દોષ હોય છે, તેઓ જે જુએ છે તેનાથી શીખે છે. આવી સ્થિતિમાં તેમને હિંસક વૃત્તિને પ્રોત્સાહન આપતાં બંદૂક કે અન્ય રમકડાં આપવાથી તેઓ હિંસા તરફ ધકેલે છે. રમકડાં સાથે રમતાં રમતાં ક્યારે તેનો દુરુપયોગ થઈ જાય છે તે બાળકને પણ ખબર નથી પડતી.

 
 કિચન સેટ / ડોકટર સેટ :

કિચન સેટ કે ડોક્ટર સેટ નાં રમકડાં જ્યારે બાળક રમે છે ત્યારે બાળકને એ ખબર નથી હોતી કે આ રમકડાં છે. અસલિયતમાં બાળકો કોઈ કેમિકલ સાથે કે અગ્નિ સાથે ઉપયોગ કરે છે ત્યારે ખૂબ જોખમી બને છે. બાળકને ડોક્ટર સેટ સાથે રમતાં માતા પિતા પણ ગૌરવ અનુભવે છે. માતાપિતાનું સ્વપ્ન પણ બાળકોને ડોક્ટર બનાવવાનું હોય છે. અને કદાચ આ જ કારણ છે કે મોટાભાગના બાળકો નાની ઉંમરથી જ આ પ્રશ્નનો જવાબ આપે છે કે તેઓ મોટા થઈને શું બનવા માંગે છે? બાળકોના રમવા માટે ડોક્ટર સેટ ખરીદતી વખતે પેરેન્ટ્સને લાગે છે કે તેઓ બાળકને ડોક્ટર બનવા માટે પ્રોત્સાહિત કરશે પણ તેઓ આ રીતે બાળપણથી જ બાળક પર ડોક્ટર બનવાનું આડકતરું દબાણ કરવાનું શરૂ કરી દે છે.

Tuesday, 28 November 2023

પરમાત્માની પાઠશાળા 🏞️ - પ્રકૃતિની પાઠશાળા - એક અનોખી શાળા. 🥀🌳🏫 બાંઠીવાડા પ્રા. શાળા, મેઘરજ, અરવલ્લી.



શું કહી શકાય ?

પરમાત્માની પાઠશાળા!
દેવાલય!
શિવાલય!
ગુરુકુળ!
તપોભૂમિ!
શાળા!
નિશાળ!
સરસ્વતી માતાનું મંદિર!
ગામનું ઘરેણું!
બાળ સંસ્કાર કેન્દ્ર!
મનગમતી નિશાળ!

    એક અનોખી શાળા. હા, કયું નામ બંધ બેસે? કદાચ ઉપર જણાવેલ બધાં જ. પણ શરૂઆત શા માટે પરમાત્માની પાઠશાળાથી કરી ? આ તપોભૂમિ વિષે આગળ વધુ , એ પહેલાં શાળાનું નામ જણાવી દઉં. શાળાનું નામ છે - બાંઠીવાડા પ્રા. શાળા, મેઘરજ, અરવલ્લી. તો હા, પરમેશ્વરની પાઠશાળા !! શા માટે શરૂઆત ત્યાંથી કરી ? પરમેશ્વરની પાઠશાળા કઈ? મા પ્રકૃતિ. મા પ્રકૃતિની ગોદમાં રહીને આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. પ્રકૃતિ તમામ આપણને કંઈકને કંઈક શીખવે છે.પરમાત્માની એક અદભૂત પાઠશાળા છે જે દ્વારા પ્રત્યેક ક્ષણ પરમાત્મા આપણને જીવન જીવવાની કળા કે જીવનના યથાર્થ પદાર્થપાઠ શીખવે છે. 


      અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય એક વાર જોયા પછી નજર આગળથી ખસે નહીં તેવુ. મા પ્રકૃતિની કૃપા તો ખરી જ સાથે સાથે મા નર્મદાના નીર શાળાનાં બાળકોને પોષે છે. સુંદર મજાના ખીલેલાં બાગ, પુષ્પો, વનરાઈ અને વૃક્ષોનાં સાનિધ્યમાં જ્યારે શાળાનાં જીવંત ફૂલડાં સમાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે જે જ્ઞાન ચિરંજીવી જ રહે! અહીં ગુરુજનો પણ ખૂબ મહેનતુ, ઉત્સાહી, ખંતીલા અને બાળ માનસના જ્ઞાતા હોઈ બાળકોના સર્વાંગી વિકાસમાં કંઈ ન ઘટે!!! 


