Monday, 24 October 2022

મેરમેરાયા




🔹 મેરમેરાયા 🔹 
        દિવાળી એ એક એવું પરબ કે તહેવાર છે કે આ દિવસે બધાનાં હૈયે હરખ અપાર હોય છે. દિવાળી પર ઘરની સ્ત્રીઓ બેચાર દિવસો પહેલાથી નવી નવી વાનગીઓ બનાવી લે છે. નવાં નવાં કપડાં તો આગોતરું આયોજન કરીને બધાએ પોત પોતાની રીતે સિવડાવી લીધેલ હોય છે. હાલના સમયમાં જો કે રેડીમેઈડની સિસ્ટમ થઈ છે એટલે મનગમતાં લઈ લીધાં હોય છે. આજે અહીં વાત લખવી છે દિવાળીમાં પ્રગટાવવામાં આવતાં કે કાઢવામાં આવતાં  "મેરમેરાયા" ની...!
    આ મેરમેરાયા શું છે ?    
      દિવાળીની સવારથી જ લોકો સીમમાં કે પોતાના ખેતરે જાય અને ખેતરેથી વળતાં ખેતરના શેઢા પર ઉગેલ એક વનસ્પતિ જેને ચૂંવાળ માં ઈકેડી તરીકે ઓળખે છે. આ ઈકેડી ના મળે તો અન્ય ઝાડ "વરખડા" ના ઝાડમાંથી પણ સોટીઓ કાપી લાવે. બહુ આ રસિયા કે શોખીન માણસો ખેતરમાં ઉગેલ " કારિંગા " ના વેલામાંથી એકાદ બે નંગ નાનું કારીંગુ પણ લેતા આવે.ઘરના જેટલા પુરુષ સભ્યો હોય એ ગણત્રી મુજબ એટલી સોટીઓ કાપી લાવે. અંદાજે બે થી ત્રણ ફૂટ સોટીઓ કાપી લાવવામાં આવે. બપોરનું દિવાળીનું મનગમતું ભોજન કરી લે છે.
       બપોર પછી સંધ્યા પહેલાં આ સોટીઓને બે ત્રણ ઇંચ જેટલી એક છેડેથી ફાડવામાં આવે ને ચાર ભાગમાં ફાડીને એમાં વાટ ભરાવવામાં આવે છે. આ વાટ જુના તૂટેલ કપડાંના ટુકડામાંથી વણીને બનાવવામાં આવે છે. પછી વાટને ફાડેલ વાળા ભાગમાં ભરાવી દેવામાં આવે.ફાડેલો ભાગ બધો જ ઢંકાઈ જાય એ રીતે ઉપર એ જ કપડાનો ટુકડો બાંધી ફિટ કરી દેવામાં આવે. રસિયા માણસો એ જે ખેતરેથી લાવેલ "કારીંગુ" વચ્ચેથી  કાપી ને અંદરનું ગરભ કાઢી તાંસળી આકારનું  બનાવી ને કિનારી પર પણ ખાંચાવાળી ડિઝાઇન બનાવે. કોઈ ચીકણી માટીનું કોડિયા જેવું જાતે જ બનાવીને લગાવે.પછી એમાં કપાસિયા ભરી નાખે જેથી  તેલ કે દિવેલ નિચેના છેડે નિતરે નહીં. મસ્ત એક " મસાલ " સ્વરૂપમાં આકાર આપી "મેરમેરાયું" બનાવી લે છે. 
     મેરમેરાયાની વાટની મૂળમાં આ કપડું વીંટવાનું કે કોડિયું લગાવવાનું કારણ એ જ કે એમાં તેલ / દિવેલ પુરવાનું હોય  છે. એ તેલ કે દિવેલ નિતરીને આ મેરમેરાયું બીજા છેડેથી હાથમાં પકડ્યું હોય ત્યાં સુધી રેલાઈ ને નિતરીને ન આવે અને શારિરીક ઇજા કે નુકશાન થાય એટલા માટે જ .! 
    આ મેરમેરાયું તૈયાર થઈ જાય પછી વાટને તેલમાં ડબોડીને પ્રગટાવવામાં આવે છે. સંધ્યા આરતી પહેલાં બધા પોતપોતાના ઘેર ટોડલામાં સળગાવેલ દિવાળી ઉત્સવમાં રખાતા દિવાથી પ્રગટાવે. દરેક ઘરના લગભગ વડીલ હોય એ જ લોકો મેરમેરાયું લઈને પોતાના જે ખેતીવાડી ને ઉપયોગી કે દુઝાણા માટે પાળેલ પશુઓના માથા શરીર ફરતું ફેરવી ને ઘરની બહાર નીકળે છે.આ કરવા પાછળ પણ એક શ્રદ્ધા છુપાયેલી છે.
