Sunday, 5 September 2021

ટીચર બનવાનો ઉમંગ , ખૂબ મજાનાં બાળકો👌🌺🎈 કન્યા શાળા બાકરોલ આણંદ.


* રવિવારે શિક્ષક દિન હોઈ, શનિવારે અચાનક જ થયું કે લાવ આજે પ્રયત્ન કરી જોઉં. આ નાના નાના ટાબરિયાઓ ને વાત કરી જોઉં તો રવિવારનો દિવસે બાળશિબિરનું કામ હોઈ, આજે ઑનલાઇન શિક્ષકદિનની ઉજવણી થઈ જાય તો સારામાં સારું. આમ વિચારીને ધોરણ ૩ થી ૫ નાં બાળકોને શનિવારે સવારે, પ્રાર્થના પછી તરત  ક્લાસમાં આવીને કૉલ કરવા માંડ્યા.

* જે બાળકો નિયમીત ઑનલાઇન ક્લાસમાં જોડાય છે તેવાં બાળકોને કૉલ કર્યાં. બાકીના બાળકોને ગ્રુપમાં મેસેજ કર્યાં. જેથી શક્ય એટલાં વધું બાળકો જોડાય.

* પ્રથમ ધર્મિષ્ઠાને કૉલ કર્યો તે સૂતી હતી તેનાં મમ્મીએ વાત કરી. ટીચરનો કૉલ આવ્યો જાણીને ધર્મિષ્ઠા જાગી ગઈ. તેનાં મમ્મી મારી સાથે વાત કરતા હતા કે, " તેને ખેતરે જવાનું છે. તો કદાચ નહીં જોડાઈ શકે. " તરત જ મેં કહ્યું કે આજે અત્યારે જ ૧૦:૩૦ વાગે ઑનલાઇન ક્લાસ છે. બપોરના નથી. એટલામાં જ ધર્મિષ્ઠા બોલી , " મેમ હું ફટાફટ તૈયાર થઈ જાઉં છું. ચણિયાચોળી પહેરું છું. 


 * બીજાં નંબરે મેં રુહીનને કૉલ કર્યો. તેની મમ્મીએ તો મારી સાથે ખૂબ વાતો કરી. ૫મી સપ્ટેમ્બરે તો રુહીની બર્થડે છે તે પણ જણાવ્યું. હું એ વાત જાણી ખૂશ થઈ ગઈ. તેનાં મમ્મીએ પણ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો અને રુહીને તૈયાર કરી શાળાએ મોકલું છું તેમ જણાવ્યું. મેં કહ્યું , " શાળામાં નહીં, આપણ
 રોજ ઑનલાઇન ક્લાસ લઈએ છીએ તેમાં જ આવવાનું છે મતલબ ઑનલાઇન ટીચર ડે ની ઉજવણી કરવાની છે.  રુહીનના મમ્મીએ તેને તૈયાર કરી ઑનલાઇન ક્લાસ માટે સમયસર જોડાવાની વાત કરી. 

( આ છે અમારી રુહીન ખલીફા )

* આ જ રીતે તમામ બાળકોને કૉલ કરીને  ૧૦:૩૦ વાગે ઑનલાઇન ક્લાસ માટે તૈયાર થઈ જવા જણાવ્યું. ૯:૪૫ પછી તો બાળકોના કૉલ આવવા મોડ્યાં. મેડમ અમે તૈયાર થઈ ગયા છીએ. જોડાઈએ ? મેં બાળકોનાં લીધે લીંકના સમયમાં ફેરફાર કરીને ક્લાસ સમય કરતાં અડધો કલાક વહેલાં શરુ કર્યાં.

* બાળકોએ આજે ક્લાસ સંભાળી લીધા હતા. બાળકો સાડી, ચણિયાચોળી, ડ્રેસ અને નવાં કપડાં પહેરીને તૈયાર થયાં તે  સિવાય શૈક્ષણિક રીતે કોઈ જ તૈયારી નહીં. છતાં પણ બાળકોએ શીઘ્ર તૈયારી કરી ને કોઈએ વાર્તા કહી તો કોઇએ ગીતો ગાયા તો કોઈએ પાઠનું વાંચન કર્યું. બાળકોને ખૂબ મજા પડી. બાળકોએ તેઓના અનુભવો પણ કહ્યાં. 

* સૌએ રુહીને બર્થડે વિશ કર્યું. બર્થડે સોંગ ગાયું. રુહીને પણ સૌનો આભાર માન્યો.

* અંતે બાળકોને વાર્તા અને બાળગીતો સંભળાવ્યા. બાળકોને ખૂબ મજા આવી. 

ખરેખર કોઈ જ તૈયારી વિના આ ઢીંગલીઓએ દોઢ કલાક પૂરો કર્યો. નવાઈની વાત છે. બાળકોનો સહકાર અને ઉત્સાહ પ્રશંસનીય છે. 

બધાં જ બાળકોને નવાં કપડાં નાં ફોટા ગ્રુપમાં  શેર કરવા જણાવ્યું તો, બાળકોએ એક ને બદલે અનેક ફોટા શેર કર્યાં. કેટલો ઉત્સાહ હતો !!!! 

* પછી મને થયુ, કે જો શીઘ્ર આયોજન આટલું સફળ રહ્યું હોય તો વ્યવસ્થિત અગાઉથી આયોજન કર્યુ હોત તો કેટલું સુંદર હોત ! પણ આ વખતે ૨૪ વર્ષ પછી નાનાં બાળકોસાથે કામ કરવાનું અને તેમાંય નવી શાળા , નવા બાળકો .આ નાના બાળકો શું કરશે ? આમ વિચારીને અગાઉ વિચાર્યું નોતું પણ શનિવારે સવારે અચાનક થયું કે લાવ જોવું તો ખરી ? સારું આયોજન નહીં થાય તો બીજી વાર હું ને મારા બાળકો માટે કંઈક સારુ નવું શીખવા મળશે ? પણ આ બાળકો ??? જબરાં હોં....????
 મજાનાં બાળકો.




Wednesday, 1 September 2021

Congratulations 🌺 વ્રજુ 🌺 આટલું સુંદર વર્ણન ! કેમ કરી શક્યો ? તેનું રાજ જાણો.

 * ખરેખર ખૂબ જ આનંદ થયો બેટા ! ખૂબ જ પ્રગતિ કરો અને હજુ આગળ વધીશ તેવી આશા છે.પ્રાર્થનાછે. 
 * " પુત્રનાં લક્ષણ પારણાં માં " નાનપણથી જ તારી મહત્વકાંક્ષાઓને જાણતી હતી. પરંતું જ્યારે તું તારાં અભ્યાસનાં પુસ્તકોને વાંચવાના બાજુ પર રાખી, આઈ. કે. વીજળીવાળા અને બીજાં મારી પાસેથી ચર્ચા કરી અને મેળવેલાં પુસ્તકો વાંચતો, ત્યારે કદી એમ નોતું થયું કે શું કામ વધારાના પુસ્તકો વાંચે છે. તને પુસ્તકો પ્રિય હતાં માટે તું મને વધું પ્રિય હતો. કદાચ, સૌ પ્રથમ વાર તારી પાસેથી જ પુસ્તક મેળવીને મેં આઈ. કે. વીજળીવાળાને સૌ પ્રથમ વાર વાંચ્યા હતા. એવું ઘણું બધું હું તારી પાસેથી શીખી/ જાણ્યું.