   દેવ દિવાળીની રાત્રીએ શાળાનાં પટાંગણમાં પ્રવેશતાં જ આ ઊર્જાન્વિત ભૂમિનું આકર્ષણ જણાયુ. આખી શાળા અંધારામાં જોઈ પણ દિવસે જોવાની લાલચ રોકી શકાઈ નહીં. અને ભાઈ - ભાભી ( શ્રી યોગેશ પંડ્યા - શ્રી ભાવના પંડ્યા ) એ કે જેઓના માટે આ શાળા પ્રાણ સમાન છે. આ શિક્ષક દંપતિ - ગુરુ યુગલ શાળાનાં અને શાળાનાં વિકાસ માટે અથાક મહેનત કરી રહ્યા છે. શાળાનાં ઉત્સાહી આચાર્ય શ્રીસચીનભાઈનો સતત સહકાર અને માર્ગદર્શન થકી શાળા એક આદર્શ ગુરુકુળથી કમ નથી. શાળાનાં તમામ શિક્ષકો અને બાળકોના પરિશ્રમથી શાળા નંદનવન બની છે. 


   બીજા દિવસે ભાઈશ્રી યોગેશ પંડ્યા, અમને લઈને ફરીથી શાળાએ આવ્યા. ચારેય બાજુથી શાળાનાં દર્શન કરતાં આત્માએ અનેરો આનંદ અનુભવ્યો. હ્રુદય કૃત કૃત્ય થયું. આ પવિત્ર ભૂમિમાં કામ કરનારા તમામ ગુરુજનોને મનોમન વંદન કર્યા. શાળાનાં વર્ગખંડની મુલાકાત લીધી. ખૂબ જ સંતોષ અને આનંદ થયો. 


    2002-2003 માં આ શાળામાં માનનીય , યશસ્વી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે પધાર્યા હતાં કે જેઓ હાલનાં પ્રધાનમંત્રી છે, તેમણે શાળામાં સીસમના વૃક્ષનું વૃક્ષારોપણ કરેલું. આ સીસમ વૃક્ષ ખૂબ ફૂલ્યું ફાલ્યું છે. ખૂબ આનંદ થયો શ્રી મોદી સાહેબે વાવેલાં, આ સીસમના વૃક્ષનાં દર્શન કરીને. 


   એવું કહેવાય છે કે, એક બીલીપત્ર વૃક્ષ જ્યાં હોય તે સ્થળ શિવાલય કહેવાય. અહીં શાળામાં એક નહીં પરંતુ અગિયાર અગિયાર બીલીના વૃક્ષો છે. સાક્ષાત શિવની આણ અહીં વર્તાઈ. અને માટે જ શિવાલય - દેવાલય પણ કહી શકાય. 




       અંતે, હું ખાસ જે કામ માટે આવી હતી તે, પ્રાણાયામ અને ધ્યાન!!! મનમોહક સવારનું વાતાવરણ. પ્રાણાયામ દ્વારા,,,,, “ ભરી ભરીને સવાર પીધી”. સૂર્યના કૂણાં તડકામાં બેસીને સોના જેવી સવારમાં થોડીવાર ધ્યાન કર્યુ. ધ્યાન માટે સંપૂર્ણ અનુકૂળ વાતાવરણ હતું. ઊર્જાન્વિત પર્યાવરણ, હકારાત્મક વાઈબ્રેશન ઠંડી ઠંડી હવા સાથે દોડીને આવે અને મનને ઠંડક અને પ્રેરણા આપી જાય. પંખીઓનો મીઠો કલરવ જાણે કંઇક કહેવા મથતો લાગ્યો. ફૂલોની મહેકે સમગ્ર વાતાવરણને મઘમઘતી કરી દીધેલું. ખુલ્લાં ઘાસનાં મેદાનોમાં ઝાકળનાં મોતી સૂર્યનાં કિરણો પડવાથી ટમટમી રહ્યાં હતાં. પ્રકૃતિ તમામનું અફાટ સૌંદર્ય પથરાયેલું હતું. આવા મનપસંદ વાતાવરણમાં બેસીને મનપસંદ કામ કરવાનો મોકો મળ્યો,  તે માટે પ્રકૃતિને ધન્યવાદ કરી અંતે મંગલ મૈત્રીની પ્રાર્થના દ્રારા ફૂલો, વૃક્ષો, ઘાસ અને તમામ પ્રકૃતિને મૈત્રીનાં તરંગોથી તરબોળ કર્યા. 
 સાથે સાથે શાળાનાં બાળકોને તથા સ્ટાફને ખૂબ મંગલકામનાઓ સાથે કાર્ય કરવાની શક્તિ આપે. સૌનું મંગલ થાય, તેવી પ્રાર્થના કરી.



અસ્તુ
જય હિંદ - જય ભારત,
જય શિક્ષક - જય બાળક,
જય શાળા - જય મા પ્રકૃતિ.

સબકા મંગલ હો....🙏🌺🙏

જાગૃતિ પંડ્યા ' શિવોહમ્ ' ,
આણંદ.








      



Sunday, 12 November 2023

પરમ તત્વને પામવાનો પ્રયાસ અખંડ રાખો.


પરમ તત્વને પામવાનો પ્રયાસ અખંડ રાખો.
 
