Wednesday, 27 July 2022

પિનલ કેમ ધ્રુસકે ધ્રુસકે રડતી હતી ?



        આજે ધોરણ : 5 માં આસપાસમાં એકમ - 3 , સ્વાદથી પાચન સુધી શીખવતી વખતે, એક એવી ચર્ચા/પ્રશ્નોત્તરી આવે છે કે ' તમારાં દાદા દાદી ને ઘરે જઈને પૂછજો કે, તેઓ તમારી ઉંમરનાં હતાં ત્યારે શું ખાતા હતા અને શું કામ કરતાં હતાં.' બાળકોને આ એકમમાં સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ ખોરાક લેવો જોઈએ તે સમજાવ્યું. અને બાળકોને ઘરે જઈને અન્ય કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે તે સમજાવ્યું.


            અચાનક જ જીયા બોલી, " બેન આ પિનલ રડે છે.' મને થયું કે આજુબાજુ છોકરીઓ સાથે ઝગડી હશે, કાંતો કોઈએ માર્યું હશે. પાઠ શીખવતી હતી ત્યારે જ આવી ફરિયાદ સાંભળી એકદમ તો મનમાં થયું આ બાળકોને બસ આખો દિવસ ઝગડવાનું અને ભણતી વખતે પણ ફરિયાદો જ કરવાની એ સિવાય કંઈ બીજુ સુઝતું જ નથી. પણ આજે જ સવારે બધાંની જગ્યા બદલાવી છે. પિનલ પાસે આજુબાજુ જે બેસે છે તે બધી જ શાંત છે. તો થયુ કે પૂછી લઉં શું થયું. પાઠ તો કાલે પણ પૂરો થશે. પણ આ પિનલ આટલું બધું કેમ રડે છે!


          પિનલ ને મારી પાસે બોલાવી. ઘણી બધી વાર બોલાવી પછી આવી. મેં પૂછ્યું, " બોલ બેટા , શું થયું ? કેમ રડે છે ? કોણે માર્યું?" પિનલે કંઈ જ જવાબ ન આપ્યો. ફરી મેં પૂછ્યું, " કોઈએ માર્યું? " પિનલે ના પાડી. તો મેં કહ્યું તો પછી શું થયું ? જલ્દી બોલ. પિનલ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને સાથે સાથે ડૂસકાં ભરતી ભરતી બોલવા લાગી. તેનાથી બરાબર બોલી પણ શકાતું નહોતું. તે ડૂસકાં ભરતી ભરતી બોલતી હતી બરાબર બોલતું ન હતું જેથી બધી છોકરીઓ હસવા લાગી. મેં દીકરીઓને આવુ ન કરવાં કહયું. 


                "  બોલ બેટા" , મેં કહ્યું. પિનલ ડૂસકાં ભરતી બોલી, બેન મારે દાદા નથી! 


   " અરે !!! એટલે તું રડે છે ? " 

       પિનલ બોલી , " હા ! અને કહેવા લાગી , મારા દાદા નથી તો કોને પૂછીશ કે તમે અમારી ઉંમરનાં હતાં ત્યારે કેવો ખોરાક લેતા હતા?"


     મેં કહ્યું, "  દાદી છે ને ? દાદી ને પૂછવાનું." 


     મેં પૂછ્યું, " તારા દાદા તે જોયા હતા ?" પિનલે હા પાડી. મને તારા દાદા ખૂબ જ ગમતાં હતાં.


    મેં કહ્યું, " ઉંમર થાય એટલે બધાંને ભગવાનને ઘરે જવું જ પડે. આ પૃથ્વી પર કોઈ કાયમ નથી રહેવાનું." 


     "હવે રડીશ નહીં. દાદા માટે પ્રાર્થના કરજે. જો મેં તો મારા દાદાને જોયા પણ નથી. હું શું કરું ? તુ તો નસીબદાર છે તને દાદા જોવા મળ્યાં." મેં કહ્યું.


