Sunday, 13 November 2022

મલ્હાર શબ્દ પરથી, મારી ગદ્ય રચના.

.   *✒️શબ્દ શણગાર પ્રતિયોગિતા પરિવાર✒️*
       ૧૦ નવેમ્બર પ્રતિયોગિતા શબ્દ: મલ્હાર.
                       *જાગૃતિ પંડ્યા.*
                      *ઉપનામ: 'શિવોમ્'*
                           *આણંદ*
               *🏆BEST OF FIVE🏆*
                               1️⃣
                     *💐અભિનંદન💐*
                    *પ્રથમ ક્રમાંક વિજેતા.*
                          *ગદ્ય વિભાગ.*
🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈
*પ્રતિયોગિતા ક્રમાંક:* ૨૩.
*વિષય:* મલ્હાર 
*પ્રકાર:* ગદ્ય 
*શબ્દ સંખ્યા:* ૪૫૦
*શીર્ષક:* આત્મ સાક્ષાત્કાર..
           એક ગામમાં એક સંત રહે. ગામને પાદર એક મંદિર. આખો દિવસ મંદિરમાં પૂજા પાઠ કરે અને ભગવાનની સેવા કરે. પોતાનાં કામ જાતે કરે. જે કંઈ સીધું પાણી મળે તેમાંથી રસોઈ બનાવી ગુજરાન ચલાવે. જે મળે જેટલું મળે તેમાં સંતોષ. ખૂબ ભલા ભોળાં. નવરાશના સમયે ઠાકોરજીના ભજનો અને કીર્તનો ગાય. બાબા હાર્મોનિયમ ખૂબ જ સુંદર વગાડે. શાસ્ત્રીય સંગીતના જાણકાર હતાં. જ્યારે  સંત હાર્મોનિયમ પર વિવિધ રાગો વગાડે ત્યારે સમગ્ર સૃષ્ટિ જાણે થંભી જાય! એક અલગ જ પ્રકારનો સન્નાટો છવાઈ જાય. આ બાબા પ્રહર મુજબ વિવિધ શાસ્ત્રીય રાગો વગાડે. બાબાનાં મલ્હાર રાગ પર તો વરસાદ અવશ્ય આવે આવે અને આવે જ , એવો રાગ છેડે કે બારે મેઘ ખાંગા! 

       એક્વાર એવું બન્યું કે, પાસેના ગામમાં વરસાદ પડ્યો નહીં. જાણે દુકાળ જ. પીવા પાણી ન મળે અને ખાવા અન્ન ખૂટી ગયા. પંખીઓ અને પ્રાણીઓ ટપોટપ મૃત્યુ પામ્યા. લોકો બિચારા ત્રાહિમામ પોકારી ગયા. અચાનક જ ગામનાં એક મુરબ્બીને આ સંતની વાત યાદ આવી ગઈ. તેમણે ગામનાં લોકોને ભેગાં કર્યાં અને જણાવ્યું કે, બાજુના ગામમાં એક સંત રહે છે તેઓ એવું સરસ સંગીત વગાડે છે તો વરસાદ પડે છે. ગામનાં લોકો ભેગાં થઈને આ સંત પાસે ગયા અને વિનંતી કરી કે, " હે મહાત્મા, અમારાં ગામમાં આ વર્ષે બિલકુલ વરસાદ થયો નથી. આપ અમારાં ગામમાં પધારો અને સંગીતનો રાગ છેડો તો વરુણદેવતા અમારાં પર રીઝે." બાબાએ સૌને જણાવ્યું કે હું કોઈ ચમત્કાર કરતો નથી. બસ મારી ખુશી માટે હું સંગીત વગાડું છું. અને જો મારા રાગથી તમારાં ગામ પર વરુણદેવ પ્રસન્ન થાય તો મારા માટે પણ એક પરોપકાર કર્યાની ખુશી હશે. સંત હિંદી ભાષી હતાં. છેલ્લે સંતે , " संगीत है शक्ति ईश्वर की हर स्वर में बसे हैं राम, रागी जो सुनाए रागीन तो रोगी को मिले आराम।" આટલું બોલી સંત મહાત્મા પોતાની પાસેનું હાર્મોનિયમ લઈને તૈયાર થઈ ગયા. ગામ લોકો સાથે પાસેના ગામમાં ગયાં અને એક મંદિરનાં ઓટલે બેઠાં. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને છેડ્યો મલ્હાર !!! આખો દિવસ પૂર્ણ થયો. વરસાદનાં કોઈ જ એંધાણ વર્તાતા નથી. ગામનાં લોકો નિરાશ થયાં. બાબા તો પોતાનાં રાગ સાથે મશગુલ. આંખો બંધ કરીને મલ્હાર રાગ ગાય. ન તો બાબાએ વચ્ચે પાણી માંગ્યું કે ન તો ખાવાનું. બાબાનું અન્ન અને જળ એટલે સંગીત. બાબા દેહનું ભાન પણ ભૂલી ગયા હતા. પોતાનાંમાં જ મસ્ત. આજે ત્રીજો દિવસ પૂરો થવાને આરે છે. લોકો થાકીને પોતપોતાને ઘરે ગયાં. બાબા એકલાં જ રાત દિવસ મલ્હાર રાગ સાથે. 

