Tuesday, 10 April 2018

રોબિન ના વાળ

" રોબિન, જો બેટા, કાલે રવિવાર છે. તારા વાળ ખૂબ જ વધી ગયા છે તો કાલે વાળ કપાવી આવજે."

           રોબિને ફક્ત ડોકુ જ ધુણાવી ને  હકારાત્મક સંમતિ દર્શાવી.

           સોમવારે રોબિન એવો ને એવો જ આવ્યો.મનોમન ગુસ્સા સાથે ચીઢ પણ ચઢી.અને ધીરે રહી ને બધું કામ પતાવી રોબિન પાસે ગઈ.હુ રોબિનને કાંઈ પૂછુ તે પહેલા જ રોબિનના મિત્રોએ મને જણાવી દીધું કે રોબિનની મમ્મી તેને વાળ કપાવવા માટે રૂપિયા નથી આપતી. તો મેં પૂછ્યું"  પપ્પા? " તો બાળકોએ જણાવ્યું કે તેના પપ્પા તો આખો દિવસ દારુ પી ને પડી રહે છે.કાંઈ કામધંધો નથી કરતા.
  
            વાત જાણી ને રોબિનના ચોટી વળાય એ રીતે વધેલા વાળ પર પ્રેમથી માથે હાથ ફેરવી , " ઓ. કે." કહી. બાળકોને " ચાલો ગણિત ભણીએ " નુ ફરમાન કર્યુ.

         "   હવે આનો રસ્તો શુ?" આ જ વિચારો એ એકવાર હરિજન વાસ ની મુલાકાત અવશ્ય લેવી પડશે તેવુ મનોમન નક્કી કર્યુ.

        આ વાત ને થોડાક જ દિવસો થયા ને H. M. Patel  institute  માંથી B. Ed.  ના પાઠ ગોઠવાયા ને રોજ ના બે પીરીયડ અમને ફ્રી મળ્યા. આ તક લઈ ને અમે બે બહેનો , હરિજનવાસ,તડપદાવાસ ને આસપાસ ની ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાતે ગયા.

            આવો વિસ્તાર મેં પહેલી વાર જોયો.ખૂબ જ દયનીય સ્થિતિ.આવા વિસ્તાર માંથી બાળકો શાળાએ નિયમિત આવે છે , તે જ નવાઈ ની વાત છે.

            શ્રી રાજેશભાઈ પરમાર, આ.ન.શિ.સ.સંચાલિત શાળા નં.30 ના આચાર્ય શ્રી ના અથાક પરિશ્રમ નું આ ફળ છે કે જેનાથી આવા વિસ્તારના બાળકો નિયમિત આવે છે.
           
         રોબિનના ઘરે ગયા.ધરની આસપાસ નર્કાગાર.ગંદકી જ ગંદકી.રોબિનને બૂમ પાડી.5 મીનીટ પછી તેની મમ્મી એ કાચી ઝૂંપડી નો લાકડીઓના નાના મોટા ટુકડાઓ એકઠા કરીને બનાવેલ દરવાજો ખોલ્યો.દરવાજો ખૂલતાં ઘરમાંની ગંદકી અને અસ્તવ્યસ્ત સામાન પડેલો જોયો. 9 વાગી ગયા હતા,ને છતાં પણ આ ટાઈમે આટલા મોડા સુધુ સૂઈ રહેલા રોબિનના મમ્મી આંખો ચોળતા બહાર આવ્યા.અને સર્વ રીતની તેઓની કંગાલિયત ના દર્શન થયા.  અમે તેમની સાથે વાત કરી"  રોબિનને ફટાફટ તૈયાર કરી શાળાએ મોકલો". કહી ત્યાંથી રવાના થયા.

             હવે રોબિનનું શુ કરવુુ? બે વિકલ્પ વિચાર્યા.તેને વાળ કપાવવા રૂપિયા આપવા કે તેને બહાર વાળ કપાવવા લઈ જવો. રૂપિયા અપાય તેમ ન હતા, તેમ જ બહાર લઈ જવો તે પણ યોગ્ય ન લાગ્યુ.
      
             અંતે જાતે જ વાળ કપાવવાનું નક્કી કર્યુ.

