Tuesday, 3 August 2021
osho
Saturday, 31 July 2021
આખા ગામમાં પાની પાની.
હું તો ખૂબ જ નાની હતી. વરસાદમાં પાણી ભરાયા હોય ત્યાં તો બરાબર ચાલતાં પણ ન ફાવે. એવે સમયે રજાના દિવસે પપ્પા મને ઊંચકીને વરસાદ જોવા અને ગામની વાત્રક નદી પર બાંધેલા પુલ પર પાણી જોવા લઈ જતાં.
હજુ પણ મને એ ખબર નહીં, પરંતુ અમારાં ત્રણેય ભાઈ બહેનમાં, પપ્પા મને જ પાણી જોવા લઈ જતાં. પપ્પાને હું ખૂબ જ વહાલી. આમ પણ દીકરી બાપને વધારે વહાલી હોય જ.
પપ્પા વરસાદ જોવા લઈ જાય. હાથમાં કાળા કલરની મોટી છત્રી, પગે ચોમાસાના ચંપલ પહેરીને અને શર્ટની નીચે લેંઘો પહેરે જે ઊંચે ઢીંચણ નીચે સુધી વાળેલો રાખે. અને ચાલતાં નીકળી પડીએ. ઘણાં વર્ષો પહેલાં ટુ વ્હીલર પણ ઓછા. પપ્પાને એક સાઇકલ હતી, તેનો પણ ઓછો ઉપયોગ કરે.
રસ્તામાં વાતો કરતાં કરતાં જઈએ. ચાલુ વરસાદ હોય. કોટનના કાળા કાપડની છત્રીમાંથી ક્યારેક વધારે વરસાદ પડતો હોય તો, ઝીણાં ઝીણાં છાંટા છત્રીમાંથી અમને પલાળે. પપ્પા ઉપર આકાશમાં વાદળ બતાવે જેને લીધે અંધારું છવાયેલું હોય, નીચે તરફ ગંદુ પાણી વહ્યું જતું હોય તે ડહોરીને જવાનું, ક્યારેક વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતો હોય અને વૃક્ષો અને તેની ડાળખીઓ પવનમાં વીંઝાતા હોય, કેટલીક જગ્યાએ તો વૃક્ષો પડી ગયા હોય, નદી નાળાં પાણીથી ભરાઈ ગયા હોય જેમાં પપ્પા માછલી અને મગર બતાવે. પુલ પરથી ઊભાં રહીને ધસમસતી નદી વહેતી જોવાનો અનેરો આનંદ સાથે ઊંચેથી પાણી જોવાનો ડર પણ લાગે. પણ પપ્પા સાથે હોય એટલે આપણે બાદશાહ ! કદી પોતે ડરે નહીં અને ડરવાની તો વાત જ નહીં.
પપ્પાએ મને ઊંચકી હોય, સાથે છત્રી પણ પકડી હોય. બધે ખૂબ પાણી ભરાયાં હોય અને તેમાં ચાલતાં ચાલતાં જવાનું હોય. છતાં પણ હું ને પપ્પા ખૂશ જ ખૂશ. પપ્પા ચાલતાં ચાલતાં મારી સાથે ખૂબ વાતો કરી. બધુ અવનવું બતાવે. અને ક્યારેક તો ગીતો ગાતા ગાતા મને લઈ જાય. અને એ ગીત કેવું ? વરસાદી ગીત અને એ પણ પપ્પાનું સ્વરચિત. પપ્પા ગાય અને હું ગાઉં.
હું ને મારા પપ્પા : અમારું વર્ષાગીત.
" પપ્પા : બેટા ! આખા ગામમાં .....
હું : અછાદ અછાદ ...( વરસાદ વરસાદ )
પપ્પા : આખા ગામમાં
હું : પાની પાની ( પાણી પાણી )
પપ્પા : આખા ગામમાં ...
હું : તાદવ તાદવ. ( કાદવ કાદવ )
પપ્પા : આખા ગામમાં...
