Monday, 24 October 2022
મેરમેરાયા
Tuesday, 18 October 2022
🌺 ' પમરાટ ' એક પુષ્પનો 🌺
તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં. - જીગર જોષી ' પ્રેમ '
ગુલાબના ફૂલોનાં બગીચામાં જ્યારે મને રોપવામાં આવ્યું, ત્યારે મને ખૂબ જ ખુશી થઈ. મારાં બાંધવોની સાથે રહેવું, રમવું અને વિકસવું એ જ મારી ખુશી. મારાં ઘણાં મિત્રો પણ થઈ ગયાં હતાં. ત્યાં દરરોજના પાંચ હજાર ઉપરની સંખ્યામાં ખીલી જતાં. માળી અમારી સારી માવજત કરે. માળી સૌને એક વાંસના ટોપલામાં સાચવીને રાખે. કોઈ ફૂલોની દુકાન વાળાઓ આવે અને લઈ જાય. કોઈ ભગવાન માટે ફૂલોના હાર બનાવે તો કોઈ ડેકોરેશન માટે તો કોઈ નનામી શણગારે તો કોઈ અત્તર કે ગુલાબજળ અને ગુલકંદ બનાવવા લઈ જાય. આ બઘું જ જોતાં જોતાં અને સૌ મિત્રોની વાતો સાંભળતા સાંભળતા હું મોટો થઈ ગયો.
હવે હું મોટો થઈ ગયો. મારે એક કળી પણ આવી. હું ખૂબ જ ખુશ હતો. મારાં કરતાં માળી વધારે ખુશ હતો. મોટા થવું અને ખીલવું મને ગમતું પરંતું મને માળીને છોડીને જવું ન ગમતું. કેટલી ઉત્તમ પ્રકારે મારી માવજત કરાતી!
અને, થોડાં જ દિવસો પછી હું સુંદર મજાનું ખીલી ગયું. આજે તો હું સંપૂર્ણ ખીલેલું હતું. હું સવારના સૂર્યોદયની રાહ જોતો હતો. વહેલી પરોઢના ઝાકળે મને ભીંજવીને ઠંડુ ઠંડું કર્યુ હતુ. મારી પત્તીઓ ભીની ભીની થઈ ગઈ હતી અને ઠંડો પવન મને ધ્રુજાવી રહ્યો હતો. હવે આકાશમાં ઝાંખું ઝાંખું અજવાળું પથરાઈ ગયું હતું. થોડીવારમાં જ ખુલ્લા આકાશમાં સોનેરી સવારે પોતાનું સામ્રાજ્ય વધારી દીધું હતું. પ્રસન્ન રવિના કોમળ કિરણો મને સ્પર્શતા હું હૂંફ અનુભવી રહ્યો હતો. આખી રાતમાં ચઢેલી ઠંડીથી હવે હું સ્નેહ રશ્મિનાં વહાલભર્યા સ્પર્શથી પ્રસન્ન જણાતો હતો. ' મારો માલિક મને જોઈને કેટલો ખુશ થશે ?' તે વિચારે હું અતિશય પ્રસન્ન થઈ ગયો. ઠંડીમાં અર્ધ બિડાયેલી મારી કડીઓ હવે ખીલીને સૂરજનું સ્વાગત કરતી હતી.
મારો માલિક આવ્યો. સૌથી વધુ સુંદર હું જ હતો. મારા માલિક મારી પાસે આવ્યા અને ખુબ વ્હાલથી મારે માથે હાથ ફેરવ્યો અને ધીરેથી મને મારી ડાળીથી અલગ કર્યું. મને જેટલું દુઃખ મારી ડાળીથી અલગ થવાનું હતું તેટલું જ દુઃખ મને મારા માલિકથી અલગ થવાનું હતું. પરંતું હવે હું સત્ય સ્વીકારીને મારાં બાંધવો અને મિત્રો સાથે વાસનાં ટોપલામાં ગોઠવાઈ ગયો. સૌથી અલગ હું જ તરી આવતો. અમે સૌ અમને લેવા કોણ આવે છે તેની રાહમાં હતાં ત્યાં જ એક ભાઈ આવ્યા અને થોડાં ફૂલોનાં હાર સાથે અમને લઈ ગયા. અમે સૌ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આપણને ક્યાં લઈ જશે ? ત્યાં જ ગાડી એક શાળામાં આવીને અટકી. અમે સૌ માથા ઊંચા કરીને જોવા લાગ્યાં. અમને ઊંચકીને શાળાની ઓફિસમાં લઈ ગયા. શાળાના શિક્ષકો અને સૌ અમને જોઈને ખુશ ખુશ થઈ ગયા.