 ઈશ્વરને પામવા પ્રાર્થના, પૂજા - અર્ચના, ઘ્યાન હોંશે હોંશે શરુ કરી દઈએ છીએ.ક્યાં સુઘી આપણો પ્રયાસ ચાલુ રહે છે? આપણે જાણીએ છીએ. કોઈ વિરલા જ અંત સુધી સમર્પિત થઈ જાય છે. માટે જ કહ્યું છે કે, " હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને." એક વાત મારા વાંચવામાં આવી હતી તે જોઈએ.
એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો છો? એમ કદાપિ ન થઈ શકે. તમારે કઠિન સાધના કરવી પડશે. યાદ રાખો કે સાધના અને સિદ્ધિ વચ્ચે ત્રિરાશિના નિયમનો સંબંધ નથી. આપણા હૃદયની બધી જ શક્તિ ઈશ્વર તરફ અભિપ્રેરિત થવી જોઈએ. આપણે તેમના માટે સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર રહેવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવનું એક ઉદાહરણ લઈએ. સમુદ્ર વચ્ચે ચાલતાં એક વહાણના કૂવાથંભ પર બેઠેલું પક્ષી કિનારે પહોંચવા માટે વારંવાર અલગ અલગ દિશાઓમાં ઊડતું રહે છે, પરંતુ અંતે એ થાકીને આરામ કરવા માટે છેવટે કૂવાથંભ પર જ પાછું ફરે છે. અને જ્યારે વહાણ બંદર પર પહોંચે છે ત્યારે તે અનાયાસ જ કિનારે પહોંચી જાય છે. તે પક્ષીની જેમ આપણે પણ યથાશક્તિ પ્રયત્નો કરી એ અનુભવ કરી લેવો જોઈએ કે તમામ પ્રયત્નો કરવા છતાં પણ આપણે નિષ્ફળ રહ્યા છીએ. એટલે સમજો કે, સાધના પાંખોને થકાવવા માટે આવશ્યક છે અને તેનાથી આપણો અહં સંપૂર્ણપણે નષ્ટ થઈ જવો જોઈએ. સંતાકૂકડીની રમત રમાડીને ઈશ્વર આપણા અહંકારનો નાશ કરે છે. સામાન્ય રીતે આપણે આપણા અધિકાર અને સામર્થ્યની વાત વિચારતા હોઈએ છીએ, આપણે વિચારીએ છીએ કે આપણે કંઈક કરવું જોઈએ, આપણે કહીએ છીએ કે આપણે આ કરી શકીએ છીએ, પેલું કરી શકીએ છીએ તથા ઈશ્વરને પોતાના પ્રયત્નોથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તેનું કારણ એ છે કે આપણે સંસારમાં પોતાના અનુભવ અને અહંભાવથી ઘણી વસ્તુઓ પ્રાપ્ત કરી લઈએ છીએ, એટલા માટે ઈશ્વરને પણ એ જ રીતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આપણે એ સમજી લેવું જોઈએ કે આ બધા પ્રયત્નો આપણા મનને શુદ્ધ કરે છે અને તેને ઈશ્વરાભિમુખ બનાવી રાખવામાં મદદ કરે છે. એટલા માટે એ જરૂરી છે. જો તમે પોતાને સાધનામાં પ્રવૃત્ત ન કરો તો તમે પૂર્ણ શરણાગતિ પ્રાપ્ત નહીં કરી શકો. આ શરણાગતિ તો ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસથી જ આવે છે. જ્યારે મનુષ્ય પોતાના પ્રયાસોની છેવટની સીમાને પણ નિરર્થક સમજી લે છે, ત્યારે તે સમર્પણ કરે છે. આ જ વાસ્તવિક સ્વભાવ છે અને તે સાધનાના અંતે ખંતથી પ્રાપ્ત થાય છે.

મા પોતાના બાળકને રમકડાં આપી દે છે અને જ્યાં સુધી તે બાળક રમતું રહે છે ત્યાં સુધી પોતાનું કામકાજ કરતી રહે છે. જ્યાં સુધી તે રમતું રહે છે કે થોડું રડે છે, ત્યાં સુધી તે બાળક તરફ ધ્યાન નથી આપતી, પરંતુ જે ક્ષણે કોઈ જોખમ આવવાથી તે બાળક જોરથી રડવા લાગે છે ત્યારે મા એકદમ દોડીને તેની પાસે આવી જાય છે. તે જાણતી હોય છે કે બાળકનું રડવાનું બનાવટી છે કે સાચું છે. તે એ જાણતી હોય છે કે પોતે ત્યાં જવું જોઈએ કે નહીં. એ જ પ્રમાણે, જ્યારે ઈશ્વર માટે આપણું રુદન હૃદયમાંથી નીકળતું હોય ત્યારે તેઓ સાંભળે છે. આનો અર્થ એ છે કે આપણી સમગ્ર શક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે લગાવી દેવી જોઈએ. જેમ પરીક્ષામાં પાસ થવા માટે તમે તમારી બધી જ શક્તિ લગાવી દો છો, તેમ ઈશ્વરપ્રાપ્તિ માટે પણ સમગ્ર શક્તિ લગાવી દેવી જોઈએ.