    આ સાંભળી બીજી ઘણી બધી છોકરીઓ બોલી ઉઠી, " એમાં શું રડવાનું ! અમે તો અમારા દાદા જોયા પણ નથી! મેડમ અમે પણ અમારા દાદા નથી જોયા."



       અને , વાત આગળ ચાલી છેક મારા દાદા પૂનમચંદ પંડ્યા. એક સ્વાતંત્ર્ય સેનાની. 


     મેં મારી દીકરીઓને મારા દાદાની વાત કરી. મારા દાદાએ દેશને ગુલામી માંથી મુકત કરવા અને અંગ્રેજોની ગુલામી માંથી બહાર કાઢવા કેટલાં બધાં સત્યાગ્રહો કર્યાં હતાં. અંગ્રેજોનો જુલમ કેવો હતો.


    મારા દાદાને જેલની સજા કેમ થઈ? કેવી સજા તેઓ જેલમાં ભોગવતા હતા. જેલમાં કેવું જમવાનું મળતું હતું. અને મારા દાદાનું જેલમાં કેવી રીતે અને કયા કારણોથી મૃત્યુ થયું હતું તે બધી જ વાત દીકરીઓને કરી.


      મારા દાદાની સ્વતંત્ર સંગ્રામની, અંગ્રેજોની અને જેલના જીવનની વાતો સાંભળી હવે ફકત પિનલ જ નહી હવે આખો કલાસ રડવા લાગ્યો. "દાદાનું મૃત્યુ જેલમાં આપવામાં આવતા  સિમેન્ટ મિશ્રિત રોટલા ખાવાથી અસહ્ય પેટના દુખાવાથી થયું હતું" આટલું બોલતાં બોલતાં તો હું પણ ગળગળી થઈ ગઈ હતી.


            મારા દાદા, પિનલના દાદા અને સૌના દાદાને વંદન. 


 જય હિંદ

જય ભારત.

આઝાદી અમર રહો.

Saturday, 23 July 2022

દ્રૌપદી મુર્મુ

દ્રૌપદી મુર્મુ, જેઓ આદિવાસી સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને ઓરિસ્સા રાજ્યમાં જન્મ્યા હતા, તેમને તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના આગામી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને આ જ કારણ છે કે દ્રૌપદી મુર્મુ આજકાલ ઇન્ટરનેટ પર છવાયેલી છે. મારે જાણવું છે, તો ચાલો આ લેખમાં દ્રૌપદી મુર્મુ વિશે જાણવાનો પ્રયાસ કરીએ. આ લેખમાં અમે તમારી સાથે દ્રૌપદી મુર્મુની બાયોગ્રાફી શેર કરી રહ્યાં છીએ.

તાજેતરમાં, NDA દ્વારા દ્રૌપદી મુર્મુને ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. દ્રૌપદી મુર્મુનો જન્મ વર્ષ 1958માં 20 જૂનના રોજ ભારતના ઓરિસ્સા રાજ્યના મયુરભંજ વિસ્તારમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો.

આ રીતે, તે એક આદિવાસી સમુદાયની મહિલા છે અને તેને NDA દ્વારા ભારતના આગામી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવી છે અને આ જ કારણ છે કે આ દિવસોમાં ઇન્ટરનેટ પર દ્રૌપતિ મુર્મુની ખૂબ ચર્ચા થઈ રહી છે.

દ્રૌપદી મુર્મુનું શિક્ષણ । Education of Draupadi Murmu
જ્યારે તેને થોડી સમજ પડી, ત્યારે જ તેના માતાપિતાએ તેને તેના વિસ્તારની એક શાળામાં દાખલ કરાવ્યો, જ્યાં તેણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. આ પછી તેણી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા ભુવનેશ્વર શહેરમાં ગઈ હતી. ભુવનેશ્વર શહેરમાં ગયા પછી, તેણીએ રમા દેવી મહિલા કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને રામા દેવી મહિલા કોલેજમાંથી જ તેનું સ્નાતક પૂર્ણ કર્યું.

