ટૂંકી વાર્તા / માતૃભાષા દિવસ અંતર્ગત સત્ય ઘટના આધારિત.
શીર્ષક :- ‘ચોકડી’
લેખક :- જાગૃતિ પંડ્યા ‘ શિવોહમ્ ‘
નાનકડી રેશુ અંગ્રેજી માધ્યમની શાળામાં પહેલા ધોરણમાં ભણે. નિયમિત શાળાએ જાય. ભણવામાં ખૂબ રસ. ધ્યાનથી ભણે અને શાળામાં ટીચરે આપેલું બધું જ મુખપાઠ કરે. ઘરે આવીને મમ્મીને શાળાની બધી વાતો કરે. મમ્મી સેજલ પણ ટીચર. સેજલ ગુજરાતી માધ્યમમાં ભણાવે. રેશુને સેજલ બધું તૈયાર કરાવે. રેશુને બધું મોંઢે કરાવે અને રેશુએ તૈયાર કરેલું મોંઢે લે. સેજલ રેશુને ઘરકામમાં મદદ પણ કરે. આ જ રીતે એક દિવસ સેજલ રેશુને ઘરકામ કરાવવા બેઠા હતા. મમ્મી અઘરા લાગતા સવાલોમાં મદદ કરે અને રેશુ જે લખે તે ધ્યાન રાખે. એક એવો સવાલ હતો જેમાં,,,,
સેજલે કહ્યું કે, “ બેટા , અહીં ચોકડી કર. “
રેશુએ એક લીટી દોરી અને તેની પાસે અડીને બીજી લીટી દોરી.
સેજલે જોયુ અને ફરીથી કહ્યું, “ આ ભૂસીને બરાબર ચોકડી કર. “ રેશુએ નાનકડી ફૂટપટ્ટી લીધી અને સરસ મજાની ચોકડી દોરવાનો પ્રયત્ન કર્યો.
હવે સેજલે જરા મોટેથી કહ્યું, “ તને સમજણ નથી પડતી? ચોકડી કર. “
રેશુને લાગ્યું કે, મમ્મી ગુસ્સે થઈ છે. રેશુએ રબ્બરથી બરાબર સાફ કર્યુ. ઊભી થઈને બહાર જઈને આવી અને ચોકડી કરવા બેઠી. આ વખતે રેશુએ મનોમન વિચાર્યું કે, આ વખતે એવી સરસ ચોકડી કરું કે મમ્મી ખુશ થઈ જાય. ડેસ્કનો બરાબર ટેકો લીધો. પેન્સિલની અણી કાઢી. રમવાનો ચોરસ નાનો પાસો લઈને તેની ધારે ધારે ચોરસ જેવું દોર્યુ.
આ જોઈ સેજલે આંખો કાઢી જોરથી ઘુરાકિયુ કરતાં કહ્યું, “ આ શું કરે છે ? ચોકડી કરને? ખબર નથી પડતી? “
હવે રેશુ ગભરાઈ ગઈ. ઢીલી થઈ ગઈ.
ડરતાં ડરતાં બોલી, ‘ મમ્મી, શાંતાબા કપડાં ધુવે છે, તેવી ચોકડી કરું? ‘
હવે સેજલ ઢીલી પડી. રેશુને માથે હાથ ફેરવી, ગાલે પપ્પી કરતાં કહ્યું, “ સોરી બેટા! અહીં આવી × કર. આ wrong sentence છે.“
( સત્ય ઘટના આધારિત )
—----------------------------------------------
∆ રેશુ ઊભી થઈને બહાર કપડાં ધોવાની ચોકડી જોવા ગઈ હતી.
∆ સેજલ રેશુને ખરાં ખોટા વિધાનો સમજાવીને લખાવતાં હતાં.