Tuesday, 4 July 2023

ધોરણ : 7 સામાજીક વિજ્ઞાન શાળા નંબર. 31, આણંદ.

રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો Class 7 
એકમ :  1

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો:

પ્રશ્ન 1.
રાણીની વાવ કોણે બંધાવી હતી?
ઉત્તર:
રાણીની વાવ (રાણકી વાવ) પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતિએ બંધાવી હતી.

પ્રશ્ન 2.
ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા?
ઉત્તર:
ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી (અજમેરની ઉત્તરે આવેલ સાંભર) નામના સ્થળે શાસન કરતા હતા.

પ્રશ્ન 3.
અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તરઃ
પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ (સરસ્વતી નદીના કિનારે) અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.

પ્રશ્ન 4.
વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?
ઉત્તરઃ
કર્ણદેવ વાઘેલા વાઘેલાવંશનો છેલ્લો શાસક હતો.

2. (અ) ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
રાજપૂતોના ગુણો
ઉત્તરઃ
રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતાઃ

રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા.
તેઓ રણભૂમિમાં કદાપિ પાછી પાની કરતા નહિ. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયાં કરતા અર્થાત્ મૃત્યુને ભેટતા.
તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા.
તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા.
તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહિ.
પ્રશ્ન 2.
રાજપૂતયુગનો વેપાર-વાણિજ્ય
ઉત્તરઃ

રાજપૂતયુગમાં રાજ્યની વેપાર-વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો.
એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો.
એ સમયે જમીનની ઊપજનો છઠ્ઠો ભાગ કરરૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂતયુગમાં જમીન પરનો કર ‘ભાગ’ નામથી ઓળખાતો હતો.
રાજપૂતયુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાનાં થાણાં પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો.

(બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:

પ્રશ્ન 1.
ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં નામ જણાવો.
ઉત્તરઃ
ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોનાં નામ આ પ્રમાણે છે:

ગઢવાલવંશ
ચંદેલવંશ
પરમારવંશ
ચૌહાણવંશ
સોલંકીવંશ
ચૌહાણ વંશ
ચાવડાવંશ
સોલંકીવંશ
વાધેલાવંશ
પાલવંશ
સેનવંશ વગેરે.
[વિદ્યાર્થીઓએ પ્રશ્નના ઉત્તરમાં ઉપર્યુક્ત રાજવંશોમાંથી કોઈ પણ ત્રણ રાજવંશોનાં નામ લખવાં.]

પ્રશ્ન 2.
દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં છે નામ જણાવો.
ઉત્તર:
દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોનાં નામ આ પ્રમાણે છે:

ચાલુક્યવંશ
રાષ્ટ્રકૂટવંશ
યાદવવંશ
હોયસલવંશ
વરંગલવંશ
પલ્લવવંશ
ચોલવંશ
પાંડ્યવંશ
ચેરવંશ વગેરે.
[વિદ્યાર્થીઓએ પ્રશ્નના ઉત્તરમાં ઉપર્યુક્ત રાજવંશોમાંથી કોઈ પણ ત્રણ રાજવંશોનાં નામ લખવાં.]

પ્રશ્ન 3.
ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?
ઉત્તરઃ
ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફરશાહ હતો. તેનું મૂળ નામ ઝફરખાન હતું.

પ્રશ્ન 4.
રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં કયાં કયાં કાર્યો કર્યા હતાં?
અથવા
કારણો આપોઃ મીનળદેવી આદર્શ રાજમાતા હતાં.
ઉત્તરઃ
રાજમાતા મીનળદેવી પ્રજાવત્સલ હતાં. તે પ્રજાના કલ્યાણનાં કામો કરવા માટે હંમેશાં તત્પર રહેતાં હતાં. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્રો કામો કર્યા હતાં. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં.

ખરેખર, મીનળદેવી આદર્શ રાજમાતા હતાં.

