23/8/2024 ને શુક્રવાર થી 23/8/25 ને શનિવાર સુધીની એક વર્ષની સફર આ શાળામાં.
ન. પ્રા. શાળા નંબર 33, ભાઈકાકા નગર, બાકરોલ આણંદ.
આજરોજ 23/8/2025 ને શનિવારે આ શાળામાં એક વર્ષ પૂર્ણ થયું.
શ્રાવણ માસ, પુષ્કળ વરસાદ. ઓર્ડર મળ્યા પછી ઘણાં દિવસ પછી હાજર થઈ. મારી સાથે ગાયત્રીબેન, નિશા, દેવાંશી હતાં. હું હાજર થઈ, સહી કરી તરત જ પાછી ધોળાકુવા ગઈ. ત્યાં બધાં સાથે જમવાનો છેલ્લો દિવસ હતો. ધોળાકુવા માં બધાં જ ઉદાસ હતા. હું પણ. કારણકે પહેલા મારે 33 નંબરમાં આવવું હતું પણ પછી, ઈચ્છા ઓછી હતી.
માગેલું મોડું મોડું મળ્યું તો ખરું જ. એક બાજુ આનંદ તો હતો જ. બીજી તરફ મનમાં કંઈ ગોઠતું ન હતું.
બીજો દિવસ એટલે શનિવાર. ખૂબ જ વરસાદ. સી. આર. સી. બ્રિજપાલભાઈ મારા વર્ગની મુલાકાતે આવ્યા. ખૂબ અંધારેલો વરસાદ. અંધારિયો રૂમ. વર્ગખંડમાં બાળકોથી અપરિચિત. શ્રીબ્રિજપાલભાઈ સાથે,
શાબ્દિક મૌન છતાં ભાવોની ઘણી આપલે થઈ. મારું પોતાનું સ્વજન આવ્યાની લાગણી અનુભવી.. વધુ કંઈ બોલી શકાય તેમ ન હતું કારણકે આંખો અને હૃદય આંસુઓથી ભરપૂર હતાં. છલકાતાં વાર લાગે તેમ ન હતી. થોડીવાર પછી મારાથી આટલું જ બોલી શકાયું, “ ગઈકાલે હાજર થઈ. “ શ્રી બ્રિજપાલભાઈએ બાળકો સાથે થોડીઘણી વાતો કરી. વર્ગખંડ બહાર નીકળતાં નીકળતાં બોલ્યા, ' સામેના બિલ્ડિંગમાં ઉપરના માળે બે રૂમો ખાલી છે, તેમાંથી એક તમે લઈ લેજો. ' મેં હકારમાં ફક્ત ડોકું ધુણાવ્યું.
સ્ટાફમાં શ્રી નીલાબેન સાથે થોડો વધારે પરિચય. તાલીમોમાં મળવાને કારણે. થોડુંઘણું આચાર્યશ્રી રજનીકાંત સાહેબને ઓળખુ. ભાર્ગવભાઈને અને મહેજબીનને નામથી ઓળખું, ઝાઝો પરિચય નહીં. બાકી આખો સ્ટાફ મારા માટે બિલકુલ નવો.
વર્ગખંડમા શ્રીનીલાબેન સાથે. શરૂઆતમાં બધું જ નવું. વારંવારની બદલાતી શાળાઓમાં સેટ થઈને રહેવુ એ જ મારા માટે કપરું કામ. આકરી કસોટી. એ જ રીતે આ શાળામાં પણ સ્ટાફ, શાળા, બાળકો અને અન્ય બધી રીતે બધાં સાથે સેટ થઈને રહેવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. ખાસ કરીને બાળકો સાથે કામ કરવું ખૂબ અઘરું લાગ્યું. બાળકો હોશિયાર ઘણાં પણ ખૂબ જ ચંચળ. વધારે પડતાં ચંચળ. મારાથી મોટેથી બોલી શકાય નહીં વર્ગમાં શાંતિ રાખે નહીં. કાનની તકલીફ એટલે અવાજ સહન થાય નહીં. ધીરે ધીરે અકળામણ વધતી ગઈ. ગુસ્સો વધતો ગયો. ઘણી વખત બધી અકળામણ નીકળી જાય.
બાળકો, શાળા પરિવાર અને બીજી અન્ય રીતે અનુકૂળ થવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ખાસ બાળકોને કઈ રીતે સમજાવવા? શું કરવું? શું કરું તો બાળકો મારા બાળકો આદર્શ બાળકો બને.
હવે મારી કસોટી શરૂ થઈ. દીવા સ્વપ્ન, તોત્તોચાન, પોલીએના, સમરહીલ જેવાં અનેક બાળ માનસને ઉપયોગી એવાં ઘણાં પુસ્તકો વાંચેલા જેનો ઉપયોગ હવે કરવાનો સમય આવ્યો.
મનમાં થયું, “ પીપુડાં તો સૌ કોઈ વગાડે, સાંબેલા વગાડે તે ખરું!!! '
હવે ખરા ખરીને સમય આવી ગયો છે. આમાંથી પાર ઉતરવું જ રહ્યું.
એમ પણ હું ક્યાં હાર માનું એમ છું ? થોડાક જ વર્ષોની મહેનત ને ? પછી કાયમ શાંતિ!!! એવું વિચારી……
મન મનાવી લીધું.