મહર્ષિ પતંજલિ યોગસૂત્રોમાં ધ્યાનનાં ત્રણ લક્ષણોની ચર્ચા કરે છે: 

' દીર્ઘકાલ - નિરંતર - સત્કારાસેવિત: ' દીર્ઘકાલ નો અર્થ છે: લાંબા સમય સુધી. નિરંતરનો અર્થ છે : બધો વખત, સતત. અર્થ એ છે કે નિયત સમયે અભ્યાસ કરવાની સાથે સાથે મનને નિરંતર ઈશ્વરમાં જોડી રાખવું જોઈએ. કોઈ નક્કી કરેલા સમયે જ ઈશ્વરનું નિયમિત ધ્યાન કરવા માત્રથી તે શક્ય નહીં બને, પરંતુ મનના એક ભાગને હંમેશાં ઈશ્વરમાં સ્થિત કરવું પડશે. ત્રીજું લક્ષણ છે: સત્કાર. સત્કાર એટલે કે તત્પરતા. કંઈ પણ દેખાડો ન હોવો જોઈએ; જે કંઈ કરો, તે તેમના પ્રતિ પૂર્ણશ્રધ્ધાથી કરવું જોઈએ. સફળતા માટે દીર્ઘ, નિરંતર અને નિષ્કપટ અભ્યાસ આવશ્યક છે.

જ્યારે મનુષ્યના પ્રયાસોની છેવટની સીમાને પણ નિરર્થક સમજી લે છે ત્યારે તે સમર્પિત થઈ જાય છે.

જાગૃતિ પંડ્યા, આણંદ.

Friday, 13 October 2023

સંન્યાસમાં પૂર્ણતા અને શરણાગતિ દ્વારા યોગ.


સંન્યાસમાં પૂર્ણતા અને શરણાગતિ દ્વારા યોગ


ભગવદ્દ ગીતાનો અંતિમ અધ્યાય સૌથી દીર્ઘતમ છે અને તેમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. અર્જુન ત્યાગના વિષયનો પ્રારંભ સંન્યાસ (ક્રિયાઓનો ત્યાગ) તથા ત્યાગ (ઈચ્છાઓનો ત્યાગ), સંસ્કૃતના આ સામાન્યત: ઉપયોગમાં લેવાતા બે શબ્દો અંગેના પ્રશ્ન દ્વારા કરે છે. આ બંને શબ્દો “પરિત્યાગ કરવો” એ અર્થ ધરાવતા મૂળ શબ્દો પરથી આવ્યા છે. સંન્યાસી એ છે કે જે પારિવારિક જીવનમાં ભાગ લેતો નથી તથા સાધના (આધ્યાત્મિક અનુશાસન) ના અર્થે સમાજમાંથી વિરક્ત થઇ જાય છે. ત્યાગી એ છે કે જે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત તો રહે છે પરંતુ તે કર્મોના ફળનો આનંદ માણવા અંગેની સ્વાર્થી કામનાઓને ત્યાગી દે છે (ગીતાના શબ્દનો આ સૂચિતાર્થ છે). શ્રીકૃષ્ણ બીજા પ્રકારના ત્યાગ અંગે ભલામણ કરે છે. તેઓ શિખામણ આપે છે કે બલિદાન, દાન, તપસ્યા તથા અન્ય ઉત્તરદાયિત્વના કર્મોનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં, કારણ કે તેઓ જ્ઞાનીને પણ શુદ્ધ કરે છે. બલ્કે, કેવળ ઉત્તરદાયિત્ત્વની દૃષ્ટિએ તેનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મોના ફળો પ્રત્યેની આસક્તિ રહિત થઈને તે કરવા આવશ્યક છે.

શ્રીકૃષ્ણ કર્મોને પ્રેરિત કરતા ત્રણ પરિબળો, કર્મોના ત્રણ ઘટકો તથા કર્મોના ફળોમાં યોગદાન આપતા પાંચ પરિબળોનું વિસ્તૃત વિશ્લેષણ કરે છે. તેઓ આ પ્રત્યેકનું ત્રણ ગુણોના સંદર્ભમાં વર્ણન કરે છે. તેઓ પ્રસ્થાપિત કરે છે કે જેઓ અપર્યાપ્ત જ્ઞાન ધરાવે છે, તેઓ પોતાને કેવળ તેમના કર્મોના એકમાત્ર કારણ તરીકે જોવે છે. પરંતુ પ્રબુદ્ધ જીવાત્માઓ, વિશુદ્ધ બુદ્ધિ સાથે, પોતાને ન તો તેમના કર્મોના કર્તા માને છે કે ન તો કર્મોના ભોક્તા માને છે. તેઓ જે કંઈ કરે છે, તેના ફળોથી સદૈવ અનાસક્ત રહીને તેઓ કાર્મિક પ્રતિભાવોથી બંધાતા નથી. પશ્ચાત્ આ અધ્યાય સ્પષ્ટ કરે છે કે શા માટે લોકો તેમના ઉદ્દેશ્ય અને પ્રવૃત્તિઓમાં ભિન્નતા ધરાવે છે. માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર, તે જ્ઞાનનાં પ્રકારો, કર્મોનાં પ્રકારો તથા કર્તાઓની શ્રેણીઓનું વર્ણન કરે છે. પશ્ચાત્ તે બુદ્ધિ, સંકલ્પ અને આનંદ માટે સમાન વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. તત્પશ્ચાત્ આ અધ્યાય એવા લોકોનું ચિત્રણ કરે છે કે જેમણે આધ્યાત્મિક જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી છે તથા બ્રહ્મ-સાક્ષાત્કારમાં સ્થિત રહે છે. તેઓ ઉમેરે છે કે આવા પૂર્ણ યોગીઓ પણ તેમની અનુભૂતિમાં પૂર્ણતાનો અનુભવ ભક્તિમાં લીન થઈને કરે છે. આ પ્રમાણે, પરમ દિવ્ય પરમાત્માનું રહસ્ય કેવળ પ્રેમા-ભક્તિ દ્વારા જાણી શકાય છે.