3. (અ) નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?
A. પુલકેશી બીજાના
B. હર્ષવર્ધનના
C. મિહિરભોજના
D. અશોકના
ઉત્તરઃ
B. હર્ષવર્ધનના


પ્રશ્ન 2.
બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?
A. જેજાકભુક્તિ
B. ઉજ્જયની
C. પ્રતિહારો
D. ચૌલુક્ય
ઉત્તરઃ
A. જેજાકભુક્તિ

પ્રશ્ન ૩.
માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
A. કુમારપાળ
B. ભોજ
C. સીયક
D. મુંજ
ઉત્તરઃ
A. કુમારપાળ

પ્રશ્ન 4.
આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?
A. ચંદેલવંશનું
B. પરમારવંશનું
C. પાલવંશનું
D. પ્રતિહારોનું
ઉત્તરઃ
C. પાલવંશનું
પ્રશ્ન 5.
રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?
A. ચાવડાવંશના
B. સોલંકીવંશના
C. વાઘેલાવંશના
D. મૈત્રકવંશના
ઉત્તરઃ
B. સોલંકીવંશના

બ) યોગ્ય જોડકાં જોડો:

વિભાગ ‘અ’ (રાજ્યો) વિભાગ બ’ (શાસકો)

(1) સેનવંશ        (A) નરસિંહ વર્મન બીજો
(2) સોલંકીવંશ    (B) ગોવિંદ ત્રીજો
(3) પાલવંશ        (C) વિજયસેન પ્રથમ
(4) રાષ્ટ્રકૂટવંશ.    (D) ગોપાલ
(5) પલ્લવવંશ.     (E) કુમારપાળ
                           (F) ભોજા















ધોરણ: 6 સામજિક વિજ્ઞાન

પાઠ : 1  ચાલો, ઇતિહાસ જાણીએ.

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો:

પ્રશ્ન 1.
પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?
A. કાપડ
B. કાગળ
C. ભૂર્જ વૃક્ષની આંતરછાલ
D. ચામડું
ઉત્તર:
C. ભૂર્જ વૃક્ષની આંતરછાલ

પ્રશ્ન 2.
નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? 6
A. અભિલેખો
B. તામ્રપત્રો
C. ભોજપત્રો
D. વાહનો
ઉત્તર:
D. વાહનો

પ્રશ્ન 3.
નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
A. અભિલેખો
B. કાગળ પરનાં લખાણ
C. કાપડ પરનાં લખાણ
D. વૃક્ષનાં પાન પર લખેલ લખાણ
ઉત્તર:
A. અભિલેખો


2. ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
B.C.નો અર્થ સમજાવો.
ઉત્તર:
B.C.ને અંગ્રેજીમાં Before Christ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઉદાહરણ તરીકે, 2000 ઈ. સ. પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનાં 2000 વર્ષ.

પ્રશ્ન 2.
A.D.નો અર્થ સમજાવો.
ઉત્તર:
A.D.ને અંગ્રેજીમાં Anno Domini કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે, ઈ. સ. 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 2000 વર્ષ.
પ્રશ્ન 3.
ભારતના સૌથી જૂના સિક્કા કયા છે?
ઉત્તર :
ભારતમાં ઈ. સ. પૂર્વે 5મી સદીના ‘પંચમાર્ક’ સિક્કા સૌથી જૂના સિક્કા છે.

પ્રશ્ન 4.
ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે?
ઉત્તર:
તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં, પ્રવાસવર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે.


3. યોગ્ય રીતે ‘અ’ વિભાગની વિગતોને ‘બ’ વિભાગની વિગતો સાથે જોડી ઉત્તર આપો:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’

(1) અભિલેખ     (1) ઈ. સ. પૂર્વે
(2) ભોજપત્ર     (2) ઈસવીસન
(3) તામ્રપત્ર.    (3) ભૂર્જ નામના વૃક્ષની છાલ
(4) B.C.        (4) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ
(5) A.D.        (5) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ



Monday, 3 July 2023

નાની મારી વાત : 7 ‘ હંસ જ ગુરુ કેમ ?’🦢🦢


                
      નમસ્તે ,બાલમિત્રો આજે ગુરુપુર્ણિમા છે,તો હું તમને પક્ષીઓએ હંસને કેમ ગુરુ બનાવ્યા? તે વિષે વાત કહીશ.
            એક સુંદર સરોવર હતું.તેમાં સુંદર મજાના હંસો રહેતા હતા. સરોવરના શાંત પાણીમાં આ હંસો ખુબ જ શાંતિથી રહેતા હતા.કદી કોઈ લડાઈ ઝગડો નહિ, માટે સરોવરની આસપાસ સર્વત્ર શાંતિ પ્રસરાયેલી રહેતી હતી. ક્યારેક જંગલમાં બીજા પક્ષીઓ પણ અહી આવી શાંતિ માણતાં.આજરીતે એકવાર જંગલના બધા જ પક્ષીઓ ,જેવાકે- ચકલી,પોપટ,મોર,કાગડો,બતક,શાહુડી,લક્કડખોદ,દરજીડો અને સુરખાબ. આ પક્ષીઓ એકવાર જ્યાં આ હંસો રહેતા હતા તે સરોવર પાસે આવ્યા હતા. તે જ સમયે ઘણાબધા સાધુસંતો અને માણસો પણ એ રસ્તેથી પસાર થતા હતા.તેમાંના કેટલાક અહી સરોવરની પાળે વિસામો ખાવા બેઠા. અને ગુરુના ગુણગાન ગાવા લાગ્યા. સમગ્ર વાતાવરણ દિવ્ય અને પવિત્ર બની ગયું હતું. થોડીવાર પછી આ લોકો ત્યાંથી આગળ જવા લાગ્યા. પક્ષીઓ તો ખુબ જ આનંદિત થઇ ઉઠ્યા હતા. કાબરે સૌને પૂછ્યું,’ કોઈ જાણો છો? આટલા બધા લોકો આજે આ રસ્તે ક્યાં જાય છે?’ કોઈને આ બાબતે ખબર નહોતી. પોપટે કહ્યું,’ કદાચ આગળ એક ગામ છે.ત્યાં એક આશ્રમ છે.ત્યાં બધા જતા લાગે છે.’ આજે કદાચ ગુરુપૂર્ણિમા લાગે છે. બધા પક્ષીઓ એકીસાથે બોલી ઉઠ્યા,ગુરુપૂર્ણિમા? ગુરુપૂર્ણિમા માં શું હોય? તો આટલા બધા લોકો જાય ? પોપટ નો એક મિત્ર એક ગુરુના આશ્રમમાં રહેતો હતો.માટે પોપટને   બઘી વાતો ખબર હતી.
            પોપટે કહ્યું સાંભળો. ગુરુ પૂર્ણિમા, એ અષાઢ સુદ પૂનમ ને દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુપૂર્ણિમા ના દિવસે બધા લોકો પોતપોતાના ગુરુને દર્શને જાય. ગુરુ પાસે બેસી અને આશીર્વાદ મેળવે અને ગુરુ માટે ફૂલ નહિ ને ફૂલની પાંખડી કંઈક ભેટ લઈને જાય છે. આખો દિવસ ગુરુના સાનિધ્ય માં રહે અને ગુરુના ગુણગાન ગાય છે. ચકલી બોલી, ‘પણ બધાને ગુરુ હોય?’ પોપટે જવાબ આપ્યો , "બધાને ના પણ હોય. તો આ દિવસે બધા માતા પિતા અને જેની પાસેથી જ્ઞાન મેળવે છે તે બધા જ ગુરુ ગણાય. ગુરુ દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા.તેઓ જેનામાંથી કંઈક ને કંઈક શીખ્યા હોય તેને પોતાના ગુરુ માની લેતા."