            ને આવી ગયો આ દિવસ! બાળકોને પણ નવાઈ લાગી.
            બાળકો ને એમ હતું કે ટીચર  તો બોલે, પણ ઓછા વાળ કાપે?
            નવી શાળામાં બાળકો ને મારો પૂરો પરિચય નો'તો. એટલે આ બાળકોને નવાઈ જ લાગી.

             તે દિવસ ના ફ્રી તાસમાં રોબિન ને બોલાવ્યો,શેમ્પુ નુ પાઉચ આપ્યુ અને વાળ ધોઈ લાવવા જણાવ્યુ.
           રોબિન પણ એટલો જ ઊત્સાહી ને ખૂશ. જો મને રોબિનનો સપોર્ટ ના મળ્યો હોત તો હું આ કામ સારી રીતે ના કરી શકી હોત.
               કાતર અને કાંસકો લઈને હું રોબિનની રાહ જોઈ બેઠી હતી.રોબિન આવ્યો.મારી સામે બેસી ગયો.બીજા બાળકો પણ મારી સેવામાં હાજર હતા.રોબિનના શરીર પર ઢાંકવાનુ કપડુ બણ બાળકો શોધી લાવ્યા.
             કાતર મૂકી વાળ પર.એક લટ કાપી.હજુ પણ રોબિનના વાળ ગંદા,ચીકણા,જૂ- લીખ વાળા ને વાળમાંથી  વાળ ભીના હોવાને કારણે ભયંકર માથુ ફાટી જાય તેવી વાસ આવતી હતી.એક સેકન્ડ તો હું પણ હિંમત હારી, પાછી પડી ગઈ.પણ મનમાં થયુ જો હું આ નહી કરુ તો કોણ કરશે?

              મન મક્કમ કરી તમામ પ્રકારની સૂગ દૂર કરી વાળ કપાયા ત્યાં સુધી ઘડીક શ્વાસ રોકુ ને ઘડીક છીછરો શ્વાસ લઈ ફટાફટ કાતર ફેરવવા માંડી.

               જોતજોતામાં તો જમીન પર વાળનો ઢગલો થઈ ગયો.
           અડધો એક ઈંચ વાળ રહ્યા પછી બધી બાજુથી સરખા કર્યા.

          મારો પણ આ પ્રથમ અનુભવ.
           ઘણી સુગ,ડર, ચીડ,ગુસ્સો,કરુણા અને સેવાભાવ સાથે સફળ થઈ.
           4-5 વાર ડેટોલ હેન્ડ વૉશ થી ઘસી ઘસી ને હાથ સાફ કર્યા પણ હાથ માંથી એ ખતરનાક સ્મેલ જાણે દૂર જ ના થાય.પછી થયું કે નાક માં સ્મેલ ઘૂસી છે,તે માટે ઊંડા શ્વાસ લીધા અને 5 મીનીટ કપાલભાતિ કર્યું. 😅 

            પછી રોબિન પાસે ગઈ.તે ખૂબ જ ખૂશ હતો,હું પણ એટલી જ ખુશ હતી.
               ખરેખર રોબિન હવે પહેલાં કરતા વધુ રૂપાળો લાગતો હતો.તેના માથાનો ભાર હલકો થઈ ગયો હતો.

             ટીચર,બહાર વાળ કાપે છે તેવા જ સરસ વાળ તમે તો કાપ્યા!!! 😊

અમે સૌ ખૂશ હતા.

     રોબિનને કાચ મોં તેનુ મોં જોવા કહ્યુ.

     રોબિને કાચમાં તેનું મોં જોયું, ને મારી સામુ જોઈ
રોબિનથી રડી પડાયું.😥

😘😘😘🍬🍬🍬👩👩👩🌹🌹🌹👌👌



Saturday, 7 April 2018

"બેન,આઠમું ધોરણ હવે આ જ શાળામાં ભણીશ"

                 આણંદ નગર શિક્ષણ સંચાલિત, ધોળોકૂવો - શાળા નં.31 માં બે માસ થી છું.અહીં નો સ્ટાફ, નગર પાલિકા માં આ શાળા આવ્યા પછી,મોટાભાગના શિક્ષકો જીલ્લામાં જ રહેવુ હોઈ બદલી કરાવી ને ગયા, જેથી શિક્ષકોની ઘટને કારણે પાસેની શાળામાંથી મને કામચલાઉ ઑર્ડર આપ્યો.
                 
