Monday, 22 February 2021

યોગ વશિષ્ઠ

૧) 
યોગ વશિષ્ઠ મહા રામાયણ

" उभाभ्याम एव पक्षाभ्याम यथा खे पक्षिण : गति:
तथैव ज्ञान कर्माभ्याम जायते परमम पदम्। " 

    સુતીક્ષ્ણએ અગસ્ત ઋષિને પૂછયું: 

હે ઋષિ , મને મોક્ષ સંબંધી જાણકારી આપો અને જણાવો કે કર્મ અને જ્ઞાન આ બન્ને માંથી કોણ મોક્ષની પ્રાપ્તિમાં સહાયક છે. 

      અગસ્ત ઋષિએ જવાબ આપ્યો : 

  જેવી રીતે પક્ષી પોતાની બંને પાંખોથી ઉડે છે, એવી જ રીતે મોક્ષની પ્રાપ્તિમાં કર્મ અને જ્ઞાન બંને સહાયક હોય છે. ના એકલું કર્મ મોક્ષની પ્રાપ્તિમાં સહાયક હોઈ શકે છે અને ના એકલું જ્ઞાન ! 

તમારા પ્રશ્નના જવાબમાં હું તમને એક કથા સંભળાવું છું. 

  કારુણ્ય નામનો એક ધર્મિષ્ઠ વ્યક્તિ હતો. એમના પિતાનું નામ અગ્નીવેશ્ય હતું. ધર્મગ્રંથોના વાંચન અને મનનના ફળસ્વરૂપ આ કારુણ્ય જીવન પ્રત્યે ઉદાસ થઈ ગયો હતો. અગ્નીવેશ્યએ એક દિવસ એના પુત્રને પૂછયું કે તે તારું નિત્ય નિયમ કેમ છોડી દીધો? જવાબમાં કારુણ્યએ કહ્યું , " આપણા ધર્મગ્રંથો એક વાત તો એ કહે છે કે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ બધાજ કર્મો કરવાં જોઈએ અને સાથે સાથે એ પણ કહે છે કે, અમર પદ પ્રાપ્ત કરવા માટે બધાં જ કર્મોનો ત્યાગ કરવો જોઈએ. મારા પિતાજી ! મારા ગુરુવર! મારી સમજમાં એ નથી સમજાતું કે, અંતે હું શું કરું? " આટલું કહીને કારુણ્ય ચૂપ થઈ ગયો. 


 અગ્નીવેશ્યએ જવાબ આપ્યો : 

 મારા દિકરા , ધ્યાનથી સાંભળો. હું તને એક પ્રાચીન વાર્તા સંભળાવું છું. એનાં નિષ્કર્ષ પર વિચાર કરો અને પછી તને જે સમજાય તેમ કરો. એક સમયની વાત છે. સુરુચિ નામની અપ્સરા હિમાલયની એક ટેકરી ઉપર બેઠી હતી. એણે દેવતાઓના રાજા ઈન્દ્રના દૂતને તેની પાસે આવતાં જોયો. સુરુચિએ તેને અહીં આવવાનું કારણ પૂછતાં દુતે જણાવ્યું કે, રાજા અરિષ્ટનેમીએ તેનું રાજ્ય તેમનાં પુત્રોને સોંપી દીધું અને અત્યારે તેઓ ગંધમાદન પર્વત પર ઘોર તપસ્યામાં લાગી ગયાં છે. આ જોઇને ઈન્દ્રએ મને કહ્યું કે, અપ્સરાઓનું ઝૂંડ લઈને જાઓ અને એમને સ્વર્ગમાં લઈ આવો. જવાબમાં મેં કહ્યું કે, પુણ્ય આત્માઓને પુરસ્કૃત કરવા માટે સ્વર્ગ ઉપર્યુક્ત સ્થળ નથી , કારણકે પુણ્ય કર્મો ક્ષીણ થવાથી તેમને ફરીથી મૃત્યુલોકમાં જવું પડે છે. એ રાજર્ષિ એ ઈન્દ્રનું નિમંત્રણ અસ્વીકાર કરી દીધું અને સ્વર્ગ જવા માટે પણ ઇનકાર કરી દિધો. ઈન્દ્રએ મને ફરીથી રાજર્ષિ ની પાસે એ કહેવા માટે મોકલ્યો છે કે તેઓ મારું નિમંત્રણ ઠુકરાવે તે પહેલાં મહર્ષિ વાલ્મીકિ સાથે વાતચીત અવશ્ય કરી લે.  

