Saturday, 17 February 2018

" અલી,તારે ને મારે સરખું!"

પ્રભુપુરા પ્રા.શાળા, તાબે વડોદ,(આણંદ)ની આ વાત છે.પરાની શાળા આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં શરુ થઈ.શરુઆત પહેલા ધોરણ થી થઈ હશે.પછી ક્રમશઃ બીજુ,ત્રીજુ,ચોથુ ને એમ કરતાં સાત ધોરણ સુધી ખુલ્યાં.શાળાનો વિકાસ ધીરે ધીરે થવા લાગ્યો,ઓરડા પણ બંધાયા.
           આ શાળામાં  શરુઆત માં શ્રી વિઠ્ઠલભાઈ મોચી સાહેબ હતા.જેઓ નિવૃત્ત થયા બાદ....શાળામાં અતિ ઉત્સાહી,નવયુવાન ને બાળકોના પરમ હિતેચ્છુ શિક્ષક .......
          શ્રી ધર્મેન્દ્ર ઊપાધ્યાય ....આ પ્રભુપુરા શાળાના,સાચા અર્થમાં,કર્મે ને ધર્મે ઊપાધ્યાય બન્યા.શ્રી ઊપાધ્યાય સાહેબના પાવન પગલાં પડતાં જ શાળા, બાળકો ને તમામ પ્રકૃતિ જ જાણે ખીલી ઊઠી.
         શ્રી ઊપાધ્યાય સાહેબ એટલે સાચા અર્થમાં શિક્ષક,મૂકસેવક.ખોટો દેખાડો,બનાવટ કે મોટાઈ બિલકુલ નહિ.તદ્દન સાચુકલા માણસ. હંમેશાં બાળકોનું હિત જ ઈચ્છનારા.શાળા આને શાળાનાં બાળકોનો સર્વાંગી વિકાસ જ કરનાર ઊપાધ્યાય સાહેબ નાં જેટલાં વખાણ કરીએ તેટલા ઓછા.શ્રી ઊપાધ્યાય સાહેબ બાળકોને દરરોજ કંઈક અવનવું બાળકોને શીખવતા.રમત ગમત,શિક્ષણ,સંસ્કાર ને સાંસ્કૃતિક વારસો બાળકો ન ભૂલે તેવા પ્રયત્નો કરતા.આસપાસ ના વિસ્તામાં જઈ ઘરે ઘરની મુલાકાતો લેતા,સાજા-માંદા લોકોની ખબર અંતર પૂછતા.જરુરિયાત મંદોને મદદ કરતા.શાળામાં બાળકોને કપડાં,ગરમકપડાં,શિક્ષણમાં ઊપયોગી ચીજવસ્તુઓ તથા પ્રસાદ પણ બાળકોને કોઈને કોઈ દાતા દ્વારા અપાવતા.
          આ જ રીતે એકવાર બરોડાના આઈ.પી.સી.એલ.પરિવાર ના દાતાઓએ શાળાની બાલિકાઓને ચણિયાચોળી નું દાન આપ્યુ હતુ.માપ લેવા માટે શાળામાં દરજી મોકલ્યો હતો.ચણિયાચોળી તૈયાર થઈ.બાદ શાળાનું પ્રથમ ફંક્શન શાળા પ્રવેશોત્સવ આવ્યો.અમુક છોકરીઓ એે તો પ્રથમવાર જ ચણિયાચોળી જોઈ.પણ મારા માનવા મુજબ શાળામાં પ્રથમવાર જોઈ,એ જ આ સિવાય બીજો કોઈ આઈડિયા આ દિકરીઓને હશે નહિ,એવું મારું માનવું છે,કારણ કે ચણિયા ચોળી પહેર્યા બાદ બાલિકાઓ એકબીજાની સામું કૂતુહલ વશ જોઈ રહી હતી અને અંતે હરખભેર બોલી ગઈ ," અલી, તારે યે સરખુ ને મારેય સરખુ! તારે ને મારે સરખુ?" ( ચણિયાચોળી એક સરખી જોઈ ને....)