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેમને ઓડિશા સરકારમાં વીજળી વિભાગમાં જુનિયર સહાયક તરીકે નોકરી મળી. તેમણે આ નોકરી વર્ષ 1979 થી વર્ષ 1983 સુધી પૂર્ણ કરી. આ પછી, વર્ષ 1994 માં, તેમણે રાયરંગપુરમાં ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને આ કામ તેમણે 1997 સુધી કર્યું.

તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ છે અને દ્રૌપદી મુર્મુ સંતાલ આદિવાસી પરિવારની છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડ રાજ્યની રચના બાદ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા રાજ્યપાલ છે. તેના પતિનું નામ શ્યામ ચરણ મુર્મુ છે.

દ્રૌપદી મુર્મુનું રાજકીય જીવન । Political Life of Draupadi Murmu
દ્રૌપદી મુર્મુને વર્ષ 2000 થી 2004 દરમિયાન સ્વતંત્ર હવાલો સાથે ઓરિસ્સા સરકારમાં રાજ્ય મંત્રી તરીકે પરિવહન અને વાણિજ્ય વિભાગ સંભાળવાની તક મળી.
તેમણે 2002 થી 2004 દરમિયાન ઓરિસ્સા સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગ પણ સંભાળ્યું હતું.
2002 થી 2009 સુધી, તે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ હતા.
તેઓ વર્ષ 2006 થી વર્ષ 2009 સુધી ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદે રહ્યા હતા.


એસટી મોરચાની સાથે, તેઓ વર્ષ 2013 થી વર્ષ 2015 સુધી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય હતા.
તેમને વર્ષ 2015માં ઝારખંડના ગવર્નરનું પદ મળ્યું અને તે વર્ષ 2021 સુધી આ પદ પર રહ્યા.
દ્રૌપદી મુર્મુ જિલ્લા કાઉન્સિલર 1997માં ચૂંટાયા હતા
તે વર્ષ 1997 માં હતું, જ્યારે તેણી ઓડિશાના રાયરંગપુર જિલ્લામાંથી પ્રથમ વખત જિલ્લા કાઉન્સિલર તરીકે ચૂંટાઈ હતી, તેમજ રાયરંગપુરની ઉપાધ્યક્ષ બની હતી. આ ઉપરાંત તેમને વર્ષ 2002 થી વર્ષ 2009 દરમિયાન મયુરભંજ જિલ્લા ભાજપના પ્રમુખ બનવાની તક પણ મળી હતી. વર્ષ 2004માં તે રાયરંગપુર વિધાનસભામાંથી ધારાસભ્ય બનવામાં પણ સફળ રહી અને વર્ષ 2015માં તેને ઝારખંડ જેવા આદિવાસી બહુલ રાજ્યના રાજ્યપાલનું પદ સંભાળવાની તક પણ મળી.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની જાહેરાત
અત્યાર સુધી ઘણા લોકો દ્રૌપદી મુર્મુ વિશે જાણતા ન હતા, પરંતુ તાજેતરમાં તે ચાર-પાંચ દિવસથી ખૂબ ચર્ચામાં છે. લોકો ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે કે દ્રૌપદી મુર્મુ કોણ છે, તો જણાવો કે દ્રૌપદી મુર્મુ ઝારખંડની ગવર્નર રહી ચૂકી છે. તેમજ આ એક આદિવાસી મહિલા છે. તેમને તાજેતરમાં જ NDA દ્વારા ભારતના આગામી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આમ, જો દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ બનવામાં સફળ થાય છે, તો તે પ્રથમ આદિવાસી મહિલા હશે જે ભારતના રાષ્ટ્રપતિ બનશે, તેમજ બીજી મહિલા હશે જે ભારતના રાષ્ટ્રપતિ પદ સંભાળશે. આ પહેલા પ્રતિભા પાટીલ ભારતના રાષ્ટ્રપતિ પદ પર મહિલા તરીકે બિરાજમાન છે.