     સંધ્યા ટાણે અચાનક જ કાળા વાદળો બંધાયા, વાદળોનાં ગડગડાટ સંભળાયા અને ઠંડો ઠંડો પવન વાવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં ધમધોકાર વરસાદ વરસ્યો. વરસ્યો તો એવો વરસ્યો કે ભૂતકાળમાં કદી આવો વરસ્યો નહોતો. લોકો ખુશ ખુશ થઈ ગયાં. દોડતાં દોડતાં મંદિરે આવ્યાં અને જોયું તો બાબા બંધ આંખે મલ્હાર છેડી રહ્યાં હતાં અને તેમનું અડધું શરીર પાણીમાં હતું એનું પણ બાબાને ભાન નહોતું. લોકોએ આવી અને બાબાની સમાધિ ભંગ કરી. ગામનાં લોકો ખુશ હતાં અને બાબા પણ. બાબાનું પણ સૌ પ્રથમ વખત આ સૃષ્ટિના સર્જનહાર સાથે મિલન થયું. બાબા માટે આ અનોખી ઘડી હતી, આશરે બોત્તેર કલાકની સંગીતની આરાધનાનાં અંતે આત્મ સાક્ષાત્કાર થયો. એક બાજુ મેહુલો વરસે, ગામ લોકોની સાથે બાબાની આંખો પણ ચોધાર વરસે! કેવો અનોખો સંયોગ! 
*✍️નામ:* જાગૃતિ પંડ્યા ' *શિવોહમ્*'
🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈
   *નિર્ણાયકશ્રી:* નલિની ગીલીટવાળા. નવસારી.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

. *✒️શબ્દ શણગાર પ્રતિયોગિતા પરિવાર✒️*
          ૩૦ નવેમ્બર પ્રતિયોગિતા શબ્દ: પ્રેમ.
                       *જાગૃતિ પંડ્યા.*
                    *ઉપનામ: 'શિવોહમ્'*
                           *આણંદ.*
               *🏆BEST OF FIVE🏆*
                               2️⃣
                     *💐અભિનંદન💐*
                    *દ્વિતીય ક્રમાંક વિજેતા.*
                          *ગદ્ય વિભાગ.*
🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈
*પ્રતિયોગિતા ક્રમાંક:* ૨૬.
*વિષય:* *પ્રેમ* 
*પ્રકાર: ગદ્ય.*
*શબ્દ સંખ્યા:* *૩૧૦*
*શીર્ષક:* *રોબિનના વાળ..*