             બતક બોલ્યું, ‘ આપણને આજે આ લોકોના ગુરુના ગુણગાન સાંભળીને શાંતિ મળી છે, તો આપણે ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો આપણું જીવન પણ ધન્ય થઇ જાય. તો ચાલો આપણે પણ સાચા ગુરુ ની શોધ કરીએ.બધા પક્ષીઓએ વિચાર્યું કે આપણે કોને ગુરુ બનાવીએ? જેની પાસે રહેવાથી આપણને કંઈક શીખવા મળે અને શાંતિ પ્રાપ્ત થાય. બધાએ ખુબ જ વિચાર્યું.અને એક સાચા ગુરુ કે જે ખરેખર આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય તે ખુબ વિચારીને અંતે સૌની નજર સરોવરમાં તરતા હંસો પર પડી. એકદમ શાંતિથી તેઓ પાણીમાં તરતા હતા. બધા પક્ષીઓએ વિચાર્યું,કે હંસો જ આપણા સાચા ગુરુને લાયક છે. કારણકે હંસો પ્રેમ અને પ્રવિત્રતાનું પ્રતિક છે. હંસોમાં ખુબ વિવેક હોય છે. હંસો કદી એકબીજા સાથે ઝગડતા નથી. હંસો હંમશા ધીર ગંભીર હોય છે. બધા જ પક્ષીઓમાં હંસો ખુબ જ બુદ્ધિશાળી હોય છે. હંસો પાણીમાં હોય ત્યારે એકદમ ધીરે ધીરે તરે છે,અને આકાશમાં ઉડે ત્યારે થોડું ઝડપી અને ચોક્કસ આકાર કે વી આકારમાં ઉડે છે. હંસોના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળે છે. અને હા, બાલમિત્રો આપણી વિદ્યાની દેવી માતા સરસ્વતી નું વાહન પણ હંસ જ છે અને બુદ્ધિ ની દેવી ગાયત્રી માતા પણ હંસ પર બિરાજમાન હોય છે. માટે આ હંસો જ આપણા ગુરુને લાયક છે. આજથી જ સૌ પક્ષીઓએ હંસોને ગુરુ માની લીધા. અને સરોવરના શાંત જળમાં વિહાર કરતા હંસો પાસે જઈને પગે લાગ્યા. અને વાત કરીકે, ’ આજે ગુરુપૂર્ણિમા છે અને અમે આજથી તમને ગુરુ માન્યા છે.તો આજના શુભદિને હે પંખીઓના ગુરુ!! હે ગુરુવર! અમારા પ્રણામ સ્વીકાર કરો અને અમારું શિષ્યત્વ સ્વીકારો ,અમારો ઉદ્ધાર કરો.અમને તમારું સાનિધ્ય શાંતિ વાળું લાગે છે માટે અમે અવારનવાર અહી આવીએ છીએ.’ આ હંસો તો પક્ષીઓની વાત સાંભળીને ખુબ જ ખુશ થઇ ગયા. અને પક્ષીઓ સાથે વાત કરી અને કહ્યું કે, ‘અમે પણ કાયમ અહી નથી રહેતા.અમે તો માનસરોવરથી આવ્યા છીએ. અમે પરમ હંસો છીએ. અમે સૌ આપ પક્ષીઓ પર પ્રસન્ન છીએ.’ આટલું કહીને પરમહંસોએ તેમનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું અને પક્ષીઓને દર્શન આપ્યા. બધા પક્ષીઓ તો ખુબ જ ખુશ ખુશ થઇ ગયા. અને વારફરથી જઈને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.ત્યારબાદ પરમહંસો અદ્રશ્ય થઇ ગયા.
           
           બધા જ પક્ષીઓ એકદમ શાંત થઇ ગયા હતા. ઘણા સમય સુધી કોઈ કંઈ જ બોલી શક્યું નહિ. પોતે કરેલા પુણ્ય ના પ્રતાપે આજે પક્ષીઓને પરમહંસોએ દર્શન આપ્યા હશે એ બાબત થી તેઓ ખુશ હતા.

             જોયું ને બાળકો!
            એક ગુરુની શોધ જ આપણા જીવનમાં શાંતિ અને પવિત્રતાનો અહેસાસ કરાવે છે, તો સાચાગુરુ આપણું જીવન બદલી શકે.આપણો અને આપણા કુળનો ઉદ્ધાર કરી શકે.
       માટે જ આપણે પ્રાર્થનામાં ગાઈએ છીએ, ''ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરમબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ '


              શ્રીજાગૃતિ પંડ્યા.
           આણંદ.


            
  
        
 
   


Sunday, 2 July 2023

નાની મારી વાત : સસલીબેનનું ગૌરીવ્રત


નાની મારી વાત : સસલીબેનનું ગૌરીવ્રત


બાળદોસ્તો, આજે હું એક નાની સસ્સીની વાર્તા લઇને આવી છું. તમે સૌ વાંચજો. ખૂબ મઝા આવશે.