        દિવાળીના દિવસે જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસ પૂરો કરી અયોધ્યા પરત પધારેલા ત્યારે અયોધ્યામાં લોકોએ જે ઉત્સવ "દીપોત્સવ" તરીકે દીવા ઓ કરીને હર્ષોઉલ્લાસ મનાવ્યો હતો. એ અનુસંધાને આ તહેવાર ઉજવાય છે. એવું   માનવામાં આવે છે.એટલે   એ ખુશીથી આ દિવસે પશુઓમાં કોઈ રોગચાળો ન રહે અને આવે પણ નહીં અને પશુઓ નિરોગી રહે તેવા હેતુથી અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રીરામચંદ્રને મનોમન પ્રાર્થના કરીને ફેરવવામાં આવે છે.
      વિજ્ઞાનની દ્રષ્ટિએ આ પ્રગટાવેલ મેરમેરાયું હોય એમાંથી નીકળતા ધુમાડા અને સામાન્ય ગરમીના કારણે નાના ઝેરી જંતુઓ માખી મચ્છર જેવાં નાશ પામે છે એવું માનવામાં આવે છે.આ જંતુઓ મરી જવાથી પશુઓને કરડી શકતાં નથી. અને પશુઓ એના કરડવાથી થતી બીમારીમાંથી બચી જાય છે.. 
       ત્યારબાદ શેરીએ શેરીએ દરેક ઘરની સ્ત્રીઓ ખડકીમાં ઉભી હોય છે. એ બધી જ સ્ત્રીઓ વારાફરતી દરેકના આ મેરમેરાયમાં તેલ પુરે છે.અગાઉ તો બાળકોને ગાવાનો હરખ પણ રહેતો હતો ને ગાતા જાય કે...!
" આજ દિવાળી ,
          કાલ દિવાળી..
  આગડી ગાગડીમાં,
          તેલ પુરાવો..
  તેલ ના હોય તો,,
            ઘી પુરાવો..!"
      આ આગડીગાગડી એ જ મેરમેરાયું..!
      આમ આગડીગાગડી વાળા બધા મુખ્ય ચોકમાં ભેગા થાય. ફટાકડા જે ઘર સારું મતલબ અનુંકુળતા મુજબ લાવ્યા હોય ફોડે. બધા જ ચોકમાં એવું જાય પછી શ્રી રામચંદ્ર ભગવાનની અને ટોડાવાળીની જય બોલાવવામાં આવે.
      પછી ગામથી બહાર કે ટોડાની બહાર આ બધા જ મેરમેરાયા એક જ ઢગલો કરી રાખવામાં આવે.કોઈ વળી સારું મેરમેરાયું બનાવ્યું હોય એવા અલગ રેતીનો ઢગલો કરી એમાં ઉભું રાખે કે ચોપાવામાં આવે.
        આમ મેરમેરાયા કે આગડીગાગડી કાઢવાનું મહાત્મ્ય મારી સમજણ મુજબનું રજૂ કર્યું છે.હજુ ગામડાઓમાં આ પ્રથા કે રીત ચાલુ જ છે.
      જો કે શહેરીકરણ વધતાં થોડુંક પ્રમાણ ઘટ્યું જરૂર છે. અમુક શુકન પૂરતું કરવા ખાતર ઘરમાં એકાદ જણ આ મેરમેરાયા બનાવે અને બાકીના બધા સાથે ચાલે ને વારાફરતી બધા પકડતા આવે ને ફટાકડા ફોડતા ફોડતા ને શેરીઓમાં તેલ પુરાવતા જાય છે.
       હમણાં ઘણા સમયથી દિવાળી પર ફરવા જવાનું કે પીકનીક પર જવાનું ઘણું વધી ગયું છે એટલે મેરમેરાયા કાઢનારની સંખ્યા ઓછી જ થાય દ પણ સ્વાભાવિક જ છે.! 
    આમ આ મેરમેરાયા કે આગડીગાગડી શબ્દ અલુપ્ત થતો જણાય છે. ઘણા સમયબાદ આવો શબ્દ યાદ આવતાં અહીં રજૂ કરેલ છે..
       ટૂંકમાં આ મેરમેરાયા કાઢવાનું કે પ્રગટાવવાનું મહાત્મ્ય એ જ છે કે દિવાળીના દીપોત્સવીનો ઉત્સાહ માનવાનું અને પાલતું પશુઓ ફરતે ફરાવવાનું કે પશુમાંથી રોગચાળો નીકળી જાય કે આવે નહીં..!