શ્રીકૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે કે ભગવાન સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે અને તેમના કર્મો અનુસાર તેમના ભ્રમણનું નિર્દેશન કરે છે. જો આપણે તેમનું સ્મરણ કરીને આપણા સર્વ કર્મો તેમને સમર્પિત કરી દઈએ, તેમનું શરણ ગ્રહણ કરીને તેમને આપણા પરમ ધ્યેય બનાવીએ તો તેમની કૃપા દ્વારા આપણે સર્વ વિઘ્નો તથા મુશ્કેલીઓને પાર કરી જઈશું. પરંતુ, જો અહંકારથી પ્રેરાઈને, આપણે આપણા તરંગો પ્રમાણે કર્મ કરીશું, તો આપણને સફળતા પ્રાપ્ત થશે નહીં. અંતત: શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે સર્વ પ્રકારની ધાર્મિકતાનો ત્યાગ કરવો અને કેવળ ભગવાનને શરણાગત થવું એ અતિ ગોપનીય જ્ઞાન છે. પરંતુ, આ જ્ઞાન જે લોકો સંયમી કે સમર્પિત નથી, તેઓને પ્રદાન કરવું જોઈએ નહીં કારણ કે તેઓ તેનું ખોટું અર્થઘટન કરે છે અને બેજવાબદારીપૂર્વક કર્મોનો ત્યાગ કરવા માટે તેનો ગેરઉપયોગ કરે છે. પરંતુ જો આપણે આ ગોપનીય જ્ઞાનને સુપાત્ર જીવાત્માઓ સમક્ષ પ્રસ્તુત કરીશું, તો તે પ્રેમનું મહાનતમ કર્મ છે અને તે ભગવાનને અતિ પ્રસન્ન-કારક છે.

અર્જુન શ્રીકૃષ્ણને જણાવે છે કે તેનો ભ્રમ દૂર થયો છે તથા તે આદેશ અનુસાર કર્મ કરવા માટે તૈયાર છે. અંતમાં, સંજય કે જે આ સંવાદનું વર્ણન અંધ રાજા ધૃતરાષ્ટ્ર પાસે કરી રહ્યા છે, તેઓ નોંધપૂર્વક જણાવે છે કે આ દિવ્ય સંવાદનું શ્રવણ કરીને તેઓ કેટલા વિસ્મિત અને આશ્ચર્યચક્તિ છે. જયારે તેઓ આ પવિત્ર સંવાદ અને ભગવાનના પ્રચંડ વૈશ્વિક રૂપને યાદ કરે છે ત્યારે પરમાનંદના ભાવાવેશમાં તેમના રૂંવાડાં ઉભા થઇ જાય છે. તેઓ એક પ્રગાઢ ઘોષણા સાથે ઉપસંહાર કરે છે કે વિજયશ્રી તેમજ શુભતા, સર્વોપરિતા અને ઐશ્વર્ય સદૈવ ભગવાન તથા તેમના વિશુદ્ધ ભક્તના પક્ષે જ રહેશે કારણ કે સદૈવ પૂર્ણ સત્યના પ્રકાશ દ્વારા અસત્યના અંધકારનો નાશ થશે.

Wednesday, 11 October 2023

🎉 Happy birthday 🎂🎈 ગાયત્રીબેન. 🌺 મંગલ હો, કલ્યાણ હો, ધન્ય હો!!!!