હું : તિચડ તિચડ. " ( કિચડ કિચડ )
અમે આ ગીત અવશ્ય ગાતાં. ખબર નહીં, ક્યારે મને આ શીખવ્યું હશે. પણ મને આ રીતે વરસાદમાં ગાવાની ખૂબ જ મજા આવતી. હજૂ પણ એ બાળપણના દિવસો યાદ આવે છે. એ ચોમાસું, એ છત્રી, એ રસ્તા, રોડ પરનું ગંદુ ડહોળાયેલું પાણી, એ ગાંડતુર બનેલી વાત્રક નદી, નદી ઉપરનો પુલ, અને ખાસ તો ..એ ગીત.
Sunday, 4 July 2021
મેડમ ! યોગના ફોટા મોકલું ?🙂🧘 Happy Yoga Day 🧘
Saturday, 26 June 2021
📚" ઈકિગાઈ "📚
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺નાનો અને સુંદર ફક્ત ચાર અક્ષરોનો જાપાનીઝ શબ્દ એટલે "ઈકીગાઈ", જેટલો બોલવામાં મીઠો લાગે છે એથી પણ વધુ મીઠો એનો અર્થ છે. ખ્યાતનામ લેખકો "હેકટર ગાર્સીયા" અને "ફ્રાન્સેસ્ક મીરાલેસ" નું પુસ્તક "ઈકીગાઈ" એટલે જીવનમાં ઈચ્છવા જેવું - જીવનનું લક્ષ્ય ધ્યેય, પુસ્તકમાં લેખકોએ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય લખ્યું છે.
જાપાનીઝ ભાષામાં 'રીટાયર' શબ્દજ નથી.આ પુસ્તકમા જીવનનું ધ્યેય કેવી રીતે ગોતવું, લાબું અને સાર્થક જીવન જીવવા માટે શું શું કરવું? આહાર -વિહાર વગેરેનો સીધો સટ ઉલ્લેખ કરેલ છે એટલે પુસ્તક પણ એના નામ મુજબજ નાનું પણ સંપૂર્ણ છે એકજ બેઠક માં સામાન્ય વાંચક પૂરું કરી નાખે એટલું સરળ છે. જાપાનીઝ લોકોની સરેરાશ આયુ પૃથ્વીમાં સૌથી વધુ છે, એમાય જાપાન ના ઓકિનાવા પ્રદેશના લોકોની સરેરાશ આયુ સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ છે, શું કામ? એ જાણવા વાંચી જાવ પુસ્તક. આવી વિશ્વમાં સર્વોચ્ચ આયુ વાળા વ્યક્તિઓના સાક્ષાતકાર એની જીવન શૈલીનું પણ વર્ણન છે. ઉપરાંત વિકટર ફ્રેન્કલ ની પ્રસિદ્ધ લોગો થેરાપી, સાઈકો થેરાપી બન્ને વચ્ચે નો તફાવત સાથે એનું મહત્વ, ચીનની તાઈ ચી, ભારતીય યોગ, FLOW -પ્રવાહ મા કેમ રહેવું એનું સરળ ને સીધું વર્ણન કરેલ છે.
માણસ સૌથી વધુ નહી પણ સૌથી સરસ કામ કયારે કરી શકે ? જયારે એ FLOW -પ્રવાહમાં હોય ત્યારે. આ FLOW કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની વિધીનુ વર્ણન છે. મોટા ભાગના માણસો નિષ્ફ્ળ જાય છે એનું કારણ ફકત એના પ્રયાસ કે સંઘર્ષમાં કચાશ જ નથી હોતી પણ પોતાના ઈકીગાઈ નું અજ્ઞાન હોય છે. જો એકવાર તમને તમારા ઈકીગાઈની ખબર પડી જાય તો 70% જંગ એમનામ જ જીતી જશો. આ વાત ફક્ત મારા આ લખાણ પરથી નહી સમજાય, એ માટે પુસ્તક વાંચવું જ ઉત્તમ રહેશે.
