સૌમ્યની પહેલી હોળી - ભારતમાં
"હોળી આવી હોળી આવી
હોળી આવી રે, !!!!!
તહેવાર આજે હોળીનો આવ્યો રે,
હો ….. આવી ઘેરૈયાટોળી.
મસ્તીથી સૌ રંગો લગાવે રે,
હો … આવી ઘેરૈયા ટોળી."
ઘેરૈયાઓનું ટોળું ઉપર મુજબ ગીત ગાતું ગાતુ આખા ગામમાં ફરતું હતું. દર વર્ષે ઘનુ અને તેનાં મિત્રો : હનુ, બંસુ , ભોલુ, છોટુ ,, વગેરે ,,, મિત્રોની ટોળી જુદા જુદા રંગો અને પિચકારીઓ લઈને ઘેર ઘેર ' હોળીની ગોટ - હોળીની ગોત ' બોલતાં બોલતાં જાય છે.
આ વખતે આ ઘેરૈયાઓની ટોળીમાં વિનુ નહોતો. કારણકે વિનુના ઘરે તેના કાકાનો દીકરો સૌમ્ય આવ્યો હતો.
વિનુ અને સૌમ્ય કાકાએ અમેરિકાથી મોકલેલ આઈપેડમાં ગેમ્સ રમતાં હતાં. અચાનક જ ઘેરૈયાઓનો ટોળી ' હોળી આવી હોળી આવી ' ગીત ગાતાં ગાતાં વિનુના ઘર આગળ આવી બૂમો પાડવા લાગ્યા.
સૌમ્ય તો એકદમ ચોંકીને ઊભો થઈ ગયો. આ ભારતમાં તેની પહેલી હોળી હતી. અમેરિકામાં આવુ બધું કદી તેણે જોયેલું નહીં. રંગોથી રંગાયેલી ઘેરૈયાઓની ટોળી , આવાં હોળીના ગીતો, આવી હોળીની ગોટ અને બાળકોની ચિચીયારીઓ કદી સાંભળી ન હતી. સૌમ્યને તો ખૂબ જ નવાઈ લાગી.
સૌમ્ય વિનુને પૂછે છે : " what is this brother ! " અચાનક જ જ્યારે બોલવા જતાં સૌમ્ય અંગ્રેજીમાં બોલી ઉઠ્યો ! સૌમ્ય આગળ પૂછે છે : " ભાઈ , કેમ તારા મિત્રો આમ કરે છે ? આ બધું શું છે ?"
વિનુએ સૌમ્યને સમજાવતાં કહ્યું : "જો સોમ , આજે હોળીનો તહેવાર છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. હોળીનું પૂજન કર્યાં પછી જ જમે છે. " વિનુ અને સૌમ્ય વાતો કરતાં હતાં ત્યાં જ વિનુના પપ્પા આવ્યા. વિનુના મિત્રોને પાણી, રંગો અને હોળીની ગોટ ( રૂપિયા ) આપ્યાં. તેના મિત્રો આગળ ગયા.
વિનુ અને સૌમ્યની વાતો તેના પપ્પાએ સાંભળી હતી. વિનુના પપ્પાએ નાના સૌમ્યને સમજાય તે રીતે એકદમ ટુંકી અને સરળ વાર્તા કહી. હોળીકાની વાત કરતાં તેમણે કહ્યું : " હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ રાજા હતો. તે ખૂબ જ ઘમંડી અને ક્રૂર હતો. તેને પ્રહલાદ નામે એક પુત્ર હતો. પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો. સતત હરિ નામ સ્મરણ કર્યાં કરે. તેના પિતાને તે ગમે નહીં. હું જ ભગવાન છું. મારું સ્મરણ કર. પણ પ્રહલાદ માને નહીં. પ્રહલાદને શ્રીહરિ સ્મરણ છોડાવવા હિરણ્યકશિપુએ ખૂબ જ પ્રયત્નો કર્યાં. છતાં પણ પ્રહલાદ માને નહીં. કંટાળીને તેણે પ્રહલાદને મારી નાંખવા માટે પણ વિવિધ પ્રકારની યુક્તિઓ કરી પણ શ્રીહરિ હંમેશા પ્રહલાદનું રક્ષણ કરતાં. અંતે તે રાક્ષસને હોળીકા નામની એક બહેન હતી. હોલિકાને અગ્નિ બાળી શકે નહીં તેવું વરદાન હતું. પ્રહલાદને મારી નાંખવા માટે રાજાએ તેની બહેનને સળગતાં અગ્નિમાં પ્રહલાદને ખોળામાં લઈને બેસવા કહ્યું. હોળીકા પ્રહલાદને લઇને અગ્નિમાં બેસી ગઈ. હોળીકાને વરદાન હતું છતાં પણ શ્રી હરિની કૃપાથી પ્રહલાદને કંઇજ ના થયું અને હોળીકા સળગી ગઈ. આમ, હોળીના તહેવારની વાર્તા છે. પ્રહલાદને કંઈ જ ન થયું તેની ખુશીમાં બીજા દિવસે રંગોત્સવ મનાવવામાં આવે છે. બધાં લોકો એકબીજાને જુદાં જુદાં રંગોથી રંગે છે. ઘણી જગ્યાએ અને મંદિરોમાં કેસૂડાના ફૂલોના રંગો , દહીં , કેસર અને હળદરથી રંગોત્સવ મનાવવામાં આવે છે. "
વહાલાં બાળકો , અન્ય તહેવારની જેમ જ હોળીના તહેવારનુ પણ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ મહત્ત્વ છે. શિયાળામાં અતિશય ઠંડીને કારણે કફ, શરદી અને છાતીમાં - ફેફસાંમાં કફ જામી ગયો હોય છે. હોળીની પ્રદક્ષિણા ફરવાથી બધો કફ છૂટો પડી જાય છે. સાથે સાથે ધાણી, ચણા અને ખજૂર પણ ખાવાનો રિવાજ છે. તે પણ કફ તોડવા માટે ખાવું જરૂરી છે. ધુળેટીના દિવસે કેસુડો, દહીં, કેસર અને હળદરથી રંગોત્સવ મનાવવાથી ચામડીના રોગો દૂર થાય છે. એકદમ અનુભવાતી ગરમીમાં રાહત મળે છે.
આ રીતે હોળી ધુળેટીનો તહેવાર દર વર્ષે ધામધૂમ થી ઉજવવામાં આવે છે. રાજસ્થાનમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવાર ગણાય છે. આપણાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ સારી રીતે ઊજવણી કરવામાં આવે છે. અમુક જગ્યાએ તો એક અઠવાડિયા સુધી ઊજવણી કરવામાં આવે છે.
હોળી - ધુળેટીની વાતો સાંભળી સૌમ્ય ખૂશ ખૂશ થઈ ગયો. વિનુ અને સૌમ્ય મિત્રો સાથે હોળી રમવા ગયાં.
બાળકો , તમને હોળીની વાર્તા ગમીને ?
સૌ બાળમિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ જ કાળજી રાખીને , પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને રંગોત્સવ પર્વ મનાવજો.
No comments:
Post a Comment