વાર્ષિક પરીક્ષા બાદ પેપર તપાસવા વિમલભાઈના રૂમમાં બેઠેલી. હું, ભાર્ગવભાઈ, વિમલભાઈ, મહેજબીન અને વચ્ચે વચ્ચે દક્ષાબેન અને પિનલબેન આવીને મળી ગયા. ભાર્ગવભાઈ સાથે મારે કુંડલીની વાત થઈ. ભાર્ગવભાઈ જ્યોતિષ જાણે છે તે જાણી આનંદ થયો. ભાર્ગવભાઈની વાતોમાં ઘણો રસ પડે. જાણકારી મળી.
ધીરે ધીરે નીલાબેન અને ભાર્ગવભાઈ સાથે વધુ ને વધુ પરિચય થયો. બંને સાથે ઘણું સારું લાગ્યું. બંને શિવ ભક્તો. અમે સૌ એક પંથના પ્રવાસી!!!
આમ તો, અંતે આ ઉત્તમ માર્ગે બધાએ આવવાનું જ હોય છે. દરેકનો સમય નક્કી હોય છે.
આખો સ્ટાફ સરસ. ખૂબ મળતાવડો અને પ્રેમાળ. એકમેકને હંમેશા પરસ્પર સહયોગ કરે. ખૂબ ખેલદિલી સાથે રહે.
આચાર્યશ્રી રજનીકાંત સાહેબ ખૂબ ઉત્સાહી અને હોંશિયાર. સ્ટાફને એક સુત્રતાના તાંતણે બાંધીને સૌને સૌ સૌની યોગ્યતા અને રસ મુજબનું કામ આપે. દરેકને સરખી રીતે સાચવી સૌના મન સાચવવામાં માહેર. બાળકોના અભ્યાસ માટે સતત ચિંતિત. શાળા અને શાળા વિકાસ માટે તત્પર. શાળા અને શાળાના બાળકો આગળ વધે પ્રગતિ કરે તે જ ઝંખના.
શાળા પરિસર, આસપાસનું પર્યાવરણ રમણીય. વાલીગણ ખૂબ સહયોગી.
મારી શાળાની ભૂમિ અતિશય પવિત્ર. ખૂબ જ ઉર્જાવાન અને હકારાત્મક તરંગો જો ઝીલી શકાય તો આ ભૂમિ એક તીર્થભૂમિ, તપોભૂમિ અને ગુરુકુળથી કમ નથી. સવાર સવારમાં દિવ્ય વાતાવરણથી આ ગુરુકુળ મહેંકી ઉઠે. ઠંડો ઠંડો પવન, આદિત્ય રશ્મિઓથી વીંટળાયેલું શાળા પરિસર, પંખીઓના મીઠાં ગાન, ખીલેલા પુષ્પો અને લીલાછમ વૃક્ષો જાણે બ્રહ્મ વેળાની સ્તુતિ કરતાં હોય તેવાં જણાય!!!! આ ઉર્જા ખૂબ અનુભવાઈ ત્યારથી આ શાળા પ્રત્યેનો લગાવ વધ્યો. હવે થોડુંઘણું સમજાવવા લાગ્યું કે હું અહીં શા માટે ?
શા માટે બદ્રીનાથ ધામ કહ્યું?
ખૂબ જ પાવરફુલ ઉર્જા. અહીં લીધેલા સંકલ્પો તરત સિદ્ધ થાય. ઓછી સુવિધાઓ અને વધુ ઉર્જાવાન ભૂમિ એટલે બદ્રીનાથ ધામ. તમામ દાન અને રૂપિયા શાળાના બાળકોના અભ્યાસ અર્થે વપરાય. કદાચ ભૌતિક સુવિધાઓ ઓછી હોય તો ચાલે પણ વિધાભ્યાસમાં કચાસ ન રહેવી જોઈએ તેવી બળવત્તર
ભાવના સાથે કામ કરી રહેલા શાળાના આચાર્યશ્રી.
શાળાના આચાર્યશ્રી બાળકો માટે જ દાન એકઠું કરે. તેઓશ્રીના અથાક પ્રયાસોથી એક અનોખુ કાર્ય હાથ ધરાયું છે જે એ કે, દર વર્ષે ધોરણ 8 માં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થીને 51000/- રૂપિયા રોકડા અને ધોરણ 3 થી 8 માં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિધાર્થીને ચાંદીના સિક્કા વાળો મેડલ!!!!! 🥇 🏅
દરેક શાળા અને શાળા પરિવાર કોઈને કોઈ રીતે વિશિષ્ટ હોય છે. દરેકની કામ કરવાની આવડત અને સૂઝ અલગ અલગ હોય છે. ઘણું બધું શીખવા મળ્યું. ઘણાં સારા મિત્રો મેળવ્યા. એક એક વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ આપણને કંઈકને કંઈક શીખવી જાય છે. એમ અહીં પણ છે.
આજે એક વર્ષ ખૂબ આનંદ સાથે પૂર્ણ થયું.
જે મળ્યું છે તે બહેતર છે.
જે છે તે મારા માટે સારુ છે.
जो प्राप्त हे, वह पर्याप्त है।
ઈશ્વરે અહીં કેવો રોલ ભજવવા માટે મોકલી છે તે તો તે જ જાણે. ઈશ્વરના સતત માર્ગદર્શન અને પ્રેરણાથી હંમેશની જેમ કાર્ય કરતી રહું એ જ અભ્યર્થના.
No comments:
Post a Comment