   સસ્સી આજે તો રૂમઝૂમ રૂમઝૂમ કરતી ચાલે છે, દોડે છે અને કુદે છે. આખુ જંગલ સસ્સીબાઈને જોઈને નવાઈ પામ્યું છે. સસ્સી તો વહેલી સવારે ઉઠીને , સ્નાનાદિ પરવારીને સરસ મજાનાં નવાં નવાં કપડાં પહેરીને મહાદેવજીના મંદિરે પૂજા કરવા જાય છે. હાથમાં પૂજાનો થાળ છે, થાળને સુંદર સજાવ્યો છે. સસ્સીએ નવું ફ્રોક પહેર્યું છે. પગમાં ઝાંઝર, ડોકમાં માળા, કાને બુટ્ટી, નાકે નથણી અને કેડે કંદોરો. "અરે વાહ !!! સસ્સીબેન તો બહુ સરસ દેખાય છે ને ? " જંગલમાં બધાં પ્રાણીઓ વાતો કરે છે. પરંતું સસ્સી ઉતાવળે પૂજાનો થાળ લઈને દોડી જાય છે. બીજાં દિવસે તેનાં મિત્રોએ સસ્સીને પૂજા પછી જવા જ ન દીધી. તેની આજુબાજુ ટોળે વળી ગયાં. બધાં સસ્સીને પૂછવા લાગ્યા, " શું નવીન છે ? અમને બતાવો. અમે તને જવા નહીં દઈએ." સસ્સીએ તેનાં મિત્રોને વાત કરતાં જણાવ્યું કે, " મેં ગૌરીવ્રત કર્યુ છે." ગૌરીવ્રતનું નામ સાંભળતાં બધાં જ પ્રાણીઓ એકીસાથે બોલી ઉઠ્યા, ' ગૌરીવ્રત એટલે શું ? આ વ્રત કેવી રીતે કરવાનું હોય છે ? આવુ વ્રત તો અમે બધાએ પહેલી વખત સાંભળ્યું છે. ' સસ્સી એ જવાબ આપતા કહ્યું, " હા, મારાં વ્હાલાં મિત્રો. તમે આ વ્રત વિષે જાણવા માંગો છો. તો ચાલો હું તમને ગૌરીવ્રત વિશે જણાવું. " 

     સસ્સીએ ગૌરીવ્રતની વાત શરુ કરતાં કહ્યું કે, " હું થોડા વર્ષો પહેલા એક નગરશેઠના ઘરે રહેતી હતી. નગરશેઠને બે દિકરીઓ હતી - ટીનું અને મીનું. આ બંન્ને બહેનો દર વર્ષે ગૌરીવ્રત કરતી હતી. બસ ત્યારથી હું પણ દર વર્ષે ગૌરીવ્રત કરુ છું. મને આપણાં આ જંગલમાંથી નગરશેઠ લઈ ગયા હતા. ત્યારે હું નાની હતી. મોટી થયાં પછી શેઠે મને અહીં આપણાં જંગલમાં છોડી દીધી. પરંતું હું જંગલમાં આવ્યા પછી પણ ગૌરીવ્રત કરુ છું. મારી બંન્ને સખીઓ - ટીનું અને મીનું , સારો વર અને સારુ ઘર મેળવવા માટે આ વ્રત કરે છે. મારે પણ સારો વર અને ઘર જોઈએ છે, માટે હું આ વ્રત કરુ છું. આ વ્રત અષાઢ સુદ તેરસથી શરુ થાય છે. મોટી છોકરીઓ વ્રત કરે છે તે અગિયારસ ના દિવસથી શરુ થાય છે. ગૌરીવ્રતમાં નાની છોકરીઓ જવારા વાવે છે. મોટી છોકરીઓ મંદિરે જઈને શિવ પાર્વતીની પૂજા કરે છે. આ વ્રત પાંચ દિવસ કરવાનું હોય છે. પાંચ દિવસ મોળું એટલે કે મીઠાં વિનાનું જમવાનું હોય છે અને ઉપવાસ કરવાનો હોય છે. ભૂખ લાગે ત્યારે લીંબુ શરબત, ફળો, દૂધ અને શાકભાજી લેવાનાં હોય છે. છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. પાંચ કે સાત ગૌરીવ્રત કર્યા પછી જયા પાર્વતી વ્રત કરવાનું હોય છે. છોકરીઓ સાસરે જઈને વ્રત ઉજવે છે. કેટલીક છોકરીઓ લગ્ન પહેલાં ઉજવી નાંખે છે. ઉજવણીમાં પાર્વતી માતાને શણગાર કરવાનો હોય છે. જેટલાં વર્ષ કર્યા હોય તેટલી છોકરીઓને જમાડવાનું હોય છે. ગૌરીવ્રતમાં મસ્ત મજાના નવાં નવાં કપડાં પહેરીને સાંજે બાગમાં રમવાની અને ફરવા જવાની મઝા પડે છે. 