    રાજર્ષિ નો પરિચય ફરી મહર્ષિ વાલ્મીકિ સાથે થયો. એમણે વાલ્મીકિને પૂછયું , " જન્મ - મરણ નાં ચક્કરમાંથી બચીને નીકળવાનો શું ઉપાય છે? " જવાબમાં વાલ્મીકિએ ભગવાન શ્રીરામ અને વશિષ્ઠ વચ્ચે થયેલા સંવાદ નું વર્ણન કર્યું.


              ( વધુ આવતાં અંકે ) 

                           જાગૃતિ પંડ્યા,
                                   આણંદ.


        



૨) 
" અહમ્ બદ્ધો વિમુક્ત: સ્યામ ઇતી યસ્યાસ્તિ નિશ્ચય: નાત્યન્તમ અજ્ઞો નો તજ જ્ઞ : સોસ્મીન ચાસ્ત્રે ધિકાર વાન " 

             વાલ્મીકિએ કહ્યું, 

     રામ અને વશિષ્ઠ ની વાર્તા સંબધી આ ધર્મગ્રંથના અધ્યયનનો એ જ અધિકારી છે જે એ અનુભવ કરે : "હું બંધનમાં પડ્યો છું અને મારે આ બંધનથી મારી જાતને મુક્ત કરવી છે. " આવી વ્યક્તિ ન તો પૂર્ણ રૂપ થી ના અજ્ઞાની હોય છે, ના જ્ઞાની. જો કોઇ વ્યક્તિ આ ધર્મ ગ્રંથ ( યોગ વશિષ્ઠ ) માં જણાવેલ મોક્ષના ઉપાયો પર મનન કરે છે તે નક્કી જ જન્મ - મરણના ફેરામાંથી છુટકારો મેળવી શકે છે.

     મેં પહેલા રામ કથા લખી હતી અને એનું વર્ણન મારા પ્રિય શિષ્ય ભરદ્વાજ સામે કર્યું હતું. ભરદ્વાજ એકવાર જ્યારે મેરુ પર્વત પર ગયા હતા તો એમણે આ વર્ણન સૃષ્ટિકર્તા બ્રહ્મા આગળ કર્યું હતું. આ કથા સાંભળી અત્યંત ખુશ થઈને ભરદ્વાજ ને વરદાન માંગવા કહ્યું. ભરદ્વાજે વરદાન માંગ્યું : " આ જન્મ મરણ ના ફેરામાંથી છુટકારો કેવી રીતે પ્રાપ્ત થાય, એનો ઉપાય કૃપા કરીને જણાવશો." 

       બ્રહ્માજી એ ભરદ્વાજ ને કહ્યું, " તમે વાલ્મીકિ પાસે જાઓ અને એમને પ્રાર્થના કરો કે રામકથાનું વર્ણન કાયમ કરતાં રહે અને એ રીતે કથા કહે કે સાંભળવા વાળો અજ્ઞાનના અંધકારમાંથી મુક્ત થાય." ભરદ્વાજ આ વાત સાંભળી સંતુષ્ઠ થયાં નહી. પછી બ્રહ્માજી ભરદ્વાજ ને લઈને મારા આશ્રમે ( વાલ્મીકિ ના આશ્રમમાં ) આવ્યાં. પહેલાં મેં ( વાલ્મીકિ એ ) બ્રહ્માજીની પૂજા અર્ચના કરી. E પછી બ્રહ્માજી એ મને પુછ્યું, " હે મહર્ષિ , તમારી રામકથા એટલી હદ સુધી અતુલિત છે જેનાથી માનવ જાતિ આ સંસાર રૂપી સાગર તરીને પાર પડી જાય છે. એટલા માટે તમે આ રામકથાનું વર્ણન ગાન કરતાં રહો અને એને પૂર્ણ કરો. " આટલું કહી બ્રહ્માજી ત્યાંથી અદ્રશ્ય થઇ ગયા. 