  ( હા,, તેનાં બહોળા અને વિશાળ વાંચનને લીધે જ આટલું સુંદર વર્ણન કરી શકવામાં સફળ રહ્યો છે.)

 * ધોરણ ૧૨ માં ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરી , બિરલા વિશ્વકર્માં મહાવિદ્યાલયમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હૈદરાબાદ જોબ મેળવી પણ તેમાં સંતોષ ન રહેતાં ઘરે પાછો ફરી GPSC ની તૈયારીઓમાં લાગી ગયો. તે સમયે મને પણ થોડું એમ થયું કે, આમ કેમ કર્યુ હશે ? 

   પણ વિધિનું વિધાન તારા માટે કંઇક અલગ જ સર્જ્યું હતું. અને તારા મહેનતી સ્વભાવે અને દ્રઢ મનોબળે આજે તારા સફળતાના શિખરો સર કરાવી દીધાં. 

   ખરેખર ખૂબ જ ખુશી છે તારા નામની આગળ TDO. શ્રી વ્રજ પટેલ ,,,, વાંચી ખૂબ ખૂબ ગમ્યું. પરમકૃપાળુ પરમાત્મા તારી ખૂબ પ્રગતિ કરાવે, તમામ મનોકામનાઓ પૂર્ણ કરાવે. 🙏




    * ( વાંચો ,, હવે તેનું સુંદર લખાણ. ) 

માતાપિતાનાં આશીર્વાદ, ભગવાનની કૃપા અને અથાગ પરિશ્રમનું પરિણામ - GPSC ક્લાસ 1-2 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં TDO (Taluka Development Officer)ના પદ માટે પસંદગી.

આમ તો મેં દિવસ, રાત, સવાર, સાંજ, ઘરની અંદર, બહાર અને ઉંબરા પર પણ બેસીને તનતોડ મહેનત કરી જ છે, જેથી ભગવાન પાસે હિરણ્યકશ્યપ જેવાં કોઈ બહાના આપવાનો અવકાશ જ ના રહે, પરંતુ આમ છતાં આ પરિણામમાં મારો ફાળો એટલો જ છે જેટલો એક લોકશાહીમાં ચૂંટણી પ્રકિયાનો રહેતો હોય છે - ફક્ત પ્રાથમિક કક્ષાનો.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માત્ર ઉમેદવાર જ નહીં તેનો આખો પરિવાર કરતો હોય છે. વાંચનમાં ખલેલ ન પહોંચે તે માટે મમ્મી પપ્પા મ્યુટ પર ટીવી જોતાં! આપણા "રીતિ રિવાજ પ્રેમી" સમાજમાં લગભગ તમામ પ્રસંગોમાં મારી ગેરહાજરીનો સમાજનાં મહેણાં ટોણા સાંભળીને પણ તેઓએ બચાવ કર્યો છે. દાદી નાનીએ તો કોણ જાણે કેટલીયે માનતાઓ માનીને પરિણામ મારી તરફેણમાં લાવવા માટે દેવી દેવતાઓને ફરજ પાડી હશે.

અને ત્યાર બાદ મારા જીગરજાન મિત્રો. સૌપ્રથમ તો "મોટા માણસો યાદ પણ નથી કરતાં" જેવાં તીર મારી તરફ ન ફેંકીને સંયમ જાળવવા બદલ આભાર. મિત્રતા નિભાવવા માટે પ્રત્યક્ષ હાજરીની કોઈ જ આવશ્યકતા નથી તેની પ્રતીતિ કરાવનાર હાર્દિક - ગુજરાતીઓના ત્રીજા ગઢ સમા કેનેડાથી આ મિત્ર સાથે તડકા છાંયડાનો ભાગીદાર બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે, સાથે સાથે તેના માતા પિતા, માસી માસાથી લઈને સમગ્ર પરિવારની પ્રાર્થનાઓમાં સ્થાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નવરાશની પળોમાં ઝીલ, ગજેરા જેવા મિત્રો સાથે બ્રહ્માંડની ઉત્પતિથી અને ભગવાનના અસ્તિત્વથી લઈને પ્રિય પુસ્તકો અને ફિલ્મો વિશે કરેલી ચર્ચાઓ પણ એક રીતે સકારાત્મક અને રચનાત્મક અભિગમ કેળવવામાં ઉપયોગી રહી છે. મિત્રોની યાદી તો ઘણી લાંબી થશે, પરંતુ જો તમે આ વાંચી રહ્યા છો, તો આપણું મળવું પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે મને ઉપયોગી નીવડ્યું છે તેમ માની લેવું.
"ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખ દુઃખોની વાર્તા કે'તા બાથમાં ભીડી બાથ"

આમ તો આ ધન્યવાદ પોસ્ટમાં તમામ લોકોનો આભાર માનવાનો હોય, પરંતુ કદાચ ખુશીના આઘાતમાં કેટલાંક નામ ચુકી જવાયા હોય તો માફ કરજો. પરંતુ એક વર્ગ એવો છે જેને કદી ભૂલી ન શકાય - સમગ્ર શિક્ષકગણ, ખાસ કરીને મારી પ્રાથમિક - માધ્યમિક શાળા જ્ઞાનયજ્ઞ વિદ્યાલયનાં શિક્ષકો. ભણતરની સાથે ગણતર શીખવીને એક સર્વગ્રાહી વ્યક્તિત્વના વિકાસમાં આ શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે. નસીબજોગે વિજ્ઞાન પ્રવાહમાં પણ એવા શિક્ષકોનો સાથ મળ્યો જેમણે માત્ર બોર્ડની પરીક્ષા પૂરતું કેમેસ્ટ્રી ભણાવવાની સાથે જીવનની કેમેસ્ટ્રીમાં પણ સાતત્ય જળવાઈ રહે તે માટે વિશેષ ધ્યાન આપ્યું.

વર્ષો બાદ આટલું ટાઈપ કરીને થાકેલા મારા હાથ સંદેશ આપે છે કે પોસ્ટ થોડી લાંબી થઈ ગઈ હશે. જો આપ ધીરજ રાખીને અહીં સુધી પહોંચ્યા હો, તો આપનો પણ આભાર.

(માત્ર શાબ્દિક આભારથી અસંતુષ્ટ પાર્ટી ઇચ્છુક વાચકોને અંગતમાં સંપર્ક કરવા વિનંતી.)