   સસ્સીની વાતો સાંભળીને બધાંને ખૂબ મઝા આવી. બધાએ ગૌરીવ્રત કરવાનું નક્કી કર્યું. સસ્સી બહુ ખુશ ખુશ થઈ ગઈ. કેમકે, સસ્સીને હવે ગૌરીવ્રત કરવા માટેની કંપની મળી ગઈ. આ વર્ષે સસ્સીને ઉપવાસ હોઈ બધાએ સસ્સીને કંપની આપવાનું નક્કી કર્યું. સાથે જમવાનું નક્કી કર્યું. આ દિવસોમાં સસ્સીને મદદ કરવાનું નક્કી કર્યું.

   જોયું ને, બાળદોસ્તો! સસ્સીએ ગૌરીવ્રત કર્યુ, તમે કરશો ને ??

જાગૃતિ પંડ્યા
 આણંદ.

Thursday, 29 June 2023

બાળસંસદ ઊજવણી પ્રક્રિયા - નગર પ્રાથમિક શાળા નંબર. 31, ધોળાકૂવા, બાકરોલ, આણંદ.

બાળ સંસદ 

ઉદ્દેશ્ય :- બાળકો લોકશાહી એટલે શું ? તે જાણે છે, ચૂંટણી પ્રક્રિયા વિશે જાણે છે અને લોકશાહી પદ્ધતિથી કાર્ય કેવી રીતે કરવામાં આવે છે તે જાણે છે.

   બાળકોમાં સુટેવોનું ઘડતર નાનપણથી જ કરવામાં આવે તો ઉત્તમ. બાળપણમાં કેળવાયેલી સુટેવોમાં મનુષ્યનું ઉત્તમ રીતે ઘડતર કરે છે તેથી જ પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણની સાથે સાથે બાળકમાં ઉત્તમ ગુણો વિકસે તે દિશામાં કાર્ય કરવું જરૂરી બને છે.

   બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં વિકાસમાં સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.

    પ્રાથમિક શાળાઓમાં બાળકોનું ભાવિ ઘડાય છે. વળી વયસ્તવ્યક્તિઓ કરતા બાળકોની શીખવાની ઝડપ વધુ હોય છે એમાં એ વર્તનની ટેવોને તો તરત જ આત્મસાત કરે છે. શાળાઓ બાળકોને જ્ઞાન આપવાની સાથે સાથે પરોક્ષ રીતે માતા પિતા તથા સમુદાયની પણ સામેલ થવાની તક પૂરી પાડે છે સાથે સાથે બાળકો અસરકારક રોલ મોડલ પણ હોય છે. તેઓ શાળામાં જે કંઈ નવી સારી વર્તણુક શીખે છે તે અન્ય બાળકો તેમજ ભાઈ બહેનને પણ શીખવે છે એટલું જ નહીં ભવિષ્યમાં એ પોતે જ્યારે માતા પિતા બને છે ત્યારે પોતાના સંતાનોને પણ શીખવે એવી પૂરી શક્યતા રહે છે. 


