સાક્ષીભાવમાં મન ઘણું શુદ્ધ થાય છે.
સદગુરુ હાઉસિંગ નામની સોસાયટીમાં, સત્યવાન નામે એક શિસ્તબદ્ધ, સમજુ સેક્રેટરી હતા. સોસાયટીમાં વધારાના વોચમેનની જરૂર હોવાથી, કામમાં દક્ષ, એવો એક પ્રામાણિક વોચમેન તેણે નોકરીમાં રાખ્યો.
થોડા દિવસ એનું કામ જોયું પછી સત્યવાને એ વોચમેનને બીલ્ડીંગમાં આવતા-જતા માણસોની તથા આસપાસ બીજી બધી દેખરેખ રાખવાનો 'દ્રષ્ટા' તરીકેનો હોદો આપ્યો!! વોચમેન દ્રષ્ટાભાઈ તો બધુંય ધ્યાન રાખતો, આવતા-જતા માણસોની ઈનક્વાયરી તત્પરતાથી કરતો. તેનું આ દેખરેખનું કામ સોસાયટીના બધા મેમ્બરોની નજરમાં વસી ગયું!!
આમ બે વરસ થયા. એક દિવસે, સત્યવાને સોસયટીના મેમ્બરોની મિટીંગ બોલાવી, સદગુરુ સોસાયટી તરફથી તેની સારી કામગીરી બદલ, શાલ ઓઢાડી સન્માન કર્યું, પગાર વધાર્યો અને સુપરવાઈઝર તરીકે પ્રમોશન આપ્યું!!! હવે તેનું કામ બીજા આઠ વોચમેનો શું કરે છે તેનું ફક્ત સાક્ષીભાવે નિરીક્ષણ કરવાનું. એમને કશું કહેવાનું નહીં કે કશી પ્રતિક્રિયા કરવાની નહીં. આ આઠ વોચમેનોના નામ હતા; ૧) આંખ ૨) કાન ૩) નાક ૪) જીભ ૫) ચામડી ૬) હાથ ૭) પગ અને ૮) મન. એ બધા શું કરે છે તે માત્ર સાક્ષીભાવે જોવાનું. કોઈને કશું ય કહેવાનું નહી ! સારૂં-ખરાબ, ભૂલ-ચૂક, સાચું-ખોટું એવું કશું મૂલવવું નહીં અને કોઈને કશું કહેવું પણ નહીં!
થોડા વરસો પછી, સુપરવાઈઝર બનેલા તે સાક્ષીભાઈ વોચમેનને વળી એક વધારે પ્રમોશન મલ્યું. એને સદગુરુ સોસાયટીમાં જ એક ફ્લેટનો માલિક બનાવવામાં આવ્યો.
એ ચોકીદાર બીજું કોઈ નહીં પણ આપણું રાગ-દ્વેષથી રસાયેલું અશુદ્ધ મન છે. એ અશુદ્ધ મન, સદાચરણના અભ્યાસ વડે શુદ્ધ થતું થતું, ધીરે ધીરે દ્રષ્ટાભાવમાં આવે છે. પહેલાં તો ઘટમાં સાવ અંધારું હતું, ત્યાં દ્રષ્ટા આવે છે. પછી દ્રષ્ટા રોજના અભ્યાસથી એના કર્મમાં સાવધ અને પાવરધો બને છે એટલે એને સાક્ષીભાવનું પ્રમોશન મળે છે. સાક્ષીભાવમાં માત્ર જાણે, બીજું કશું કરે નહીં, આ સાચું, આ ખોટું એમ પણ બોલે નહીં, એવો મનમાં વિચાર શુદ્ધાં કરે નહીં. સૂર્ય માત્ર પ્રકાશે એની જેમ સાક્ષી. સાક્ષીભાવમાં મન ઘણું શુદ્ધ થાય છે.
પછી આગળ અભ્યાસ ચાલતો રહે છે ને અંતે સાક્ષીભાવમાં હુશિયાર, સચેત, અને સાવધ બનેલું મન ધીરે ધીરે પૂર્ણરૂપે શુદ્ધ થાય છે. આ સંપૂર્ણપણે શુદ્ધ થયેલું મન એ જ, પરમ સત્ય, આત્મા કે પછી ગમે તે નામ આપો.
આપણી કોશિશ સદાચરણના સહારે જાગી જવાની છે. રોજનો અભ્યાસ અને સદશિષ્યપણું એ આપણું કામ છે.આપણે ભાગે જમીનમાં બીજ વાવવાનું છે, અભ્યાસ રૂપે થોડી સંભાળ લેવાની છે. બાકીનું કશું જ આપણા હાથમાં નથી, બીજ આપોઆપ ઉગે છે,વધે છે, વૃક્ષ બને છે, ફૂલ, ફળ આવે છે, બધું સમયે સમયે સહજ થાય છે અને થતું આવે છે.
સૌનું મંગલ થાય. સૌનું કલ્યાણ થાય.
ૐ નમો નારાયણ
નટુભાઈ વાઢેર
૩.૫.૨૦૨૦
No comments:
Post a Comment