                💧બી.એસ.પંચાલ.💧

Tuesday, 18 October 2022

🌺 ' પમરાટ ' એક પુષ્પનો 🌺





તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં

વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં. - જીગર જોષી ' પ્રેમ '



     ગુલાબના ફૂલોનાં બગીચામાં જ્યારે મને રોપવામાં આવ્યું, ત્યારે મને ખૂબ જ ખુશી થઈ. મારાં બાંધવોની સાથે રહેવું, રમવું અને વિકસવું એ જ મારી ખુશી. મારાં ઘણાં મિત્રો પણ થઈ ગયાં હતાં. ત્યાં  દરરોજના પાંચ હજાર ઉપરની સંખ્યામાં ખીલી જતાં. માળી  અમારી સારી માવજત કરે. માળી સૌને એક વાંસના ટોપલામાં સાચવીને રાખે. કોઈ ફૂલોની દુકાન વાળાઓ આવે અને લઈ જાય.  કોઈ ભગવાન માટે ફૂલોના હાર બનાવે તો કોઈ ડેકોરેશન માટે તો કોઈ નનામી શણગારે તો કોઈ અત્તર કે ગુલાબજળ અને ગુલકંદ બનાવવા લઈ જાય.  આ  બઘું જ જોતાં જોતાં અને સૌ મિત્રોની વાતો સાંભળતા સાંભળતા હું મોટો થઈ ગયો. 


     હવે હું મોટો થઈ ગયો. મારે એક કળી પણ આવી. હું ખૂબ જ ખુશ હતો. મારાં કરતાં માળી વધારે ખુશ હતો. મોટા થવું અને ખીલવું મને ગમતું પરંતું મને માળીને છોડીને જવું ન ગમતું. કેટલી ઉત્તમ પ્રકારે મારી માવજત કરાતી! 


      અને, થોડાં જ દિવસો પછી હું સુંદર મજાનું ખીલી ગયું. આજે તો હું સંપૂર્ણ ખીલેલું હતું. હું સવારના સૂર્યોદયની રાહ જોતો હતો. વહેલી પરોઢના ઝાકળે મને ભીંજવીને ઠંડુ ઠંડું કર્યુ હતુ. મારી પત્તીઓ ભીની ભીની થઈ ગઈ હતી અને ઠંડો પવન મને ધ્રુજાવી રહ્યો હતો. હવે આકાશમાં ઝાંખું ઝાંખું અજવાળું પથરાઈ ગયું હતું. થોડીવારમાં જ ખુલ્લા આકાશમાં સોનેરી સવારે પોતાનું સામ્રાજ્ય વધારી દીધું હતું. પ્રસન્ન રવિના કોમળ કિરણો મને સ્પર્શતા હું હૂંફ અનુભવી રહ્યો હતો. આખી રાતમાં ચઢેલી ઠંડીથી હવે હું  સ્નેહ રશ્મિનાં  વહાલભર્યા સ્પર્શથી પ્રસન્ન જણાતો હતો. ' મારો માલિક  મને જોઈને કેટલો ખુશ થશે ?'  તે વિચારે હું અતિશય પ્રસન્ન થઈ ગયો. ઠંડીમાં અર્ધ બિડાયેલી મારી કડીઓ હવે ખીલીને સૂરજનું સ્વાગત કરતી હતી. 


     મારો માલિક આવ્યો. સૌથી વધુ સુંદર હું જ હતો. મારા માલિક મારી પાસે આવ્યા અને ખુબ વ્હાલથી મારે માથે હાથ ફેરવ્યો અને ધીરેથી મને મારી ડાળીથી અલગ કર્યું. મને જેટલું દુઃખ મારી ડાળીથી અલગ થવાનું હતું તેટલું જ દુઃખ મને મારા માલિકથી અલગ થવાનું હતું. પરંતું હવે હું સત્ય સ્વીકારીને મારાં બાંધવો અને મિત્રો સાથે  વાસનાં ટોપલામાં ગોઠવાઈ ગયો. સૌથી અલગ હું જ તરી આવતો.  અમે સૌ અમને લેવા કોણ આવે છે તેની રાહમાં હતાં ત્યાં જ એક ભાઈ આવ્યા અને થોડાં ફૂલોનાં હાર સાથે અમને લઈ ગયા. અમે સૌ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આપણને ક્યાં લઈ જશે ? ત્યાં જ ગાડી એક શાળામાં આવીને અટકી. અમે સૌ માથા ઊંચા કરીને જોવા લાગ્યાં. અમને ઊંચકીને શાળાની ઓફિસમાં લઈ ગયા. શાળાના શિક્ષકો અને સૌ અમને જોઈને ખુશ ખુશ થઈ ગયા.