Friday, 22 July 2022

યોગગુરુની સુવર્ણ જન્મ જયંતિ



 સુવર્ણ જન્મ જયંતિ.


     ઘણી વખત અમુક વ્યક્તિઓ માટે લખવું અઘરું બની જાય છે. એક તો આપણાં આદર્શ હોય, વડીલ હોય, અંતર્મુખી હોય, ઓછાબોલા હોય અને લાગણીઓ બહુ આસાનીથી વ્યકત કરી શકતાં ન હોય !!! ઘરની નજીકની વ્યક્તિઓ જ પારખી શકે કે આ વ્યકિત એકદમ પ્યોર, શાંત, સહજ, સરળ અને અંદરથી ખુશ અને સંતોષી છે. 

   

            હા,,, મારાં મોટાં ભાઈ 😘 તને આજે જ્યારે જન્મનાં પચાસ વર્ષ પૂરાં થયાં છે ત્યારે હું અને માતૃછાયા પરિવાર તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.



       હું હંમેશાં તારા જ પગલે પગલે ચાલી છું. નાનપણથી જ તુ મારો આદર્શ. સ્વચ્છતા પ્રિય, કામમાં એકદમ ચોકસાઈ, અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી, સંગીત પ્રિય, યોગ ગુરુ, ક્રિકેટર , એક આદર્શ શિક્ષક અને પ્રેમાળ ભાઈ તો ખરો જ. 


      ખૂબ જ ઓછી સંવાદિતા સાથે તારી વાત અમે સૌ સમજી જતાં. નાનપણમાં તારું જોયેલું બઘું હું તારા જેવું જ કરતી હતી. વાંચવા બેસવું, સવારે વહેલા ઊઠીને વાંચવું, લખી લખીને બઘું જ મોંઢે કરવું, કબાટ સાફ રાખવું, કબાટ ફેદાઈ ગયું હોય તો ગોઠવવું, મનપસંદ ફિલ્મી ગીતો ટેપ પર મૂકીને મોટે મોટેથી ગાવા, સારા મિત્રોની સોબત કરવી અને મમ્મીનું બનાવેલું બઘું જ જમવાનું શાંતિથી જમવું: કોઈ જ પસંદ નહીં, ઘરમાં જે રસોઈ બને તે શાંતિથી જમી લેવું. જમતાં જમતાં મમ્મી સાથે સમાજવિદ્યા અને ગણિતના સાથે સાથે ગુજરાતી વ્યાકરણની ચર્ચા કરવી. આપણું રસોડું એ જ આપણી અનોખી પાઠશાળા. જમતાં જમતાં કંઇપણ ન આવડે તો તારી સાથે ચર્ચા કરી લઈ શીખી લેવું. 


          મમ્મી પપ્પા સાથે તેમની શાળામાં આપણે ભણતાં ત્યારે અમને કદાચ માર પડ્યો હશે! તુ તારા કામમાં એટલો બધો ચોક્કસ કે તને કદી ક્યાંય માર કે શિક્ષા મળી નથી. હા, એકવાર તારો ગણિતનો અઘરો દાખલો સાચો પડવાથી ; તુ અડધો ફૂટ ઊંચો ઉછળ્યો હતો ત્યારે , અરવિંદભાઈ સાહેબે તને સોટી મારી હતી. એ સિવાય કશું યાદ નથી.



        તારી ક્રિકેટની અંગ્રેજી ભાષામાં કૉમેન્ટ્રી મને સાંભળવી ખૂબ ગમે. આવી કૉમેન્ટ્રી બોલવી પણ ગમે. મારા કહેવાથી તેં મને તું શું બોલે છે? તે અંગ્રેજીમાં લખી આપેલું. મેં મોઢે કરી બોલવા પ્રયત્ન કર્યો પણ મને ફાવ્યું નહીં. મેં તને કહ્યું મને નથી આવડતું.