Monday, 30 August 2021

માધવ ક્યાં નથી ?



' માધવ ક્યાંય નથી’ કૃતિમાં વ્યક્ત થતું પુરાકલ્પન

‘માધવ ક્યાંય નથી’ નવલકથા હરીન્દ્ર દવે કૃત ૧૯૭૦ માં લખાયેલી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણભક્તિ વહાવનારાઓમાં હરીન્દ્ર દવે આગળની હરોળમાં બેસે છે. તેમની આ નવલકથા એ કૃષ્ણને શોધતા ફરતા  નારદની એવી કથા છે જે વાચકને કૃષ્ણવિરહમાં તરબોળ કરી મૂકે છે. સમગ્ર કૃતિમાં નારદની કૃષ્ણની શોધ વર્ણવાઈ છે. કૃષ્ણની શોધ માટે તેની આસપાસના દરેક પાત્રોને જઈજઈને પૂછે છે કૃષ્ણ અહીયાં છે ? પરંતુ કૃષ્ણ અહીયાં છે ? પરતું માધવ ક્યાંય  નથી તેમ છતાં સમગ્ર કૃતિમાં માધવ ની સતત હાજરી અનુભવવાય છે. અહીયાં વ્યક્ત થતાં  પૂરાકલ્પનને તપાસીએ.

સૌ પ્રથમ નારદ બળારામ પાસે જાય છે બળારામ સમાધિમાં હોય તેમ બેઠા હતા. નારદે  તેમના મસ્તક પર હાથ મૂક્યો. તળાવમાં પણ ચેતન ન હતું. ‘બળારામ પોતાના શરીરમાંથી ખસી ગયા લાગે છે.’ નારદ, મનોમન બોલ્યા: ‘બળારામ અત્યારે ક્યાં હશે?’ મૃત્યુ એ સોપો બોલાવી દીધો હતો; કશું જ બચ્યુ ન હતું. નારદે ચમકીને પોતાના હદય પર હાથ મૂકી જોયો! પોતે તો હજી જીવે છે ને? ત્યારપછી એક વૃક્ષની નીચે એક સ્ત્રી બેઠી હતી. તેને નારદે પૂછ્યું : ‘બહેન, તું કોણ છે? અહીં કેમ બેઠી છે? એને કહ્યું, ‘પેલું મોટું ગીધ જેની આંખ ટોચે છે તેની હું પુત્રી છું… પેલાં ચાર ગીધો મળી જેના દેહને માણે છે એની હું બહેન છું અને….. ત્યાં જેનો દેહ ઓળખાય નહિ એવો વરવો થઈને પડ્યો છે એની હું પત્ની છું…. અને મારા ઉદરમાં અત્યારે ઝીણું ઝીણું રુદન કરી રહેલા ન જન્મેલા સંતાનની હું માતા છું….’ નારદે આવી સ્ત્રીને પુછાય કે ન પુછાય એનો વિવેક જાળવ્યા વિના તેમને પૂછ્યું, ‘કૃષ્ણ ક્યાં છે, એ તમને ખબર છે? એ યુવતી ફિક્કું હસી. એ બોલી, ‘કૃષ્ણ અહીં ક્યાંય નથી, આ શબોનાં મૃત્યુમાં પણ કૃષ્ણ નથી, આ જીવતાં ગીધોમાં પણ કૃષ્ણ નથી….

નારદની અકળામણનો પાર ન હતો. પોતે રડી શકતા નથી એનું સૌથી વધુ દુ:ખ નારદ આ ક્ષણે અનુભવી રહયા હતા. પણ પછી તેઓ સ્વસ્થ થઈ જ્યાં કૃષ્ણ હોય તે દિશામાં ચાલવા લાગ્યા. અચાનક તેમની નજર બે માણસો પર પડી. તેમાં જાણે કૃષ્ણનું જ બીજું રૂપ હોય એવો ઉદ્ઘવ હતો, બીજો કૃષ્ણનો સારથિ દારૂક હતો. નારદે પૂછ્યું ‘કૃષ્ણ ક્યાં છે ઉદ્ઘવ? આ બધું શું થઈ ગયું?’ ‘સ્વસ્થ થાઓ દેવર્ષિ, આપણે કૃષ્ણ પાસે જ જઇએ છીએ…. અથવા કહો કે આપણે કૃષ્ણથી દૂર જઈએ છીએ….’ ઉદ્ઘવે કહ્યું. નારદ કશું સમજી શક્યા નહી.’ મારી ઉત્સુકતા હવે વધતી જાય છે. મારી આંખો જેને જીવનભર તલસતી રહી છે એ રૂપથી હવે મને વધારે વખત અળગો ન રાખ, ઉદ્ઘવ ! મને જલદી કૃષ્ણ પાસે લઈ જા…. કૃષ્ણએ હમેશાં એક વાત કહી છે – એ રૂપમાં કૃષ્ણ નથી, કૃષ્ણ વ્રજની ગાયોનાં નેત્રમાં વસે છે, યમુનાના શ્યામ વહેણમાં વસે છે, દ્રારીકાના હદયમાં વસે છે, તમારી વીણાનાં કંપનોમાં વસે છે. જો ત્યાં કૃષ્ણ ના હોય તો એ ક્યાંય નથી! અને ત્યાં કૃષ્ણ હોય તો કૃષ્ણ ન હોય એવું, સ્થાન કોઈ કાળેય કલ્પી શકાય ખરું? જેમ જેમ કૃષ્ણ મીલનનું સ્થળ નજીક આવતું જાય છે. તેમ તેમ ઉદ્ઘવની વાતો કેમે કરી નારદને સમજાતી નથી

