Tuesday, 30 March 2021

ધ્રુવ ભટ્ટ

પ્રેમ એટલે ઝાકળના ટીપાને આંગળીના ટેરવાનો સ્પર્શ!
પ્રેમ એટલે છીપલાની હોડીમાં જીવનસાગર તરી જવાનું સાહસ!
પ્રેમ એટલે પૂનમની ચાંદનીમાં કરેલા પ્રેમાલાપની મીઠી યાદો!


ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

No comments:

Post a Comment