      તે કહ્યું, " એ તો જ્યારે ક્રિકેટની મેચ ચાલુ હોય તે વખતે જોવું પડે, સંભાળવું પડે." 😮


       આ તો પાછી ફરી મૂંઝવણ થઈ. મને ક્યાં ક્રિકેટમાં રસ ! ખાલી કૉમેન્ટ્રી મોંઢે કરવાં ક્યાં હું રસ ન હોવા છતાં કલાકો બેસી રહું ?? અને મેં પડતું મૂક્યું. 😌


        તુ શરમાળ પ્રકૃતિનો પણ ખરો જ. જ્યારે મારી ભાભી પસંદ કરવાની હતી ત્યારે તે મને કહેલું, " તુ તો બોલ, હું શું કરું ? " 


        તારી શાળાના બાળકો સાથે પણ તુ મિત્રની જેમ જ વર્તે. બાળકોને મજાનાં કાવ્યગાન કરાવે, રમતો રમાડે, ક્રિકેટ અને યોગ શીખવે, આવી તારી તમામ રસની પ્રવૃત્તિઓ તુ તારા બાળકોને કરાવે.


      આજે તને પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે મને કંઈક લખવાની ઈચ્છા થઈ. આજે તને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે આજનાં શુભ દિવસે હું તારા દીર્ઘાયુષ્ય અને આરોગ્યની પ્રાર્થના કરું છુ. 


 Happy birthday 🎈🎂🥳


ખૂબ મંગલ હો 🙏🌺🙏🌺






               


Wednesday, 20 July 2022

ઓ મેહુલિયા

 


ઓ મેહુલિયા ! તુ ખમ જરા,

આજે તો મસ્ત નાની;હોડી બનાવી મેં તો,

સખીઓની સાથે મારે જાવું છે પાણીમાં;

મસ્ત મજાની રંગબેરંગી હોડીઓ લઈને,

હળવેથી હોડીને મુકીશું પાણીમાં;

નીચે નમી હાથ નાખીશું પાણીમાં,

આગળ ધકેલીશું પગ મુકી પાણીમાં;

એક, બે, ત્રણ અને ચાર હોડીઓ,

નાના ખાબોચિયામાં તરે છે હોડીઓ;

મારી હોડીમાં મેં તો ભર્યા છે ફૂલડાં,

પાણીને વધાવશું અમે શાળાનાં ફૂલડાં;

જાજો દરિયા પાર ,અમારી નાની શી હોડીઓ,

દે'જો સંદેશો દરિયા દેવને સૌ હોડીઓ;

અમે બાલુડાં આજ મસ્તીની લહેરમાં,

 નીકળ્યાં સૌ વર્ગ બહાર મેહુલાની મહેરમાં.








Friday, 15 July 2022

સંકલ્પની શક્તિ



સંકલ્પમાં કેવી શક્તિ રહેલી છે તેનું ઉદાહરણ ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીના જીવનમાંથી મળી શકે છે. મુસોલિની એક ગરીબ ઘરમાં જન્મ્યા હતા. પિતા સુથાર હતા. સુથાર કામ કરતા હતા. મુસોલિની પણ પોતાના પિતાની સાથે કામે જતો અને પિતાની મદદમાં રહીને થોડું સુથારી કામ કરતો. એકવાર એમને રાજાના મહેલનું સુથારીકામ મળ્યું. મુસોલિનીના પિતાએ મુસોલિનીને કહ્યું : ‘મારી સાથે તું રાજમહેલમાં ચાલ ! તને રાજાનો મહેલ પણ જોવા મળશે.’ મુસોલિનીને પિતાની વાત ગમી ગઈ. તેણે માત્ર રાજમહેલ જોયો એમ નહિ, પિતાના કામમાં પણ તે મદદ કરતો રહ્યો.