     એ પછી અમને એક હોલમાં લઈને આવ્યા. અહીં આવ્યા પછી ખબર પડી કે અહી મીનાબેન અને ભાવનાબેનનો વિદાય સમારંભ છે. શાળાનાં ખીલેલાં પુષ્પો સાથે અમે એક થઈ ગયાં. શાળાનાં પુષ્પોનો કલરવ અને અમારો પમરાટ એક બની ગયાં. અમારાં માંથી એક હાર લઇને સરસ્વતીમાતાના ફોટાને પહેરાવવામાં આવ્યો. અમે સૌ આ વિદાય સમારંભ જોતાં હતાં. થોડીવારમાં શબ્દો અને પુષ્પોથી સૌનું સ્વાગત કરવામાં આવ્યું. 


    ઘણાં લોકો આવ્યા હતા. સૌના હાથમાં ગુલાબનાં ફૂલો હતાં. એમાંથી અમુક શિક્ષકોએ પોતાની પાસેનું ગુલાબ પોતાનાં હાથમાં રાખ્યું, કોઈએ નીચે જમીન પર મુકી દીધું, કોઈએ વાતો વાતોમાં ગુલાબનું ફુલ મચડી નાખ્યું તો કોઈ અમને ખાઈ ગયું. અમારાં જેવાં પણ હાલ કર્યાં અમે સૌને સુગંધ જ આપી.


     શિલ્પાબેને મને એમનાં માથાની પીનમાં પરોવી લીધું. તેમની સાથે આવેલી બહેનોએ સૌએ શિલ્પાબેનના માથામાં પરોવેલાં ફૂલની સાથે પોતાનાં ફૂલો જોડીને સુંદર મજાની વીણી બનાવી. ખુલ્લા, રેશમી અને સુગંધીદાર વાળમાં મને ગમ્યુ. હું પણ ખુશ અને શિલ્પાબેન અને તેમની સખીઓ પણ ખુશ.  માથાની વેણી બની  કોઈની સુંદરતામાં વધારો કરી સૌને પ્રસન્ન જોઈને મારી ખુશી બમણી થઈ. આજે મને મારું જીવન સાર્થક જણાયું. 



તમારી અદાઓના શું જવાબ આપુ

આ અભિનય ને  શું કિતાબ આપુ

કોઈ તારાથી સુંદર ગુલાબ હોત તો લાવત

પણ જે પોતે ગુલાબ છે તેને શું ગુલાબ આપુ.


    ભગવાનનો એટલો પાડ કે હું કોઈનાં પગ નીચે ન કચડાયો કે મને કચરો થતાં બચાવ્યો. હે પ્રભુ , ફરી પણ મારો ઉપયોગ કોઈ સત્કાર્યમાં થાય અને મારું જીવન સાર્થક બને એવુ મને ભાગ્ય આપજે.


ફૂલ બનકર હમ મહેકના  જાનતે હૈ

મુસ્કુરા કે હમ ગમ ભુલાના જાનતે હૈ

લોક ખુશ હોતે હૈ હમસે ક્યુકી

બીના મિલે હમ રસ્તા નીભાના જાનતે હૈ.



જાગૃતિ પંડ્યા આણંદ.

૧૮/૧૦/૨૦૨૨




Tuesday, 11 October 2022

🌺 સાધનાના પંથે 🌺

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

                *સાધનાના પંથે* 
               ***************

 *પૂર્વભૂમિકા :* 

સાધનાના પથિકના આધ્યાત્મિક વિકાસ માટે જુદા જુદા જરૂરી પગથિયા હોય છે. જીવનવ્યવહાર ની અંદર આ પગથિયાને વણી લઈને પણ આગળ વધી શકાય. સ્ટેપ બાય સ્ટેપ તે આગળ વધી શકે અને કયા ક્રમથી શરૂઆત કરવી તે અંગે માહિતી આપવા નમ્ર કોશિશ કરવાનો પ્રયાસ કરું છું. કેટલું સાધકોને ઉપયોગી થશે એ ખબર નથી પણ આપણી પાસે જે કંઈ હોય તે વહેંચવું એ ભાવથી શરૂઆત કરું છું. આધ્યાત્મવિકાસની પ્રાપ્તિ આત્મકલ્યાણના માર્ગે ચાલવાથી થાય છે. પરંતુ એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે શરૂઆત ક્યાંથી કરવી? પરમાર્થપ્રાપ્તિનું સૌથી પ્રથમ, સૌથી ઉત્કૃષ્ટ અને સૌથી વધારે અગત્યનું પગથિયું સત્સંગ છે. સત્સંગની ઉપાસનાથી સ્વાધ્યાયરૂપી તપમાં રુચિ ઉત્પન્ન થશે અને પ્રેરણા મળશે, એવું હું માનું છું 

                    *સત્સંગ* 
               *************
  
આત્મજ્ઞાની - આત્માનુભવી સંતના સાનિધ્યમાં રહી આત્મકલ્યાણ માટે સમય કાઢવો, પ્રયત્ન કરવો તે ખરેખરો સત્સંગ છે. મુમુક્ષુ આત્માર્થીજનોના સંગમાં રહેવું તે પણ સત્સંગ છે. મુનીશ્વરોના સંગને તો પરમસત્સંગ કહેવામાં આવે છે. આચાર્યો અને સંતોના વચનોનો પરિચય કરવો તે પણ સત્સંગનો એક પ્રકાર જ છે. જે સંગથી પરમાર્થનો રંગ લાગે તેને પણ સત્સંગ સમજવો. નહિતર ગમે તેવો સંગ હોય પણ જો આત્મશુદ્ધિના પુરુષાર્થમાં પ્રેરણા ન મળે તો તેને સત્સંગ ગણી શકાય નહિ. 