                     મને ધોરણ 7 અને 8 સોંપ્યુ.ધોરણ 8 પણ આ જ વર્ષે શરુ થયુ, પણ મોટાભાગના બાળકો નજીકની પ્રાઈવેટ શાળામાં જતા રહેલા ને અહીં ફક્ત નવ જ બાળકો રહ્યા.

                    ધો.7 માં 32 બાળકો છે.આવી ને પ્રથમ તો સૌ એકબીજાથી પરિચિત થયા.બાળકોને વાર્તા કહી.બાળકોને સાંભળ્યા.અને રમતાં રમતાં આનંદ કરતાં કરતાં બાળકોનો અભ્યાસક્રમ પણ કે જે શિક્ષક ન હોવાને કારણે મોટાભાગનો બાકી હતો તે પુર્ણ કરવા માટે ની ચિંતા સાથે શરુ કરી દીધો.પણ સાથે સાથે બાળકો કંટાળે નહી તેની પણ ચિંતા થવા લાગી.પણ મેં જોયું કે બાળકો ને ભણવાનુ પણ ગમે છે, સારો સહકાર છે બાળકોનો.
             
                 આ શાળામાં આવ્યા પછી અમે સૌ એ માતૃભાષા દિન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ,વિશ્વ મહિલા દિન અને ધો.8 નો વિદાય સમારંભ ઊજવ્યો.અહીં મેં જોયું કે બાળકો બહુ શરમાળ છે.તેમનો શરમ સંકોચ દૂર કરવા માટે મારે અહીં મારી જાતે થોડા ઘણા બાળકોને સાથે રાખીને નાટક ભજવવું પડ્યું. પી.ટી.સી. કરતી હતી ત્યાર પછી પ્રથમવાર નાટક ભજવ્યું.બાળકોની સાથે મારી ખુશી પણ બમણી હતી.
                    બાળકોને વિદાય પ્રસંગે આશીર્વચનો આપ્યા,ને જે કાંઈ વાત કરી તે સાંભળી મારા વર્ગમાં આવ્યા પછી ધો.8 ના બાળકો ના ચહેરા પર વ્યથા અને આનંદ બંન્ને જણાઈ આવ્યા.બાળકો : " બેન તમે વહેલા આવ્યા હોત તો! અમને તમારી સાથે વધારે રહેવા મળત."  આ સંવાદ સાંભળી 7 મા ના બે ચાર બાળકો બોલ્યા, " બેન અમે તો હવે આઠમું ધોરણ અહીં જ ભણવાના છીએ,તમે આવી ગયા છો માટે અમે અહી જ રહીશું" અમે સૌ ખૂશ હતા.ને અચાનક જ હું અહી કામચલાઉ છું તે વાતનું સ્મરણ થઈ આવ્ય,ને મારા ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.ને વિચારે ચઢી,"  આ બાળકો મારા લીધે અહીં રહેવાના છે.પણ મારૂં જ ક્યાં ઠેકાણું છે? હું તો અહીં કામચલાઉ છું,કેટલો સમય છુ તે મને પણ ખબર નથી" પણ એટલી તો ઈચ્છા ખરી કે વરસ રહી જાઉ.

                     મારુ મનોમંથન ચાલતુ જોઈ પાયલ બોલી, " બેન હું પણ આટલુ વરસ અહીં જ રહેવાની છુ.મારી મમ્મી એ હા પાડી." અને સૌ બાળકો ખુશ હતા.ને અંદરોઅંદર  આવતા વર્ષ નો વિદાય સમારંભ ની ઊજવણી કેવી રીતે કરીશું તે વાતો કરતા હતા.
👍👍😘😘😘🌷🌷👯👯🐈🐈🐈👬👬

Saturday, 17 February 2018

" અલી,તારે ને મારે સરખું!"

