Monday, 24 October 2022

મેરમેરાયા




🔹 મેરમેરાયા 🔹 
        દિવાળી એ એક એવું પરબ કે તહેવાર છે કે આ દિવસે બધાનાં હૈયે હરખ અપાર હોય છે. દિવાળી પર ઘરની સ્ત્રીઓ બેચાર દિવસો પહેલાથી નવી નવી વાનગીઓ બનાવી લે છે. નવાં નવાં કપડાં તો આગોતરું આયોજન કરીને બધાએ પોત પોતાની રીતે સિવડાવી લીધેલ હોય છે. હાલના સમયમાં જો કે રેડીમેઈડની સિસ્ટમ થઈ છે એટલે મનગમતાં લઈ લીધાં હોય છે. આજે અહીં વાત લખવી છે દિવાળીમાં પ્રગટાવવામાં આવતાં કે કાઢવામાં આવતાં  "મેરમેરાયા" ની...!
    આ મેરમેરાયા શું છે ?    
      દિવાળીની સવારથી જ લોકો સીમમાં કે પોતાના ખેતરે જાય અને ખેતરેથી વળતાં ખેતરના શેઢા પર ઉગેલ એક વનસ્પતિ જેને ચૂંવાળ માં ઈકેડી તરીકે ઓળખે છે. આ ઈકેડી ના મળે તો અન્ય ઝાડ "વરખડા" ના ઝાડમાંથી પણ સોટીઓ કાપી લાવે. બહુ આ રસિયા કે શોખીન માણસો ખેતરમાં ઉગેલ " કારિંગા " ના વેલામાંથી એકાદ બે નંગ નાનું કારીંગુ પણ લેતા આવે.ઘરના જેટલા પુરુષ સભ્યો હોય એ ગણત્રી મુજબ એટલી સોટીઓ કાપી લાવે. અંદાજે બે થી ત્રણ ફૂટ સોટીઓ કાપી લાવવામાં આવે. બપોરનું દિવાળીનું મનગમતું ભોજન કરી લે છે.
       બપોર પછી સંધ્યા પહેલાં આ સોટીઓને બે ત્રણ ઇંચ જેટલી એક છેડેથી ફાડવામાં આવે ને ચાર ભાગમાં ફાડીને એમાં વાટ ભરાવવામાં આવે છે. આ વાટ જુના તૂટેલ કપડાંના ટુકડામાંથી વણીને બનાવવામાં આવે છે. પછી વાટને ફાડેલ વાળા ભાગમાં ભરાવી દેવામાં આવે.ફાડેલો ભાગ બધો જ ઢંકાઈ જાય એ રીતે ઉપર એ જ કપડાનો ટુકડો બાંધી ફિટ કરી દેવામાં આવે. રસિયા માણસો એ જે ખેતરેથી લાવેલ "કારીંગુ" વચ્ચેથી  કાપી ને અંદરનું ગરભ કાઢી તાંસળી આકારનું  બનાવી ને કિનારી પર પણ ખાંચાવાળી ડિઝાઇન બનાવે. કોઈ ચીકણી માટીનું કોડિયા જેવું જાતે જ બનાવીને લગાવે.પછી એમાં કપાસિયા ભરી નાખે જેથી  તેલ કે દિવેલ નિચેના છેડે નિતરે નહીં. મસ્ત એક " મસાલ " સ્વરૂપમાં આકાર આપી "મેરમેરાયું" બનાવી લે છે. 
     મેરમેરાયાની વાટની મૂળમાં આ કપડું વીંટવાનું કે કોડિયું લગાવવાનું કારણ એ જ કે એમાં તેલ / દિવેલ પુરવાનું હોય  છે. એ તેલ કે દિવેલ નિતરીને આ મેરમેરાયું બીજા છેડેથી હાથમાં પકડ્યું હોય ત્યાં સુધી રેલાઈ ને નિતરીને ન આવે અને શારિરીક ઇજા કે નુકશાન થાય એટલા માટે જ .! 
    આ મેરમેરાયું તૈયાર થઈ જાય પછી વાટને તેલમાં ડબોડીને પ્રગટાવવામાં આવે છે. સંધ્યા આરતી પહેલાં બધા પોતપોતાના ઘેર ટોડલામાં સળગાવેલ દિવાળી ઉત્સવમાં રખાતા દિવાથી પ્રગટાવે. દરેક ઘરના લગભગ વડીલ હોય એ જ લોકો મેરમેરાયું લઈને પોતાના જે ખેતીવાડી ને ઉપયોગી કે દુઝાણા માટે પાળેલ પશુઓના માથા શરીર ફરતું ફેરવી ને ઘરની બહાર નીકળે છે.આ કરવા પાછળ પણ એક શ્રદ્ધા છુપાયેલી છે.