           તો આને જ શાશ્વત આનંદ કહેવાય કે ?

           🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Friday, 16 February 2018

શાશ્વત આનંદ 3

ચોમાસાની રુતુ, ને એમાંય ભર ચોમાસું.થોડા ઘણા બાળકો ભણવાનું બગડે નહી માટે શાળામાં અવશ્ય આવે.બીજા થોડા બાળકો શાળાંમાં અનિયમિત હોય પણ ભર ચોમાસે અવશ્ય આવે.બાકીના બાળકો તો વરસાદમાં આનંદ લૂંટવા જ આવે.
               પહેલાં પ્રકારના જે બાળકો છે તે ફક્ત ને ફક્ત એક જ લક્ષ્ય થી કાયમ આવતા હોય છે.બસ ભણવું એટલે ભણવું આ બાળકો પોતાની જાતને સાચવે ને દફ્તર પણ સાચવે.દફ્તરની એક પણ ચોપડી કે નોટબુક ને પલળવા ના દે, ભલે પોતે પલળે.બીજા પ્રકારના બાળકો ને તો ભણવું ગમતું હોતું નથી,ભણવાનું હોય તો શાળામાં આવે જ નહિ,આ તો ભલુ હો જો વરસાદનું કે બાળકોને લાવે છે.આવા બાળકોનું પણ શાળામાં આવવાના બે કારણો છે, જેમાં પહેલું છે: વરસાદમાં પલળવાનું ને બીજું છે: ઘરમાં જ વરસાદ.હા, આવા બાળકોના ઘરમાં જ વરસાદ હોય છે.ક્યાંય બેસવાની કે સુવાની જગ્યા જ ના હોય.ને માટે જ શાળામાં આવતા હોય છે.આવા બાળકો શાળામાં આવે તો જ વરસાદથી રક્ષણ મળે ને શાળામાં જમવાનુ પણ મળે.ત્રીજા પ્રકારના જે બાળકો છે,જેઓ શાળામાં આવે છે ને ભણે પણ છે,સાથે સાથે માણે છે.
              આ જ પ્રકારના બાળકો અમારી શાળા.નં.30, ( દર્શન સોસાયટી ) માં હતા.એ બાળકો હોંશિયાર પણ ખરા.ચોમાસાના દિવસો હતા.બધા જ બાળકો ખુશ હતા,કેમકે આગલા દિવસનો વરસાદ સતત ચાલુ જ હતો.બાળકોની હાજરી જોઈને મને આશ્ચર્ય થયુ,કે બાળકોની સંખ્યા ઘણા સારા પ્રમાણમાં,ને છત્રીઓની સંખ્યા ધાર્યા કરતા ઓછી.રેઈનકોટ તો કોઈની પાસે નહી.બાળકોની હાજરીનું સારું પ્રમાણ એટલે હતુ કે મોટાભાગના ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો હાજર હતા.ને તે પણ રેઈનકોટ કે છત્રી વગર! હા, ને આ આશ્ચર્ય નો અંત આવ્યો શાળા છૂટી ત્યારે.આ બાળકો જાડી પ્લાસ્ટિકની મોટી કોથળી એક બાજુથી કાપીને તે માથે એવી રીતે મૂકીને પહેરે કે જેથી,બાળક કે તેનું દફ્તર કે કાંઈજ પલળે નહિ.ફોટામાં આ બાળકો નું ચિત્ર છે. હું તો જોઈને ખૂશ થઈ ગઈ.કેવો નવતર વિચાર.
         તો શું આ જ ન હોય શાશ્વત આનંદ!
     
