Friday 10 May 2024

શુદ્ધ લેખન માટે અગત્યની બાબતો...

શુદ્ધ લેખન માટે અગત્યની બાબતો - ૧
-------------------

- સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિ માટે ‘ભાષા’ પરસ્પરના વ્યવહારનું એક અત્યંત મહત્ત્વનું સાધન છે. એ સાધનનો પૂરેપૂરો અને ખૂબ જ ઉચિત ઉપયોગ થાય એ પણ એટલું જ જરૂરી છે. આથી આપણી ભાષા દોષ-રહિત હોય એ અત્યંત આવશ્યક ગણાય. આ માટે પ્રત્યેક ભાષક જ્યારે ભાષાને લેખિત સ્વરૂપે મૂકે છે ત્યારે એનો સાવધાનીપૂર્વક ઉપયોગ થાય એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.

૧. વર્ણમાળાનો પૂરેપૂરો પરિચય : 

કેટલીકવાર વર્ણો જ અર્થનું ભેદકત્વ રચે છે એટલે યોગ્ય સ્થાને યોગ્ય વર્ણ મૂકાય તે જોવાવું જોઇએ. વર્ણમાળામાં અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનોની અદલાબદલીને કારણે પણ અર્થભેદ થતો હોય છે. જેમ કે,

ગામ - માણસના વસવાટનું સ્થળ, વતન, રહેઠાણ
ઘામ - તાપ, બફારો, ઉકળાટ, પરસેવો

ગણ - સમૂહ, મંડળ, શિવનો સેવક
ઘણ - મોટો હથોડો

જે૨ - ભૂકો, પરાજિત, વશ
ઝેર - વિષ, અદેખાઈ

જાડ - જાડું, જાડાપણું
ઝાડ - વૃક્ષ, તરુ

જાડી - ચરબીથી ભરેલી; સ્થૂળ
ઝાડી - ઝાડ, વેલા, ઘાસ વગેરે વનસ્પતિનો ભરાવો

રાની - જંગલી, વગડાઉ
રાણી - રાજાની પત્ની

દાન - પુણ્યાર્થે આપવું તે, વારો
દાણ - જકાત

વાર - અઠવાડિયાનો દરેક દિવસ, લંબાઈનું એક માપ, વખત
વાળ - કેશ, બાલ

દર - કોઈ પ્રાણીએ જમીનમાં રહેવા કરેલ કાણું - છિદ્ર, કિંમત
દળ - ફૂલની પાંખડી, સૈન્ય, પર્ણ
-વગેરે.

આધાર :
---------- 
સરકારી લેખન પદ્ધતિ

પ્રકાશક :
----------- 
ભાષા નિયામકની કચેરી
 
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત 
જિલ્લો : આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦


શુદ્ધ લેખન માટે અગત્યની બાબતો - ૨
-------------------

૨. વર્ણોને જોડીએ ત્યારે જોડાતા વર્ણો કઈ રીતે લખાય તે પણ જાણવું જરૂરી છે. ખાસ તો શબ્દકોશમાં એમનો ક્રમ ક્યાં છે તે જાણીએ તો જ આપણે સાચી માહિતી ઝડપથી મેળવી શકીએ.

- નીચેના કેટલાક જોડાક્ષરોમાં જોડાતા વ્યંજનોનો ક્રમ અને એમનાં લિપિચિહ્નો ઓળખી લો.

ક્ષ = ક્ + ષ જેમ કે, 
ક્ષત્રિય, અક્ષર, પરીક્ષા વગેરે.

જ્ઞ = જ્ + ઞ જેમ કે, 
જ્ઞાતિ, વિજ્ઞાન, પ્રજ્ઞા વગેરે.

દ્ધ = દ્ + ધ જેમ કે, 
યુદ્ધ, અશુદ્ધ, પ્રબુદ્ધ વગેરે.

ધ્ધ = ધ્ + ધ જેમ કે, 
અધ્ધર, સધ્ધર, સુધ્ધાં વગેરે.

દ્મ = દ્ + મ જેમ કે, 
પદ્મ, પદ્મિની, પદ્મા વગેરે.

ક્ર = ક્ + ૨ જેમ કે, 
ક્રમ, ચક્ર, ક્રમિક વગેરે.

દ્દ = દ્ + દ જેમ કે, 
હોદ્દો, રદ્દી, તદ્દન વગેરે.

દ્વ = દ્ + વ જેમ કે, 
દ્વારા, વિદ્વાન, દ્વારપાલ વગેરે.

દ્ય = દ્ + ય જેમ કે, 
વિદ્યા, ઉદ્યાન, અખાદ્ય વગેરે.