         બ્રહ્માજીના આદેશથી હું આશ્ચર્યચકિત હતો. મારી જાતને સાંભળતા મ ભરદ્વાજને પુછ્યું કે બ્રહ્માજીએ છેવટે શું કહ્યું? ભરદ્વાજે બ્રહ્માજીના વચનો ને ફરીથી દોહરાવ્યા. , " બ્રહ્માજી એવું ઈચ્છે છે કે તમે રામકથાને એવી રીતે પ્રગટ કરો કે બધાનાં દુઃખો દૂર થાય. હું પણ તમને એ જ પ્રાર્થના કરું છું કે, કૃપા કરી મને એ બતાવો કે રામ , લક્ષ્મણ બધાં ભાઈઓએ દુઃખોથી કેવી રીતે મુક્તિ મેળવી ?" 

        ત્યારે મેં ભરદ્વાજને એ રહસ્ય બતાવ્યું જેના દ્વારા રામ, લક્ષ્મણ બધાં ભાઈઓએ તથા સંપૂર્ણ રાજ - પરિવારના અન્ય સભ્યોએ મુક્તિ મેળવી હતી. મેં ભરદ્વાજને એ પણ કહ્યું , " મારા પુત્ર ! જો તું પણ એમની જેમ જીવન નિર્વાહ કરે તો તું પણ દુઃખથી મુક્તિ અત્યારે અહીં જ પ્રાપ્ત કરી શકીશ." 

                    ( વધુ આવતાં અંકે ) 

૩) યોગ વશિષ્ઠ : ૩ 

                                 (  ગતાંકથી આગળ )

' બ્રહ્મસ્ય જાગતસ્યાસ્ય જતસ્યાકાશવર્ણવત
અપુન: સ્મરણમ મન્યે સાધો વિસ્મરણમ વરમ.'

         વાલ્મીકિએ આગળ કહ્યું : 

       સંસારનું સ્વરૂપ ભ્રમમાં નાંખે એવું છે. ત્યાં સુધી કે નીલા રંગનું દેખાતું આકાશ પણ દૃષ્ટિભ્રમ જ  છે. મારો વીચાર એવો છે કે, સંસારમાં  મન ના લગાવવું જોઈએ પરંતું ઈની ઉપેક્ષા કરવી જોઈએ. જ્યાં સુધી આ ધારણા જાગૃત નથી થઈ જતી કે, સંસારનું સ્વરૂપ અસત્ છે ત્યાં સુધી ના તો દુઃખોમાંથી નિવૃત્તિ નથી મળી શકતી અને ના આપણે આપણી પ્રકૃતિની અનુભૂતિ થઈ શકે છે. આ ધારણા ત્યારે જાગૃત થાય છે જ્યારે ધર્મગ્રંથોનું અધ્યયન પૂરા મનથી થાય. ત્યારે વ્યક્તિની ધારણા દ્રઢ  બને છે કે આ દ્રશ્ય સંસાર ભ્રમ છે તથા સત - અસત થી બનેલું રૂપ છે.  એટલે જે કોઇ મનુષ્ય મનથી ધર્મગ્રંથોનું અધ્યન નથી કરતો તે લાખો વર્ષો સુધી પણ એનામાં સાચુ જ્ઞાન પ્રાપ્ત નથી થઈ શકતું. 

      મોક્ષ  હકીકતમાં સંપૂર્ણ વાસનાઓ અને માનસિક પ્રવૃત્તિઓ નો ત્યાગ છે. વાસનાઓ બે પ્રકારની હોય છે - શુદ્ધ વાસના અને અશુદ્ધ વાસના. અશુદ્ધ વાસનાઓ જન્મનું કારણ હોઈ છે અને શુદ્ધ વાસનાઓ વારંવાર જન્મ લેવામાંથી મુક્તિ અપાવે છે. અશુદ્ધ વાસનાઓની પ્રકૃત્તિ અહમ્ પ્રધાન હોય છે. આ એવાં બીજ છે જે જેનાથી પુનર્જન્મ નું વટવૃક્ષ ઉત્પન્ન થાય છે. જ્યારે આ બીજોનો ત્યાગ કરી દેવામાં આવે ત્યારે શરીરને ધારણ કરવા વાળી મન: સ્થિતિ ની પ્રકૃતિ શુદ્ધ બની જાય છે. આવી મન: સ્થિતિ એવા લોકોની પણ હોય છે, જેઓએ એમના જીવનકાળ દરમિયાન મુક્તિ પ્રાપ્ત કરી હોય છે. તે પુનર્જન્મ નથી થવા દેતી. એ પોતાનાં પૂર્વ અર્જિત આવેગો થી સ્થિત રહે છે ન તો વર્તમાનકાલિક પ્રેરણાથી સ્થિત રહે છે.

        રામે કેવી રીતે મુક્ત ઋષિના રૂપમાં એમનું જીવન પસાર કર્યું, હવે એનું હું વર્ણન કરીશ. એ વર્ણન સાંભળીને હંમેશા માટે જન્મ અને મૃત્યુ - સંબંધી તમામ પ્રકારના  ભ્રમોથી તમે મુક્ત થઈ જશો. 

       પોતાના ગુરૂનાં આશ્રમમાંથી પાછા આવી શ્રી રામ પોતાના પિતા પાસે મહેલમાં રહેવા લાગ્યા અને અનેક પ્રકારના રાજકાજના કામોમાં પિતાને મદદ કરવા લાગ્યા. એક દિવસ આખા દેશમાં  ફરવાની અને પવિત્ર તીર્થસ્થાનોના દર્શન કરવાની  ઇચ્છા  એમણે પિતા દશરથજી ને કહી. મહારાજા દશરથજીએ તીર્થયાત્રાનું શુભ મુહૂર્ત કઢાવ્યું અને નક્કી કરેલા દિવસે , પિતા અને અન્ય પૂજ્ય લોકોનાં આશીર્વાદ મેળવી ભગવાન શ્રી રામ તીર્થયાત્રા કરવા નીકળી ગયા. 

          શ્રીરામ  પોતાનાં ભાઈઓ સાથે હિમાલયથી દક્ષિણ સુધી સંપૂર્ણ દેશની યાત્રા કર્યાં પછી પોતાની રાજધાનીમાં પાછા આવ્યા તો રાજ્યની પ્રજાને અત્યંત ખુશી થઈ.


                                  ( વધુ આવતાં અંકે ) 


                                            જાગૃતિ પંડ્યા
                                               આણંદ.      
                             


૪) 

યોગ વશિષ્ઠ : ૪

                                 ( ગતાંકથી આગળ )

' કોપં વિષાદ કલનાં વિતતં ચ હર્ષ 
નાલપેન કારણવશેન વહન્તિ સંત:
સર્ગેણ સંહૃતિજીવેન વિના જગત્યામ
ભૂતાનિ ભૂપ ન મહ્યાંન્તિ વિકારવન્તિ.'


    વાલ્મીકિએ આગળ કહ્યું :

       રાજમહેલમાં પ્રવેશ કર્યાં પછી શ્રીરામે એક એક કરીને પોતાના પિતા, ગુરૂ, વશિષ્ઠ અન્ય આદરણીય વ્યક્તિઓને ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા. આઠ દિવસ સુધી આખી અયોધ્યા નગરીમાં શ્રીરામ ના તીર્થયાત્રા કરીને આવ્યાં માટે ઉત્સવ મનાવવામાં આવ્યાં. 

          કેટલાય દિવસો સુધી શ્રીરામ રાજમહેલમાં જ રહ્યા અને તેમનું નિત્ય નિયમ મુજબના દૈનિક કાર્યો કરતા રહ્યાં. પરંતુ ખૂબ ઝડપથી તેમના વ્યવહારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પરિવર્તન દેખાવા લાગ્યું. શ્રી રામ દિવસે દિવસે અશક્ત અને દુબળા થતાં ગયાં અને એમનો રંગ પણ પીળો પડતો ગયો. શ્રી રામ ના શરીર અને વ્યવહારમાં આવતાં અકારણ પરિવર્તનથી મહારાજા દશરથને ચિંતા થવી સવાભાવિક છે. જ્યારે મહારાજા દશરથ શ્રી રામ ને તેમના સ્વાસ્થ્ય વિષે પૂછતાં તો રામ જવાબ આપતાં કે કશું જ થયું નથી. એક દિવસ દશરથરાજાએ રામને પૂછયું, " મારા દિકરા ! તને કઈ વાતની ચિંતા છે ? " તો શ્રીરામે જવાબ આપ્યો, " કોઇ વાત ની નથી " આટલું કહીને શ્રી રામ ચૂપ થઇ ગયા.

               જવાબ જાણવા માટે દશરથરાજા મહર્ષિ વશિષ્ઠ પાસે ગયા. મૂંઝવણમાં પડાય તેવી આ સ્થિતિના સંબંધે જવાબ આપતાં મહર્ષિ વશિષ્ઠે કહ્યું, " ચોક્કસથી કોઇ કારણ જરૂર હશે , જેનાથી શ્રીરામ માં આ પરિવર્તન જોવા મળ્યું છે. આ સંસારમાં ગમે તેટલું કોઇ પણ પરિવર્તન કેમ ન હોય ! તેનું કારણ જરૂર હોય છે. કોઇ મહાપુરુષ પણ તેમનાં વ્યવહારમાં જ્યારે ક્રોધ, દુઃખ, હર્ષ કે અન્ય પરિવર્તનો પણ કોઈનેકોઈ કારણ સાથે જ જોવા મળે છે. કોઇ કારણ વિના તેઓના વ્યવહારમાં કોઈ ફેરફાર નથી જોવા મળતો. " દશરથ રાજા એ આગળ કંઈ પ્રશ્ન પૂછ્યો નહીં. 

              પછી, થોડાં દિવસો બાદ રાજમહેલમાં વિશ્વવિખ્યાત રાજર્ષિ વિશ્વામિત્ર પધાર્યા. મહારાજા દશરથને જેવાં સમાચાર મળ્યા કે તરત જ તેઓ રાજર્ષિના સ્વાગત માટે દોડી ગયા. 

            દશરથરાજાએ કહ્યું : 

            રાજર્ષિ તમારું સ્વાગત છે ! સ્વાગત છે ! સ્વાગત છે !!! આ રાજમહેલમાં પધાર્યા તે બદલ હું અત્યંત પ્રસન્ન છું. એક આંધળાને આંખે રોશની મળે, સુકાયેલી ધરતીને વરસાદ મળે, વાંઝિયાને પુત્ર પ્રાપ્તિ થાય, મૃત્યુ પામેલાને નવજીવન મળે, વ્યક્તિને પોતાની ગુમાવેલી સંપત્તિ પાછી મળે અને જેવી પ્રસન્નતા પ્રાપ્ત થાય, તેવી પ્રસન્નતા આજે હું અનુભવી રહ્યો છું. રાજર્ષિ મને આજ્ઞા કરો, હું આપની શું સેવા કરું ? મારી પ્રાર્થના છે કે, તમે તમારી જે ઈચ્છા લઇને આવ્યાં છો, તે મારા તરફથી પૂર્ણ થયેલી જ સમજો. તમે પૂજ્ય છો. દેવસ્વરૂપ છો. હું તમને દંડવત્ પ્રણામ કરું છું. 


                                   ( વધુ આવતાં અંકે ) 


                                            જાગૃતિ પંડ્યા
                                               આણંદ.

૫)






                            





                    



 





 

Saturday, 6 February 2021

કોરોના ગીત

રાગ : દીકરી તો પારકી થાપણ કહેવાય.