Saturday, 2 December 2023

બાળવિકાસમાં બાધક એવાં રમકડાં.


બાળ વિકાસમાં બાધક એવાં રમકડાંઓ કયા?

નમસ્કાર, વાચક મિત્રો. છેલ્લાં બે અઠવાડિયાથી બાળકની સ્વપ્ન સૃષ્ટિ એવાં રમકડાં વિષે મારી વાત જણાવી. આ વખતે હું “કેવા પ્રકારના રમકડાં બાળકો માટે ન ખરીદાય અથવા તો બાળકોથી દૂર રખાય? “ આ બાબતની વાત કરવા માંગુ છું. ઘણી વખત એવું બને છે કે, બાળકોને નહી પણ માતા પિતાને ગમે તેવાં રમકડાં ખરીદાય છે. બાળકને ગમે, બાળકનો વિકાસ થાય તેવાં રમકડાં ખરીદવાં જોઈએ.
બાળકો માટે રમકડાં ખરીદતી વખતે કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઈએ. બાળકો માટે રમકડાં ખરીદો તેઓ જરૂરી નથી કે એ મોંધુ હોય, પરંતુ સૌથી વધુ જરૂરી એ છે કે એ રમકડું બાળકની જરૂરિયાતને પુરી કરે છે કે નહી. બાળકોના રમકડાંઓનો તાલમેલ બાળકની વય સાથે હોય છે, જેમ કે નવજાત શિશુ થી એક વર્ષના બાળકને ખાસ પ્રકારના રમકડાંની જરૂર પડે છે. તો ચાલો જાણીએ બાળકોને કેવાં રમકડાંથી દૂર રાખીએ.


શું મોબાઈલ એ બાળકનું રમકડું છે? 

    આજકાલ બાળકોનુ મનપસંદ રમકડું એટલે મોબાઈલ. માતાપિતા આ રમકડું પોતાનાં બાળકોને આપીને નિશ્ચિંત થઈ જાય છે. પરંતું આ રમકડું બાળકોના વિકાસમાં કેટલું ઘાતક બન્યુ છે અથવા બનશે તે માતાપિતાને પાછળથી સમજાશે. મોબાઈલના રમકડાંથી તો બાળકોને શક્ય એટલાં દૂર જ રાખવાં અથવા બાળકો મોબાઇલમાં શું જુવે છે ? કઈ ગેઇમ રમે છે તે ખાસ જુવો. બાળકનો મોબાઈલ માટે એક ચોક્કસ સમય નક્કી કરો.


વિડિયો / કોમ્પ્યુટર ગેમ્સ: 

 આજે બાળક વર્ષનું થાય ત્યાંથી બાળક મોબાઇલમાં ચિત્રો એકીટશે જોવે છે. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ વીડિયો અને કોમ્પુટર કે લેપટોપમાં ગેમ્સ રમવા લાગે છે. બાળકને એક ન છૂટે તેવું વ્યસન લાગી જાય છે. એક વખત વ્યસન થઈ જાય પછી વીડિયો જોયા વિના કે તેના પર ગેમ રમ્યા વિના ન તો ખોરાક ગળામાં ઉતરે છે કે ન તો ઊંઘ આવે છે. આ વ્યસન પણ બાળકનું તન અને મનનું સ્વાસ્થ્ય બગાડે છે. કોમ્પ્યુટર ગેમ્સ કે વીડિયો ગેમ્સના કારણે બાળકો વધુ પડતી સ્પર્ધાત્મક બનવા લાગે છે અને હાઈપર પણ થઈ જાય છે. આ બાળકોને તેમની હાર સ્વીકારવી ખૂબ જ મુશ્કેલ લાગે છે અને જ્યારે તેઓ હારી જાય છે ત્યારે ઘણી નિરાશા અનુભવે છે. આટલું જ નહીં, આ રમતોના કારણે કેટલાંક બાળકો વધુને વધુ સમય કાલ્પનિક દુનિયામાં વિતાવવા લાગે છે. જ્યારે બાળક વીડિયો ગેમ્સમાં કાર રેસ કરે છે અને એટલી જ ઝડપે વાસ્તવિક દુનિયામાં પણ કરવા પ્રયત્ન કરે છે. શું હાલત થાય?