તમે જીવનના કોઈ પણ ક્ષેત્રે હોવ વિદ્યાર્થી હોવ કે વ્યવસાયી, કોઈ પણ દેશમાં રહેતા હોવ તમારા માટે આ પુસ્તક જરૂર ઉપયોગી નીવડશે. કેવીરીતે અને શા માટે ? જવાબ છે કેમકે એ ઈકીગાઈ છે. દરેકનું ઈકીગાઈ અલગ હોવાનું, શ્રી કૃષ્ણની ભાષામાં કહીએ તો "સ્વધર્મ". આપણો સ્વધર્મ ઈકીગાઈ ગોતવાનો છે.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
#ઇકીગાઈ #
જીવનને સુખી બનાવવા માટેનું જાપાનીઝ રહસ્ય.
તમારી જાતને ક્યારેય પૂછ્યું છે ખરું કે...
ક્યાં ગઈ મારી ઇકીગાઈ ??
વાંચો "શિશિર રામાવત" સરે લખેલો સુપર્બ આર્ટીકલ.
'સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત, પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.' ::-
બે લેખક દોસ્તારો. એક રહે સ્પેનનાં બાર્સીલોના શહેરમાં ને બીજો રહે જપાની શહેર ટોકિયોમાં. બન્ને એકબીજાનાં કામથી પરિચિત, પણ મળવાનું ભાગ્યે જ બને. આખરે એક દિવસ એમનો મેળાપ થયો. બન્ને વાતોએ વળગ્યા. સાઇકોલૉજી, વેસ્ટર્ન ફિલોસૉફી વગેરેની ચર્ચા થઈ. વાતવાતમાં એક જપાની શબ્દ ઊભર્યોઃ ઇકીગાઈ. આ શબ્દનો અર્થ થાય છે, હંમેશાં સક્રિય રહેવાનો આનંદ. બીજા શબ્દોમાં કહીએ તો, જીવનનો ઉદ્દેશ યા તો પછી સુખી જીવન જીવવાની ચાવી.
જપાનીઓ સામાન્યપણે લાંબું જીવે છે તે આપણે જાણીએ છીએ. દક્ષિણ જપાનમાં ઓકિનાવા નામનો નાના નાના ટાપુઓનો એક સમૂહ છે. કુલ વસ્તી હશે 14.5 લાખ જેટલી. અહીં વસતા દર સો માણસોમાંથી 24 વ્યક્તિઓની ઉંમર સો વર્ષ કરતાં વધારે છે! દુનિયાના કોઈ પણ હિસ્સા કરતાં આ ઓકિનાવાના નાગરિકોની સરેરાશ ઉંમર વધારે છે. આનું કારણ શું? આ પ્રશ્નનો ઉત્તર શોધવા ઘણાં સંશોધનો થયાં છે. સાદું તારણ એવું નીકળ્યું છે કે પૌષ્ટિક ખાણીપીણી, સરળ જીવન, સમૂહમાં હળીમળીને રહેવાની વૃત્તિ અને સારું હવામાન – આ છે એમના લાંબા અને સુખી જીવનનું રાઝ.
આ બન્ને લેખકોને થયું કે એમ નહીં, આપણે આ વિષયમાં વધારે ઊંડા ઊતરીએ. તેમણે પ્લાન ઘડી કાઢ્યો. ડાયરી-પેન અને કૅમેરા લઈને તેઓ ઓકિનાવા પહોંચી ગયા. સો વર્ષ વટાવી ચુકેલાં સો તંદુરસ્ત સ્ત્રી-પુરુષોના તેમણે લાંબા ઇન્ટરવ્યુ કર્યા. સૌને પૂછ્યું કે તમારા દીર્ઘ અને સુખી જીવનનું રહસ્ય શું છે? ગામમાં ઉત્સવ જેવો માહોલ થઈ ગયો. લેખકોએ જોયું કે આ તમામ સુપર સિનિયરો ખુશખુશાલ છે. બધા ખૂબ હસમુખા અને હૂંફાળા છે, સતત ખુદની અને એકમેકની મજાક કર્યા કરે છે. તેમનામાંથી જાણે કે ક્યારેય ન ખતમ થતા આનંદનો અખૂટ ઝરો વહે છે. જાણે કે તેઓ કશુંક ‘ભાળી’ ગયા છે.