પ્રિય ગાયત્રીબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


ईश्वर: त्वां च सदा रक्षदु।

पुण्यकर्मणा कीर्तिमार्जय।

जीवनम्‌ तव भवतु सार्थकं।

इति सर्वदा मुदम्‌ प्रार्थयामहे।

जन्मदिनशुभेच्छा:।।


अर्थात: ईश्वर सदैव आपकी रक्षा करे समाजोपयोगी कार्यों से यश प्राप्त करे आपका जीवन सबके लिए कल्याणकारी हो हम सभी आपके लिए यही प्रार्थना करते हैं आपके जन्मदिवस की ढेर सारी शुभकामनाएँ।



     શ્રીગાયત્રીબેન મહિડા,

               

           સંસ્કાર, સેવા અને શિક્ષણનો ત્રિવેણી સંગમ જેમનાં વ્યક્તિત્વમાં છલકાય છે. સાથે સાથે સૌની વ્યક્તિગત કાળજી સાથેનું અનોખું નેતૃત્વ તો ખરું જ. શાળાની, શાળાના બાળકોની અને શિક્ષકો માટે સતત ચિંતિત. પ્રિપ્લાનિંગ અને બેસ્ટ પ્લાનિંગ દ્રારા તમામ કામ ઉત્તમ રીતે પાર પાડનાર. જે રીતે શાળામાં બાળકોના હ્રુદય સુઘી પહોંચવાના કાર્યોમાં પ્રવૃત્ત એજ રીતે ઇશ્વરના હ્રુદય સુઘી પહોંચવા માટે પણ સતત પ્રવૃત્ત. કામ નાનું હોય કે મોટું ખૂબ કાળજી પૂર્વક અને ગંભીરતાથી કરનાર. એક આદર્શ નેતૃત્વ સંભાળનાર કે જે તે વ્યક્તિને પોતપોતાની રસ રુચિ મુજબ અને સરખો કાર્યભાર રહે તે રીતે કામનું સુચારુ સંચાલન કરનાર.


   પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ શક્તિ અને ભક્તિનું ભાથું આપે. યશસ્વી અને કલ્યાણકારી કાર્યો કરાવે. સેવા કાર્યોના નિમિત્ત બનાવી પુણ્ય પ્રબળ બનાવે. તમામ પ્રકારનાં સુખો પ્રાપ્ત થાઓ. બઘી જ મનોકામનાઓ પરિપૂર્ણ થાઓ. દીર્ઘઆયુષ્ય અને આરોગ્ય બળવાન બનાવે.


ખૂબ મંગલ થાઓ.

ખૂબ કલ્યાણ થાઓ.


Tuesday, 19 September 2023

ગણેશ ચતુર્થી





ગણેશ ચતુર્થી

શ્રી ગણેશ ભગવાનનો તહેવાર


 ભગવાન શ્રી ગણેશનું મુખ આપણને ‘‘ઉચ્‍ચ વિચાર’’ અને ‘‘લાભ’’ ની પ્રરેણા આપે છે.
 ભગવાન શ્રી ગણેશના મોટા કાન નવી વાતો જાણતા રહેવાની પ્રેરણા આપે છે.
 ભગવાન શ્રી ગણેશની નાની આંખો પોતાના લક્ષ્‍યને વળગી રહેવાની પ્રરેણા આપે છે.
 ભગવાન શ્રી ગણેશનું લાંબુ નાક નવું નવું શીખવાની પ્રેરણા આપે છે.
 ભગવાન શ્રી ગણેશનું નાનું મુખ ઓછી બોલી, વધારે સાંભળવાની પ્રેરણા આપે છે.

ગણેશને ગણપતિ પણ કહેવામાં આવે છે જે ચાતુર્ય, વિવેકબુદ્ધિ, આત્‍મોદ્ધારના ભગવાન છે. ‘ગ’ નો અર્થ ‘‘જાણકાર’’, ‘ન’ નો અર્થ ‘‘અંત્‍યોદ્ધાર’’ અને ‘ઇશ’ અને ‘પતિ’ નો અર્થ ભગવાન થાય છે. ગણેશનો અર્થ ‘‘ગણના દેવતા’’ પણ થાય છે. ગણેશ ભગવાન શીવના પુત્ર છે. દક્ષિણ ભારતમાં ગણેશને પિલ્‍લાઇવર તરીકે પૂજવામાં આવે છે. ગણેશ કોકંબા, દુંદાળા અને હાથીના મુખવાળા દેવ છે. જેમના ચાર હાથ, હાથદંત તથા સુવર્ણ સમાન વાતો છે. પુરાણોમાં હાથી સત્‍ય, ધીરજ અને ચાતુર્યનું પ્રતીક છે. તેમના હાથમાં લાડુ, શંખ, કમળ, ગદા હોય છે ગણેશની સવારી ઉંદર છે. જે નાના સાથે મોટાના ભળવાનું પ્રતીક છે. તે સૌથી વધુ પૂજાતા દેવ છે. દરેક ધાર્મિક કાર્ય, ઉત્‍સવ, યજ્ઞ, પર્વમાં સૌથી પહેલા તેમની પૂજા થાય છે. તેમની તસવીર દરેક શુભેચ્‍છા પત્રમાં જોવા મળે છે. ૐ ગણેશાય નમઃ દરેક શુભેચ્‍છા પત્રની શરૂઆતમાં લખાય છે. તેનો અર્થ ગણેશ હું પ્રાર્થના કરું છું થાય છે. ઘણા લોકો, વિદ્યાર્થીઓ, દુકાન માલિકો, ફિલ્‍મકારો કે પરમાણું વૈજ્ઞાનિકો તેમના કામની શરૂઆત ગણેશની પૂજા કરીને કરે છે. ગણેશના જન્‍મની જુદી જુદી માન્‍યતાઓ છે.