 આધુનિક ઢીંગલી - બાર્બી ડોલ:

   આપણે પહેલાં નકામા અને જૂના કપડાં માંથી ઢીંગલીઓ બનાવતાં હતાં. રંગીન પેનથી તેનો ચહેરો બનાવતાં હતાં. આ ઢીંગલી એટલે એક સહેલી. કેટલી સુંદર!!! પહેલાંના સમયમાં જે સાદી ઢીંગલી મળતી હતી તે જ ઢીંગલી કહેવાય. અત્યારે આપણે જે બાર્બી ડોલ લાવીએ છીએ તેને ઢીંગલી કહી શકાય? બાર્બી ડોલ એક પુખ્ત વયની યુવતીને નાના સ્વરૂપે બનાવી છે. તમે જે પ્રકારની ઢીંગલી ખરીદી રહ્યા છો તેના પર વિશેષ ધ્યાન આપો. બાર્બી વિશ્વભરના બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ આ સુંદર દેખાતી બાર્બી ડોલ તમારા બાળકના કોમળ મન પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. બાર્બી એ એક યુવાન પુખ્ત છોકરીનું રમકડું મૂર્ત સ્વરૂપ છે જે પાતળું ફિગર, તીક્ષ્ણ લક્ષણો, સુંદર લાંબા વાળ ધરાવે છે અને હંમેશાં સારામાં સારાં કપડાં પહેરે છે. બાર્બી ડોલ સાથે રમવાથી બાળકોમા વિકૃતિ આવે છે.


શસ્ત્રો શત્રુ સમા :

   તલવાર, ગદા, ગોફણ, ધનુષ્ય , તીર કે બંદુક જેવાં રમકડાં બાળક બીજા ઉપર ઉગામે જ! એ સિવાય બીજો શો ઉપયોગ? આવાં રમકડાં બાળકોને હિંસક બનાવે છે. આવાં રમકડાં સતત બીજા પર હુમલો કરવાં જ પ્રેરે છે.બાળકો માટે બંદૂક, તલવાર અને ધનુષ અને તીર જેવા હિંસક રમકડાં બિલકુલ યોગ્ય નથી. બાળકો નિર્દોષ હોય છે, તેઓ જે જુએ છે તેનાથી શીખે છે. આવી સ્થિતિમાં તેમને હિંસક વૃત્તિને પ્રોત્સાહન આપતાં બંદૂક કે અન્ય રમકડાં આપવાથી તેઓ હિંસા તરફ ધકેલે છે. રમકડાં સાથે રમતાં રમતાં ક્યારે તેનો દુરુપયોગ થઈ જાય છે તે બાળકને પણ ખબર નથી પડતી.

 
 કિચન સેટ / ડોકટર સેટ :

કિચન સેટ કે ડોક્ટર સેટ નાં રમકડાં જ્યારે બાળક રમે છે ત્યારે બાળકને એ ખબર નથી હોતી કે આ રમકડાં છે. અસલિયતમાં બાળકો કોઈ કેમિકલ સાથે કે અગ્નિ સાથે ઉપયોગ કરે છે ત્યારે ખૂબ જોખમી બને છે. બાળકને ડોક્ટર સેટ સાથે રમતાં માતા પિતા પણ ગૌરવ અનુભવે છે. માતાપિતાનું સ્વપ્ન પણ બાળકોને ડોક્ટર બનાવવાનું હોય છે. અને કદાચ આ જ કારણ છે કે મોટાભાગના બાળકો નાની ઉંમરથી જ આ પ્રશ્નનો જવાબ આપે છે કે તેઓ મોટા થઈને શું બનવા માંગે છે? બાળકોના રમવા માટે ડોક્ટર સેટ ખરીદતી વખતે પેરેન્ટ્સને લાગે છે કે તેઓ બાળકને ડોક્ટર બનવા માટે પ્રોત્સાહિત કરશે પણ તેઓ આ રીતે બાળપણથી જ બાળક પર ડોક્ટર બનવાનું આડકતરું દબાણ કરવાનું શરૂ કરી દે છે.

No comments:

Post a Comment