જે સો લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા તે તમામેતમામ ઘરમાં શાકભાજી ઊગાડતાં હતા. સૌ કોઈને કોઈ સામાજિક મંડળ કે મિત્રમંડળના સભ્ય હતા, સામાજિક સ્તરે એક્ટિવ હતા. આ સોશિયલ ગ્રુપ્સમાં એમને પરિવાર જેવી જ હૂંફનો અનુભવ થતો હતો. તેઓ હંમેશાં સેલિબ્રેટ કર્યા કરતા. કાં કોઈનો બર્થડે હોય, કાં કોઈક તહેવાર હોય. તેમનું નાચવા-ગાવાનું ચાલતું જ હોય. સંગીત અને નાચગાના જાણે કે એમના દૈનિક જીવનનો એક ભાગ બની ગયો હતો. નાનામાં નાનું કામ પણ તેઓ ખૂબ ઉમંગથી કરે. તેમને પોતાના કલ્ચર અને પરંપરાઓ પ્રત્યે ખૂબ માન. મજાની વાત એ છે કે કોઈ નિષ્ક્રિય ન બેસે. તેઓ તમને સતત બિઝી દેખાય.
સૌની સાથે વાતચીત કરીને, જે કંઈ સામગ્રી મળી એનું વ્યવસ્થિત સંપાદન કરીને વિક્ટર ગાર્શિયા અને ફ્રાન્સિસ મિરેલ્સ નામના આ લેખકોએ સંયુક્તપણે એક અંગ્રેજી પુસ્તક લખ્યુઃ ‘ઇકીગાઈઃ ધ જપાનીઝ સિક્રેટ ટુ અ લોન્ગ એન્ડ હૅપી લાઇફ’.
જીવનમાં માત્ર વર્ષો ઉમેરતાં જવાનો કશો મતલબ હોતો નથી. આપણે વધારે જીવીએ, પણ દુખી થઈને જીવીએ, બીમાર થઈને જીવીએ, પરિવાર પર બોજ બનીને જીવીએ તો તેમાં કશો અર્થ નથી. તન-મન પૂરેપૂરાં સુખી અને સ્વસ્થ હોય તો જ દીર્ઘ આયુષ્ય સાર્થક બને. તો શું છે લાંબી અને આનંદપૂર્ણ જિંદગી જીવવાનું રહસ્ય? આ રહી પુસ્તકમાં ઠેર ઠેર વેરાયેલી ટિપ્સ. હવે પછીના શબ્દો ઓકિનાવાના અલગ અલગ સુપર સિનિયર સિટીઝનના છે. નામનું મહત્ત્વ નથી. તેઓ શું કહે છે તે ધ્યાનથી સાંભળોઃ
- - સુખી અને દીર્ઘ આયુષ્યનું રહસ્ય છે, ચિંતા નહીં કરવાની. મનથી, દિલથી યુવાન રહેવાનું. બુઢા જેવા વિચારો કે લાગણીઓને નજીક ફરકવા પણ નહીં દેવાની. ખડૂસ નહીં બનો. કોઈની પણ સાથે વાત કરો તો દિલથી વાત કરો, ચહેરા પર સ્મિત લાવીને વાત કરો. જો તમે હસમુખા હશો તો તમારા પૌત્રો, પ્રપૌત્રો સહિત સૌ કોઈના પ્રિય બની શકશો.
- - અજંપો જેવું લાગતું હોય, મન ઊચ્ચક થઈ ગયું હોય તો તેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, ઘરમાંથી બહાર નીકળીને શેરીમાં આવી જાઓ. આવતા-જતાં સૌ કોઈને ‘કેમ છો? મજામાં?’ કહો. સૌ સાથે હળોમળો. હું આવું રોજ કરું છું. પછી ઘરે આવીને મેં ઊગાડેલા શાકભાજી અને ફળફળાદિની સારસંભાળ લઉં છું. બપોરે મારા દોસ્તારો સાથે સમય પસાર કરું છું.