ઉદ્ઘવ નારદને સમજાવે છે. ‘નારદ, તમારાં પરિભ્રમણોમાં કૃષ્ણ જીવે છે. તમે કૃષ્ણને જોવા માટે મથુરાના કારાગૃહે ગયા, વૃંદાવનમાં ગયા, ગિરિવ્રજ ગયા, ઇન્દ્ર્પ્રસ્થ ગયા, હસ્તિનાપુર ગયા, દ્રારકા ગયા, કામ્યક વનમાં ઘૂમ્યા. તમારી આ બધી યાત્રામાં કૃષ્ણ હમેશાં જીવતા રહેશે, યુગો પછી પણ કોઈક ભક્ત કે કોઈક કવિ એને યાદ કરશે અને કૃષ્ણની મળવા માટે તમે જે યાતના વેઠી  હતી, એ યાતના કૃષ્ણ પાસે માગશે. એ કૃષ્ણની પૂજા કરવા બેસશે ત્યારે નંદ – યશોદાની વેદના, ગોપીનો વિરહ અને નારદના તલસાટનું વરદાન ઝંખશે. ઉદ્ઘવે કહ્યું: ‘દેવર્ષિ, તમારે કૃષ્ણને મળવું છે ને ?’ ‘હા’ નારદે અધીરાઇથી કહ્યું. ‘જુઓ, સામે રહ્યા કૃષ્ણ ! ‘ઉદ્ઘવે આંગળી ચીંધી. નારદે એ દિશામાં ર્દ્ષ્ટિ કરી. અશ્ર્વત્થની નીચે એક માટીનો ઓટલો હતો. તેના પર કૃષ્ણ બેઠા હતા, એમનો એક પગ ભૂમિને સ્પર્શતો હતો, બીજો પગ વાળેલો હતો. દૂરથી જોતા, તેમનાં નેત્રો મીંચાયેલા હોય એમ લાગતું હતું અને કોઈક ચમકતી લકીર કૃષ્ણના દર્શનની વચ્ચે અવરધો રચતી હોય એવું લાગતું હતું. નારદ દોડ્યા! એ ચમકતી લકીરના અવરોધને હટાવી દેવા તીવ્રપણે ઝંખતા હતા. કૃષ્ણના હોઠ પર એક મધુર સ્મિત હતું, એમના ચહેરા પર પ્રગાઢ શાંતિ હતી…. જેમ નજીક આવતા ગયા, એમ એ શાંતિનાં સઘન વાતાવરણમાં પ્રવેશી રહ્યા હોય એવો અનુભવ નારદ કરી રહ્યા. કૃષ્ણના ચરણોમાં મસ્તક નમાવી દીધું ત્યારે મસ્તક પર ઉષ્ણ બિંદુઓ પડવાથી નારદે જોયું તો કૃષ્ણના પગની પાનીમાંથી હાથની હથેળી વીંધી હદય સુધી એક ચમકતું બાણ ભોંકાયેલું હતું, અને એમાથી રુધિર ઝમી રહ્યું હતું.

નારદ ચીસ પાડી ઊઠે છે ‘કૃષ્ણ…. કૃષ્ણ…..’ નારદના મનમાં ખળભળાટ મચી ગયો. એમની આંખો સામે, ક્ષણમાં કૃષ્ણનાં બંધ નેત્રો, તો ક્ષણમાં રક્તઝરતું હદય, તો ક્ષણમાં હોઠ પરનું સ્મિત અને વદન પરની પ્રગાઢ શાંતિ નારદ આ સ્વરૂપથી અકળાઈ ઊઠે છે. ઉદ્ઘવનો અવાજ જાણે યુગોની પારથી સંભળાતો હોય એમ તૂટક તૂટક સંભળાતો હતો: ‘નારદ કૃષ્ણ તમારાં પરિભ્રમણોમાં જીવે છે. યુગોયુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણ ને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે અને એથીય વધારે તો તમારી હદયવીણાનાં સ્પંદનોમાં શોધશે.

આમ સમગ્ર કૃતિમાં નારદની કૃષ્ણશોધ વર્ણવાઇ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણશોધ બની રહે છે. પુરાકલ્પનનો આવો સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે. દરેક સંવાદમાં વાચકને એમ થશે કે હમણાં કૃષ્ણદર્શન થશે પણ પછી તરત જ કૃષ્ણ ત્યાં નથી એવું જાણવા મળે છે. કૃષ્ણ ક્યાંય નથી છતાં બધે જ છે એવું સમજાય છે. નારદ કૃષ્ણને બધે જ શોધે છે પરતું દરેક જગ્યાએ કૃષ્ણનો મેળાપ થતા થતા રહી જાય છે. ‘માધવ ક્યાંય નથી’ કૃતિમાં હરીન્દ્ર દવેએ કૃષ્ણના પાત્રને પુરકલ્પનની રીતે યોગ્ય નિરૂપ્યું છે. અને કૃષ્ણની આસપાસની દરેક વ્યક્તિને નારદ મળે છે અને કૃષ્ણ વિશે પૂછે છે ત્યારે નારદને ‘અહીયાં નથી ત્યાં છે’ એવો જવાબ મળે છે. અને નકારમાં હકાર સૂચવાય છે. હરીન્દ્ર દવેનું આ જ ભાવને વ્યક્ત કરતું એક ઉર્મિગાન “માધવ ક્યાંય નથી મધુવનમાં !”. કાવ્યની પંક્તિ જોઈએ.

        “માધવ ક્યાંય નથી મધુવનમાં !
માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વહે ગુંજનમાં….. માધવ ક્યાંય નથી.”

અહીં  ફૂલ ભમરાને કહે છે અને ભમરો તેના ગુંજનમાં કહે છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં ફૂલ અને ભમરાના સંવાદનું સુંદર ચિત્ર આલેખાયું છે. આખી કવિતામાં કાવ્યમાં આવતાં પાત્રો ઢ્રારા  કૃષ્ણવિરહની વેદના પ્રગટ થાય છે. કૃષ્ણ વિરહનું આ ગાન ખરેખર તો સ્મૃતિદંશની વેદનાનું કાવ્ય છે. પરંતુ છેલ્લે કહેવાનું મન થાય છે કે આટઆટલા પડઘા પાડતી “માધવ ક્યાંય નથી” વાળી વાત એ રીતે રજૂ થઈ કે માધવ ન હોવાની વેદના ચારે બાજુ ફેલાઇ જઈને માધવની સતત હાજરીનો અનુભવ કરાવી જાય છે !

આવું જ આપણી કૃતિમાં માધવનું કેન્દ્ર સ્થાન છે. સમગ્ર કૃતિમાં કૃષ્ણ ક્યાંય નથી . નારદ દ્વારા તેની શોધ કરાઈ છે ઉદ્ઘવ કહે છે કે કૃષ્ણ દરેક જગ્યાએ છે રાધાના વિરહમાં , યશોદાના વહાલમાં , દેવકીની વાત્સલ્યમાં અને એથીય વધારે તમારી હદયવીણનાં સ્પદનોમાં આમ કૃષ્ણ ન હોવા છતાં તેની સતત હાજરી નો અનુભવ થાય છે અને એટલે જ કહેવું પડે છે કે આ કૃતિનું કેન્દ્ર જાણે “માધવ ક્યાંય નથી !” માંથી ખસીને “માધવ ક્યાં નથી !!” એવું બોલાવી દે છે.

