સંકલ્પમાં કેવી શક્તિ રહેલી છે તેનું ઉદાહરણ ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીના જીવનમાંથી મળી શકે છે. મુસોલિની એક ગરીબ ઘરમાં જન્મ્યા હતા. પિતા સુથાર હતા. સુથાર કામ કરતા હતા. મુસોલિની પણ પોતાના પિતાની સાથે કામે જતો અને પિતાની મદદમાં રહીને થોડું સુથારી કામ કરતો. એકવાર એમને રાજાના મહેલનું સુથારીકામ મળ્યું. મુસોલિનીના પિતાએ મુસોલિનીને કહ્યું : ‘મારી સાથે તું રાજમહેલમાં ચાલ ! તને રાજાનો મહેલ પણ જોવા મળશે.’ મુસોલિનીને પિતાની વાત ગમી ગઈ. તેણે માત્ર રાજમહેલ જોયો એમ નહિ, પિતાના કામમાં પણ તે મદદ કરતો રહ્યો.
એક દિવસ તેના પિતા રાજમહેલમાં સુથારી કામ કરવામાં ધ્યાનમગ્ન હતા. એવામાં નાનો મુસોલિની ત્યાંના એક ખંડમાં પડેલા રાજાના સિંહાસન પાસે પહોંચી ગયો અને એ કીમતી લાકડાના સિંહાસન પર રંધો ફેરવવા માંડ્યો. તે આમ રંધો ફેરવતો હતો ત્યારે તેના પિતા કશાક કામવશાત ત્યાં આવી પહોચ્યાં. તેઓ ખંડમાં પ્રવેશ્યા અને તેમણે જોયું કે પોતાનો પુત્ર સિંહાસન પર રંધો ફેરવી રહ્યો હતો. આ જોતા જ તેઓ મુસોલિની પાસે દોડી ગયા અને તેના હાથ પકડી લઈને કહેવા લાગ્યા :
‘અરે, તું આ શું કરી રહ્યો છે ?’
પુત્રે સહજતાથી જવાબ આપ્યો : ‘આ સિંહાસન પર રંધો ફેરવું છું !’
પિતાએ કહ્યું : ‘આવી નકામી મહેનત શા માટે કરે છે ?’
‘નકામી મહેનત કેમ? તમને ખબર નહીં કે આ સિંહાસન પર હું એક દિવસ બેસવાનો છું તેથી એ સમયે મને આ ખૂંચે નહિ તે માટે મારે રંધો ફેરવવો જ રહ્યો ! આ સિંહાસન પર બેસવાનો મેં મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો છે !’
પિતાને તે સમયે મુસોલિનીના આ શબ્દો બાલિશ લાગ્યા ! કેમ કે તેમને ક્યાં ખબર હતી કે, મુસોલિનીનો આ દ્રઢ સંકલ્પ ભવિષ્યમાં સાકાર બનીને રહેવાનો છે.
આમ, સંકલ્પ એટલે નિયમ, પ્રતિજ્ઞાા, ઇરાદો, ઇચ્છા, નિર્ધાર.આપણો સંકલ્પ પોતાના, અન્ય વ્યક્તિના કે સમાજના વિકાસ માટે હોઈ શકે.આ માટે આત્મવિશ્વાસ અને પ્રેરણાની પણ જરૂર છે.જે હકારાત્મક ઉર્જાની પેદા કરે છે.હકારત્મક ઊર્જા હશે તો તે તમને મુશ્કેલીના સમયે કે તમારા સંકલ્પને સિદ્ધ કરવા ઉપયોગી પુરવાર થશે.
No comments:
Post a Comment