- - હું રોજ સવારે છ વાગે ઊઠીને પહેલું કામ બારીનો પડદો હડસેલી મારા બગીચામાં નજર ફેરવવાનું કરું છું. પછી બહાર જઈ છોડવાઓને પાણી પાઉં છું. બગીચામાં એક કલાક પસાર કરું એટલે હું રિલેક્સ થઈ જાઉં. પછી હું ઘરમાં જઈ મારા માટે સવારનો નાસ્તો તૈયાર કરું.
- - મોટી ઉંમરે દિમાગ સતેજ રાખવાની ચાવી તમારી આંગળીઓમાં છે. યાદ રાખો, તમારી આંગળીઓ અને મગજ વચ્ચે સીધો સંબંધ છે. જ્યાં સુધી તમારી આંગળીઓ એટલે કે હાથ ચાલતા રહેશે ત્યાં સુધી તમારાં તન-મનની ચુસ્તીદુરસ્તી જળવાઈ રહેશે.
- - હું રોજ સવારે ચાર વાગે એલાર્મ વાગતાં જ ઉઠી જાઉં છું. પછી કૉફી બનાવીને પીઉં, હાથ ઊંચાનીચા કરું, બીજી કસરત કરું. આમ કરવાથી મારામાં આખો દિવસ એક્ટિવ રહેવાની એનર્જી આવી જાય છે.
- - કામ કરો, કામ કરો, કામ કરો. જો તમે એક્ટિવ નહીં રહો તો તમારું શરીર અને મન, બન્ને તંત્ર ખોરવાઈ જશે.
- - હું રોજ સવારે ઉઠીને મારા બાપ-દાદાઓની તસવીરો સામે અગરબત્તી કરું છું. તમારે તમારા પૂર્વજોને ક્યારેય ભુલવા ન જોઈએ. દિવસમાં પહેલું કામ હું એમના પ્રત્યે કૃતાર્થતા વ્યક્ત કરવાનું કરું છું.
- - હું રોજ સવારે ઘરમાં એક્સરસાઇઝ કરું છું. થોડુંક ચાલવા પણ જાઉં છું.
- - શાકભાજી ખાઓ. મને લાગે છે કે મારા દીર્ઘાયુષનું આ જ રહસ્ય છે.
- - સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત, પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.
- - મારા જીવનનો સૌથી મોટો ઉદ્દેશ જ આ છે – દોસ્તો સાથે સમય વીતાવવો. અમે બધા રોજ ભેગા થઈને દુનિયાભરની વાતો કરીએ છીએ. મને ખબર હોય છે કે આ બધા મને રોજ મળવાના છે. મારા જીવનનો આ સૌથી મોટો સધિયારો છે.
- - તમે જેમને ચાહતા હો તે સ્વજનો અને પ્રિયજનો સાથે રોજ વાતચીત કરવી – આ છે દીર્ઘાયુષનું રહસ્ય.
- - હું રોજ સવારે સાડાસાતે ઘરની બહાર શેરીમાં ખુરસી નાખીને બેસું છું. પછી રસ્તે આવતાં-જતાં લોકોનું હાથ હલાવીને, હસીને અભિવાદન કરું. કેમ છો – કેમ નહીં કરું. સ્કૂલે જતાં બાળકોને ‘સંભાળીને જજો, હં’ એવું કહું. એકાદ કલાક પછી ઘરમાં જઈને મારાં કામે વળગી જાઉં.
- - મારી દિનચર્યા કંઈક આવી છે. રોજ સવારે પાંચ વાગ્યે હું ઘરની બહાર નીકળી જાઉં. કલાક-દોઢ કલાક ચાલું. પછી સીધો મારા મિત્રને ઘરે જાઉં. અમે સાથે ચા-પાણી કરીએ. લાંબા આયુષ્યનું આ જ તો સિક્રેટ છે – લોકો સાથે હળીમળીને આનંદ કરવાનો ને ફરતાં રહેવાનું.