Tuesday, 3 August 2021

osho

*समस्त जगत के प्रति मंगल की भावना*
*आपको भीतर के हर द्वंद और संघर्ष से मुक्त करती है।*

*जिन लोगो ने कभी जीवन को जाना या कभी भी कोई जीवन को जानेगा, तो एक बहुत कीमती बहमूल्य सूत्र उसे दिखाई पड़ेगा।* और वह यह कि अगर मैं सारे जगत को प्रेम कर सकूं, तो जगत से मेरे सारे द्वंद, मेरे सारे संघर्ष विलीन हो जाएंगे। दूसरे व्यक्ति से मेरे संघर्ष की शरुआत वहां है जहां दूसरे व्यक्ति से मेरा प्रेम कम पड़ जाता है। जब भी हम जगत से प्रेम के अलावा किसी दूसरी चीज से संबंधित होते है, तभी जगत एक उपद्रव, तभी जगत एक संघर्ष और कलह का रूप ले लेता है। जब भी मैं प्रेम के अतिरिक्त किसी और मार्ग से किसी भी व्यक्ति से संबंधित हो जाऊंगा, तभी मेरे भीतर वे संबंध अनेक प्रकार के द्वंद, अनेक प्रकार के उत्ताप, अनेक प्रकार की कलह को, अनेक प्रकार के मानसिक संघर्ष और तनाव को पैदा करेंगें।  मनुष्य के भीतर धृणा से ज्यादा, हिंसा से ज्यादा क्रोध से ज्यादा और कोई चीज द्वंद और कोई चीज द्वंद और धुंए को पैदा नहीं करती।

*जीन लोगों को सत्य को जानना हो, जिन लोगों को निज सत्ता को अनुभव करना हो, या जिन्हें पदार्थ के पार के अदृश्य लोग की अनुभूति में प्रतिष्ठित होना हो, उनके लिए प्रेम के अतिरिक्त और कोई मार्ग नहीं है।*

ओशो
प्रेम को प्रार्थना बनाओ

Saturday, 31 July 2021

આખા ગામમાં પાની પાની.


    હું  તો ખૂબ જ નાની હતી. વરસાદમાં પાણી ભરાયા હોય ત્યાં તો બરાબર ચાલતાં પણ ન ફાવે. એવે સમયે રજાના દિવસે પપ્પા મને ઊંચકીને વરસાદ જોવા અને ગામની વાત્રક નદી પર બાંધેલા પુલ પર પાણી જોવા લઈ જતાં. 

   હજુ પણ મને એ ખબર નહીં, પરંતુ અમારાં ત્રણેય ભાઈ બહેનમાં, પપ્પા મને જ પાણી જોવા લઈ જતાં. પપ્પાને હું ખૂબ જ વહાલી. આમ પણ દીકરી બાપને વધારે વહાલી હોય જ. 

  પપ્પા વરસાદ જોવા લઈ જાય. હાથમાં કાળા કલરની મોટી છત્રી, પગે ચોમાસાના ચંપલ પહેરીને અને શર્ટની નીચે લેંઘો પહેરે જે ઊંચે ઢીંચણ નીચે સુધી વાળેલો રાખે. અને ચાલતાં નીકળી પડીએ. ઘણાં વર્ષો પહેલાં ટુ વ્હીલર પણ ઓછા. પપ્પાને એક સાઇકલ હતી, તેનો પણ ઓછો ઉપયોગ કરે. 

    રસ્તામાં વાતો કરતાં કરતાં જઈએ. ચાલુ વરસાદ હોય. કોટનના કાળા કાપડની છત્રીમાંથી ક્યારેક વધારે વરસાદ પડતો હોય તો, ઝીણાં ઝીણાં છાંટા છત્રીમાંથી અમને પલાળે. પપ્પા ઉપર આકાશમાં વાદળ બતાવે જેને લીધે અંધારું છવાયેલું હોય, નીચે તરફ ગંદુ પાણી વહ્યું જતું હોય તે ડહોરીને જવાનું, ક્યારેક વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતો હોય અને વૃક્ષો અને તેની ડાળખીઓ પવનમાં વીંઝાતા હોય, કેટલીક જગ્યાએ તો વૃક્ષો પડી ગયા હોય, નદી નાળાં પાણીથી ભરાઈ ગયા હોય જેમાં પપ્પા માછલી અને મગર બતાવે. પુલ પરથી ઊભાં રહીને ધસમસતી નદી વહેતી જોવાનો અનેરો આનંદ સાથે ઊંચેથી પાણી જોવાનો ડર પણ લાગે. પણ પપ્પા સાથે હોય એટલે આપણે બાદશાહ ! કદી પોતે ડરે નહીં અને ડરવાની તો વાત જ નહીં. 

     પપ્પાએ મને ઊંચકી હોય, સાથે છત્રી પણ પકડી હોય. બધે ખૂબ પાણી ભરાયાં હોય અને તેમાં ચાલતાં ચાલતાં જવાનું હોય. છતાં પણ હું ને પપ્પા ખૂશ જ ખૂશ. પપ્પા ચાલતાં ચાલતાં મારી સાથે ખૂબ વાતો કરી. બધુ અવનવું બતાવે. અને ક્યારેક તો ગીતો ગાતા ગાતા મને લઈ જાય. અને એ ગીત કેવું ? વરસાદી ગીત અને એ પણ પપ્પાનું સ્વરચિત. પપ્પા ગાય અને હું ગાઉં. 

હું ને મારા પપ્પા : અમારું વર્ષાગીત.

" પપ્પા : બેટા ! આખા ગામમાં .....

હું : અછાદ અછાદ ...( વરસાદ વરસાદ )

પપ્પા : આખા ગામમાં 

હું : પાની પાની ( પાણી પાણી ) 

પપ્પા : આખા ગામમાં ...

હું : તાદવ તાદવ. ( કાદવ કાદવ )

પપ્પા : આખા ગામમાં...

હું : તિચડ તિચડ. " ( કિચડ કિચડ )


      અમે આ ગીત અવશ્ય ગાતાં. ખબર નહીં, ક્યારે મને આ શીખવ્યું હશે. પણ મને આ રીતે વરસાદમાં ગાવાની ખૂબ જ મજા આવતી. હજૂ પણ એ બાળપણના દિવસો યાદ આવે છે. એ ચોમાસું, એ છત્રી, એ રસ્તા, રોડ પરનું ગંદુ ડહોળાયેલું પાણી, એ ગાંડતુર બનેલી વાત્રક નદી, નદી ઉપરનો પુલ, અને ખાસ તો ..એ ગીત.

Sunday, 4 July 2021

મેડમ ! યોગના ફોટા મોકલું ?🙂🧘 Happy Yoga Day 🧘

   
   * આ વર્ષે યોગ દિવસ પર ત્રણેય વર્ગનાં બાળકોને સૂચના આપી કે, " વ્હાલાં બાળકો , આજે વિશ્વ યોગ દિવસ છે. તો બધાએ યોગ કરવાના છે. અને યોગ કરતાં ફોટા પણ મોકલાવવાના છે. " મારા માટે આ નવી શાળા. બાળકો કેટલો સહકાર આપશે તે કંઈ ખબર જ નહીં. બપોર સુધી કોઈનો પણ ફોટો ન આવ્યો. ફરીથી પાછું ત્રણેય ગ્રુપમાં મેસેજ મોકલ્યો. સાથે સાથે ઓડિયો મેસેજ પણ ત્રણેય ગ્રુપમાં શેર કર્યો. સાંજ સુધીમાં બે બાળાઓએ ખૂબ જ સુંદર ફોટા મોકલ્યા.