ઇ.સ. ૫૦૦ પહેલાના સાહિત્‍યમાં તેમનો ઉલ્‍લેખ ઝાઝો જોવા મળતો હતો. પરંતુ મધ્‍યકાલીન ૧૫ મી સદીમાં તેમનો ઉલ્‍લેખ જોવા મળે છે. પદ્મ પુરાણના અનુસાર ગણેશ શીવ અને પાર્વતીના નાના પુત્ર છે. શીવ પુરાણ અનુસાર ‘મા’ પાર્વતીના શરીરના મેલમાંથી થયો હતો. જ્યારે ભગવાન શીવ ન હતાં. ‘મા’ પાર્વતી તેમના દ્વારની રખેવાળી માટે કોઇક જોઇતું હતું. ‘મા’ પાર્વતીએ તેમના મેલમાંથી એક મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ પૂર્યા અને તેનું નામ ગણેશ આપ્‍યું. ગણેશને ‘મા’ પાર્વતીએ દ્વારની રખેવાળી કરવાનો આદેશ આપ્‍યો જ્યારે ભગવાન શીવ આવ્‍યા ત્‍યારે ગણેશે તેમને અંદર જવા ન દીધા. દલીલો બાદ ભગવાન શીવે ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું. જ્યારે ‘મા’ પાર્વતીને આ વાતની જાણ થઇ ત્‍યારે તેઓ ગુસ્‍સે ભરાયા અને તેમના બાળકને પાછો લાવવા માટે શીવને કહ્યું. ત્‍યારબાદ ગણેશના ધડમાં હાથીનું માથું લગાવવામાં આવ્‍યું અને ગણેશના શરીરમાં પ્રાણ પૂર્યા. પુરાણો કહે છે કે ગણેશની પૂજા કોઇપણ શુભ કાર્યની શરૂઆતમાં કરવામાં આવે છે. જેનું કારણ હતું કે એકવાર શીવે પોતાના બે પુત્ર ગણેશ અને કાર્તિકેયને પૃથ્‍વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તે હરિફાઇમાં કાર્તિકેય મોરની સવારી કરીને પૃથ્‍વીના ચક્કર લગાવ્‍યા. પણ, ગણેશે શીવ અને પાર્વતીની પ્રદક્ષિણા કરી અને ગણેશે તેના માટે કારણ આપ્‍યું કે એના માત-પિતા જ તેની દુનિયા છે. તે માટે તેણે તેમની પ્રદક્ષિણા કરી. શીવ આ વાત જાણીને ખુશ થયા અને શીવે કોઇપણ શુભ કાર્યનું શરૂઆતમાં ગણેશની પૂજા થાય તેવા આર્શિવાદ આપ્‍યા. નરસિંહ પુરાણના અનુસાર જો તેમની પૂજા કોઇ કાર્યની શરૂઆતમાં ન કરવામાં આવે તો તે કાર્યમાં વિધ્‍ન આવે છે. તેના કારણે દરેક શુભ-કાર્યની શરૂઆતમાં ગણેશની પૂજા કરવામાં આવે છે. જેના કારણે ગણેશને વિધ્‍નહર્તા પણ કહેવામાં આવે છે. જે દરેક વિધ્‍નોને દૂર કરે છે. ગણેશ દરેક વિધ્‍નોને દૂર કરે છે. ભારતીય મહાકાવ્‍ય ‘‘મહાભારત’’ ગણેશે મહર્ષિ વેદવ્‍યાસના કહેવા પ્રમાણે લખ્‍યું હતું. જ્યારે ગણેશે ને તે ‘‘મહાભારત’’ લખવા માટે કહેવામાં આવ્‍યું ત્‍યારે તેમને શરત મૂકી કે તેમની કલમ જ્યાં સુધી અટકશે નહીં કે જ્યાં સુધી વાર્તા પૂરી ન થાય. તેના જવાબમાં મહર્ષિ વેદ વ્‍યાસે કહ્યું કે ગણેશ વાક્ય ત્‍યારે જ લખશે જ્યારે તેમને આ વાક્ય બરાબર સમજાઇ ગયું હશે. એટલે જ્યારે પણ ગણેશ તે વાક્ય સમજતા ત્‍યાં સુધી મહર્ષિ નવો શ્લોક બનાવી લેતા. ગણેશને ‘એકદંતા’ પણ કહેવામાં આવે છે. કારણે તેમનો એક દાંત તૂટેલો છે. પદ્મ પુરાણ અનુસાર એક દિવસે જ્યારે ભગવાન શીવ સૂતા હતા ત્‍યારે પરશુરામ તેમને મળવા માટે આવ્‍યા. ગણેશે તેમને શીવને મળવા ન દીધા. કારણ તે સમયે શીવ સૂતા હતાં. તેના કારણે પરશુરામ ક્રોધે ભરાયા અને ગુસ્‍સામાં તેમણે ગણેશ પર કુહાડીનો પ્રહાર કર્યો. જે કુહાડી ભગવાન શિવે તેમને આપેલી. તે કુહાડી ભગવાન શીવની છે તેમ જાણતા હોવાને કારણે ગણેશે તેમા પ્રતિકાર ન કર્યોં. તેના કારણે કુહાડીથી તેમનો એક દાંત તૂટી ગયો. પુરાણોના અનુસાર મહિનાના ચોથા દિવસ ને ચતુર્થી તરીકે ઓળખાય છે જે ગણેશની પૂજા માટે શુભદિવસ માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ભાદરવા મહિનાની ચતુર્થી એ ભગવાન ગણેશનો જન્‍મ થયો. આ દિવસે ચંદ્રના દર્શન કરવા અશુભ મનાય છે. જેનું કારણ એ છે કે એક વખત ગણેશ અને તેમના વાહન ઉંદર ને જોઇએ ચંદ્ર હસ્‍યો હતો. તેના કારણે ગણેશે ચંદ્રને શ્રાપ આપ્‍યો કે જે કોઇ આ દિવસે ચંદ્રને જોશે તેના કામમાં વિધ્‍ન આવશે. લોક માન્‍ય તિલકે મહારાષ્‍ટ્રમાં ગણેશ ચતુર્થી ઉજવવાની શરૂઆત કરી. ગણેશ ચતુર્થીમાં દસ દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને છેલ્‍લા દિવસે તેમની મૂર્તિને પધરાવી દેવામાં આવે છે.