- - હું રોજ હું મારી જાતને કહું છું, ‘મારો આજનો દિવસ એકદમ મજામાં જવાનો, મારી તબિયત ટનાટન રહેવાની. હું આજે પણ ભરપૂર જીવીશ.’
- - હું એકસો બે વર્ષનો થયો, પણ મને નથી લાગતું કે હું વૃદ્ધ છું. મારે તો હજુ કેટલું બધું કરવાનું બાકી છે.
- - હસો. હસતા રહો. હસવા કરતાં વધારે મહત્ત્વનું બીજું કશું જ નથી.
- - તમારાં પૌત્રો અને પ્રપૌત્રો સાથે નાચો, ગાઓ, રમો. જીવનમાં આનાથી વધારે સુંદર બીજું કશું જ નથી.
- - હું બીજાઓને કામ આવું છું, સ્વયંસેવક તરીકે કામ કરું છું. જેમ કે, કોઈ બીમાર હોય તો મારી કારમાં એને હોસ્પિટલે લઈ જઉં, વગેરે. સમાજે મને ખૂબ આપ્યું છે. મારે હવે સમાજ માટે મારાથી થાય એટલું કરવું છે.
કેટલી સીધીસાદી અને સરળ વાતો. ન કોઈ ભારેખમ ફિલોસૉફી, ન કોઈ હાઇ ફન્ડા થિયરી. આપણે નાહકનું બધું ગૂંચવી મારતા હોઈએ છીએ. બાકી જીવનનાં મહાનતમ સત્યો ખરેખર સૌથી સરળ હોય છે એવું તમને પણ નથી લાગતું?
Tuesday, 25 May 2021
उपोसथ - व्रत
પણ, તમે મારા પપ્પા છો એટલે !!! તો ,એ પણ મારા બાપ છે : તે કેમ ભૂલી ? 🌺🙏( માસિક શ્રધ્ધાંજલી)🙏🌺
પણતમે મારા પપ્પા છો એટલે. તો ,એ પણ મારા બાપ છે : તે કેમ ભૂલી ?
આજે સ્વ. શ્રી નરેન્દ્ર પંડ્યાની પ્રથમ માસિક શ્રધ્ધાંજલી અર્પણ અર્થે,,,, કોરોનાનો ભોગ બનેલાં અને અંતિમ શ્વાસ સુધી ઝઝુમેલા સ્વ. જાદુગર પંડ્યાજીની સારવાર અર્થે હોસ્પિટલ માં હતાં તે સમયની વાતો યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરું છું.
અશ્રુઓ સારો નહીં, આગ થૈ ને વાગશે,
ને કફનમાં યાદ ના , ગૂંગળાવે છે કબર,
મોત ની કોને ખબર?, તા-કયામત બોલશે,
ના અઝાબો છોડશે, મોત પરવારી જશે.
- ડો.ફિરદૌસ દેખૈયા
અચાનક જ ભાભીનો કૉલ આવ્યો કે પપ્પાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આટલું સાંભળતાં મને ખૂબ જ ગભરામણ થઈ ગઈ, હૃદયના ધબકારા અને કાનના અવાજો વધી ગયાં સાથે સાથે શરીર એકદમ જ ઢીલું અને અશક્ત બની ગયું. શાળામાં છૂટવાના સમયે સમાચાર જાણ્યા તો ખૂબ જ કઠણ હ્રુદય રાખી સ્ટાફનાં બધાંને વાત કરી , ઝડપથી ઘરે આવી તરત જ મમ્મીને કૉલ કર્યો. મમ્મી સાથે વાત કરી પછી થોડી શાંતિ થઈ પણ ચિંતા તો હતી જ કારણકે મોટો ભાઈ પપ્પાને સી. ટી. સ્કેન રિપોર્ટ કરાવી પપ્પા માટે કોઈ હોસ્પિટલમાં એક બેડ ની સગવડમાં હતો. સવારની વાત આખો દિવસ મોટો ભાઈ આકરા તાપમાં અને બધાં જ ભૂખ્યાં - તરસ્યાં એક દવાખાને થી બીજે દવાખાને લઈને ફરતો. કોઈને જમવાનો કે પાણી પીવાનો પણ મોકો ન મળ્યો. બસ , એક જ લક્ષ્ય, એક બેડ મળી જાય. સાથે સાથે મમ્મીની અને ભાઈની પણ ચિંતા કે પપ્પા ને લઈને ફરતાં બંને બિમાર ન પડે ! અંતે ઘણી બધી ઓળખાણો અને ઓળખીતાઓ ને ફોન કરીને મોડાસા સાંજે પાંચ વાગ્યે પપ્પાને એડમિટ કર્યાં. પછી બધાંને હાશ થઇ.