સત્સંગ એ આત્મસાધનાનું મુખ્ય પ્રેરકબળ છે. સામાન્ય કક્ષાના ગૃહસ્થ સાધકે અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વાર સત્સંગનો યોગ પ્રાપ્ત કરવો રહ્યો. જેની પાસે સમય છે અને જેનાથી વિશેષ પુરુષાર્થ બની શકે તેણે તો સત્સંગનો લાભ દરરોજ લેવો જોઈએ જેથી આત્મજાગૃતિનું સાતત્ય જળવાય. સર્વિસ કરતા વર્ગે દર અઠવાડિયે રજાના દિવસે જરૂર લાભ લેવો જોઈએ. આ ઉપરાંત મોટાભાગના ગૃહસ્થોએ દરરોજ રાતના ૮ : ૩૦ વાગ્યા પછીનો સમય જો ધારે તો બિનઉપયોગી વાતોમાં ગુમાવવાને બદલે સત્સંગમાં વાળી પોતાના આત્માનું હિત સાધવા પ્રયત્ન કરવો જોઈએ. 

સત્સંગનો શ્રેષ્ઠ લાભ લેવા માટે અને સત્સંગ નિષ્ફ્ળ ન જાય તે માટે સત્સંગી ભાઈ - બહેનોએ નીચેની બાબતો ઉપર ખાસ લક્ષ આપવું જરૂરી છે. 
૧.... પોતાની માન્યતાને સાથે લઈને સત્સંગમાં જવું જોઈએ નહિ. સત્યનો સ્વીકાર કરવાનો સત્સંગીએ આગ્રહ રાખવો. કુળધર્મને સત્સંગમાં વચ્ચે લાવવો નહિ. 

૨..... *હું જાણું છું* એ અભિમાનને તિલાંજલિ આપી હું કંઈક મેળવવા માટે જાઉં છું, એવો નમ્ર ભાવ રાખવો. હંમેશા ખાલી થઈને જવું. 

૩.... સંતપુરુષની હાજરી હોય તો તેમના પ્રત્યેનો અહોભાવ લાવી પરમ વિનયપૂર્વક વર્તવું. 

૪.... લોકોને દેખાડવા માટે, ધર્મી કોઈ કહે તે માટે સત્સંગ કરવાનો નથી. પરંતુ આત્મકલ્યાણ માટે સત્સંગ છે એ વાત ઉપર બરાબર ધ્યાન આપવું.

૫.... હું કેવો સત્સંગ કરું છું, એ પ્રમાણેનું અભિમાન પણ ઉત્પન્ન ન થાય તે તરફ ખાસ લક્ષ રાખવું. 

૬.... સત્સંગ દરમ્યાન, ધનાદિકથી હું મોટો છું, એવો ભાવ રાખી જવું નહિ. નહિ તો એ મોટાપણાનું અભિમાન નહિ પોષાતા જીવ ત્યાંથી પાછો વળી જાય છે. અને ગમે તેવો સત્સંગ પણ નિષ્ફ્ળ જતાં વાર લાગતી નથી. 

૭..... મુમુક્ષુઓ સર્વં સરખા છે, એવો ભાવ અંતરમાં રાખવાથી સત્સંગ ઘણો લાભદાયક થશે. 

જો યથાર્થ રીતે સત્સંગની આરાધના કરવામાં આવે તો તેનું ફ્ળ *સત* નો *સાક્ષાત્કાર* છે. વિવેકી સાધકને તો અવશ્ય સત્સંગથી લાભ થાય જ છે. અને ઘણું કરીને જે મહાત્માના સાનિધ્યમાં તેણે સત્સંગની સાધના કરી છે તે મહાત્માના આત્મજ્ઞાન - આત્મસમાધિ અને તેને સહાયક પૂરક - પ્રેરક એવા બીજા અનેક સદગુણો તેના જીવનમાં થોડા સમયમાં જ વિકસિત થયેલા જોઈ શકાય છે.
                              ક્રમશઃ

૨) 

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

                  *સાધનાના પંથે* 
             ******************
                      *સત્સંગ -- ૨* 
                   ==========