              

Tuesday, 13 February 2018

સમષ્ટિ-વ્યષ્ટિરુપ સંસાર

ભગવાન શંકરે શ્રી વસિષ્ઠજીને કહ્યું - " હે મુને!જે પ્રમાણે સ્વપ્નમનુષ્ય સ્વપ્ન ના સંસાર ને જુએ છે તે જ પ્રમાણે તે જીવાત્મા પણ પરમ સૂક્ષ્મ માયામય આકાશમાં કર્માનુસાર શરીરોને જુએ છે.આ સમસ્ત જગત વાસ્તવમાં અસત છે,પરંતુ ભ્રમથી સદ્ રુપ પ્રતીત થાય છે.તેથી જગતનું કારણ વાસ્તવમાં અહંકાર જ છે.આ સંસાર ખરેખર સત્ય નથી;ન આ કલ્પિત છે ન ક્ષણિક છે,ન કાંઈ ઉત્પન્ન થાય છે કે ન કાંઈ વિનષ્ટ જ થાય છે.વાસ્તવમાં આનો અત્યંત અભાવ છે.ચેતન જીવાત્મા જ સંપૂર્ણ પ્રપંચની પોતાનામાં સંકલ્પરુપે કલ્પના કરે છે,જેમ મનુષ્ય સ્વપ્નમાં નગરનુ નિર્માણ અને વિનાશ કરે છે પરંતુ જાગ્યા પછી વાસ્તવમાં તેનો સ્વપ્નના દેશ કાળ સાથે કોઈ જ સબંધ હોતો નથી.આ વિનાશવાન સંસારનું વાસ્તવિક સ્વરુપ તત્વથી સમજી લીધા પછી આ માયારુપી સંસારની ભેદસત્તાનો અભાવ થઈ જાય છે.ત્યારપછી જ્ઞાનપૂર્વક ધ્યાનના અભ્યાસથી કલ્યાણમય શિવરુપ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે.નિત્ય વ્યાપક,અનંત,દ્રઢ અને વિશ્વમાં વ્યાપ્ત અને વિશ્વના કર્તા જે પરબ્રહ્મમાં આ જગત કલ્પિત છે તેવો વિવેક જાગ્રત થતાં જ વાસ્તવિક કાલ્પનિક જગતનો ખ્યાલ આવે છે,
            તમારું કલ્યાણ થાઓ"
           ઓમ નમઃ શિવાય    
            🌴🌴🌴🌴🌴🌴
       

Monday, 12 February 2018

ઓમ નમઃ શિવાય

હર હર મહાદેવ

શાશ્વત આનંદ

  "ટીચર ,
મને આ ચોપડી વાંચવા આપોને?"
       આજે શાળામાં બાળકોની સંખ્યા ઓછી હતી.લગ્નગાળો અને  બિમારીનો વાવડ ઓછી હાજરી માટે કારણભૂત હતા.
           મેં ધોરણ 8 માં બે પીરીયડ લીધા.નાની રીશેષ પછી 7 મા ધોરણમાં પીરીયડ લેવા ગઈ,જોયું તો ઘણી ઓછી હાજરી.મેં ગૃહકાર્ય તપાસી ને બાળકોને દાખલા ગણવા આપી હું આજે આવેલ જીવન શિક્ષણ વાંચવા બેઠી.
         મારો વસંત ને અનિલ બંન્ને વર્ગ માં હોશિયાર વિધ્યાર્થીઓ.ઝડપથી દાખલા ગણી મને બતાવવા આવ્યા.હું જીવનશિક્ષણ વાંચતી હતી." ભણતી' તી તું જે વર્ગમાં ...." આર્ટીકલ વાંચતી હતી.
   
