Tuesday, 6 September 2022

મેડમ, સનાને ચોપડી જોઈએ છે! 📚 " પુસ્તકાલય મુલાકાત: શાળા નં.28, કન્યા શાળા બાકરોલ આણંદ.

        પુસ્તકાલયમુલાકાત : ન.પ્રા.શાળાનં. ૨૮, કન્યા શાળા બાકરોલ, આણંદ.

        અમારી શાળામાંથી ધોરણ : ૧ થી ૫ ના બાળકોને અમે સૌ શિક્ષકો નજીકની સરકારી પુસ્તકાલયની મુલાકાતે લઈ ગયા હતા. બાળકોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. આજે બાળકો ખુશ હતાં. એમાંના ઘણા બાળકોએ કદી પણ પુસ્તકાલય જોયું ન હતું. બાળકોને હારબંધ લઈ ગયા. સુમિત્રાબેને તમામ બાળકોને જરુરી સૂચનો આપી દીધાં હતાં. 

બાળકો તો પુસ્તકાલય જોઈને ખુશ ખુશ થઈ ગયા હતા. આટલું મોટું પુસ્તકાલય !! આટલાં બધાં પુસ્તકો !!! બાળકો પુસ્તકાલયની શાંતિ જોઈને પ્રસન્ન થયા. મનની શાંતિ  જણાઈ. 

     ત્યાં પુસ્તકાલયમાં અલગ અલગ વિભાગોનો પરિચય ત્યાંના વ્યવસ્થાપક શ્રીદિનેશભાઈએ આપ્યો. પુસ્તકાલયમાં વાંચન માટે, પેપર માટે, પુસ્તકોની આપ લે માટે, તથા અલગ અલગ મેગેઝિન માટે અલગ અલગ રૂમો હતી. ત્યાં બાળ સાહિત્યો પણ ઘણાં હતાં. બાળકોને ત્યાં બાળ વિભાગમાં ટેબલ ખુરસી પર બેસીને વાંચવાની ખૂબ મઝા આવી.

       પુસ્તકાલય આપ લે વિભાગમાં તમામ પ્રકારના પુસ્તકો જોયાં. જેમાં અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ભાષામાં પુસ્તકો હતાં. જેમાં ધાર્મિક પુસ્તકો, અવનવું, નવલકથાઓ, ટુંકીવાર્તાઓ, અને મહાગ્રંથો હતાં. ત્યાં પુસ્તક લેવાં માટે કેવી રીતે પ્રક્રિયા કરવાની હોય છે તે દિનેશભાઈએ સમજાવ્યું.

     અંતે તમામ બાળકોને ત્યાંથી ચોકલેટ આપી અને શાળાએ જવાની લાઈન ગોઠવી દીધી.

   અંતે,,,, અમારી દીકરી સના બોલી, મેડમ જવાનું ? મેડમે હા પાડી. પછી સના તેનાં મિત્રો સાથે ગણગણાટ કરવા લાગી. ટીચરે પૂછયું, શું થયું ? તો રુહી બોલી, "મેડમ સનાને ચોપડી જોઈએ છે." ચોપડી લીધાં વિના સના ત્યાંથી ભારે પગલે ચાલી. બીજે દિવસે મેં સનાને શાળાના પુસ્તકાલય માંથી બાલવાર્તાની ચોપડી અને બાળ પ્રકાશ આપ્યું. સનાના ચહેરા પર આનંદ આનંદ છવાઈ ગયો.
    
        


       
          

No comments:

Post a Comment