      * ધોરણ :૫ ની ધર્મિશ્ઠાએ તો  સરસ યોગાસનો કર્યા. તેનાં સુંદર ફોટાનું  મેં કોલાજ કર્યુ અને ફરીથી મેસેજ કર્યો કે, જૂવો બાળકો, આ ધર્મિષ્ઠાએ કેટલા સરસ યોગા કર્યાં છે. એ પછી તો બીજા ત્રણ - ચાર બાળકોએ યોગ કરતાં ફોટા મોકલ્યા. ખૂબ જ સરસ કામ કર્યુ. 


        બાળાઓ જે સૂચના મોકલીએ તે મૂજબ કામ કરે છે. ભલે બધાં નથી કરી શકતા. બધાંને પણ કરવું હોય છે, પણ તેઓની પાસે મોબાઇલ હોતો નથી. તેઓના વાલી દિવસ દરમ્યાન મોબાઇલ પોતાની સાથે લઈ ગયા હોય છે. આવા સમયે બાળકો અને શિક્ષકો શું કરે ? જેટલું અને જેવું કામ થાય, જેટલાં બાળકો કામ કરે  તેટલાથી સંતોષ માનવો પડે. અત્યારે સમય જ કેવો છે ! બાકીના બાળકો માટે અન્ય રીતે પ્રયત્નો કરવા પડે. પણ ત્યાં સુધીમાં કદાચ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય છે. આ કોરોનાકાળમાંં સૌની હાલત કફોળી થઈ ગઈ છે.

    આ સમયે એક ગીતની પંકિત યાદ આવે છે:

   क्या करे ! कया न करें ये कैसी मुश्किल हाय !
कोई तो बताओ उसका हल ओ मेरे भाई !!!!

     અરે ! હા,,, મૂળ વાત પર પાછા આવી જઇએ. 

     બીજા દિવસે  મારે  ધોરણ - ૩માં ઑનલાઇન ક્લાસ હતો. ક્લાસમાં એક જ મોબાઈલમાં બે દીકરીઓ જોડાઈ હતી. ઑનલાઇન ક્લાસ પૂરા થયા પછી, આલિયા  એકદમ ટહુકી , મેડમ !!! મેં કહ્યું , બોલો બેટા ! શું થયું ? આલિયાએ જવાબ આપ્યો,' મેડમ મારા યોગ કરતાં ફોટા મોકલું ? '  ' હા , હા , મોકલો બેટા !  ' , મેં કહ્યું. તેના અવાજમાં ઉત્સાહ હતો. 

       સાંજે ફોટા આવ્યા. ફોટા જોઈને લાગ્યું કે, ખરેખર તેણે ખૂબ જ મહેનત કરી છે. પરાણે યોગા તો કર્યાં, આસનો કરવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો તે ફોટા પરથી જણાઈ આવ્યું છે.  અને હા, આ ફોટા ટિચરને મોકલવાના હોઈ કેટલો અદમ્ય ઉત્સાહ !!!!

 ખરેખર નાના બાળકો ઈશ્વરનું સ્વરૂપ હોય છે. અહીં બાળકો સાથેનો ખુબ જ ઓછો પરિચય છે. પણ બાળકો ખૂબ જ એક્ટિવ છે. બાળકોને કંઇક નવું  કરવું હોય છે.

      હવે તો જલ્દી બાળકોને મળવાનું થાય. બહું થયું ! હે પ્રભુ ! આ કોરોનાનું  કંઇક કરો, તો આપના સ્વરૂપ સમા નિર્દોષ બાળકો સાથે ઘણું બધું રમવું છે, ઘણી બધી વાતો કરવી છે. બાળકોને કંઇક નવું નવું શીખવવું છે અને બાળકો પાસેથી કંઈક  નવું  જાણવું છે, શીખવું છે.


 

Saturday, 26 June 2021

📚" ઈકિગાઈ "📚


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺નાનો અને સુંદર ફક્ત ચાર અક્ષરોનો જાપાનીઝ શબ્દ એટલે "ઈકીગાઈ", જેટલો બોલવામાં મીઠો લાગે છે એથી પણ વધુ મીઠો એનો અર્થ છે. ખ્યાતનામ લેખકો "હેકટર ગાર્સીયા" અને "ફ્રાન્સેસ્ક મીરાલેસ" નું પુસ્તક "ઈકીગાઈ" એટલે જીવનમાં ઈચ્છવા જેવું - જીવનનું લક્ષ્ય ધ્યેય, પુસ્તકમાં લેખકોએ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય લખ્યું છે.

જાપાનીઝ ભાષામાં 'રીટાયર' શબ્દજ નથી.આ પુસ્તકમા જીવનનું ધ્યેય કેવી રીતે ગોતવું, લાબું અને સાર્થક જીવન જીવવા માટે શું શું કરવું? આહાર -વિહાર વગેરેનો સીધો સટ ઉલ્લેખ કરેલ છે એટલે પુસ્તક પણ એના નામ મુજબજ નાનું પણ સંપૂર્ણ છે એકજ બેઠક માં સામાન્ય વાંચક પૂરું કરી નાખે એટલું સરળ છે. જાપાનીઝ લોકોની સરેરાશ આયુ પૃથ્વીમાં સૌથી વધુ છે, એમાય જાપાન ના ઓકિનાવા પ્રદેશના લોકોની સરેરાશ આયુ સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ છે, શું કામ? એ જાણવા વાંચી જાવ પુસ્તક. આવી વિશ્વમાં સર્વોચ્ચ આયુ વાળા વ્યક્તિઓના સાક્ષાતકાર એની જીવન શૈલીનું પણ વર્ણન છે. ઉપરાંત વિકટર ફ્રેન્કલ ની પ્રસિદ્ધ લોગો થેરાપી, સાઈકો થેરાપી બન્ને વચ્ચે નો તફાવત સાથે એનું મહત્વ, ચીનની તાઈ ચી, ભારતીય યોગ, FLOW -પ્રવાહ મા કેમ રહેવું એનું સરળ ને સીધું વર્ણન કરેલ છે.

માણસ સૌથી વધુ નહી પણ સૌથી સરસ કામ કયારે કરી શકે ? જયારે એ FLOW -પ્રવાહમાં હોય ત્યારે. આ FLOW કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની વિધીનુ વર્ણન છે. મોટા ભાગના માણસો નિષ્ફ્ળ જાય છે એનું કારણ ફકત એના પ્રયાસ કે સંઘર્ષમાં કચાશ જ નથી હોતી પણ પોતાના ઈકીગાઈ નું અજ્ઞાન હોય છે. જો એકવાર તમને તમારા ઈકીગાઈની ખબર પડી જાય તો 70% જંગ એમનામ જ જીતી જશો. આ વાત ફક્ત મારા આ લખાણ પરથી નહી સમજાય, એ માટે પુસ્તક વાંચવું જ ઉત્તમ રહેશે.