ઘનિષ્ઠ સત્સંગ દ્વારા જે સત્સંગી ભાઈઓ - બહેનો / સાધકોએ સાધનામાં સારી પ્રગતિ સાધી છે અને જેઓનું લક્ષ ખરેખર ઉંચું છે તેઓ નાની નાની વસ્તુઓના ત્યાગનો અભ્યાસ અને નિયમ આ સમય દરમ્યાન કરી શકે છે. જેમ કે રસાસ્વાદ ત્યાગ ( મીઠું, ખાંડ, મરચું કે તેલનો ત્યાગ ) ઉપવાસ એક ટાણાંનો નિયમ, ડીશમાં બે કે ત્રણ વસ્તુ જ આહારમાં લેવી, વ્યસન ચા, કોફી, બીડી, તમાકુનો ત્યાગ, સુવા માટે માત્ર ચટાઈ કે શેતરંજી વાપરવાનો નિયમ જેવા નિયમો લઇ શકાય. જયારે બીજા સાધકો પણ વ્રત -નિયમ લેતા હોય ત્યારે ઉલ્લાસના વાતાવરણમાં એક બીજાને પ્રેરણા મળે છે. અને જો વિવેકથી નિયમ લીધો હોય તો કાયમની કુટેવ જાય છે અને જીવન શિસ્તબદ્ધ બને છે. બ્રહ્મચર્ય જેવા મોટા વ્રતના નિયમ માટે પોતાનો પૂર્વ અભ્યાસ, વર્તમાન દશા અને સમગ્ર રીતે વ્રતપાલનની શક્તિ જોયા પછી જ નિયમ લેવો યોગ્ય છે. 

જેઓ સત્સંગ દરમ્યાન પોતાની વિશિષ્ટ લાયકાતથી સંતને પ્રભાવિત કર્યા હોય, પુરુષાર્થ કર્યો હોય તેમના ઉપર સંતોની વિશેષ કૃપા ઉતરી આવે છે. સંતો પણ વિશિષ્ટ મુમુક્ષુઓના આધ્યાત્મવિકાસનો ભાર સ્વીકારી લે છે. કારણ સંતનો સ્વભાવ જ સહજ પરોપકારી હોય છે. સાધકોને તેમની આગળની સાધનાના બધા જ પગથિયે સંતોનું અનુપમ માર્ગદર્શન, પ્રેરણા અને કૃપા આત્મજ્ઞાનવિકાશની છેક છેવટની દશા સુધી મળતા રહે છે. 

આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય તે માટે સંતો સાધકને ધ્યાન ના અભ્યાસ અને અન્ય સાધના માટે ખાસ ચાવીઓ આપતાં રહે છે. જેને બરાબર વાપરતા અનાદિકાળથી બંધ રહેલું સાધકનું આત્મારૂપી કબાટ ખુલી જાય છે અને જીવનમાં આનંદની એક એવી તો લહેર ઉઠે છે કે જે કદાપિ ઝાંખી પડ્યા વિના દિન- પ્રતિદિન વધતી વધતી પૂર્ણ પદની પ્રાપ્તિ કરાવે છે. સંતના અંતરની અંદર રહેલી આવી ચાવીઓનો લાભ જોકે તેમના પ્રત્યક્ષ સમાગમમાં જ પ્રાપ્ત થઈ શકે છે. 

સંતો પોતે પ્રબુદ્ધ હોવાથી સાધકને પણ ધર્માનુષ્ઠાન આદરતી વખતે આત્મલક્ષ રહયા કરે તેનું સતત સ્મરણ કરાવે રાખે છે. દેહાભિમાન, માયાચાર, કામક્રોધ, લોભ, મોહ જેવા ભાવો સાધનાકાળ દરમ્યાન ન થાય તેની નિરંતર જાગૃતિ રખાવે છે. વિચારોમા પણ સાક્ષીભાવ કેળવવા જાગૃત રાખે છે. 

જે સત્સંગી ભાઈઓ - બહેનો / સાધકો સંતોની વાણી શ્રધ્ધા અને ધ્યાન સહિત સાંભળે છે એને કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક્તા કે સંકુચિતતાને પોતાના આત્મામાં સ્થાન આપ્યા વિના જે જે કંઈ આત્મકલ્યાણ અર્થે ગ્રહણ કરવા યોગ્ય હોય તેને ગ્રહણ કરે છે અને પૂર્વગ્રહોને છોડતો જાય છે. 