એમ માનવામાં આવે છે કે ગણેશનો જન્‍મ કલયુગમાં ‘‘ધૂમકેતુ’’ ના રૂપે થશે. જે રાક્ષસોને મારીને વિશ્વમાં શાંતિ અને સુખ લાવશે.

ગણેશાય નમઃ
ગણેશના ઘણા નામો છે. જેવા કે ગણપતિ, વિધ્‍નહર્તા, વિનાયક (જે અસત્‍ય પર સત્‍ય વિજય ના પ્રતીક છે).

ૐ વિધ્‍નેશ્વરાય નમઃ 
ૐ સમુખાય નમઃ
દરેક કાર્ય કોઇ પણ વિધ્‍ન વગર પૂરું થાય. 
અમોને વિજય, રૂપ અને કિર્તિ પ્રદાન કરો.
ૐ એકાદંતાય નમઃ 
ૐ રાજનાથાય નમઃ
દરેક કાર્ય તેના લક્ષ્‍ય સુધી પહોંચે 
અમોને સારા-નરસાનો વિવેક આપો. વિશાળહૃદય ચેતના સાથે બુદ્ધિ-ચાતુર્ય આપો.
ૐ રાજકરણ્‍ય નમઃ 
ૐ લંબોદરાય નમ
અમને આત્‍મવિશ્વાસ ને આત્‍મબળની શક્તિ આપો. 
અમારી મનોકામના પૂર્ણ થાય ત્‍યાં સુધી અમારામાં શ્રદ્ધા અને ભક્તિ ટકાવી રાખો.
ૐ ધૂમ્રકેતુય નમઃ 
ૐ ભાલચંદ્રાય નમઃ
અમે દિવ્‍ય વિચારોથી સંપન્‍ન બનીએ. 
અમે ઉચ્‍ચ વિચારો સાથે આત્‍મગૌરવ પર સન્‍માન આપતા રહીએ.
ૐ વિકટાય નમઃ 
ૐ વિનાકાય નમઃ
અમોને આર્શિવાદ આપો કે અમે આસુરી શક્તિ સાથે જીત મેળવીએ. 
અમને શ્રેષ્‍ઠ નેતાગીરીના ગુણો આપો.
ૐ ગણકાક્ષાય નમઃ
અમે અમારા શ્રેષ્‍ઠીઓને અનુસરી શકીએ.

ગણેશજીના જમણો હાથ અભય મુદ્રામાં છે. જે માનવ સમાજની સુરક્ષા અને અભય પ્રદાન કરે છે. બીજા હાથમાં અંકુશ ધારણ કર્યું છે. જે આસુરી તત્‍વો માટે સંહાર રૂપ છે. અને ભક્તો માટે તેને નિયમ-શિસ્‍તમાં રાખવા માટેનું છે. ‘મોદક’ એ સ્‍વાશ્રય અને પ્રેમનું પ્રતીક છે. ગણેશજી આપણને નિયમનપૂર્વક જીવનશૈલી શિખવાડે છે. શાસ્‍ત્રો મુજબ જીવન જીવવાનું કરે છે.

જાગૃતિ પંડ્યા, આણંદ.