તમે જીવનના કોઈ પણ ક્ષેત્રે હોવ વિદ્યાર્થી હોવ કે વ્યવસાયી, કોઈ પણ દેશમાં રહેતા હોવ તમારા માટે આ પુસ્તક જરૂર ઉપયોગી નીવડશે. કેવીરીતે અને શા માટે ? જવાબ છે કેમકે એ ઈકીગાઈ છે. દરેકનું ઈકીગાઈ અલગ હોવાનું, શ્રી કૃષ્ણની ભાષામાં કહીએ તો "સ્વધર્મ". આપણો સ્વધર્મ ઈકીગાઈ ગોતવાનો છે.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


#ઇકીગાઈ #

જીવનને સુખી બનાવવા માટેનું જાપાનીઝ રહસ્ય.

તમારી જાતને ક્યારેય પૂછ્યું છે ખરું કે...

ક્યાં ગઈ મારી ઇકીગાઈ ??

વાંચો "શિશિર રામાવત" સરે લખેલો સુપર્બ આર્ટીકલ.

              'સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત, પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.' ::- 

બે લેખક દોસ્તારો. એક રહે સ્પેનનાં બાર્સીલોના શહેરમાં ને બીજો રહે જપાની શહેર ટોકિયોમાં. બન્ને એકબીજાનાં કામથી પરિચિત, પણ મળવાનું ભાગ્યે જ બને. આખરે એક દિવસ એમનો મેળાપ થયો. બન્ને વાતોએ વળગ્યા. સાઇકોલૉજી, વેસ્ટર્ન ફિલોસૉફી વગેરેની ચર્ચા થઈ. વાતવાતમાં એક જપાની શબ્દ ઊભર્યોઃ ઇકીગાઈ. આ શબ્દનો અર્થ થાય છે, હંમેશાં સક્રિય રહેવાનો આનંદ. બીજા શબ્દોમાં કહીએ તો, જીવનનો ઉદ્દેશ યા તો પછી સુખી જીવન જીવવાની ચાવી.


જપાનીઓ સામાન્યપણે લાંબું જીવે છે તે આપણે જાણીએ છીએ. દક્ષિણ જપાનમાં ઓકિનાવા નામનો નાના નાના ટાપુઓનો એક સમૂહ છે. કુલ વસ્તી હશે 14.5 લાખ જેટલી. અહીં વસતા દર સો માણસોમાંથી 24 વ્યક્તિઓની ઉંમર સો વર્ષ કરતાં વધારે છે! દુનિયાના કોઈ પણ હિસ્સા કરતાં આ ઓકિનાવાના નાગરિકોની સરેરાશ ઉંમર વધારે છે. આનું કારણ શું? આ પ્રશ્નનો ઉત્તર શોધવા ઘણાં સંશોધનો થયાં છે. સાદું તારણ એવું નીકળ્યું છે કે પૌષ્ટિક ખાણીપીણી, સરળ જીવન, સમૂહમાં હળીમળીને રહેવાની વૃત્તિ અને સારું હવામાન – આ છે એમના લાંબા અને સુખી જીવનનું રાઝ.


આ બન્ને લેખકોને થયું કે એમ નહીં, આપણે આ વિષયમાં વધારે ઊંડા ઊતરીએ. તેમણે પ્લાન ઘડી કાઢ્યો. ડાયરી-પેન અને કૅમેરા લઈને તેઓ ઓકિનાવા પહોંચી ગયા. સો વર્ષ વટાવી ચુકેલાં સો તંદુરસ્ત સ્ત્રી-પુરુષોના તેમણે લાંબા ઇન્ટરવ્યુ કર્યા. સૌને પૂછ્યું કે તમારા દીર્ઘ અને સુખી જીવનનું રહસ્ય શું છે? ગામમાં ઉત્સવ જેવો માહોલ થઈ ગયો. લેખકોએ જોયું કે આ તમામ સુપર સિનિયરો ખુશખુશાલ છે. બધા ખૂબ હસમુખા અને હૂંફાળા છે, સતત ખુદની અને એકમેકની મજાક કર્યા કરે છે. તેમનામાંથી જાણે કે ક્યારેય ન ખતમ થતા આનંદનો અખૂટ ઝરો વહે છે. જાણે કે તેઓ કશુંક ‘ભાળી’ ગયા છે.


જે સો લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા તે તમામેતમામ ઘરમાં શાકભાજી ઊગાડતાં હતા. સૌ કોઈને કોઈ સામાજિક મંડળ કે મિત્રમંડળના સભ્ય હતા, સામાજિક સ્તરે એક્ટિવ હતા. આ સોશિયલ ગ્રુપ્સમાં એમને પરિવાર જેવી જ હૂંફનો અનુભવ થતો હતો. તેઓ હંમેશાં સેલિબ્રેટ કર્યા કરતા. કાં કોઈનો બર્થડે હોય, કાં કોઈક તહેવાર હોય. તેમનું નાચવા-ગાવાનું ચાલતું જ હોય. સંગીત અને નાચગાના જાણે કે એમના દૈનિક જીવનનો એક ભાગ બની ગયો હતો. નાનામાં નાનું કામ પણ તેઓ ખૂબ ઉમંગથી કરે. તેમને પોતાના કલ્ચર અને પરંપરાઓ પ્રત્યે ખૂબ માન. મજાની વાત એ છે કે કોઈ નિષ્ક્રિય ન બેસે. તેઓ તમને સતત બિઝી દેખાય.


સૌની સાથે વાતચીત કરીને, જે કંઈ સામગ્રી મળી એનું વ્યવસ્થિત સંપાદન કરીને વિક્ટર ગાર્શિયા અને ફ્રાન્સિસ મિરેલ્સ નામના આ લેખકોએ સંયુક્તપણે એક અંગ્રેજી પુસ્તક લખ્યુઃ ‘ઇકીગાઈઃ ધ જપાનીઝ સિક્રેટ ટુ અ લોન્ગ એન્ડ હૅપી લાઇફ’. 


જીવનમાં માત્ર વર્ષો ઉમેરતાં જવાનો કશો મતલબ હોતો નથી. આપણે વધારે જીવીએ, પણ દુખી થઈને જીવીએ, બીમાર થઈને જીવીએ, પરિવાર પર બોજ બનીને જીવીએ તો તેમાં કશો અર્થ નથી. તન-મન પૂરેપૂરાં સુખી અને સ્વસ્થ હોય તો જ દીર્ઘ આયુષ્ય સાર્થક બને. તો શું છે લાંબી અને આનંદપૂર્ણ જિંદગી જીવવાનું રહસ્ય? આ રહી પુસ્તકમાં ઠેર ઠેર વેરાયેલી ટિપ્સ. હવે પછીના શબ્દો ઓકિનાવાના અલગ અલગ સુપર સિનિયર સિટીઝનના છે. નામનું મહત્ત્વ નથી. તેઓ શું કહે છે તે ધ્યાનથી સાંભળોઃ  

              

- - સુખી અને દીર્ઘ આયુષ્યનું રહસ્ય છે, ચિંતા નહીં કરવાની. મનથી, દિલથી યુવાન રહેવાનું. બુઢા જેવા વિચારો કે લાગણીઓને નજીક ફરકવા પણ નહીં દેવાની. ખડૂસ નહીં બનો. કોઈની પણ સાથે વાત કરો તો દિલથી વાત કરો, ચહેરા પર સ્મિત લાવીને વાત કરો. જો તમે હસમુખા હશો તો તમારા પૌત્રો, પ્રપૌત્રો સહિત સૌ કોઈના પ્રિય બની શકશો.


