Friday, 10 May 2024

શુદ્ધ લેખન માટે અગત્યની બાબતો...

શુદ્ધ લેખન માટે અગત્યની બાબતો - ૧
-------------------

- સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિ માટે ‘ભાષા’ પરસ્પરના વ્યવહારનું એક અત્યંત મહત્ત્વનું સાધન છે. એ સાધનનો પૂરેપૂરો અને ખૂબ જ ઉચિત ઉપયોગ થાય એ પણ એટલું જ જરૂરી છે. આથી આપણી ભાષા દોષ-રહિત હોય એ અત્યંત આવશ્યક ગણાય. આ માટે પ્રત્યેક ભાષક જ્યારે ભાષાને લેખિત સ્વરૂપે મૂકે છે ત્યારે એનો સાવધાનીપૂર્વક ઉપયોગ થાય એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.

૧. વર્ણમાળાનો પૂરેપૂરો પરિચય : 

કેટલીકવાર વર્ણો જ અર્થનું ભેદકત્વ રચે છે એટલે યોગ્ય સ્થાને યોગ્ય વર્ણ મૂકાય તે જોવાવું જોઇએ. વર્ણમાળામાં અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનોની અદલાબદલીને કારણે પણ અર્થભેદ થતો હોય છે. જેમ કે,

ગામ - માણસના વસવાટનું સ્થળ, વતન, રહેઠાણ
ઘામ - તાપ, બફારો, ઉકળાટ, પરસેવો

ગણ - સમૂહ, મંડળ, શિવનો સેવક
ઘણ - મોટો હથોડો

જે૨ - ભૂકો, પરાજિત, વશ
ઝેર - વિષ, અદેખાઈ

જાડ - જાડું, જાડાપણું
ઝાડ - વૃક્ષ, તરુ

જાડી - ચરબીથી ભરેલી; સ્થૂળ
ઝાડી - ઝાડ, વેલા, ઘાસ વગેરે વનસ્પતિનો ભરાવો

રાની - જંગલી, વગડાઉ
રાણી - રાજાની પત્ની

દાન - પુણ્યાર્થે આપવું તે, વારો
દાણ - જકાત

વાર - અઠવાડિયાનો દરેક દિવસ, લંબાઈનું એક માપ, વખત
વાળ - કેશ, બાલ

દર - કોઈ પ્રાણીએ જમીનમાં રહેવા કરેલ કાણું - છિદ્ર, કિંમત
દળ - ફૂલની પાંખડી, સૈન્ય, પર્ણ
-વગેરે.

આધાર :
---------- 
સરકારી લેખન પદ્ધતિ

પ્રકાશક :
----------- 
ભાષા નિયામકની કચેરી
 
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત 
જિલ્લો : આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦


શુદ્ધ લેખન માટે અગત્યની બાબતો - ૨
-------------------

૨. વર્ણોને જોડીએ ત્યારે જોડાતા વર્ણો કઈ રીતે લખાય તે પણ જાણવું જરૂરી છે. ખાસ તો શબ્દકોશમાં એમનો ક્રમ ક્યાં છે તે જાણીએ તો જ આપણે સાચી માહિતી ઝડપથી મેળવી શકીએ.

- નીચેના કેટલાક જોડાક્ષરોમાં જોડાતા વ્યંજનોનો ક્રમ અને એમનાં લિપિચિહ્નો ઓળખી લો.

ક્ષ = ક્ + ષ જેમ કે, 
ક્ષત્રિય, અક્ષર, પરીક્ષા વગેરે.

જ્ઞ = જ્ + ઞ જેમ કે, 
જ્ઞાતિ, વિજ્ઞાન, પ્રજ્ઞા વગેરે.

દ્ધ = દ્ + ધ જેમ કે, 
યુદ્ધ, અશુદ્ધ, પ્રબુદ્ધ વગેરે.

ધ્ધ = ધ્ + ધ જેમ કે, 
અધ્ધર, સધ્ધર, સુધ્ધાં વગેરે.

દ્મ = દ્ + મ જેમ કે, 
પદ્મ, પદ્મિની, પદ્મા વગેરે.

ક્ર = ક્ + ૨ જેમ કે, 
ક્રમ, ચક્ર, ક્રમિક વગેરે.

દ્દ = દ્ + દ જેમ કે, 
હોદ્દો, રદ્દી, તદ્દન વગેરે.

દ્વ = દ્ + વ જેમ કે, 
દ્વારા, વિદ્વાન, દ્વારપાલ વગેરે.

દ્ય = દ્ + ય જેમ કે, 
વિદ્યા, ઉદ્યાન, અખાદ્ય વગેરે.

ધ્ય = ધ્ + ય જેમ કે, 
ધ્યાન, અધ્યાય, અધ્યયન વગેરે.

દ્ર = દ્ + ૨ જેમ કે, 
દ્રવ્ય, દ્રાક્ષ, દ્રાવણ વગેરે.