બીજી બાજુ નાનો ભાઈ પણ આખા ગુજરાતમાં ફર્યો અને રેમડેસિવિર ઇન્જેક્શન ની સગવડ કરી, રાત્રે મોડાસા આવી તાત્કાલિક ઇન્જેક્શન આપી રાત્રે ને રાત્રે જ પાલનપુર બીજા ઇન્જેક્શન માટે ગયો, બીજા દિવસે પરત મોડાસા.
કોરોના પેશન્ટ સાથે રહી ન શકાય, મળી પણ ના શકાય છતાં પણ બંને દીકરાઓ કોરોના પોઝિટિવ બાપની સાથે સતત ખડે પગે ઊભા રહ્યાં. કેમ ? કેમ કે પપ્પાને તકલીફ હતી , દવાઓ લેવાનું અને બધું જ સમય સરની દવાઓ લેવાનું ભૂલી જતાં. પપ્પા પાસે રહેવું પડશે તે ખ્યાલ આવતાં, અમારાં ફેમિલીની ડૉ. જૈના પંડ્યા, મોટાભાઈની દીકરીએ તરત જ તેના પપ્પા, કાકા અને બા પણ અવારનવાર જતાં હોઇ હેન્ડ ગલોઝ,ppe kit અને ફેસ શિલ્ડની સાથે અન્ય દવાઓ અને જરૂરી સામગ્રી મોકલી આપી.
દાદા સાથે સતત સંપર્કમાં રહેતાં બન્ને ભાઈઓની બધાં જ ચિંતિત રહેતાં. વિડિયો કૉલ અને કૉલ વખતે પણ સૌ કુટુંબીજનો બન્ને ભાઈઓને કેર લેવાની સલાહો આપ્યાં કરતાં.
નાના ભાઈની દીકરી ઋચા પણ એક્વાર સ્પેશિયલ ગાડી લઈને ઇન્જેક્શન આપવા આવી હતી. બધાં જ બધું જ કામ ખૂબ જ સાચવીને અને કોરોના વાઇરસ માટેનાં પ્રોટેક્શન સાથે કરતાં.
ઉંમર લાયક હોવા છતાં પણ, મમ્મી દર આંતરે દિવસે દવાખાને પ્રોટેક્શન સાથે જતી.