- - અજંપો જેવું લાગતું હોય, મન ઊચ્ચક થઈ ગયું હોય તો તેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, ઘરમાંથી બહાર નીકળીને શેરીમાં આવી જાઓ. આવતા-જતાં સૌ કોઈને ‘કેમ છો? મજામાં?’ કહો. સૌ સાથે હળોમળો. હું આવું રોજ કરું છું. પછી ઘરે આવીને મેં ઊગાડેલા શાકભાજી અને ફળફળાદિની સારસંભાળ લઉં છું. બપોરે મારા દોસ્તારો સાથે સમય પસાર કરું છું.


- - હું રોજ સવારે છ વાગે ઊઠીને પહેલું કામ બારીનો પડદો હડસેલી મારા બગીચામાં નજર ફેરવવાનું કરું છું. પછી બહાર જઈ છોડવાઓને પાણી પાઉં છું. બગીચામાં એક કલાક પસાર કરું એટલે હું રિલેક્સ થઈ જાઉં. પછી હું ઘરમાં જઈ મારા માટે સવારનો નાસ્તો તૈયાર કરું.


- - મોટી ઉંમરે દિમાગ સતેજ રાખવાની ચાવી તમારી આંગળીઓમાં છે. યાદ રાખો, તમારી આંગળીઓ અને મગજ વચ્ચે સીધો સંબંધ છે. જ્યાં સુધી તમારી આંગળીઓ એટલે કે હાથ ચાલતા રહેશે ત્યાં સુધી તમારાં તન-મનની ચુસ્તીદુરસ્તી જળવાઈ રહેશે.


- - હું રોજ સવારે ચાર વાગે એલાર્મ વાગતાં જ ઉઠી જાઉં છું. પછી કૉફી બનાવીને પીઉં, હાથ ઊંચાનીચા કરું, બીજી કસરત કરું. આમ કરવાથી મારામાં આખો દિવસ એક્ટિવ રહેવાની એનર્જી આવી જાય છે.      

- - કામ કરો, કામ કરો, કામ કરો. જો તમે એક્ટિવ નહીં રહો તો તમારું શરીર અને મન, બન્ને તંત્ર ખોરવાઈ જશે.


- - હું રોજ સવારે ઉઠીને મારા બાપ-દાદાઓની તસવીરો સામે અગરબત્તી કરું છું. તમારે તમારા પૂર્વજોને ક્યારેય ભુલવા ન જોઈએ. દિવસમાં પહેલું કામ હું એમના પ્રત્યે કૃતાર્થતા વ્યક્ત કરવાનું કરું છું.


- - હું રોજ સવારે ઘરમાં એક્સરસાઇઝ કરું છું. થોડુંક ચાલવા પણ જાઉં છું.


- - શાકભાજી ખાઓ. મને લાગે છે કે મારા દીર્ઘાયુષનું આ જ રહસ્ય છે.  


- - સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત, પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.


- - મારા જીવનનો સૌથી મોટો ઉદ્દેશ જ આ છે – દોસ્તો સાથે સમય વીતાવવો. અમે બધા રોજ ભેગા થઈને દુનિયાભરની વાતો કરીએ છીએ. મને ખબર હોય છે કે આ બધા મને રોજ મળવાના છે. મારા જીવનનો આ સૌથી મોટો સધિયારો છે.


- - તમે જેમને ચાહતા હો તે સ્વજનો અને પ્રિયજનો સાથે રોજ વાતચીત કરવી – આ છે દીર્ઘાયુષનું રહસ્ય.


- - હું રોજ સવારે સાડાસાતે ઘરની બહાર શેરીમાં ખુરસી નાખીને બેસું છું. પછી રસ્તે આવતાં-જતાં લોકોનું હાથ હલાવીને, હસીને અભિવાદન કરું. કેમ છો – કેમ નહીં કરું. સ્કૂલે જતાં બાળકોને ‘સંભાળીને જજો, હં’ એવું કહું. એકાદ કલાક પછી ઘરમાં જઈને મારાં કામે વળગી જાઉં.


- - મારી દિનચર્યા કંઈક આવી છે. રોજ સવારે પાંચ વાગ્યે હું ઘરની બહાર નીકળી જાઉં. કલાક-દોઢ કલાક ચાલું. પછી સીધો મારા મિત્રને ઘરે જાઉં. અમે સાથે ચા-પાણી કરીએ. લાંબા આયુષ્યનું આ જ તો સિક્રેટ છે – લોકો સાથે હળીમળીને આનંદ કરવાનો ને ફરતાં રહેવાનું.      


- - હું રોજ હું મારી જાતને કહું છું, ‘મારો આજનો દિવસ એકદમ મજામાં જવાનો, મારી તબિયત ટનાટન રહેવાની. હું આજે પણ ભરપૂર જીવીશ.’


- - હું એકસો બે વર્ષનો થયો, પણ મને નથી લાગતું કે હું વૃદ્ધ છું. મારે તો હજુ કેટલું બધું કરવાનું બાકી છે.


- - હસો. હસતા રહો. હસવા કરતાં વધારે મહત્ત્વનું બીજું કશું જ નથી.


- - તમારાં પૌત્રો અને પ્રપૌત્રો સાથે નાચો, ગાઓ, રમો. જીવનમાં આનાથી વધારે સુંદર બીજું કશું જ નથી.


- - હું બીજાઓને કામ આવું છું, સ્વયંસેવક તરીકે કામ કરું છું. જેમ કે, કોઈ બીમાર હોય તો મારી કારમાં એને હોસ્પિટલે લઈ જઉં, વગેરે. સમાજે મને ખૂબ આપ્યું છે. મારે હવે સમાજ માટે મારાથી થાય એટલું કરવું છે.   


કેટલી સીધીસાદી અને સરળ વાતો. ન કોઈ ભારેખમ ફિલોસૉફી, ન કોઈ હાઇ ફન્ડા થિયરી. આપણે નાહકનું બધું ગૂંચવી મારતા હોઈએ છીએ. બાકી જીવનનાં મહાનતમ સત્યો ખરેખર સૌથી સરળ હોય છે એવું તમને પણ નથી લાગતું?