ધ્ય = ધ્ + ય જેમ કે, 
ધ્યાન, અધ્યાય, અધ્યયન વગેરે.

દ્ર = દ્ + ૨ જેમ કે, 
દ્રવ્ય, દ્રાક્ષ, દ્રાવણ વગેરે.

***

શુદ્ધ લેખન માટે
 અગત્યની બાબતો - ૩
-------------------

કાર્ય (ર્ + ય), 
નર્મદ(ર્ + મ), 
પૂર્વ (ર્ + વ), 
રિપોર્ટ (ર્ + ટ) 
આદિ શબ્દોમાં ‘ર્’ વ્યંજનની આગળ જોડાયો છે. આવા ‘ર્’ ના સંયોગને આપણે ‘રેફ’ના ચિહ્ન દ્વારા દર્શાવીએ છીએ. એટલે ‘૨’ અન્ય કયા વ્યંજન સાથે જોડાયો છે તે જાણીએ તો જ શુદ્ધ લખાય. અન્યથા ‘નર્મદ’માંથી ‘નમર્દ’ નીવડે.

પ્રણામ (પ્ + ર), 
ક્રમ (ક્ + ર), 
ઉગ્ર (ગ્ + ર), 
નમ્ર (મ્ + ર), 
તીવ્ર,(વ્ + ર),  
ટ્રસ્ટ (ટ્ + ર),  
ટ્રાફિક (ટ્ + ર), 
અને માત્ર (ત્ + ર) 
જેવા શબ્દોમાં ‘૨’ વ્યંજનની પાછળ જોડાયો છે, એને ત્રાંસી રેખાથી દર્શાવાય છે.

અમૃત (મ્ + ઋ), 
કૃષ્ણ (ક્ + ઋ),  
પૃષ્ઠ (પ્ + ઋ), 
સૃષ્ટિ (સ્ + ઋ), 
આદિમાં ‘ૠ’ સ્વરનું જોડાણ છે. 

નીચેના શબ્દોમાં ‘ઊ’ છે. જેમ કે,
ધ્રૂજવું (ધ્ + ર્ + ઊ),  
ક્રૂર (ક્ + ર્ + ઊ), 
પ્રૂફ (પ્ + ર્ + ઊ), 
ગ્રૂપ (ગ્ + ર્ + ઊ) વગેરે.

અશ્વ, વિશ્વ, શ્વેત, શ્વાસ આદિ શબ્દોમાં ‘શ + વ્ ‘ નું જોડાણ છે. 

નિશ્ચિત, નિશ્ચય આદિ શબ્દોમાં ‘શ્ + ચ’ નું જોડાણ છે.

જ્યારે શ્રાવણ, શ્રદ્ધા, શ્રમ, શ્રી જેવા શબ્દોમાં ‘શ્ + ૨’ જોડાયા છે. 

@@@@@@@@@@@@@

શુદ્ધ લેખન માટે 
અગત્યની બાબતો - ૪
-------------------

સ્રાવ, સ્રોત, સહસ્ર, સ્રગ્ધરા - માં 
‘સ્ + ર’ છે.

કેટલીક વાર ‘સ્ર-સ્ત્ર‘નો ભેદ ન જળવાતાં લેખનદોષ થાય છે.
જેમ કે, 
સ્રોતને બદલે સ્ત્રોત, 
સહસ્રને બદલે સહસ્ત્ર વગેરે.

‘સ્ત્ર’માં ‘સ્ + ત્ + ૨’ - એમ જોડાણ છે, તે નોંધો. જેમ કે, 
સ્ત્રી, મિસ્ત્રી, વસ્ત્ર, શસ્ત્ર, શાસ્ત્રી, ઇસ્ત્રી, અસ્ત્ર વગેરે.

તદ્દન, મુદ્દલ, અદ્દલ, મુદ્દો - માં
 ‘દ્ + દ’ નું જોડાણ છે.

બુદ્ધ, શુદ્ધ, યુદ્ધ – માં ‘દ્ + ધ’ નું જોડાણ છે. 

તો દ્યુતિ, વિદ્યુત, વિદ્યા - માં 
‘દ્ + ય’ નું જોડાણ છે. 

દૃશ્ય, દૃઢ, દૃષ્ટિ - માં ‘દ્ + ૠ’ નું જોડાણ છે.

‘હ્ય’ અને ‘હ્મ’ આપણને ભૂલમાં નાખે એવા છે. ‘હ્ય’માં ‘હ્ + ય’ અને ‘હ્મ’માં ‘હ્ + મ’ છે. જેમ કે, બાહ્ય, બ્રહ્મ વગેરે.

