Friday, 25 September 2020

આચાર્ય વિજય રત્ન સુંદર્સુરિસ્વરજી

*આચાર્ય શ્રી રત્નસુંદરસુરીશ્વરજી* 
*ગુજરાતી સદ્દસાહિત્ય યાત્રાના મણકા*


*(ગઈકાલથી આગળ)*

☸️ *કોઈની 'નજર' માં વસી જવા ય જો સારી એવી તૈયારી કરવી પડે છે તો પ્રભુની 'નજર' માં વસી જવા તો કેટકેટલી તૈયારી કરવી પડે એ બિલકુલ સમજાય તેવી જ વાત છે ને ?*

☸️ *પરીક્ષા, પીડા અને પ્રલોભન વખતે તનબળ એટલું કામ નથી લાગતું જેટલું મનોબળ કામ લાગે છે એ વાસ્તવિકતા સતત આંખ સામે રાખજો.*

☸️ *મોસંબીનો રસ પીવાથી તાવ ઊતરી જતો હોય છે તો આપણે કરિયાતું પીતા નથી જ ને ? નક્કી કરી દો. મીઠા શબ્દોથી કામ સરી જતું હશે ત્યાં કઠોર કે કડવા શબ્દોનો પ્રયોગ આપણે નહીં જ કરીએ.*

☸️ *અચાનક આવી જતી માંદગીને પડકારવામાં હજી કદાચ સફળતા મળી શકશે પણ અનિર્વાય એવા મોતને તો સ્વીકારી લેવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી બચતો.*

☸️ *શુભ વિચારો અમલી નથી બનતા એનું દુઃખ જરૂર અનુભવજો પણ અશુભ વિચારો અમલી નથી બનતા એ ખ્યાલે તો અપાર આનંદ અનુભવજો.*

☸️ *પૈસાથી જ જીવન ચાલે છે એ તમારો અનુભવ હોય તો ય યાદ રાખજો કે આ જગતને મહાપુરુષોની ભેટ આપવાનું કામ પૈસાએ નથી કર્યું પરંતુ પ્રેમે જ કર્યું છે.*

☸️ *વિનાશક શસ્ત્રોનું સર્જન કરી દેતાં યંત્રને તો માફ કરી શકાય કારણ કે એની પાસે સંવેદનશીલતા નથી હોતી પણ એવા યંત્રનું સર્જન કરતા માણસને શેં માફ કરી શકાય ? કારણ કે એ તો સંવેદનશીલતા લઈને બેઠો છે.*

☸️ *વિજ્ઞાન સ્વને ભુલાવી દઈએ સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવાનાં સાધનો વિકસાવી રહ્યું છે જ્યારે ધર્મ સ્વને જાગ્રત કરીને પ્રસન્ન રહેવાની સાધના આપી રહ્યું છે. પસંદગીમાં થાપ ન ખાશો.*

☸️ *દુશ્મનાવટનો ભાવ જો ક્યારેય સેતુ બની નથી શકતો તો મૈત્રીનો ભાવ ક્યારેય દીવાલ બનવા તૈયાર નથુ હોતો.*

☸️ *ધન તરફથી ઝડપને વધારવાનું કામ જો લોભ કરે છે તો ધર્મ તરફથી ઝડપને તોડી નાખવાનું કામ મોહ કરે છે.*

☸️ *પ્રેમને ખોરાકવત જીવનની પસંદગી ન બનાવશો, પણ પ્રાણવાયુવત જીવનનો નિયમ જ બનાવી દેજો.*

☸️ *આપણું પોતાનું વર્તન સુધાર્યા વિના જગતમાં પરિવર્તન કરી દેવાના અભરખા સેવવા જેવા નથી.*

☸️ *તમારી સાથે શું બને છે એના કરતાં તમારી અંદર શુ બને છે એ વધુ મહત્વનું છે.*

☸️ *'વધુ પૈસો, ઝડપી પૈસો અને ગમે તે રસ્તે પૈસો' પૈસાને આ ત્રણ ભયંકર વિશેષણોથી સતત બચાવતા રહેજો.*

☸️ *દુઃખોને ઘટાડવાનો કે રવાના કરવાનો એક પણ વિકલ્પ ન બચ્યો હોય ત્યારે દુઃખોને સ્વીકારી લેવાનો વિકલ્પ અજમાવી જોજો. સમાધિ ટકી જ જશે.*

☸️ *આપણે જેવા છીએ એમાં આપણે સુધારો કરવો નથી અને બીજાઓ જેવા છે એવી એમનો સ્વીકાર કરવો નથી. સમાધિ અને પ્રસન્નતા શેં ટકાવી શકાશે ?*

☸️ *'લાભ' નું સ્થાન જીવનમાં જ્યારથી 'લોભે' લઈ લીધું છે ત્યારથી 'શુભ' નું સ્થાન 'અશુભ' ના હાથમાં ચાલ્યું ગયું છે.*

☸️ *બધા જ સંબંધો 'સાચું' બોલવાની નહીં પણ 'સારું' બોલવાની જ ટક્યા છે એ ખાસ  યાદ રાખજો.*

☸️ *સુરક્ષાપ્રેમી મનને સત્યપ્રેમી બનાવી દેવું એ આ જીવનનો બહુ મોટો પડકાર છે.*

*(સંપૂર્ણ)*

*(સંકલન : શ્રુતદેવી મંદિર - જ્ઞાનભંડાર, પોરબંદર - સૌરાષ્ટ્ર)*

No comments:

Post a Comment