એક દિવસ તેના પિતા રાજમહેલમાં સુથારી કામ કરવામાં ધ્યાનમગ્ન હતા. એવામાં નાનો મુસોલિની ત્યાંના એક ખંડમાં પડેલા રાજાના સિંહાસન પાસે પહોંચી ગયો અને એ કીમતી લાકડાના સિંહાસન પર રંધો ફેરવવા માંડ્યો. તે આમ રંધો ફેરવતો હતો ત્યારે તેના પિતા કશાક કામવશાત ત્યાં આવી પહોચ્યાં. તેઓ ખંડમાં પ્રવેશ્યા અને તેમણે જોયું કે પોતાનો પુત્ર સિંહાસન પર રંધો ફેરવી રહ્યો હતો. આ જોતા જ તેઓ મુસોલિની પાસે દોડી ગયા અને તેના હાથ પકડી લઈને કહેવા લાગ્યા :

‘અરે, તું આ શું કરી રહ્યો છે ?’

પુત્રે સહજતાથી જવાબ આપ્યો : ‘આ સિંહાસન પર રંધો ફેરવું છું !’

પિતાએ કહ્યું : ‘આવી નકામી મહેનત શા માટે કરે છે ?’

‘નકામી મહેનત કેમ? તમને ખબર નહીં કે આ સિંહાસન પર હું એક દિવસ બેસવાનો છું તેથી એ સમયે મને આ ખૂંચે નહિ તે માટે મારે રંધો ફેરવવો જ રહ્યો ! આ સિંહાસન પર બેસવાનો મેં મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો છે !’


પિતાને તે સમયે મુસોલિનીના આ શબ્દો બાલિશ લાગ્યા ! કેમ કે તેમને ક્યાં ખબર હતી કે, મુસોલિનીનો આ દ્રઢ સંકલ્પ ભવિષ્યમાં સાકાર બનીને રહેવાનો છે.


આમ, સંકલ્પ એટલે નિયમ, પ્રતિજ્ઞાા, ઇરાદો, ઇચ્છા, નિર્ધાર.આપણો સંકલ્પ પોતાના, અન્ય વ્યક્તિના કે સમાજના વિકાસ માટે હોઈ શકે.આ માટે આત્મવિશ્વાસ અને પ્રેરણાની પણ જરૂર છે.જે  હકારાત્મક ઉર્જાની પેદા કરે છે.હકારત્મક ઊર્જા હશે તો તે તમને મુશ્કેલીના સમયે કે તમારા સંકલ્પને સિદ્ધ કરવા ઉપયોગી પુરવાર થશે.

Thursday, 14 July 2022

🌺 ટીચર કંઈ જ ન બનવું હોય તો ! ચાલે ? " 🌺

         


        ગૌરીવ્રત નિમિત્તે અમારી શાળામાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. કન્યા શાળા હોવાથી આ દિવસોમાં બાળકોની સંખ્યા ઓછી હોય.દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

         આજે શાળામાં ગૌરીવ્રત અંતર્ગત વેશભૂષાનુ આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ દિવસે મારા વર્ગની બધી જ બાળાઓને જાણ કરી કે, આવતીકાલે વેશભૂષા કરવાની છે. બાળાઓ ખૂબ જ ખુશ ખુશ થઈ ગઈ. અંદરો અંદર વાતો કરવા લાગી. ઘોંઘાટ વધી ગયો. બધાં વાતો કરવા લાગ્યા કે હું આવુ કરીશ, આવા કપડાં પહેરીશ. મેં તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું. અમુક બાળાઓને ખબર નહોતી પડતી કે શું કરવુ. જેથી મેં તેમને કહ્યું કે તમે શિક્ષક બની શકો, કસ્તુરબા, શાક વાળી, ફળો વાળી, પોલીસ અને ભિખારી પણ બની શકો છો. તમારે એવો વેશ ધારણ કરવાનો કે બધાંને જોતાં જ ખબર પડી જાય કે તમે શું બન્યા છો. બસ એટલું જ પૂરતું છે. જો કદાચ તમારે તમારી વેશભૂષાને લગતાં બે ત્રણ વાક્યો બોલવાં હોય તો બોલી શકો છો.