એ પછી અમને એક હોલમાં લઈને આવ્યા. અહીં આવ્યા પછી ખબર પડી કે અહી મીનાબેન અને ભાવનાબેનનો વિદાય સમારંભ છે. શાળાનાં ખીલેલાં પુષ્પો સાથે અમે એક થઈ ગયાં. શાળાનાં પુષ્પોનો કલરવ અને અમારો પમરાટ એક બની ગયાં. અમારાં માંથી એક હાર લઇને સરસ્વતીમાતાના ફોટાને પહેરાવવામાં આવ્યો. અમે સૌ આ વિદાય સમારંભ જોતાં હતાં. થોડીવારમાં શબ્દો અને પુષ્પોથી સૌનું સ્વાગત કરવામાં આવ્યું.
ઘણાં લોકો આવ્યા હતા. સૌના હાથમાં ગુલાબનાં ફૂલો હતાં. એમાંથી અમુક શિક્ષકોએ પોતાની પાસેનું ગુલાબ પોતાનાં હાથમાં રાખ્યું, કોઈએ નીચે જમીન પર મુકી દીધું, કોઈએ વાતો વાતોમાં ગુલાબનું ફુલ મચડી નાખ્યું તો કોઈ અમને ખાઈ ગયું. અમારાં જેવાં પણ હાલ કર્યાં અમે સૌને સુગંધ જ આપી.
શિલ્પાબેને મને એમનાં માથાની પીનમાં પરોવી લીધું. તેમની સાથે આવેલી બહેનોએ સૌએ શિલ્પાબેનના માથામાં પરોવેલાં ફૂલની સાથે પોતાનાં ફૂલો જોડીને સુંદર મજાની વીણી બનાવી. ખુલ્લા, રેશમી અને સુગંધીદાર વાળમાં મને ગમ્યુ. હું પણ ખુશ અને શિલ્પાબેન અને તેમની સખીઓ પણ ખુશ. માથાની વેણી બની કોઈની સુંદરતામાં વધારો કરી સૌને પ્રસન્ન જોઈને મારી ખુશી બમણી થઈ. આજે મને મારું જીવન સાર્થક જણાયું.
તમારી અદાઓના શું જવાબ આપુ
આ અભિનય ને શું કિતાબ આપુ
કોઈ તારાથી સુંદર ગુલાબ હોત તો લાવત
પણ જે પોતે ગુલાબ છે તેને શું ગુલાબ આપુ.
ભગવાનનો એટલો પાડ કે હું કોઈનાં પગ નીચે ન કચડાયો કે મને કચરો થતાં બચાવ્યો. હે પ્રભુ , ફરી પણ મારો ઉપયોગ કોઈ સત્કાર્યમાં થાય અને મારું જીવન સાર્થક બને એવુ મને ભાગ્ય આપજે.
ફૂલ બનકર હમ મહેકના જાનતે હૈ
મુસ્કુરા કે હમ ગમ ભુલાના જાનતે હૈ
લોક ખુશ હોતે હૈ હમસે ક્યુકી
બીના મિલે હમ રસ્તા નીભાના જાનતે હૈ.
જાગૃતિ પંડ્યા આણંદ.
૧૮/૧૦/૨૦૨૨
Tuesday, 11 October 2022
🌺 સાધનાના પંથે 🌺
Tuesday, 6 September 2022
બાગમાં ફરવા ગયાં'તા કે નિધિબેન લપસી પડ્યા! બાગની મુલાકાત, કન્યા શાળા નં.28, બાકરોલ આણંદ.
ના મેડમ , હું નહીં આવું! 😢 સરકારી દવાખાનું મુલાકાત: શાળા નં. 28, કન્યા શાળા બાકરોલ આણંદ.
મેડમ, સનાને ચોપડી જોઈએ છે! 📚 " પુસ્તકાલય મુલાકાત: શાળા નં.28, કન્યા શાળા બાકરોલ આણંદ.
Sunday, 14 August 2022
નાની મારી વાત : 50, 🇮🇳સ્વાતંત્ર્ય દિન.🇮🇳 આઝાદી કા અમૃત મહોત્સવ.
મિત્રો, આજે જ્યારે આખો દેશ એકયાબીજી રીતે આઝાદીના75 વર્ષનીઉજવણી કરે છે ત્યારે મને પણ આપસૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે... આજનાં દિને આ મારી 75મી રચના છે જેમાં ( 50 બાલવાર્તાઓ અને 25 બાળગીતો) થયાં છે.