***

શુદ્ધ લેખન માટે
 અગત્યની બાબતો - ૩
-------------------

કાર્ય (ર્ + ય), 
નર્મદ(ર્ + મ), 
પૂર્વ (ર્ + વ), 
રિપોર્ટ (ર્ + ટ) 
આદિ શબ્દોમાં ‘ર્’ વ્યંજનની આગળ જોડાયો છે. આવા ‘ર્’ ના સંયોગને આપણે ‘રેફ’ના ચિહ્ન દ્વારા દર્શાવીએ છીએ. એટલે ‘૨’ અન્ય કયા વ્યંજન સાથે જોડાયો છે તે જાણીએ તો જ શુદ્ધ લખાય. અન્યથા ‘નર્મદ’માંથી ‘નમર્દ’ નીવડે.

પ્રણામ (પ્ + ર), 
ક્રમ (ક્ + ર), 
ઉગ્ર (ગ્ + ર), 
નમ્ર (મ્ + ર), 
તીવ્ર,(વ્ + ર),  
ટ્રસ્ટ (ટ્ + ર),  
ટ્રાફિક (ટ્ + ર), 
અને માત્ર (ત્ + ર) 
જેવા શબ્દોમાં ‘૨’ વ્યંજનની પાછળ જોડાયો છે, એને ત્રાંસી રેખાથી દર્શાવાય છે.

અમૃત (મ્ + ઋ), 
કૃષ્ણ (ક્ + ઋ),  
પૃષ્ઠ (પ્ + ઋ), 
સૃષ્ટિ (સ્ + ઋ), 
આદિમાં ‘ૠ’ સ્વરનું જોડાણ છે. 

નીચેના શબ્દોમાં ‘ઊ’ છે. જેમ કે,
ધ્રૂજવું (ધ્ + ર્ + ઊ),  
ક્રૂર (ક્ + ર્ + ઊ), 
પ્રૂફ (પ્ + ર્ + ઊ), 
ગ્રૂપ (ગ્ + ર્ + ઊ) વગેરે.

અશ્વ, વિશ્વ, શ્વેત, શ્વાસ આદિ શબ્દોમાં ‘શ + વ્ ‘ નું જોડાણ છે. 

નિશ્ચિત, નિશ્ચય આદિ શબ્દોમાં ‘શ્ + ચ’ નું જોડાણ છે.

જ્યારે શ્રાવણ, શ્રદ્ધા, શ્રમ, શ્રી જેવા શબ્દોમાં ‘શ્ + ૨’ જોડાયા છે. 

@@@@@@@@@@@@@

શુદ્ધ લેખન માટે 
અગત્યની બાબતો - ૪
-------------------

સ્રાવ, સ્રોત, સહસ્ર, સ્રગ્ધરા - માં 
‘સ્ + ર’ છે.

કેટલીક વાર ‘સ્ર-સ્ત્ર‘નો ભેદ ન જળવાતાં લેખનદોષ થાય છે.
જેમ કે, 
સ્રોતને બદલે સ્ત્રોત, 
સહસ્રને બદલે સહસ્ત્ર વગેરે.

‘સ્ત્ર’માં ‘સ્ + ત્ + ૨’ - એમ જોડાણ છે, તે નોંધો. જેમ કે, 
સ્ત્રી, મિસ્ત્રી, વસ્ત્ર, શસ્ત્ર, શાસ્ત્રી, ઇસ્ત્રી, અસ્ત્ર વગેરે.

તદ્દન, મુદ્દલ, અદ્દલ, મુદ્દો - માં
 ‘દ્ + દ’ નું જોડાણ છે.

બુદ્ધ, શુદ્ધ, યુદ્ધ – માં ‘દ્ + ધ’ નું જોડાણ છે. 

તો દ્યુતિ, વિદ્યુત, વિદ્યા - માં 
‘દ્ + ય’ નું જોડાણ છે. 

દૃશ્ય, દૃઢ, દૃષ્ટિ - માં ‘દ્ + ૠ’ નું જોડાણ છે.

‘હ્ય’ અને ‘હ્મ’ આપણને ભૂલમાં નાખે એવા છે. ‘હ્ય’માં ‘હ્ + ય’ અને ‘હ્મ’માં ‘હ્ + મ’ છે. જેમ કે, બાહ્ય, બ્રહ્મ વગેરે.

‘હૃદય’માં ‘હ્ + ૠ’ છે. જેમ કે, હૃષ્ટપુષ્ટ, હૃષીકેશ વગેરે.

 ક્ + ષ અને ‘જ્ + ઞ’ નું જોડાણ ‘ક્ષ' અને ‘જ્ઞ' રૂપે તદ્દન નવી જ આકૃતિ ધારણ કરે છે. જેમ કે, અક્ષ, ક્ષણિક, જ્ઞાન, પ્રજ્ઞા વગેરે.

આધાર :
---------- 
સરકારી લેખન પદ્ધતિ

પ્રકાશક :
----------- 
ભાષા નિયામકની કચેરી
 
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત 
જિલ્લો : આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦


No comments:

Post a Comment