           હજુ આ શાળામાં હું પણ નવી જ છું.કામચલાઉ ઑર્ડર છે મારો.વસંત ને એમ કે ટીચર નહી આપે, પણ બાળક મારી પાસે કાંઈ વાચવા માંગે ને હું ન આપુુ? મેં તો તરત જ વસંત ને જીવન શિક્ષણ અને અનિલ ને જનકલ્યાણ વાંચવા આપ્યુ.બંન્ને બાળકો ની ખુશી નો પાર ન હતો,જે તેમના ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવ્યું. પછી હું ગુજરાત વાંચવા બેઠી.આ જોઈ બાકીના બાળકો પણ શાળા પુસ્તકાલય ના પુસ્તકો લઈ વાંચવા બેઠા.અને તે પણ ખૂબ જ ગંભીરતાથી.હું તો આ નવી શાળામાં બાળકોનું શિસ્ત અને ધગશ જોઈ નવાઈ પામી ગઈ કે " શું આવી નાની પરાની શાળામાં બાળકોની આટલી વાંચન ભૂખ!"
           વસંતે તો મોટી રિશેષ પહેલાં અડધું જીવનશિક્ષણ વાંચી કાઢ્યુ! તેણે શું વાંચ્યું ને શું ગમ્યુ તે મેં ચર્ચા નથી કરી,પણ તે ખૂબ જ ગંભીરતાથી વાંચતો હતો.
        ટીચર જે વાંચતા હતા તે જ વાંચવાની ખૂશી હતી તે બંન્ને ને ,અને હું પણ તેઓની ખુશીમાં ખુશ.તેમના ચહેરા પર નો આનંદ મેં વાંચ્યો,કદાચ એ જ હશે શાશ્વત આનંદ.
🐈🐈🐈🐈🐈

શાશ્વત આનંદ

શાશ્વત આનંદ
અનંત આનંદ
નિત્ય આનંદ
            
              આનંદ અને ખુશી વચ્ચે ઘણો ફરક છે.ખુશી તો ક્ષણિક અને અનિત્ય હોય છે.ખુશી તો આપણને દરેક જગ્યાએથી પ્રાપ્ત થાય છે,જો આપણી દ્રષ્ટિ હકારાત્મક હોય તો.
             આનંદ.આનંદ ની તો વાત જ અનેરી છે.આનંદ નિત્ય,શાશ્વત અને અનંત હોય છે.આનંદ મેળવવા માટે વ્યક્તિ એ વ્યક્તિએ પસંદગી બદલાય છે.કોઈને પ્રવાસમાં તો કોઈને મિત્રો સાથે,કોઈને વાચન માં તો કોઈને ધ્યાનમાં, તો કોઈને બાળકોની સાથે આનંદ મળે છે.
          આનંદિત વ્યક્ત પોતાના દુઃખ - દર્દ બધું જ ભૂલી જઈને અનંત આનંદની પ્રાપ્તિ કરે છે.અસાધ્ય રોગો પણ દૂર થાય છે.
             મિત્રો, આ જ રીતે મને પણ બાળકોની સાથે ખૂબ જ આનંદ આવે છે.નાના નાના બાળકોની સાથે રમવુ, વાતો કરવી,બાળસહજ ચેષ્ટાઓ જોવી ને અલગ અલગ પરિસ્થિતિમાં બાળકોની પ્રતિક્રિયાઓ જોઈ ને બાળમાનસ ને સમજવું મને ગમે છે.એક શિક્ષક હોવાને નાતે આ સ્વાભાવિક જ છે,સાથે સાથે મારા માટે રસપ્રદ છે.
           મિત્રો, મોટેભાગે તો હું આ બ્લૉગ માંબાળકોના મારી સાથેના અનુભવો આપની સાથે શૅર કરીશ,જેમાં મને આનંદ આવ્યો હોય.આશા રાખું છું કે આપને પણ ગમશે જ. આ સિવાય ( બાળકો ) હું મને ગમતું આનંદ આપતું અન્ય પણ શૅર કરીશ,જે આપ સૌને પણ ગમશે.

🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌸🌸🌸🌸🌸
         

Sunday, 11 February 2018

My daughter

Venu is my daughter.
I love u beta,  Miss u much.
Venu n Ankur u both,  always be happy,
Hamesha khush Raho. ✌🌷