કિશન દોડતો આવ્યો અને કનૈયાને કહેવા લાગ્યો, " ભાઈ જો ને આ મારો તિરંગો ! મારે કલર કેમ બહાર નીકળી જાય છે? ટીચરે કહયું છે કે કલર બહાર ન નીકળે તે રીતે જ તિરંગો દોરવો. મને તારા જેવા સરસ કલર પૂરતાં શીખવ ને. "
કનૈયો પણ સરસ મજાનું ઘર અને તેના ઉપર તિરંગો, ઉપર ખુલ્લુ આકાશ, ઘર પાસે ખુલ્લું ખેતર અને ખેતરમાં ઘણાં બધાં ઝાડ - આવું ચિત્ર દોરતો હતો. કિશન અને કનૈયો બંને ભાઈઓ હતા. કનૈયો મોટો અને કિશન નાનો. કનૈયાએ પોતાનું ચિત્ર પૂરું કરીને કિશનને રંગો પૂરતાં શીખવ્યું.
કનૈયાએ સૌ પ્રથમ આખા ચિત્રની બોર્ડર પર કલરો પૂરી દીધા જેથી કરીને દિવાલ જાડી થઈ ગઈ અને કહ્યું હવે અંદર શાંતિથી રંગો ભર. આ રીતે રંગો પૂરતાં સહેજ પણ કલર બહાર ન નીકળ્યા અને ચિત્ર ખૂબ જ સુંદર લાગ્યુ. કિશન ખુશ ખુશ થઈ ગયો.
કનૈયો તેના ચિત્રમાં રંગો પૂરતો હતો અને બંને ભાઈઓ વાતો કરતા હતા. કિશન પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને કનૈયો પાંચમા ધોરણમાં.
કિશને પૂછયું, " ભાઈ દર વર્ષે આપણી શાળામાં સ્વાતંત્ર્ય દિનની આટલી બધી તૈયારીઓ થાય છે? "
કનૈયાએ કહ્યું દર વર્ષે આગલા દિવસે અમે સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ કરીએ છીએ પરંતુ આ વર્ષે આપણા દેશને આઝાદી મળે ૭૫ વર્ષ પૂરાં થયાં છે માટે એની ઉજવણીના ભાગરૂપે આખુ વર્ષ નાના મોટા કાર્યક્રમો યોજાયા હતાં અને આ છેલ્લું અઠવાડિયું આપણી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું."
કિશને પૂછયું, " ભાઈ મને તો આખુ અઠવાડિયું શાળામાં ખૂબ જ મજા પડી. મને આપણા દેશની આઝાદીની વાતો કરને? ગઈકાલે અમારા ટીચરે અમને થોડી વાતો કરી હતી. થોડી વધારે વાતો કરને ! અમને અમારા ટીચરે સ્વાતંત્ર્ય દિન વિષે લખવાનું પણ કહ્યું છે."
જો સાંભળ, કનૈયાએ વાત શરૂ કરી.
" ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.
અને આ રીતે આ વર્ષે ૧૫ ઓગષ્ટ ૨૦૨૨માં આપણાં દેશને આઝાદી મળ્યે ૭૫ વર્ષ પૂરાં થયાં. જેને ' આઝાદી કા અમૃત મહોત્સવ ' નામથી આપણે સૌ ઊજવણી કરીએ છીએ. આ વર્ષે આપણાં વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીમાં લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે 'હર ઘર તિરંગા ' નું સૂત્ર આપવામા આવ્યું છે માટે સમગ્ર દેશમાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરેેકેદરેક ઘર પર તિરંગો ફરકશે. અને માટે જ આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી આજનો દિવસ ઉજવાશે."
કિશન આ બધી વાતો સાંભળી ખુશ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, " આપણો આખો દેશ તિરંગાથી કેટલો સરસ દેખાશે ! આપણે છેક ઉપર આકાશ માંથી જોઈએ તો કેવી મઝા પડે! "
બંને ભાઈઓ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી માટે ખૂબ જ આતુર અને ઉત્સાહિત હતાં. દાદાજીએ કહેલી, શાળામાં ટીચરે કહેલી અને મમ્મી પપ્પાએ કહેલી બધી જ વાતો કનૈયાએ કિશનને કહી. બંનેએ ખૂબ વાતો કરી અને જશોદા બહેને ( કિશન - કનૈયાની મમ્મી એ ) જમવા માટે બૂમ પાડી. બંને ભાઈઓ જમવા દોડી ગયા.
જય હિંદ - જય ભારત
ભારત માતા કી જય
વંદે માતરમ્.
જાગૃતિ પંડ્યા,
આણંદ.