"...સાધનાની દ્રષ્ટીએ દેહ એ સાધન છે. દેહની અંદર ઇન્દ્રીયો છે. આ ઇન્દ્રીયોની અંદર જે શક્તિ, જે તત્વ વ્યાપેલુ છે એ પ્રાણતત્વ છે અને ઇન્દ્રીયોના વિષયમા જે તત્વ ફેલાય છે એ જીવતત્વ છે. ઇન્દ્રીય છે એ સ્વાદ લે ત્યા સુધી વાંધો નથી. પણ સ્વાદમા ફસાઇ જાય ત્યાં વાંધો છે. એ રીતે જીવ રુપમાં ફસાઇ જાય છે. પ્રાણ તો ત્યાં ને ત્યાં જ રહે છે. આ પ્રાણ અને જીવનો સંબંધ ક્યાં અને કેવો છે? પ્રાણ અને જીવનો સંબંધ અને કામગીરી છે એ શ્વાસોચ્છવાસના માધ્યમથી ઓળખાય છે.
શ્વાસોચ્છવાસમા ભીતરનુ જે બિંદુ છે ત્યા પ્રાણનુ રુપાંતર થાય છે, જીવનુ પ્રાણમા રુપાંતર થાય છે. બહારનુ જે બિંદુ છે ત્યા પણ એ રીતે રુપાંતર થાય છે. પણ આ બે બિંદુને ઓળખીને જો એકસાથે પકડવામા આવે ત્યારે જે અવસ્થા પ્રગટ થાય છે એ છે ભૈરવ અવસ્થા. અગાઉ આ વિધિ બતાવી. હવે એ વિધિની ગહેરાઇમા ઉતરવાની વિધિ બતાવે છે.
'વિષદ યુગ્મ' - વિષદ એટલે આકાશ, ખાલી જગ્યા. શ્વાસોચ્છવાસ ચાલે છે ત્યારે શ્વાસ અંદર જાય છે અને બહાર આવે છે. અંદર એક સ્પેસમાં - આકાશમા જાય છે અને બહાર પણ એક આકાશમા જાય છે. અંદરના આકાશને અંતરાકાશ કહે છે, બહારના આકાશને બહિરાકાશ કહે છે. આ બન્ને આકાશ પ્રત્યે ધ્યાન દેવાનુ છે અને જ્યારે આ ધ્યાન દેવામા આવે છે ત્યારે ભૈરવી અવસ્થા પ્રગટ થાય છે. ભૈરવી સત્તા વડે ભૈરવ અવસ્થા પ્રગટ થાય છે. આપણે શ્વાસ લઈએ પણ આપણને ખબર જ નથી કે બે આકાશ છે. જ્યારે સભાનતાથી જોવામા આવે ત્યારે આ અંદર અને બહાર એ બન્ને આકાશ પકડાય.
હવે પ્રાણમાથી જીવ ક્યારે બને છે અને જીવમાથી પ્રાણ ક્યારે બને છે? શાસ્ત્રીય પરિભાષામા જીવને અપાન કહે છે. ઉર્ધ્વ પ્રાણ, અધઃજીવ. પ્રાણ-અપાનની જે ગતિ છે એને બૌદ્ધ પરંપરામા અનાપાનસત્તિ યોગ કહ્યો છે. શ્વાસને જોવામા આવે એને વિપશ્યના કહી છે. પણ જોવુ શું? જોવાનુ એ છે કે પ્રાણમાથી અપાન અને અપાનમાથી પ્રાણ, અથવા તો પ્રાણમાથી જીવ અને જીવમાથી પ્રાણનુ રુપાંતર કઈ રીતે થાય છે, અને આ બેની વચ્ચે ભૈરવી અવસ્થા ક્યાં આવી.
આ શરીર છે, દેહ છે એ એક કારખાનુ છે, એક સાધન છે. આ સાધન બહુ રહસ્યમય છે. દેહનુ મુખ્ય લક્ષણ છે રુપાંતર કરવાનુ. તે દ્રવ્યનુ ઉર્જામા રુપાંતર કરે છે, અને એક ઉર્જાનુ બીજી ઉર્જામા રુપાંતર કરે છે. આપણે સ્થુળ ખોરાક લઈએ છીએ એમાથી શક્તિ આવે છે અને એ શક્તિનુ બીજી શક્તિમાં રુપાંતર થાય છે. પ્રાણનુ જીવમા અને જીવનુ પ્રાણમા રુપાંતર થાય છે. આ રુપાંતર ક્યાં અને કઈ રીતે થાય છે અને રુપાંતરની પ્રક્રિયાને આપણે વધારી કે ઘટાડી શકીએ કે કેમ? તંત્ર આ માટેની વિધિ આપે છે.
બહાર ભાણામા ખોરાક પડ્યો છે. બહાર પડ્યો છે ત્યા સુધી એમા કાંઇ નથી થતુ. પણ જેવો એ ખોરાક પેટમા ગયો એટલે એમાથી રસ, રસમાથી રક્ત બનશે. પછી એમાથી માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વિર્ય બનશે, આ ખોરાકને મોઢામા મુક્યા પછીની પ્રક્રિયા. એવી રીતે શ્વાસની જે ક્રિયા છે એમા રુપાંતર થાય છે. આ રુપાંતર અમુક સ્પેસમાં, આકાશમા થાય છે. અગાઉ કહ્યુ એમ અંદર અને બહાર એમ બે આકાશ છે, જ્યાં શ્વાસની અંદર જતી ઉર્જાનુ રુપાંતર થાય છે. બહાર અને અંદર, એ બન્ને આકાશમા પ્રાણનુ જીવમા અને જીવનુ પ્રાણમા રુપાંતર થયા કરે છે.
જે સત્તાથી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે એ સત્તા સુષુપ્ત પડી છે. એ ભૈરવી સત્તા છે..."
🌹 *સ્વામી બ્રહ્મવેદાંતજી* 🌹
No comments:
Post a Comment