     બાળ સંસદની રચના લોકશાહી પદ્ધતિથી કરવામાં આવે છે. જેમાં શાળાના બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચૂંટણીની પ્રક્રિયા દ્વારા મહામંત્રી, શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, પાણી મંત્રી ,સફાઈ મંત્રી, પ્રવાસ મંત્રી અને રમતગમત મંત્રી વગેરેની પસંદગી કરવામાં આવે છે.શાળામાં સક્રિય અને સફળતા 'બાળસંસદ' વિદ્યાર્થીઓને શિક્ષણ, સ્વાસ્થ્યઅને વ્યક્તિગત વિકાસના એક સંદર્ભે એક મહત્વની શરૂઆત થાય છે. જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે બાળકોમાં નેતૃત્વ, સમુહભાવના, સમયસર નિર્ણય લેવાની ક્ષમતા તેમજ સ્વયંમ શિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયની સમજવામાં પણ મદદ મળી રહે છે. આમ બાળ સંસદ શિક્ષણમાં તેમજ જીવન ઘડતરમાં પણ ઉપકારક બને છે.


બાળકો લો કશાહી પ્રક્રિયા અને લોકશાહી શાસન વિશે સમજે  તે માટે અમારી શાળામાં આજરોજ તારીખ 28 જૂન 2023ને બુધવારના રોજ, બાળસંસદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.


બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસે અને પોતાની શાળા માટે સજાગ બને તેમ જ શાળામાં શિક્ષકોની મદદરૂપ બને તે માટેનો આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ હોય છે. બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિશાસ્ત્ર થી વાકેફ થાય તેમ જ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે  હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે. 


  શાળામાં બાળકોને બાળ સંસદની ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની  રૂપરેખા તૈયાર કરવામાં આવી.  તે મુજબ જાહેરનામું , ઉમેદવારનું ફોર્મ ભરવાની,  પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી. આ માટે ઉમેદવાર બાળકોને જરૂરી પ્રચાર - પ્રસારનો પણ સમય આપવામાં આવ્યો ચૂંટણીના દિવસે જરૂરી સ્ટાફ જેમ કે પ્રિસાઈન્ડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈન્ડિંગ ઓફિસર ,સુરક્ષા કર્મચારી, એજન્ટ  તથા ચૂંટણી કમિશનર વગેરેની નિમણૂક કરવામાં આવી .  તે માટે જરૂરી વર્ગ વ્યવસ્થા પણ કરવામાં આવી.   મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું. જેમાં મતપેટી,  મત કુટીર અને બેઠક વ્યવસ્થાને ખાસ મહત્વમાં આપવામાં આવ્યું . કુમાર - કન્યાની અલગ અલગ હરોળમાં રાખીને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.  તેમજ મતદાન પેટી મતદાનના અંગે મતપેટીને સુરક્ષિત મૂકવામાં આવી સમગ્ર પ્રક્રિયામાં બાળકોને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 

 શાળામાં ડિજિટલ વોટિંગ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ સ્માર્ટ ટી.વી.માં આપેલ લિંક દ્વારા વોટ આપ્યા. બાળકોને ખૂબ આનંદ આવ્યો.આમાં સ્માર્ટ બોર્ડ પર વોટ આપવાના હતાં.  લોકશાહી પ્રક્રિયા મુજબ પણ શાળામાં મતદાન કરવામાં આવેલ. બાળકો આ રીતે અલગ અલગ જરૂરિયાતો મૂજબ આવી લિંક્સ નો ઉપયોગ કરી શકે તે હેતુસર આ લિંક બનાવવામાં આવેલ છે. નીચે આપેલ નામ માંથી તમારે જેને વોટ આપવો હોય તેને વોટ આપો. કોઈને પણ ન આપવો હોય તો છેલ્લે NOTA બટન પર ક્લિક કરો. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત હોવાથી સ્માર્ટ બોર્ડ પર ક્લિક કરી ( વોટ આપી ) બહાર નીકળી જવું. આ મુજબ સૂચના અને સમજ આપવામા આવી.

   શાળાનાં શિક્ષકો દ્વારા મત ગણતરી કરવામાં આવી. બીજા દિવસે બાળકોને પરિણામ જાહેર કરવામાં આવશે તથા વિજેતા ટીમનું શાળાનાં પ્રાંગણમાં નાનું સરખું સરઘસ કાઢવામાં આવશે અંતે ફૂલહારથી સ્વાગત - સન્માન કરીને બાળકોને ખાતાં ફાળવાશે. કામગીરી સોંપવામાં આવશે. 

  આ રીતે શાળામાં ખૂબ સુંદર રીતે બાળસંસદનું આયોજન કરવામાં આવ્યું.