આવા ગુણગ્રાહી મહાત્માઓનો સંગ સૌને હિતકારી છે. એમ અંતરમાં દ્ઢ નિશ્ચય કરીને સત્સંગ નો લાભ લેવો ખૂબ જ હિતકારી છે... !!!
                                      ક્રમશઃ

૩) 
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
          
                    *સાધનાના પંથે* 
       **********************
       
                        *સત્સંગ -૩* 
                    *****************

 *' જેવી મતિ એવી ગતિ '* એ લોકોક્તિમાં બુધ્ધિનો મહિમા પ્રગટ થાય છે. બુદ્ધિએ માનવને મળેલું ઈશ્વરીય વરદાન છે. સારાસાર વિવેક માણસને અન્ય પ્રાણીઓથી અલગ તારવે છે. આપણે ગૌરવ લઈએ છીએ કે માનવ બુધ્ધિમાન પ્રાણી છે. પણ બુધ્ધિએ બેધારી તલવાર છે. બુધ્ધિ બગડે તો માણસ બદમાશ થાય અને બુધ્ધિ સુધરે તો માણસ સંત બની જાય. ' શુધ્ધા હી બુધ્ધિ કિલ કામધેનુ ' વિશુદ્ધ બુધ્ધિ એ સાક્ષાત કામધેનુ છે. સન્મતિ માણસને સુપંથે પ્રયાણ કરવાની પ્રેરણા આપે છે, જયારે કુમતિ માણસને કુપંથે ભટકતો કરી મૂકે છે. સન્મતિ એ ઈશ્વર પ્રસન્નતાનો પ્રસાદ છે. ઈશ્વર સત્કાર્યોથી ખુશ થાય છે તેથી સન્મતિ મેળવવા સત્કાર્યો કરવા જોઈએ. સત્કર્મની પ્રેરણા સત્સંગથી સાંપડે છે. 

દેવર્ષિ નારદનાં સંગે લૂંટારો વાલિયો સન્માર્ગે ગયો. ભગવાન બુદ્ધે સાધેલુ અંગુલિમાલનુ હૃદયપરિવર્તન પણ સ્મરણીય છે. તોરલના સંગથી જેસલ જાડેજા પણ ચોર - લૂંટારામાંથી પીર બની ગયા. સંતનાં પ્રીતિજન્ય વિચારો માનવીની બુધ્ધિને વિવેકી બનાવે છે. તો સંતનું સાક્ષાત્કારી જીવન માનવહૃદયને ભાવપૂર્ણ બનાવે છે. આ રીતે સત્સંગથી માણસના જીવનમાં બુધ્ધિ અને ભાવનાનો સુભગ સમન્વય સર્જાય છે. 

સત્સંગનો મહિમા વર્ણવતી એક પૌરાણિક કથા છે. દેવર્ષિ નારદે એક વખત ભ્રહ્મદેવને સત્સંગનાં મહિમા વિષે પૂછ્યું. ભ્રહ્માએ તેમને પૃથ્વી પરનાં એક જંગલમાં ઝાડ પર બેઠેલા કાકીડા ( કાચિંડા ) ને એ વિષે પૂછવા જણાવ્યું. સત્સંગનો મહિમા શું એ પ્રશ્ન દેવર્ષિનાં મોંઢે સાંભળતા જ કાકીડો ઝાડ પરથી પડીને મરી ગયો. તે પછી પોપટ પાસે મોકલ્યા. તે પણ પ્રશ્ન સાંભળીને મૃત્યુ પામ્યો. તે પછી એક ખેડૂતના ઘેર જન્મેલા વાછરડાને પૂછવા મોકલ્યા , તેને પૂછતાં તેનાં પણ તેવા જ હાલ થયા. ત્યારબાદ રાજાનાં ઘેર રાણીના જન્મેલ રાજકુંવર તમને આ જવાબ આપશે. તેઓ રાજકુંવર પાસે ગયા અને રાજકુંવરને પ્રશ્ન પૂછતાં જ તે હસવા લાગ્યો. રાજકુમાર પહેલાનાં ત્રણની જેમ મર્યો નહીં તેથી નારદજીએ રાહતનો શ્વાસ લીધો. 

રાજકુમારે કહયું " તમે જ સાચા સંત છો, તમારા સંગનો મહિમા અપાર છે. તમારા સંગથી જ હું કાકીડામાંથી પોપટ, પોપટમાંથી વાછરડો અને વાછરડામાંથી રાજકુમાર પદને પામ્યો છું."

સંત સાહિત્યમાં કહેવાયું છે કે... 

 *"એક ઘડી આધી ઘડી, આધિ સે* *પુનિ આધ* ,
  *તુલસી સંગત સાધુકી, કટે કોટિ* *અપરાધ* '

          ઉપરની કથામાં વર્ણવેલા ચાર અવતારો માનવજીવનની ચાર અવસ્થાઓનો પરિચય આપે છે. સત્સંગને સેવનારો દરેક મનુષ્ય ક્રમિક વિકાસ સાધતો આ ચારેય અવસ્થાઓમાંથી પસાર થાય છે. 

