હું તો ખૂબ જ નાની હતી. વરસાદમાં પાણી ભરાયા હોય ત્યાં તો બરાબર ચાલતાં પણ ન ફાવે. એવે સમયે રજાના દિવસે પપ્પા મને ઊંચકીને વરસાદ જોવા અને ગામની વાત્રક નદી પર બાંધેલા પુલ પર પાણી જોવા લઈ જતાં.
હજુ પણ મને એ ખબર નહીં, પરંતુ અમારાં ત્રણેય ભાઈ બહેનમાં, પપ્પા મને જ પાણી જોવા લઈ જતાં. પપ્પાને હું ખૂબ જ વહાલી. આમ પણ દીકરી બાપને વધારે વહાલી હોય જ.
પપ્પા વરસાદ જોવા લઈ જાય. હાથમાં કાળા કલરની મોટી છત્રી, પગે ચોમાસાના ચંપલ પહેરીને અને શર્ટની નીચે લેંઘો પહેરે જે ઊંચે ઢીંચણ નીચે સુધી વાળેલો રાખે. અને ચાલતાં નીકળી પડીએ. ઘણાં વર્ષો પહેલાં ટુ વ્હીલર પણ ઓછા. પપ્પાને એક સાઇકલ હતી, તેનો પણ ઓછો ઉપયોગ કરે.
રસ્તામાં વાતો કરતાં કરતાં જઈએ. ચાલુ વરસાદ હોય. કોટનના કાળા કાપડની છત્રીમાંથી ક્યારેક વધારે વરસાદ પડતો હોય તો, ઝીણાં ઝીણાં છાંટા છત્રીમાંથી અમને પલાળે. પપ્પા ઉપર આકાશમાં વાદળ બતાવે જેને લીધે અંધારું છવાયેલું હોય, નીચે તરફ ગંદુ પાણી વહ્યું જતું હોય તે ડહોરીને જવાનું, ક્યારેક વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતો હોય અને વૃક્ષો અને તેની ડાળખીઓ પવનમાં વીંઝાતા હોય, કેટલીક જગ્યાએ તો વૃક્ષો પડી ગયા હોય, નદી નાળાં પાણીથી ભરાઈ ગયા હોય જેમાં પપ્પા માછલી અને મગર બતાવે. પુલ પરથી ઊભાં રહીને ધસમસતી નદી વહેતી જોવાનો અનેરો આનંદ સાથે ઊંચેથી પાણી જોવાનો ડર પણ લાગે. પણ પપ્પા સાથે હોય એટલે આપણે બાદશાહ ! કદી પોતે ડરે નહીં અને ડરવાની તો વાત જ નહીં.
પપ્પાએ મને ઊંચકી હોય, સાથે છત્રી પણ પકડી હોય. બધે ખૂબ પાણી ભરાયાં હોય અને તેમાં ચાલતાં ચાલતાં જવાનું હોય. છતાં પણ હું ને પપ્પા ખૂશ જ ખૂશ. પપ્પા ચાલતાં ચાલતાં મારી સાથે ખૂબ વાતો કરી. બધુ અવનવું બતાવે. અને ક્યારેક તો ગીતો ગાતા ગાતા મને લઈ જાય. અને એ ગીત કેવું ? વરસાદી ગીત અને એ પણ પપ્પાનું સ્વરચિત. પપ્પા ગાય અને હું ગાઉં.
હું ને મારા પપ્પા : અમારું વર્ષાગીત.
" પપ્પા : બેટા ! આખા ગામમાં .....
હું : અછાદ અછાદ ...( વરસાદ વરસાદ )
પપ્પા : આખા ગામમાં
હું : પાની પાની ( પાણી પાણી )
પપ્પા : આખા ગામમાં ...
હું : તાદવ તાદવ. ( કાદવ કાદવ )
પપ્પા : આખા ગામમાં...
હું : તિચડ તિચડ. " ( કિચડ કિચડ )
અમે આ ગીત અવશ્ય ગાતાં. ખબર નહીં, ક્યારે મને આ શીખવ્યું હશે. પણ મને આ રીતે વરસાદમાં ગાવાની ખૂબ જ મજા આવતી. હજૂ પણ એ બાળપણના દિવસો યાદ આવે છે. એ ચોમાસું, એ છત્રી, એ રસ્તા, રોડ પરનું ગંદુ ડહોળાયેલું પાણી, એ ગાંડતુર બનેલી વાત્રક નદી, નદી ઉપરનો પુલ, અને ખાસ તો ..એ ગીત.
Congratulation
ReplyDeleteMst..Jagrutiben
ReplyDelete