        દિવાળીના દિવસે જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસ પૂરો કરી અયોધ્યા પરત પધારેલા ત્યારે અયોધ્યામાં લોકોએ જે ઉત્સવ "દીપોત્સવ" તરીકે દીવા ઓ કરીને હર્ષોઉલ્લાસ મનાવ્યો હતો. એ અનુસંધાને આ તહેવાર ઉજવાય છે. એવું   માનવામાં આવે છે.એટલે   એ ખુશીથી આ દિવસે પશુઓમાં કોઈ રોગચાળો ન રહે અને આવે પણ નહીં અને પશુઓ નિરોગી રહે તેવા હેતુથી અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રીરામચંદ્રને મનોમન પ્રાર્થના કરીને ફેરવવામાં આવે છે.
      વિજ્ઞાનની દ્રષ્ટિએ આ પ્રગટાવેલ મેરમેરાયું હોય એમાંથી નીકળતા ધુમાડા અને સામાન્ય ગરમીના કારણે નાના ઝેરી જંતુઓ માખી મચ્છર જેવાં નાશ પામે છે એવું માનવામાં આવે છે.આ જંતુઓ મરી જવાથી પશુઓને કરડી શકતાં નથી. અને પશુઓ એના કરડવાથી થતી બીમારીમાંથી બચી જાય છે.. 
       ત્યારબાદ શેરીએ શેરીએ દરેક ઘરની સ્ત્રીઓ ખડકીમાં ઉભી હોય છે. એ બધી જ સ્ત્રીઓ વારાફરતી દરેકના આ મેરમેરાયમાં તેલ પુરે છે.અગાઉ તો બાળકોને ગાવાનો હરખ પણ રહેતો હતો ને ગાતા જાય કે...!
" આજ દિવાળી ,
          કાલ દિવાળી..
  આગડી ગાગડીમાં,
          તેલ પુરાવો..
  તેલ ના હોય તો,,
            ઘી પુરાવો..!"
      આ આગડીગાગડી એ જ મેરમેરાયું..!
      આમ આગડીગાગડી વાળા બધા મુખ્ય ચોકમાં ભેગા થાય. ફટાકડા જે ઘર સારું મતલબ અનુંકુળતા મુજબ લાવ્યા હોય ફોડે. બધા જ ચોકમાં એવું જાય પછી શ્રી રામચંદ્ર ભગવાનની અને ટોડાવાળીની જય બોલાવવામાં આવે.
      પછી ગામથી બહાર કે ટોડાની બહાર આ બધા જ મેરમેરાયા એક જ ઢગલો કરી રાખવામાં આવે.કોઈ વળી સારું મેરમેરાયું બનાવ્યું હોય એવા અલગ રેતીનો ઢગલો કરી એમાં ઉભું રાખે કે ચોપાવામાં આવે.
        આમ મેરમેરાયા કે આગડીગાગડી કાઢવાનું મહાત્મ્ય મારી સમજણ મુજબનું રજૂ કર્યું છે.હજુ ગામડાઓમાં આ પ્રથા કે રીત ચાલુ જ છે.
      જો કે શહેરીકરણ વધતાં થોડુંક પ્રમાણ ઘટ્યું જરૂર છે. અમુક શુકન પૂરતું કરવા ખાતર ઘરમાં એકાદ જણ આ મેરમેરાયા બનાવે અને બાકીના બધા સાથે ચાલે ને વારાફરતી બધા પકડતા આવે ને ફટાકડા ફોડતા ફોડતા ને શેરીઓમાં તેલ પુરાવતા જાય છે.
       હમણાં ઘણા સમયથી દિવાળી પર ફરવા જવાનું કે પીકનીક પર જવાનું ઘણું વધી ગયું છે એટલે મેરમેરાયા કાઢનારની સંખ્યા ઓછી જ થાય દ પણ સ્વાભાવિક જ છે.! 
    આમ આ મેરમેરાયા કે આગડીગાગડી શબ્દ અલુપ્ત થતો જણાય છે. ઘણા સમયબાદ આવો શબ્દ યાદ આવતાં અહીં રજૂ કરેલ છે..
       ટૂંકમાં આ મેરમેરાયા કાઢવાનું કે પ્રગટાવવાનું મહાત્મ્ય એ જ છે કે દિવાળીના દીપોત્સવીનો ઉત્સાહ માનવાનું અને પાલતું પશુઓ ફરતે ફરાવવાનું કે પશુમાંથી રોગચાળો નીકળી જાય કે આવે નહીં..!


                💧બી.એસ.પંચાલ.💧

No comments:

Post a Comment