સૌ પ્રથમ માનવી કાકીડા જેવો હોય છે. માણસ જાત જાતનાં રંગ બદલતો હોય છે. ' *ગંગા ગયે* *ગંગાદાસ અને જમુના ગયે* *જમુનાદાસ* ' એ ઉક્તિને અનુસરનારા લોકો બેઠક વગરનાં લોટા જેવા હોય છે. તેમનું માનસિક ચાંચલ્ય તેમને ક્યાંય સ્થિર થવા દેતું નથી. અસ્થિર બુદ્ધિનાં આ લોકોનું જીવન રઝળપાટમાં વેડફાઈ જાય છે. જીવનનાં કોઈ ક્ષેત્રમાં એકનિષ્ઠા ધરાવતા ન હોવાનાં કારણે જીવનમાં કશું પામી શકતાં નથી. 

સત્સંગનાં સાતત્યથી તેમનું ચાંચલ્ય ઓછું થાય છે. સત્સંગતિ માનવને સ્થિરતા બક્ષે છે. સત્સંગથી જીવનમાં કેટલીક વાતો નિશ્ચિત થઈ જાય છે. પછી માણસ ક્ષણે ક્ષણે પોતાનો મત કે અભિપ્રાય બદલતો નથી. અર્થાત કાકીડામાંથી તેનું રૂપાંતર પોપટમાં થાય છે.... 

પોપટ એક જ વાતનું રટણ કરતો હોય છે.આ સત્સંગીઓ પણ પોપટની માફક કેટલીક વાતોને સતત રટતા હોય છે. પોપટની માફક તેઓ જે વાતનું રટણ કરતાં હોય છે તેનાં અર્થને તેઓ જાણતા હોતાં નથી માટે આ જ્ઞાનને પોપટીયું જ્ઞાન કહેવામાં આવે છે. આવા માણસોથી સાંભળનારો કંટાળી જાય ત્યાં સુંધી થાક્યા વગર પોતાની વાતને દોહરાવતા જ રહે છે. પોતે પામ્યા વગર અન્યને પમાડવાનો પ્રયત્ન કરનાર આ પામર પ્રચારકો આનુવંશિક સમાજ માટે માથાના દુખાવા સમાન બની રહે છે. પરંતુ તેમનો સત્સંગ સાચો હોય તો અવશ્ય તેમને આ અવસ્થામાંથી આગળ લઇ જાય છે.... 

વાછરડો જેમ ખાધાં પછી વાગોળે છે તેમ સાચા સત્સંગીઓ સાંભળેલી વાતો પર મનન કરે છે. મનનથી એમના મનમાં નવો પ્રકાશ પેદા થાય છે. સમજદારી માણસને સુજ્ઞ, સાલસ અને સ્વસ્થ બનાવે છે. આવા સત્સંગીઓ માત્ર સુકપાઠ કરનારા રહેતાં નથી. સમજદારી એમના જીવનમાં સારાસાર વિવેક પ્રગટાવે છે. શાસ્ત્રોના રસાસ્વાદને જાણી અને માણી શકે છે. વિકસિત બુદ્ધિનાં આ લોકો અનાગ્રહી બની જાય છે. સાચો સત્સંગ માનવબુદ્ધિની જડતાને દૂર કરે છે.... 

વાછરડાથી આગળની ભૂમિકા છે રાજકુંવરની. વાછરડાની ભૂમિકામાં સમજદારીનું સ્વાસ્થ્ય છે તો રાજકુમારની ભૂમિકામાં આનંદની અનુભૂતિ છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન ઉત્તરોત્તર ચડતી ભૂમિકા છે. કાકીડા અને પોપટની કક્ષા શ્રવણની ભૂમિકાથી આગળ વધતી નથી. વાછરડાની ભૂમિકા મનની કક્ષાએ પહોંચે છે. જયારે રાજકુમારની અવસ્થા અનુભૂતિની કક્ષાને આંબી લે છે.... 

શ્રવણ અને મનન કરતાં નિદિધ્યાસનની કક્ષા ઘણી ઉંચી છે. શ્રવણમાં શબ્દોનો સ્પર્શ છે. મનનમાં અર્થનો પ્રકાશ છે, જયારે નિદિધ્યાસન જીવનને સાર્થક અને સભર બનાવે છે. હું રાજકુમાર છું, ભગવાનનો પુત્ર છું, અંશ છું 
( *અમૃતસ્ય પુત્રા:* ) એવી અનુભૂતિ એ વિકાસની ચરમસીમા છે.... 

આપણે પણ માત્ર વાંચીએ નહીં પણ ઉર્ધ્વગતિ કરવાની છે માટે મનન, ચિંતન કરીએ અને આગળની ઉચ્ચ ભૂમિકા માટે નમ્ર પ્રયાસ કરીએ એવી અપેક્ષા... !!!
                                 ક્રમશઃ