મતદાન પ્રક્રિયા

સ્માર્ટ બોર્ડ દ્વારાવોટિંગ

Wednesday, 21 June 2023

વિશ્વ યોગ દિવસ - 21 જૂન 2023, નગર પ્રાથમિક શાળા નંબર. 31, ધોળાકૂવા બાકરોલ આણંદ. ઊજવણી અહેવાલ.


KNOW YOGA, KNOW PEACE,
NO YOGA , NO PEACE

      આજે વિશ્વ યોગ દિવસ (World Yoga Day) તરીકે ઉજવવામાં આવે છે. જેની શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા સૌ પ્રથમ વાર 21 મી જૂન 2015 ના રોજ ઉજવવા માં આવ્યો હતો આજે 2023 ના રોજ આ આઠમો યોગદિવસની ઉજવણી કરવા માં આવી રહી છે.

   અમારી શાળા નંબર 31, ધોળાકૂવા, બાકરોલ આણંદમાં પણ આજે શાળામાં બાળકો સાથે યોગ દિવસ ઉજવવામાં આવ્યો. વહેલી સવારથી જ બાળકોમાં યોગ કરવાનો ઉત્સાહ હતો. અમારી શાળામાં તમામ બાળકોને શાળાના શિક્ષક શ્રીજાગૃતીબેન પંડ્યા દ્વારા યોગથી થતા ફાયદા અને યોગ વિશે માર્ગદર્શન આપી યોગની દર્શન કરાવવામાં આવ્યું. ત્યારબાદ બાળકોને પણ યોગ કરાવવામાં આવ્યા હતા. સદર શાળાના બાળકો અને શિક્ષકોના માધ્યમ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. શાળાનો તમામ સ્ટાફ, આચાર્યશ્રીગાયત્રીબેન મહીડા તથા મઘ્યાહ્ન ભોજનનો સ્ટાફ સૌએ સાથે મળીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 

    કાર્યક્રમની રૂપરેખા મુજબ યોગ દિવસ ઉજવણી પ્રાર્થના અને શ્લોકથી કરવામાં આવી. ત્યારબાદ હળવી કસરત જેવી કે , ગરદનનું પરિભ્રમણ અને ખભાનું પરિભ્રમણ કરાવવામાં આવ્યું જેના દ્વારા કાર્યક્રમની વેગ મળ્યો. કાર્યક્રમના ત્રીજા ભાગમાં 15 મિનિટ સુધી યોગાસન કરાવવામાં આવ્યા . જેમાં તાડાસન, વૃક્ષાસન, અર્ધ ચક્રાસન,ત્રિકોણાસન વગેરે કરાવવામાં આવ્યા. ત્યારબાદ બેઠા બેઠા આસનોમાં શ્વજ્રાસન, વક્રાસન , હલાસન, પશ્ચિમોતાનાસન વગેરે આસનો યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યા. સૌ સાથે મળીને સુંદર મજાના આસનો કર્યા. ત્યારબાદ ત્રણવાર કપાલભાતિ, અનુલોમવિલોમ પ્રાણાયામ, ૐ કાર પ્રાણાયામ તથા ભ્રામરી પ્રાણાયામ કરાવવામાં આવ્યા સાથે સાથે બાળકોને તેના લાભો વિશેની જાણકારી આપવામાં આવી. છેલ્લે બાળકોને, શ્રીદેવાંશીબેન દ્વારા સિંહાસન અને હાસ્યાસન કરાવવામાં આવ્યું. અંતે બાળકોને દસ મિનીટનું ધ્યાન કરાવવામાં આવ્યું. અંતે સૌએ સાથે મળીને, સમગ્ર વિશ્વમાં એકતા જળવાય, દરેક મનુષ્ય સ્વસ્થ બને, શાંત બને તથા દીર્ઘાયુષ્ય અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવો સંકલ્પ લેવામાં આવ્યો.

     અંતે બાળકોને લાઈનબદ્ધ વર્ગમાં જવા સૂચના આપી, બાળકો અને અમે સૌ છૂટા પડ્યા. આ રીતે અમારી શાળામાં વિશ્વ યોગ દિવસની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી.