Sunday, 14 August 2022

નાની મારી વાત : 50, 🇮🇳સ્વાતંત્ર્ય દિન.🇮🇳 આઝાદી કા અમૃત મહોત્સવ.

           મિત્રો, આજે જ્યારે આખો દેશ એકયાબીજી રીતે  આઝાદીના75 વર્ષનીઉજવણી કરે છે ત્યારે મને પણ આપસૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે... આજનાં દિને આ મારી 75મી રચના છે જેમાં ( 50 બાલવાર્તાઓ અને 25 બાળગીતો)  થયાં છે.



         કિશન દોડતો આવ્યો અને કનૈયાને કહેવા લાગ્યો, " ભાઈ જો ને આ મારો તિરંગો ! મારે કલર કેમ બહાર નીકળી જાય છે? ટીચરે કહયું છે કે કલર બહાર ન નીકળે તે રીતે જ તિરંગો દોરવો. મને તારા જેવા સરસ કલર પૂરતાં શીખવ ને. " 


              કનૈયો પણ સરસ મજાનું ઘર અને તેના ઉપર તિરંગો, ઉપર ખુલ્લુ આકાશ, ઘર પાસે ખુલ્લું ખેતર અને ખેતરમાં ઘણાં બધાં ઝાડ - આવું ચિત્ર દોરતો હતો. કિશન અને કનૈયો બંને ભાઈઓ હતા. કનૈયો મોટો અને કિશન નાનો. કનૈયાએ પોતાનું ચિત્ર પૂરું કરીને કિશનને રંગો પૂરતાં શીખવ્યું. 


       કનૈયાએ સૌ પ્રથમ આખા ચિત્રની બોર્ડર પર કલરો પૂરી દીધા જેથી કરીને દિવાલ જાડી થઈ ગઈ અને કહ્યું હવે અંદર શાંતિથી રંગો ભર. આ રીતે રંગો પૂરતાં સહેજ પણ કલર બહાર ન નીકળ્યા અને ચિત્ર ખૂબ જ સુંદર લાગ્યુ. કિશન ખુશ ખુશ થઈ ગયો. 


       કનૈયો તેના ચિત્રમાં રંગો પૂરતો હતો અને બંને ભાઈઓ વાતો કરતા હતા. કિશન પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને કનૈયો પાંચમા ધોરણમાં. 

         કિશને પૂછયું, " ભાઈ દર વર્ષે આપણી શાળામાં સ્વાતંત્ર્ય દિનની  આટલી બધી તૈયારીઓ થાય છે?  "


         કનૈયાએ કહ્યું દર વર્ષે આગલા દિવસે અમે સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ કરીએ છીએ પરંતુ આ વર્ષે આપણા દેશને આઝાદી મળે ૭૫ વર્ષ પૂરાં થયાં છે માટે એની ઉજવણીના ભાગરૂપે આખુ વર્ષ નાના મોટા કાર્યક્રમો યોજાયા હતાં અને આ છેલ્લું અઠવાડિયું આપણી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું." 


        કિશને પૂછયું, " ભાઈ મને તો આખુ અઠવાડિયું શાળામાં ખૂબ જ મજા પડી. મને આપણા દેશની આઝાદીની વાતો કરને? ગઈકાલે અમારા ટીચરે અમને થોડી વાતો કરી હતી. થોડી વધારે વાતો કરને ! અમને અમારા ટીચરે સ્વાતંત્ર્ય દિન વિષે લખવાનું પણ કહ્યું છે." 


       જો સાંભળ, કનૈયાએ વાત શરૂ કરી.

       " ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. 


      અને આ રીતે આ વર્ષે ૧૫ ઓગષ્ટ ૨૦૨૨માં આપણાં દેશને આઝાદી મળ્યે ૭૫ વર્ષ પૂરાં થયાં. જેને ' આઝાદી કા અમૃત મહોત્સવ ' નામથી આપણે સૌ ઊજવણી કરીએ છીએ. આ વર્ષે આપણાં વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીમાં લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. 



       આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે 'હર ઘર તિરંગા ' નું સૂત્ર આપવામા આવ્યું છે માટે સમગ્ર દેશમાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરેેકેદરેક ઘર પર તિરંગો ફરકશે. અને માટે જ આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી આજનો દિવસ ઉજવાશે." 


      કિશન આ બધી વાતો સાંભળી ખુશ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, " આપણો આખો દેશ તિરંગાથી કેટલો સરસ દેખાશે ! આપણે છેક ઉપર આકાશ માંથી જોઈએ તો કેવી મઝા પડે! "


      બંને ભાઈઓ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી માટે ખૂબ જ આતુર અને ઉત્સાહિત હતાં. દાદાજીએ કહેલી, શાળામાં ટીચરે કહેલી અને મમ્મી પપ્પાએ કહેલી બધી જ વાતો કનૈયાએ કિશનને કહી. બંનેએ ખૂબ વાતો કરી અને જશોદા બહેને ( કિશન - કનૈયાની મમ્મી એ ) જમવા માટે બૂમ પાડી. બંને ભાઈઓ જમવા દોડી ગયા. 


                   જય હિંદ - જય ભારત

                    ભારત માતા કી જય

                           વંદે માતરમ્.


                                                    જાગૃતિ પંડ્યા,

                                                              આણંદ.


        

Monday, 8 August 2022

નાની મારી વાત : ૪૬ / મહોરમનો મહિમા.


    નાની મારી વાત : ૪૬  / મહોરમનો મહિમા.

               રોનક ક્યારનોય તેનાં મિત્રોની રાહ જોઈને બેઠો છે. થોડીવાર પછી મિતુલ આવ્યો. બંન્ને વાતો કરતા હતા અને આબન, હૈદર, બાસિમ અને ફાખિર આવે પછી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું. રોનક અને મિતુલ નવાં બનેલાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મૂરમુ વિષે વાતો કરતા હતા. એમાં કલાક જેટલો સમય પસાર થઈ ગયો. અચાનક રોનકની નજર ઘડિયાળ ઉપર પડી. અરે મિતુલ, છ વાગવા આવ્યા ને ? હજુ સુધી આબન, હૈદર, બાસિમ અને ફાખિર કેમ આવ્યા નથી ? વિચારવા લાગ્યા. મિતુલ બોલ્યો ચાલ આપણે બધાને ઘરે જઈને બોલાવી લાવીએ. રોનક અને મિતુલ ચાલવા લાગ્યા. બહાર રોડ ઉપર પહોંચ્યા ત્યાં જ તાજીયા નીકળેલા જોયા. તજીયાને સુંદર રીતે શણગારેલા હતાં. આગળ પાછળ બધાં લોકો ખૂબ જ જુસ્સાથી છાતી પિટતા અને તલવાર તથા બ્લેડ વતી પોતાનાં શરીર પર મારતાં હતાં. રોનક અને મિતુલ તો ત્યાં જ અટકી ગયા. બંનેને આ બધી નવાઈ લાગી. થોડી જ વારમાં તેમનાં મિત્રો પણ દેખાયા. રોનક અને મિતુલ આબન અને હૈદર પાસે ગયાં. પાછળ થી બાસિમ અને ફાખિરે દોડતાં આવીને રોનક અને મિતુલને પીઠ પર જોરથી ધબ્બો મારી આવકાર્યા. બધાં મિત્રો એકબીજાને મળીને ખુશ ખુશ થઈ ગયા.


       મિતુલે આબનને પૂછયું, " આબન આ તમારો કયો તહેવાર કહેવાય ? આ તહેવારનું શું નામ અને શું મહત્ત્વ છે ? આ તાજીયાનું ઝુલુસ  કેમ કાઢવામાં આવ્યું છે ? અમને જણાવને ?"  આબન કહે, " આ તહેવારનું નામ મહોરમ છે." આ તહેવાર વિષે તને મારાથી પણ વધારે સારી માહિતી હૈદર આપશે. કારણકે હૈદરના દાદા તેને બધાં જ તહેવારોની સરસ મજાની વાતો અને તેનું મહત્ત્વ સમજાવે છે તો મહોરમ વિષે હૈદર સમજ આપશે."બધાં મિત્રો તાજિયામાં જોડાયા. ચાલતાં ચાલતાં વાતો કરતાં ચાલ્યાં જાય છે.


     હૈદરે  મહોરમનું મહત્ત્વ સમજાવતાં કહ્યું, " સાંભળો મિત્રો મારા દાદાએ મને જે વાત કરી છે તે હું તમને કહું છું." 


      મોહરમ ઈસ્લામી વર્ષનો પ્રથમ મહિનો છે જે ચંદ્રના હિસાબથી ચાલે છે. ઈસ્લામી વર્ષનો આ મહિનો દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે.આજથી લગભગ 1400 વર્ષ પહેલાની વાત છે સન 61 હિઝરીના મોહરમનો મહિનો હતો.. જ્યારે મોહમ્મદ સ.અ.વ ના દૌહિત્ર (નવાસા) ઈમામ હુસૈનને તેમના 72 સાથીયો સાથે ખૂબ જ નિર્દયતાપૂર્વક કર્બલા ઈરાકના બયાબાનમાં જુલમી યજીદી ફૌજે શહીદ કર્યા હતા. 


ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે. આ કોઈ તહેવાર નથી પણ માતમ(શોક)નો દિવસ છે.

   

     દેશભરમાં મુસ્લિમ મોહરમ ઈસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત છે પરંતુ સાથે સાથે તેના 10માં દિવસે હજરત ઈમામ હુસૈનની યાદમાં મુસ્લિમો માતમ મનાવે છે. 10માં મોહરમના દિવસે જ ઈસ્લામની રક્ષા માટે હજરત ઈમામ હુસૈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. 



    ઈસ્લામિક માન્યતાઓ મુજબ ઈરાકમાં યદીઝ નામનો એક ક્રુર વ્યક્તિ રહેતો હતો. જે માણસાઈનો દુશ્મન હતો. કહેવાય છે કે યદીઝ પોતાની જાતને શહેનશાહ માનતો હતો અને ખુદા પર વિશ્વાસ કરતો નહતો. તેની ઈચ્છા હતી કે હજરત ઈમામ હુસૈન તેના જૂથમાં સામેલ થઈ જાય. પરંતુ તેમને એ જરાય મંજૂર નહતું. ત્યારબાદ યદીઝના ફેલાઈ રહેલા પ્રકોપને રોકવા માટે હજરત સાહેબે તેના વિરુદ્ધ યુદ્ધ છેડી નાખ્યું. પેગંબર એ ઈસ્લામ હજરત મોહમ્મદના પૌત્ર હજરત ઈમામ હુસૈનને કરબલામાં પરિવાર અને તમામ અઝીઝ મિત્રો સાથે શહીદ કરી નાખ્યાં. 


મોહરમ માતમ મનાવવાનો અને ધર્મની રક્ષા કરનારા હજરત ઈમામની યાદમાં મનાવવામાં આવતો તહેવાર છે. મોહરમના મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો આ મહિનામાં તે લગ્ન પણ નથી કરતા અને બીજી બધી ખુશી નાં તેહવાર અને બધી ખુશી ત્યાગ કરી દે છે.અને કાળા કપડાં પહેરીને મજલીસ માતમ ગીરિયા કરી ને શોક મનાવે છે.



મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ હોય છે. તજિયાને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે.

               



     રોનક અને મિતુલ મહોરમનું મહત્ત્વ સાંભળી ખુશ થયાં સાથે સાથે દુઃખી પણ.  થોડી ઘણી વાતો અને આગલા દિવસનો ક્રિકેટ રમવાનો પ્લાન બનાવી  સૌ મિત્રો છૂટા પડ્યાં. જતાં જતાં ફાખિરે રોનક અને મિતુલનો આભાર માન્યો. રોનક કહે મિત્ર એમાં શેનો આભાર! આપણે સૌ એક જ છીએ. તમે લોકો પણ અમારાં તહેવારોની ઉજવણીમાં અમારી સાથે જોડાઓ છો ને!  આપણો સૌનો એક જ ધર્મ અને તે છે માનવ ધર્મ. આપણે બધાં એક જ પિતાના સંતાનો છીએ. આપણો દેશ બિનસાંપ્રદાયિક છે. બધાં જ ધર્મો એક સમાન. દરેકે દરેક ધર્મનું માન રાખીને રહેવું જોઈએ. 


      

         આજે રોનકે અને મિતુલે કંઇક નવું જાણ્યાનો આનંદ હતો. સૌ મિત્રો એકબીજાને ' શુભરાત્રી ' કહી છૂટા પડ્યાં.


            

                              જાગૃતિ પંડ્યા,

                                     આણંદ.