પરમ તત્વને પામવાનો પ્રયાસ અખંડ રાખો.
ઈશ્વરને પામવા પ્રાર્થના, પૂજા - અર્ચના, ઘ્યાન હોંશે હોંશે શરુ કરી દઈએ છીએ.ક્યાં સુઘી આપણો પ્રયાસ ચાલુ રહે છે? આપણે જાણીએ છીએ. કોઈ વિરલા જ અંત સુધી સમર્પિત થઈ જાય છે. માટે જ કહ્યું છે કે, " હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને." એક વાત મારા વાંચવામાં આવી હતી તે જોઈએ.
એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો છો? એમ કદાપિ ન થઈ શકે. તમારે કઠિન સાધના કરવી પડશે. યાદ રાખો કે સાધના અને સિદ્ધિ વચ્ચે ત્રિરાશિના નિયમનો સંબંધ નથી. આપણા હૃદયની બધી જ શક્તિ ઈશ્વર તરફ અભિપ્રેરિત થવી જોઈએ. આપણે તેમના માટે સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર રહેવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવનું એક ઉદાહરણ લઈએ. સમુદ્ર વચ્ચે ચાલતાં એક વહાણના કૂવાથંભ પર બેઠેલું પક્ષી કિનારે પહોંચવા માટે વારંવાર અલગ અલગ દિશાઓમાં ઊડતું રહે છે, પરંતુ અંતે એ થાકીને આરામ કરવા માટે છેવટે કૂવાથંભ પર જ પાછું ફરે છે. અને જ્યારે વહાણ બંદર પર પહોંચે છે ત્યારે તે અનાયાસ જ કિનારે પહોંચી જાય છે. તે પક્ષીની જેમ આપણે પણ યથાશક્તિ પ્રયત્નો કરી એ અનુભવ કરી લેવો જોઈએ કે તમામ પ્રયત્નો કરવા છતાં પણ આપણે નિષ્ફળ રહ્યા છીએ. એટલે સમજો કે, સાધના પાંખોને થકાવવા માટે આવશ્યક છે અને તેનાથી આપણો અહં સંપૂર્ણપણે નષ્ટ થઈ જવો જોઈએ. સંતાકૂકડીની રમત રમાડીને ઈશ્વર આપણા અહંકારનો નાશ કરે છે. સામાન્ય રીતે આપણે આપણા અધિકાર અને સામર્થ્યની વાત વિચારતા હોઈએ છીએ, આપણે વિચારીએ છીએ કે આપણે કંઈક કરવું જોઈએ, આપણે કહીએ છીએ કે આપણે આ કરી શકીએ છીએ, પેલું કરી શકીએ છીએ તથા ઈશ્વરને પોતાના પ્રયત્નોથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તેનું કારણ એ છે કે આપણે સંસારમાં પોતાના અનુભવ અને અહંભાવથી ઘણી વસ્તુઓ પ્રાપ્ત કરી લઈએ છીએ, એટલા માટે ઈશ્વરને પણ એ જ રીતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આપણે એ સમજી લેવું જોઈએ કે આ બધા પ્રયત્નો આપણા મનને શુદ્ધ કરે છે અને તેને ઈશ્વરાભિમુખ બનાવી રાખવામાં મદદ કરે છે. એટલા માટે એ જરૂરી છે. જો તમે પોતાને સાધનામાં પ્રવૃત્ત ન કરો તો તમે પૂર્ણ શરણાગતિ પ્રાપ્ત નહીં કરી શકો. આ શરણાગતિ તો ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસથી જ આવે છે. જ્યારે મનુષ્ય પોતાના પ્રયાસોની છેવટની સીમાને પણ નિરર્થક સમજી લે છે, ત્યારે તે સમર્પણ કરે છે. આ જ વાસ્તવિક સ્વભાવ છે અને તે સાધનાના અંતે ખંતથી પ્રાપ્ત થાય છે.
મા પોતાના બાળકને રમકડાં આપી દે છે અને જ્યાં સુધી તે બાળક રમતું રહે છે ત્યાં સુધી પોતાનું કામકાજ કરતી રહે છે. જ્યાં સુધી તે રમતું રહે છે કે થોડું રડે છે, ત્યાં સુધી તે બાળક તરફ ધ્યાન નથી આપતી, પરંતુ જે ક્ષણે કોઈ જોખમ આવવાથી તે બાળક જોરથી રડવા લાગે છે ત્યારે મા એકદમ દોડીને તેની પાસે આવી જાય છે. તે જાણતી હોય છે કે બાળકનું રડવાનું બનાવટી છે કે સાચું છે. તે એ જાણતી હોય છે કે પોતે ત્યાં જવું જોઈએ કે નહીં. એ જ પ્રમાણે, જ્યારે ઈશ્વર માટે આપણું રુદન હૃદયમાંથી નીકળતું હોય ત્યારે તેઓ સાંભળે છે. આનો અર્થ એ છે કે આપણી સમગ્ર શક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે લગાવી દેવી જોઈએ. જેમ પરીક્ષામાં પાસ થવા માટે તમે તમારી બધી જ શક્તિ લગાવી દો છો, તેમ ઈશ્વરપ્રાપ્તિ માટે પણ સમગ્ર શક્તિ લગાવી દેવી જોઈએ.
મહર્ષિ પતંજલિ યોગસૂત્રોમાં ધ્યાનનાં ત્રણ લક્ષણોની ચર્ચા કરે છે:
' દીર્ઘકાલ - નિરંતર - સત્કારાસેવિત: ' દીર્ઘકાલ નો અર્થ છે: લાંબા સમય સુધી. નિરંતરનો અર્થ છે : બધો વખત, સતત. અર્થ એ છે કે નિયત સમયે અભ્યાસ કરવાની સાથે સાથે મનને નિરંતર ઈશ્વરમાં જોડી રાખવું જોઈએ. કોઈ નક્કી કરેલા સમયે જ ઈશ્વરનું નિયમિત ધ્યાન કરવા માત્રથી તે શક્ય નહીં બને, પરંતુ મનના એક ભાગને હંમેશાં ઈશ્વરમાં સ્થિત કરવું પડશે. ત્રીજું લક્ષણ છે: સત્કાર. સત્કાર એટલે કે તત્પરતા. કંઈ પણ દેખાડો ન હોવો જોઈએ; જે કંઈ કરો, તે તેમના પ્રતિ પૂર્ણશ્રધ્ધાથી કરવું જોઈએ. સફળતા માટે દીર્ઘ, નિરંતર અને નિષ્કપટ અભ્યાસ આવશ્યક છે.
જ્યારે મનુષ્યના પ્રયાસોની છેવટની સીમાને પણ નિરર્થક સમજી લે છે ત્યારે તે સમર્પિત થઈ જાય છે.
જાગૃતિ પંડ્યા, આણંદ.
No comments:
Post a Comment