એ જ રીતે ઋચા અવારનવાર તેના પપ્પા ને ટોક્યા કરતી, " પપ્પા માસ્ક બરાબર નાક ઉપર ચઢાવો, સેનીટા ઇઝર લગાવો, ppe કીટ કેમ નથી પહેરી ? જાઓ પહેરી આવો, હું તમારી સાથે વાત નહીં કરું ! " અને ગુસ્સો કરી ફોન કટ કરી દેતી. આ રીતે સતત જ આ દિકરીઓ તેમના પપ્પાની ચિંતામાં સખત ટોક્યા કરતી. ( બંને ભાઈઓને દવાખાને પપ્પાની રિકવરી નું ટેન્શન, અન્ય જે સમસ્યાઓ ઊભી થતી તેનું ટેન્શન , પોતાની જાતને સાંભળીને કામ કરવાનું ટેન્શન અને આ દીકરીઓએ તેમના પપ્પાને સાચવવા માટે કરી મૂકેલ કાગારોળ નું પણ ટેન્શન !!!! )
આ બધી ચિંતાઓ વચ્ચે એક દિવસ ભાવેશે ઋચાને કહ્યું :
" તું શું કામ આટલી બધી ચિંતા કરે છે ? હું ભણેલો છું કઈ કઈ કાળજી રાખવી તે હું જાણું છુ. ઉપરાંત મેં વેક્સિનના બંને ડોઝ પણ લીધાં છે. શું કામ તું વધારે પડતી ચિંતાઓ કરી અમને ખલેલ પહોંચાડે છે ? "
ઋચાએ કહ્યું :
" કેમકે તમે મારા પપ્પા છો ને માટે !!!! "
તો ,,, ભાવેશે જવાબ આપ્યો :
" તને ખબર છે ! બેટા , હું જીવના જોખમે જેની સેવા કરું છું તે પણ મારા પપ્પા છે ! "
અને ઋચા શાંત થઈ ગઈ. સમજી ગઈ. એ પછી તેણે કદી પપ્પાને એ બાબતે ટોક્યા નથી. સતત દાદા અને પપ્પા/ કાકા માટે ઋચાર્મી ની સાથે સાથે માતૃછાયા પરિવાર પ્રાર્થનાઓ કરતાં રહ્યાં.
હોસ્પિટલમાં અગિયાર દિવસ રહ્યાં, તેનાં ઘણાં સ્મરણો છે. અહીં આજે આટલું જ.
માતૃછાયા પરિવાર માટે 25/4/2021 ને રવિવાર નો દિવસ દાદા માટે ભારે લાગ્યો. માતૃછાયા પરિવાર નક્કી કરેલાં સમયે રાત્રે બરાબર આઠ વાગે એક સમૂહ ઑનલાઇન પ્રાર્થના નું આયોજન કરેલું.
એમાં અમે સૌ અલગ અલગ જગ્યાએથી જોડાયા.
બોમ્બે , બેન્ગલોર, આણંદ, મોડાસા , મેઘરજ અને પાલનપુર,,,, એક સાથે ઑનલાઇન મહામૃત્યુંજય મંત્રો અને ગાયત્રી મંત્ર સાથે દાદાના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી.
પણ, અંતે નિયતિમાં જે નિર્માણ થયેલું તે બની ને જ રહ્યું.
બરાબર નવ વાગ્યે મોટાભાઈ યોગેશ નો ફરીથી એક્વાર માતૃછાયા પરિવાર પર સમૂહ વિડિયો કૉલ પર વાત કરી કે, સત્ય હવે આપને સૌએ સ્વીકારવું જ પડશે. દાદા હવે જેટલાં કલાક રહે તે ખરું ! હવે દાદા બહુ માં બહુ ચાર કલાક ના મહેમાન છે. અને જૈનુએ ત્યાં જ રડવાનું શરુ કરી દીધું. બધાએ તેને સમજાવી.
ફરી બરાબર 9:50 માતૃછાયા પરિવાર માં મોટાભાઇનો મેસેજ આવ્યો.
…………….
25/4/2021 ને રવિવારનો દિવસ હતો અને એ જ અમારો કાળો દિવસ ! પપ્પા માતૃછાયા પરિવાર ને છોડીને સ્વધામ સિધાવી ગયા.
બધાં માટે 'ૐ શાંતિ ' , ' RIP ' લખતી હું ….
આજે એવું મારા પપ્પા માટે લખતાં મારા હાથ નહીં સમગ્ર શરીર ધ્રુજી ઉઠ્યું.
મારા બંને ભાઈઓ માટે કંઈ જ કહેવા માટે શબ્દો નથી. પણ એટલું જરુર કહીશ કે શ્રવણ ની વાર્તા મેં સાંભળી છે. પણ, સાચૂકલાં શ્રવણ મેં જોયાં!!! વાંંંં