પ્રભુપુરા પ્રા.શાળા, તાબે વડોદ,(આણંદ)ની આ વાત છે.પરાની શાળા આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં શરુ થઈ.શરુઆત પહેલા ધોરણ થી થઈ હશે.પછી ક્રમશઃ બીજુ,ત્રીજુ,ચોથુ ને એમ કરતાં સાત ધોરણ સુધી ખુલ્યાં.શાળાનો વિકાસ ધીરે ધીરે થવા લાગ્યો,ઓરડા પણ બંધાયા.
           આ શાળામાં  શરુઆત માં શ્રી વિઠ્ઠલભાઈ મોચી સાહેબ હતા.જેઓ નિવૃત્ત થયા બાદ....શાળામાં અતિ ઉત્સાહી,નવયુવાન ને બાળકોના પરમ હિતેચ્છુ શિક્ષક .......
          શ્રી ધર્મેન્દ્ર ઊપાધ્યાય ....આ પ્રભુપુરા શાળાના,સાચા અર્થમાં,કર્મે ને ધર્મે ઊપાધ્યાય બન્યા.શ્રી ઊપાધ્યાય સાહેબના પાવન પગલાં પડતાં જ શાળા, બાળકો ને તમામ પ્રકૃતિ જ જાણે ખીલી ઊઠી.
         શ્રી ઊપાધ્યાય સાહેબ એટલે સાચા અર્થમાં શિક્ષક,મૂકસેવક.ખોટો દેખાડો,બનાવટ કે મોટાઈ બિલકુલ નહિ.તદ્દન સાચુકલા માણસ. હંમેશાં બાળકોનું હિત જ ઈચ્છનારા.શાળા આને શાળાનાં બાળકોનો સર્વાંગી વિકાસ જ કરનાર ઊપાધ્યાય સાહેબ નાં જેટલાં વખાણ કરીએ તેટલા ઓછા.શ્રી ઊપાધ્યાય સાહેબ બાળકોને દરરોજ કંઈક અવનવું બાળકોને શીખવતા.રમત ગમત,શિક્ષણ,સંસ્કાર ને સાંસ્કૃતિક વારસો બાળકો ન ભૂલે તેવા પ્રયત્નો કરતા.આસપાસ ના વિસ્તામાં જઈ ઘરે ઘરની મુલાકાતો લેતા,સાજા-માંદા લોકોની ખબર અંતર પૂછતા.જરુરિયાત મંદોને મદદ કરતા.શાળામાં બાળકોને કપડાં,ગરમકપડાં,શિક્ષણમાં ઊપયોગી ચીજવસ્તુઓ તથા પ્રસાદ પણ બાળકોને કોઈને કોઈ દાતા દ્વારા અપાવતા.
          આ જ રીતે એકવાર બરોડાના આઈ.પી.સી.એલ.પરિવાર ના દાતાઓએ શાળાની બાલિકાઓને ચણિયાચોળી નું દાન આપ્યુ હતુ.માપ લેવા માટે શાળામાં દરજી મોકલ્યો હતો.ચણિયાચોળી તૈયાર થઈ.બાદ શાળાનું પ્રથમ ફંક્શન શાળા પ્રવેશોત્સવ આવ્યો.અમુક છોકરીઓ એે તો પ્રથમવાર જ ચણિયાચોળી જોઈ.પણ મારા માનવા મુજબ શાળામાં પ્રથમવાર જોઈ,એ જ આ સિવાય બીજો કોઈ આઈડિયા આ દિકરીઓને હશે નહિ,એવું મારું માનવું છે,કારણ કે ચણિયા ચોળી પહેર્યા બાદ બાલિકાઓ એકબીજાની સામું કૂતુહલ વશ જોઈ રહી હતી અને અંતે હરખભેર બોલી ગઈ ," અલી, તારે યે સરખુ ને મારેય સરખુ! તારે ને મારે સરખુ?" ( ચણિયાચોળી એક સરખી જોઈ ને....)

           તો આને જ શાશ્વત આનંદ કહેવાય કે ?

           🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Friday, 16 February 2018

શાશ્વત આનંદ 3

ચોમાસાની રુતુ, ને એમાંય ભર ચોમાસું.થોડા ઘણા બાળકો ભણવાનું બગડે નહી માટે શાળામાં અવશ્ય આવે.બીજા થોડા બાળકો શાળાંમાં અનિયમિત હોય પણ ભર ચોમાસે અવશ્ય આવે.બાકીના બાળકો તો વરસાદમાં આનંદ લૂંટવા જ આવે.
               પહેલાં પ્રકારના જે બાળકો છે તે ફક્ત ને ફક્ત એક જ લક્ષ્ય થી કાયમ આવતા હોય છે.બસ ભણવું એટલે ભણવું આ બાળકો પોતાની જાતને સાચવે ને દફ્તર પણ સાચવે.દફ્તરની એક પણ ચોપડી કે નોટબુક ને પલળવા ના દે, ભલે પોતે પલળે.બીજા પ્રકારના બાળકો ને તો ભણવું ગમતું હોતું નથી,ભણવાનું હોય તો શાળામાં આવે જ નહિ,આ તો ભલુ હો જો વરસાદનું કે બાળકોને લાવે છે.આવા બાળકોનું પણ શાળામાં આવવાના બે કારણો છે, જેમાં પહેલું છે: વરસાદમાં પલળવાનું ને બીજું છે: ઘરમાં જ વરસાદ.હા, આવા બાળકોના ઘરમાં જ વરસાદ હોય છે.ક્યાંય બેસવાની કે સુવાની જગ્યા જ ના હોય.ને માટે જ શાળામાં આવતા હોય છે.આવા બાળકો શાળામાં આવે તો જ વરસાદથી રક્ષણ મળે ને શાળામાં જમવાનુ પણ મળે.ત્રીજા પ્રકારના જે બાળકો છે,જેઓ શાળામાં આવે છે ને ભણે પણ છે,સાથે સાથે માણે છે.
              આ જ પ્રકારના બાળકો અમારી શાળા.નં.30, ( દર્શન સોસાયટી ) માં હતા.એ બાળકો હોંશિયાર પણ ખરા.ચોમાસાના દિવસો હતા.બધા જ બાળકો ખુશ હતા,કેમકે આગલા દિવસનો વરસાદ સતત ચાલુ જ હતો.બાળકોની હાજરી જોઈને મને આશ્ચર્ય થયુ,કે બાળકોની સંખ્યા ઘણા સારા પ્રમાણમાં,ને છત્રીઓની સંખ્યા ધાર્યા કરતા ઓછી.રેઈનકોટ તો કોઈની પાસે નહી.બાળકોની હાજરીનું સારું પ્રમાણ એટલે હતુ કે મોટાભાગના ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો હાજર હતા.ને તે પણ રેઈનકોટ કે છત્રી વગર! હા, ને આ આશ્ચર્ય નો અંત આવ્યો શાળા છૂટી ત્યારે.આ બાળકો જાડી પ્લાસ્ટિકની મોટી કોથળી એક બાજુથી કાપીને તે માથે એવી રીતે મૂકીને પહેરે કે જેથી,બાળક કે તેનું દફ્તર કે કાંઈજ પલળે નહિ.ફોટામાં આ બાળકો નું ચિત્ર છે. હું તો જોઈને ખૂશ થઈ ગઈ.કેવો નવતર વિચાર.
         તો શું આ જ ન હોય શાશ્વત આનંદ!
     
              

