પરમાત્માની પાઠશાળા!
દેવાલય!
શિવાલય!
ગુરુકુળ!
તપોભૂમિ!
શાળા!
નિશાળ!
સરસ્વતી માતાનું મંદિર!
ગામનું ઘરેણું!
બાળ સંસ્કાર કેન્દ્ર!
મનગમતી નિશાળ!
એક અનોખી શાળા. હા, કયું નામ બંધ બેસે? કદાચ ઉપર જણાવેલ બધાં જ. પણ શરૂઆત શા માટે પરમાત્માની પાઠશાળાથી કરી ? આ તપોભૂમિ વિષે આગળ વધુ , એ પહેલાં શાળાનું નામ જણાવી દઉં. શાળાનું નામ છે - બાંઠીવાડા પ્રા. શાળા, મેઘરજ, અરવલ્લી. તો હા, પરમેશ્વરની પાઠશાળા !! શા માટે શરૂઆત ત્યાંથી કરી ? પરમેશ્વરની પાઠશાળા કઈ? મા પ્રકૃતિ. મા પ્રકૃતિની ગોદમાં રહીને આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. પ્રકૃતિ તમામ આપણને કંઈકને કંઈક શીખવે છે.પરમાત્માની એક અદભૂત પાઠશાળા છે જે દ્વારા પ્રત્યેક ક્ષણ પરમાત્મા આપણને જીવન જીવવાની કળા કે જીવનના યથાર્થ પદાર્થપાઠ શીખવે છે.
અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય એક વાર જોયા પછી નજર આગળથી ખસે નહીં તેવુ. મા પ્રકૃતિની કૃપા તો ખરી જ સાથે સાથે મા નર્મદાના નીર શાળાનાં બાળકોને પોષે છે. સુંદર મજાના ખીલેલાં બાગ, પુષ્પો, વનરાઈ અને વૃક્ષોનાં સાનિધ્યમાં જ્યારે શાળાનાં જીવંત ફૂલડાં સમાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે જે જ્ઞાન ચિરંજીવી જ રહે! અહીં ગુરુજનો પણ ખૂબ મહેનતુ, ઉત્સાહી, ખંતીલા અને બાળ માનસના જ્ઞાતા હોઈ બાળકોના સર્વાંગી વિકાસમાં કંઈ ન ઘટે!!!
દેવ દિવાળીની રાત્રીએ શાળાનાં પટાંગણમાં પ્રવેશતાં જ આ ઊર્જાન્વિત ભૂમિનું આકર્ષણ જણાયુ. આખી શાળા અંધારામાં જોઈ પણ દિવસે જોવાની લાલચ રોકી શકાઈ નહીં. અને ભાઈ - ભાભી ( શ્રી યોગેશ પંડ્યા - શ્રી ભાવના પંડ્યા ) એ કે જેઓના માટે આ શાળા પ્રાણ સમાન છે. આ શિક્ષક દંપતિ - ગુરુ યુગલ શાળાનાં અને શાળાનાં વિકાસ માટે અથાક મહેનત કરી રહ્યા છે. શાળાનાં ઉત્સાહી આચાર્ય શ્રીસચીનભાઈનો સતત સહકાર અને માર્ગદર્શન થકી શાળા એક આદર્શ ગુરુકુળથી કમ નથી. શાળાનાં તમામ શિક્ષકો અને બાળકોના પરિશ્રમથી શાળા નંદનવન બની છે.
બીજા દિવસે ભાઈશ્રી યોગેશ પંડ્યા, અમને લઈને ફરીથી શાળાએ આવ્યા. ચારેય બાજુથી શાળાનાં દર્શન કરતાં આત્માએ અનેરો આનંદ અનુભવ્યો. હ્રુદય કૃત કૃત્ય થયું. આ પવિત્ર ભૂમિમાં કામ કરનારા તમામ ગુરુજનોને મનોમન વંદન કર્યા. શાળાનાં વર્ગખંડની મુલાકાત લીધી. ખૂબ જ સંતોષ અને આનંદ થયો.
2002-2003 માં આ શાળામાં માનનીય , યશસ્વી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે પધાર્યા હતાં કે જેઓ હાલનાં પ્રધાનમંત્રી છે, તેમણે શાળામાં સીસમના વૃક્ષનું વૃક્ષારોપણ કરેલું. આ સીસમ વૃક્ષ ખૂબ ફૂલ્યું ફાલ્યું છે. ખૂબ આનંદ થયો શ્રી મોદી સાહેબે વાવેલાં, આ સીસમના વૃક્ષનાં દર્શન કરીને.
એવું કહેવાય છે કે, એક બીલીપત્ર વૃક્ષ જ્યાં હોય તે સ્થળ શિવાલય કહેવાય. અહીં શાળામાં એક નહીં પરંતુ અગિયાર અગિયાર બીલીના વૃક્ષો છે. સાક્ષાત શિવની આણ અહીં વર્તાઈ. અને માટે જ શિવાલય - દેવાલય પણ કહી શકાય.
અંતે, હું ખાસ જે કામ માટે આવી હતી તે, પ્રાણાયામ અને ધ્યાન!!! મનમોહક સવારનું વાતાવરણ. પ્રાણાયામ દ્વારા,,,,, “ ભરી ભરીને સવાર પીધી”. સૂર્યના કૂણાં તડકામાં બેસીને સોના જેવી સવારમાં થોડીવાર ધ્યાન કર્યુ. ધ્યાન માટે સંપૂર્ણ અનુકૂળ વાતાવરણ હતું. ઊર્જાન્વિત પર્યાવરણ, હકારાત્મક વાઈબ્રેશન ઠંડી ઠંડી હવા સાથે દોડીને આવે અને મનને ઠંડક અને પ્રેરણા આપી જાય. પંખીઓનો મીઠો કલરવ જાણે કંઇક કહેવા મથતો લાગ્યો. ફૂલોની મહેકે સમગ્ર વાતાવરણને મઘમઘતી કરી દીધેલું. ખુલ્લાં ઘાસનાં મેદાનોમાં ઝાકળનાં મોતી સૂર્યનાં કિરણો પડવાથી ટમટમી રહ્યાં હતાં. પ્રકૃતિ તમામનું અફાટ સૌંદર્ય પથરાયેલું હતું. આવા મનપસંદ વાતાવરણમાં બેસીને મનપસંદ કામ કરવાનો મોકો મળ્યો, તે માટે પ્રકૃતિને ધન્યવાદ કરી અંતે મંગલ મૈત્રીની પ્રાર્થના દ્રારા ફૂલો, વૃક્ષો, ઘાસ અને તમામ પ્રકૃતિને મૈત્રીનાં તરંગોથી તરબોળ કર્યા.
સાથે સાથે શાળાનાં બાળકોને તથા સ્ટાફને ખૂબ મંગલકામનાઓ સાથે કાર્ય કરવાની શક્તિ આપે. સૌનું મંગલ થાય, તેવી પ્રાર્થના કરી.
અસ્તુ
જય હિંદ - જય ભારત,
જય શિક્ષક - જય બાળક,
જય શાળા - જય મા પ્રકૃતિ.
સબકા મંગલ હો....🙏🌺🙏
જાગૃતિ પંડ્યા ' શિવોહમ્ ' ,
આણંદ.