‘હૃદય’માં ‘હ્ + ૠ’ છે. જેમ કે, હૃષ્ટપુષ્ટ, હૃષીકેશ વગેરે.

 ક્ + ષ અને ‘જ્ + ઞ’ નું જોડાણ ‘ક્ષ' અને ‘જ્ઞ' રૂપે તદ્દન નવી જ આકૃતિ ધારણ કરે છે. જેમ કે, અક્ષ, ક્ષણિક, જ્ઞાન, પ્રજ્ઞા વગેરે.

આધાર :
---------- 
સરકારી લેખન પદ્ધતિ

પ્રકાશક :
----------- 
ભાષા નિયામકની કચેરી
 
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત 
જિલ્લો : આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦


Sunday 5 May 2024

Happy birthday 🎂 " શિવાય"


તને જોતાં જ પ્રેમ થઈ ગયો,

પહેલી નજરનો પ્રેમ થઈ ગયો!

કેટલી સુંદર કૃતિ છે કુદરતની,

જોતાં તને અહેસાસ થઈ ગયો!

શિવનો જ અંશ તુ  ‘શિવાય’ ,

મહાદેવના આશિષ પામી ગયો!

જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ,

આજનો દિવસ ફતેહ થઈ ગયો!

શૂટ બૂટમાં સજ્જ ; ઘાટીલો કામણગારો તુ,

પહેલી નજરમાં હૃદયમાં કંડારાઈ ગયો!

પહેલી નજરનો પ્રેમ થઈ ગયો!





Wednesday 1 May 2024

1 મે - ગુજરાત સ્થાપના દિવસ : મહારાષ્ટ્ર સ્થાપના દિવસ/ આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ



નમસ્તે વ્હાલાં બાળકો,
આજે 1લી મે દિન વિશેષ : 1 મે - ગુજરાત સ્થાપના દિવસ .

ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ વિષે તથા આજનાં દિવસની અન્ય જાણકારી વિશે વાંચો અને લખો.

ગુજરાત સ્થાપના દિવસ:- 

ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.

ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વખત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે. ઉલ્લખનિય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

 
1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલનના નેતા રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તે સાથે જ મહાગુજરાત જનતા પરિષદને પણ વિખેરી નાખવામાં આવી હતી. નવી સરકારની રચના થઈ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.



મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. ગુજરાત, ભારત, ગુજરાતી ભાષા બોલતા લોકો વડે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.



🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣


1 મે - આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ


દર વર્ષે 1 મેના રોજ International Labour Day એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાની મહેનતથી દેશના વિકાસમાં ફાળો આપ્યો છે. કોઈ પણ દેશના ઉદ્યોગોના વિકાસમાં મજૂરો તેમજ કામદારોની મહત્વની ભૂમિકા હોય છે અને તેના કારણે જ દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે. લેબર ડે (Labour Day)ને મે ડે (May Day)ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘણા બધા દેશોની કંપનીઓમાં રજા હોય છે.

ભારતીય મજદૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ કિંગરાવેલુ ચેટ્યારે ચેન્નાઈમાં 1 મે 1923ના રોજ તેની શરૂઆત કરી હતી. ભારતમાં મદ્રાસ હાઈકોર્ટની સામે મજદૂર કિસાન પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સહમતિ કરાઈ કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે અને એક દિવસની રજાની જાહેરાત કરવામાં આવે. તે સમયે મજૂરોની જંગ લડવા માટે અનેક નેતાઓ સામે આવ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886ના રોજ થઇ હતી, જ્યારે અમેરિકામાં કેટલાય મજૂર સંઘોએ કામકાજનો સમય 8 કલાકથી વધારે ન રાખવા માટે હડતાલ કરી હતી. આ હડતાલ દરમિયાન શિકાગોના હેમાર્કેટમાં બૉમ્બ વિસ્ફોટ થયો હતો. આ બૉમ્બ કોણે ફેંક્યો તેની કોઇને પણ ખબર નથી. પરંતુ પ્રદર્શનકારીઓના પ્રદર્શન રોકવા માટે પોલિસે મજૂરો પર ગોળીઓની વર્ષા કરી દીધી જેમાં કેટલાય મજૂરો મૃત્યુ પામ્યા હતા. 

શિકાગો શહેરમાં શહિદ મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે હેમાર્કેટમાં માર્યા ગયા નિર્દોષ લોકોની યાદમાં 1લી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મનાવવામાં આવશે અને આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે. ત્યારથી જ દુનિયાના લગભગ 80 દેશોમાં મજૂર દિવસને રાષ્ટ્રીય રજા તરીકે મનાવવામાં આવે છે.