Tuesday, 13 February 2018

સમષ્ટિ-વ્યષ્ટિરુપ સંસાર

ભગવાન શંકરે શ્રી વસિષ્ઠજીને કહ્યું - " હે મુને!જે પ્રમાણે સ્વપ્નમનુષ્ય સ્વપ્ન ના સંસાર ને જુએ છે તે જ પ્રમાણે તે જીવાત્મા પણ પરમ સૂક્ષ્મ માયામય આકાશમાં કર્માનુસાર શરીરોને જુએ છે.આ સમસ્ત જગત વાસ્તવમાં અસત છે,પરંતુ ભ્રમથી સદ્ રુપ પ્રતીત થાય છે.તેથી જગતનું કારણ વાસ્તવમાં અહંકાર જ છે.આ સંસાર ખરેખર સત્ય નથી;ન આ કલ્પિત છે ન ક્ષણિક છે,ન કાંઈ ઉત્પન્ન થાય છે કે ન કાંઈ વિનષ્ટ જ થાય છે.વાસ્તવમાં આનો અત્યંત અભાવ છે.ચેતન જીવાત્મા જ સંપૂર્ણ પ્રપંચની પોતાનામાં સંકલ્પરુપે કલ્પના કરે છે,જેમ મનુષ્ય સ્વપ્નમાં નગરનુ નિર્માણ અને વિનાશ કરે છે પરંતુ જાગ્યા પછી વાસ્તવમાં તેનો સ્વપ્નના દેશ કાળ સાથે કોઈ જ સબંધ હોતો નથી.આ વિનાશવાન સંસારનું વાસ્તવિક સ્વરુપ તત્વથી સમજી લીધા પછી આ માયારુપી સંસારની ભેદસત્તાનો અભાવ થઈ જાય છે.ત્યારપછી જ્ઞાનપૂર્વક ધ્યાનના અભ્યાસથી કલ્યાણમય શિવરુપ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે.નિત્ય વ્યાપક,અનંત,દ્રઢ અને વિશ્વમાં વ્યાપ્ત અને વિશ્વના કર્તા જે પરબ્રહ્મમાં આ જગત કલ્પિત છે તેવો વિવેક જાગ્રત થતાં જ વાસ્તવિક કાલ્પનિક જગતનો ખ્યાલ આવે છે,
            તમારું કલ્યાણ થાઓ"
           ઓમ નમઃ શિવાય    
            🌴🌴🌴🌴🌴🌴
       

Monday, 12 February 2018

ઓમ નમઃ શિવાય

હર હર મહાદેવ

શાશ્વત આનંદ

  "ટીચર ,
મને આ ચોપડી વાંચવા આપોને?"
       આજે શાળામાં બાળકોની સંખ્યા ઓછી હતી.લગ્નગાળો અને  બિમારીનો વાવડ ઓછી હાજરી માટે કારણભૂત હતા.
           મેં ધોરણ 8 માં બે પીરીયડ લીધા.નાની રીશેષ પછી 7 મા ધોરણમાં પીરીયડ લેવા ગઈ,જોયું તો ઘણી ઓછી હાજરી.મેં ગૃહકાર્ય તપાસી ને બાળકોને દાખલા ગણવા આપી હું આજે આવેલ જીવન શિક્ષણ વાંચવા બેઠી.
         મારો વસંત ને અનિલ બંન્ને વર્ગ માં હોશિયાર વિધ્યાર્થીઓ.ઝડપથી દાખલા ગણી મને બતાવવા આવ્યા.હું જીવનશિક્ષણ વાંચતી હતી." ભણતી' તી તું જે વર્ગમાં ...." આર્ટીકલ વાંચતી હતી.
   
           હજુ આ શાળામાં હું પણ નવી જ છું.કામચલાઉ ઑર્ડર છે મારો.વસંત ને એમ કે ટીચર નહી આપે, પણ બાળક મારી પાસે કાંઈ વાચવા માંગે ને હું ન આપુુ? મેં તો તરત જ વસંત ને જીવન શિક્ષણ અને અનિલ ને જનકલ્યાણ વાંચવા આપ્યુ.બંન્ને બાળકો ની ખુશી નો પાર ન હતો,જે તેમના ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવ્યું. પછી હું ગુજરાત વાંચવા બેઠી.આ જોઈ બાકીના બાળકો પણ શાળા પુસ્તકાલય ના પુસ્તકો લઈ વાંચવા બેઠા.અને તે પણ ખૂબ જ ગંભીરતાથી.હું તો આ નવી શાળામાં બાળકોનું શિસ્ત અને ધગશ જોઈ નવાઈ પામી ગઈ કે " શું આવી નાની પરાની શાળામાં બાળકોની આટલી વાંચન ભૂખ!"
           વસંતે તો મોટી રિશેષ પહેલાં અડધું જીવનશિક્ષણ વાંચી કાઢ્યુ! તેણે શું વાંચ્યું ને શું ગમ્યુ તે મેં ચર્ચા નથી કરી,પણ તે ખૂબ જ ગંભીરતાથી વાંચતો હતો.
        ટીચર જે વાંચતા હતા તે જ વાંચવાની ખૂશી હતી તે બંન્ને ને ,અને હું પણ તેઓની ખુશીમાં ખુશ.તેમના ચહેરા પર નો આનંદ મેં વાંચ્યો,કદાચ એ જ હશે શાશ્વત આનંદ.
🐈🐈🐈🐈🐈