             સવારે બધી જ ઢીંગલીઓ સરસ તૈયાર થઈને આવી. બધી દીકરીઓ ઓળખાતી ન હતી. તેઓને હું જોતી જ રહી. જોયા કરું. કેટલી ખુશ હતી. બધી દીકરીઓ એકબીજાને પણ જોતી હતી. મને આવીને કહેવા લાગી, મેડમ હું ટીચર બની! મેડમ હું શાકવાળી બની. બધી જ દીકરીઓ મારી પાસે આવીને પોતપોતાની વેશભૂષા વિષે કહેવા લાગી.

        છેલ્લે એક દિકરી મારી પાસે આવીને બોલી, " ટીચર કંઈ જ ન બનવું હોય તો ! ચાલે ? " 

🌺એક અનોખા આચાર્યાના જન્મ દિને.🎂


🥳 જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🌺

  વાત એક અનોખા આચાર્યની.


       જી, હા. એક આચાર્યા જે હાલ મારાં આચાર્યા મેડમ છે.જેના પહેલાં એ મારી બહેન. શ્રી કૌમુદીની જોષી; HTAT આચાર્યા, કન્યા શાળા નં. ૨૮, બાકરોલ આણંદ. મારી બહેન છે તો પહેલેથી જ ખૂબ જ સારી રીતે જાણું છું. નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી. બાળપણ ખૂબ જ મસ્તીમાં પસાર કર્યુ. ભણવા કરતાં પ્રકૃતિના ખોળે રમવું અને સાહસ ભર્યા કાર્યો કરવા ખૂબ ગમે.


      શિક્ષક હતાં ત્યારે પણ બાળકોના હ્રુદય સુઘી પહોંચી બાળકો સાથે બાળક બની રહ્યાં. બાળકોનાં જ સર્વાંગી વિકાસમાં લક્ષ. હસતાં હસતાં રમતાં રમતાં શૈક્ષણિક કાર્ય કરતાં. કદી પણ શાળા અને શાળાના બાળકો માટે સમય જોયો નથી. ૨૪ × ૭ બાળકો માટેની ૧૦૮ તૈયાર. 


    આશરે  છેલ્લાં દશેક વર્ષથી  HTAT આચાર્યા છે. પરંતું મને છેલ્લાં એક વર્ષથી તેમનો આચાર્યા તરીકેનો અનુભવ. આચાર્યા તરીકેનું શ્રી કુમુદબેનનું વ્યક્તિત્વ અનોખું છે. ક્યાંથી શરુઆત કરુ ? તે સમજાતું નથી. એક આચાર્યા તરીકે જ્યારે પ્રથમ વખત સાવરણીથી કોરોના કાળ દરમ્યાન ઓફિસ સફાઈ કરતાં જોઈને મારું હ્રુદય ભરાઈ ગયું. આવાં આચાર્ય મેં પહેલી વખત જોયા જે જાતે ઓફિસ સફાઈ કરે. શાળાનું મોટું મેદાન અને પુષ્કળ પ્રમાણમાં લીલોતરી. વારંવાર શાળામાં નકામું ઘાસ ઉપાડવું પડે. મેડમ જાતે જ હાથેથી ઉપાડે. જરુર પડે કરવત અને દાતરડું પણ લઈ લે. કોઈ જ કામ કરવામાં નાનમ કે શરમ નહીં. હંમેશા સ્ફૂર્તિ અને ચહેરા પર હાસ્ય. 


        શાળા એ તેમનાં માટે મંદિર. દરરોજ ઓફિસમાં પ્રવેશતાં નીચે નમી જમીને સ્પર્શ કરી પગે લાગી અંદર પ્રવેશે.  પગરખાં એક બાજુએ મૂકે. આ રોજનો ક્રમ. પોતાની ખુરશી પર બેસી સહી કરતાં પહેલાં બે હાથ જોડી આંખો બંધ કરી મનોમન પ્રાર્થના કરે. ઓફિસમાં નાનું મંદિર પણ છે. મેડમને જલારામ બાપા પર અખૂટ શ્રધ્ધા. જલારામ બાપાનો ફોટો તેમની ઓફિસના નાના મંદિરમાં રાખ્યો છે અને જલારામ બાપા તેમના માટે હાજરા હજુર.