રોબિન, જો બેટા, કાલે રવિવાર છે. તારા વાળ ખૂબ જ વધી ગયા છે તો કાલે વાળ કપાવી આવજે."
રોબિને ફક્ત ડોકુ જ ધુણાવ્યું. સોમવારે રોબિન એવો ને એવો જ આવ્યો.મનોમન ગુસ્સા સાથે ચીઢ ! ધીરે રહી ને બધું કામ પતાવી રોબિન પાસે ગઈ.હુ રોબિનને કાંઈ પૂછુ તે પહેલા જ રોબિનના મિત્રોએ મને જણાવી દીધું કે રોબિનની મમ્મી તેને વાળ કપાવવા માટે રૂપિયા નથી આપતી. અને તેના પપ્પા તો આખો દિવસ દારુ પી ને પડી રહે છે.કાંઈ કામધંધો નથી કરતા. વાત જાણી ને રોબિનના ચોટી વળાય એ રીતે વધેલા વાળ પર પ્રેમથી માથે હાથ ફેરવ્યો. બાળકોને " ચાલો ગણિત ભણીએ " કહ્યું. હવે આનો રસ્તો શુ? એકવાર હરિજન વાસ ની મુલાકાત અવશ્ય લેવી પડશે એવુ મનોમન નક્કી કર્યુ. રોબિનના ઘરે ગયા.ધરની આસપાસ નર્કાગાર.ગંદકી જ ગંદકી. રોબિનનું ઘર જોયા પછી લાગ્યું કે, ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે! 

હવે રોબિનનું શુ કરવુુ? પૈસા અપાય નહીં અને ચાલુ શાળાએ રોબિનને લઈને બહાર જવાય નહીં.


અંતે જાતે જ વાળ કપાવવાનું નક્કી કર્યુ. રોબિનને બોલાવ્યો, શેમ્પુનુ પાઉચ આપ્યુ અને વાળ ધોઈ લાવવા જણાવ્યુ.રોબિન પણ એટલો જ ઊત્સાહી હતો.જો મને રોબિનનો સપોર્ટ ન મળ્યો હોત તો હું આ કામ સારી રીતે ન કરી શકી હોત. રોબિન વાળ ધોઈને આવ્યો.મારી સામે બેસી ગયો.બીજા બાળકો પણ મારી સેવામાં હાજર હતાં.
           એક લટ કાપી.હજુ પણ રોબિનના વાળ ગંદા,ચીકણા,જૂ- લીખ વાળા! વાળમાંથી ભયંકર માથુ ફાટી જાય તેવી વાસ આવતી હતી.એક સેકન્ડ તો હું પણ હિંમત હારી ગઈ. પછી મનમાં થયુ જો હું આ કામ નહી કરુ તો કોણ કરશે ? મન મક્કમ કરી - સૂગ દૂર કરી વાળ કપાયા ત્યાં સુધી થોડો થોડો શ્વાસ લઈ ફટાફટ કાતર ફેરવવા માંડી. મારો આ પ્રથમ અનુભવ હતો. ઘણી સુગ,ડર, ચીડ,ગુસ્સો,કરુણા, પ્રેમ અને સેવાભાવ સાથે સફળ થઈ. ખરેખર રોબિન હવે પહેલાં કરતા વધુ રૂપાળો લાગતો હતો.તેના માથાનો ભાર હલકો થઈ ગયો હતો.
    અમે સૌ ખૂશ હતા. રોબિનને કાચ મોં તેનુ મોં જોવા કહ્યુ . રોબિને કાચમાં તેનું મોં જોયું, ને મારી સામુ જોઈ 
રોબિનથી રડી પડાયું.
            *જાગૃતિ પંડ્યા ' શિવોહમ્ '*
                        *આણંદ.*
🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈
*નિર્ણાયકશ્રી:* જયદેવ જોશી 'અહેસાસ' માનકુવા.

No comments:

Post a Comment