        તેમનાં વ્યક્તિગત ગુણો, નેતૃત્વ, તેમનું શાળાના બાળકો અને શિક્ષકો સાથેનું કામ અને વ્યવહાર!! કેટલું શાંતિથી કામ કરે છે ! ગમે તેટલું મોટું કામ કેમ ન હોય, તેમનાં ચહેરા પર હમેશાં શાંતિ જ ભાસે. પોતે શાંતિથી કામ કરે અને શિક્ષકોને પણ શાંતિથી જ કોઈપણ પ્રકારનો ઉચાટ અને ગભરાટ વિના કામ કરવાં કહે. પોતે પણ જાણે છે કે શિક્ષકો અને બાળકો કેટલું કામ કરે છે. અત્યારે સૌના પર કામનું ભારણ ખૂબ વધ્યું છે ત્યારે એક આચાર્ય જો સમજે તો શિક્ષકોને થોડી તો શાંતિ રહે ? ઉપરથી ખૂબ જ દબાણથી કામ કરતાં શિક્ષકોને તેમનાં તરફથી કોઈ જ દબાણ કે બંધન નહીં. હંમેશા શિક્ષકો માટે જ. તેમને તેમની શાળા, શાળાના બાળકો અને શિક્ષકો માટે ખૂબ જ ભાવ. હંમેશા શિક્ષકોની જ તરફદારી. અહીં તમામ બાળકો અને શિક્ષકોને કોઈ જ પ્રકારનું બંધન નહીં. અહીં સૌ સ્વતંત્ર. બાળકો અને શિક્ષકો મુકત મને કામ કરે. અમારી શાળા એટલે અમારું અભ્યારણ્ય. હા,, સાચે જ.  કેમકે અહીં તો અન્ય જીવ જંતુઓ, અન્ય વન્ય સૃષ્ટિ, મોર, કબૂતર, વાંદરા, કાબર, કાગડાં અને સાપ પણ. સાપ તો ગયાં વર્ષે મેં મારાં વર્ગની બારીમાંથી પસાર થતો જોયેલો. તે સાપની જોડી પણ ક્યારેક અહીં મુકત રીતે વિહરતી હોય! તેમને માટે પણ અભ્યારણ્ય. આ સર્પએ જોડીએ કદી બાળકોને નુકશાન નથી પહોંચાડ્યું. અભય રહી અહીં સૌ કોઈ ઉત્તમ પ્રકારનું કામ કરે. બાળકોના માનસને સમજીને બાળકોને ગમતુ કરવાની છૂટ. અભ્યાસક્રમ પૂર્ણ કરવાની ચિંતા કરવા કરતાં, બાળકોને જીવનલક્ષી અને મૂલ્યલક્ષી શિક્ષણ આપવાના આગ્રહી. 


          આવાં આચાર્ય જૂજ સંખ્યામાં હોય છે. કદાચ હવે આવનારો આ એક જ દશકો. જ્યારે આવાં નિષ્ઠાવાન,  કર્મઠ અને ખાસ તો બાળકોના માનસને સમજનારા શિક્ષકો અને આચાર્યો હશે. પછી શિક્ષણની શી દશા થશે ? આ વિચારથી ધ્રુજી જવાય છે. ચારેય બાજુથી જ્યારે  શિક્ષણનો ભાર વધ્યો છે ત્યારે મુકતમને કામ કરી શકતાં શિક્ષકો નસીબદાર છે જેમને આવાં આચાર્યના હાથ નીચે કામ કરવા મળે.


      અંતે, જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીર્ઘ આયુષ્ય અને આરોગ્ય પ્રદાન થાય તેવી પ્રાર્થના સહ….

 અઢળક શુભ કામનાઓ.


મંગલ હો,

ખૂબ મંગલ હો,

કલ્યાણ હો,

શુભ મંગલ હો.


🎂🎉🎈🌺🎂🎉🎈🌺🎂🎉🥳🎈🌺🎈🎉🥳🎂